સાક્ષી ફરી જશે તો ? -ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી
જીતુભાઈ છ મહિનામાં ચોથી વખત ઘીકાંટા કૉર્ટમાં જવા વાડજના બસસ્ટૅન્ડ ઉપર ઊભા હતા. પહેલાં ત્રણ વખત તો સાક્ષી તરીકે કૉર્ટમાં ગયા, પણ મુદત પર મુદત જ પડતી હતી. આજે કેસની ફાઈનલ સુનાવણી હતી. દોઢ વર્ષ પહેલાંની એ કમનસીબ સાંજ યાદ આવતાં જીતુભાઈ પાછા કમકમી ગયા.
એ શિયાળાની સાંજે અંધારું વહેલું થઈ ગયું હતું. તે ચાલતા રાતના આઠેક વાગે સરખેજ – ગાંધીનગર હાઈવે પર એકલા જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી સાઇકલ ઉપર ચોવીસેક વર્ષનો એક નવજુવાન પસાર થતાં અથડાયો. તરત જ તેણે સાઇકલ ઊભી રાખી અને સૉરી કહ્યું. કંઈ વાગ્યું નથી ને તેની ઔપચારિકતા દાખવી. જીતુભાઈને કંઈ થયું ન હતું. તેથી તે શ્રમજીવી યુવાન સાઇકલ ઉપર આગળ નીકળી ગયો.
તે થોડેક દૂર ગયા હશે ત્યાં પાછળથી એક મોટી લક્ઝરી કાર સ્પીડમાં આવી અને તેણે જોરથી સાઇકલવાળાને ઉડાવી દીધો.
લગભગ દશેક ફૂટ ઊછળીને તે નવજુવાન નીચે પછડાયો અને તેની ખોપરી ફાટી ગઈ. લોહીની નદી વહેવા લાગી. જીતુભાઈ જીતુભાઈ દોડ્યા. કારવાળો નબીરો પીધેલો હોય તેમ લાગતું હતું. તેણે એક મિનિટ ગાડી ઊભી રાખી અને પછી પેલા ઘાયલને મદદ કરવાને બદલે ગાડી ભગાવી દીધી. અનાયાસે જીતુભાઈએ તેની સફેદ લક્ઝરી ગાડીનો નંબર જોઈ, લખી લીધો. બે મિનિટમાં તરફડિયાં બાદ તે યુવાન હેડઇન્જરીથી મૃત્યુ પામ્યો, માનવતા ખાતર જીતુભાઈએ તરત જ પોલીસ બોલાવી તમામ વિગતથી વાકેફ કર્યા.
પોલીસ બયાનમાં તેમણે ગાડીનો નંબર સફેદ લક્ઝરી કાર અને તેમાં બેઠેલા નબીરાનું વર્ણન પણ સાક્ષી તરીકે લખાવી દીધું.
છ માસ બાદ આ ઍક્સિડન્ટ કેસ કૉર્ટમાં ચાલવા ઉપર હતો. એક વર્ષથી ચાલતા કેસની આજે છેલ્લી મુદ્દત હતી. ગાડીના નંબર ઉપરથી તે ચલાવનાર બેદરકાર નબીરાને પોલીસે ઝડપી લીધો હતો.
જીતુભાઈ ઊભાઊભા પોતાની જાતને ઠપકો આપી રહ્યા હતા. ‘હું આવા બધા લફરામાં ક્યાં પડ્યો ! કૉર્ટના ત્રણ ધક્કા તો થઈ ગયા, આ ચોથો ધક્કો છે. હજુ મારે મારી દીકરીના મેડિકલ કૉલેજની ફીના ત્રણ લાખનો બંદોબસ્ત નથી થઈ શક્યો. બૅંકમાં લોનની વ્યવસ્થા કરવા જવાનો પણ ટાઇમ નથી મળતો. ત્યાં મોટી બ્લૅક કલરની સિટી હોન્ડા કાર તેમની બાજુમાં ઊભી રહી. અંદરના એક માણસે કહ્યું, ‘આવો જીતુભાઈ, તમારે કૉર્ટમાં જવું છે ને, અમે પણ એ તરફ જ જઈ રહ્યા છીએ.’
જીતુભાઈને નવાઈ લાગી. આ અજાણ્યા માણસને કઈ રીતે બધી ખબર છે ? પણ મફતમાં ગાડીમાં લિફ્ટ મળતી હોવાથી બેસી ગયા. ગાડીમાં પાછળ બે માણસો બેઠા હતા. રસ્તામાં એક માણસે ઓળખાણ આપતાં કહ્યું, “આ શેઠ જીવણલાલ છે. તે અનેક કૉલેજોમાં ટ્રસ્ટી છે. શેઠ ખૂબ જ દયાવાન અને ધર્મિષ્ઠ છે.”
“અરે, મારી બેબી મેડિકલ કૉલેજમાં છે. હજુ સુધી તેની ફીના ત્રણ લાખની વ્યવસ્થા થતી નથી.” જીતુભાઈ નિરાશાપૂર્વક બોલ્યા.
“હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. શેઠ જીવણલાલ તમારે બદલે ફી ભરી દેશે” સાથે બેઠેલા શેઠના મૅનેજરે કહ્યું, “પણ તમારે એક નાનું કામ કરવાનું છે.”
“શું કામ છે ? મારાથી થાય તેમ હોય તો જરૂર કરીશ.” જીતુભાઈ બેબીની ફીની વ્યવસ્થા થતી હોવાથી ખુશ હતા.
“આજે સુનાવણીમાં તમારે ફક્ત એટલું જ કહેવાનું કે એ દિવસે અંધારું થઈ ગયું હોવાથી મને ગાડીનો નંબર કે ડ્રાઇવરનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો, બસ !” મૅનેજરે સમજાવ્યું.
જીતુભાઈને થયું આ લોકોને મારી બધી વિગતની ખબર કઈ રીતે પડી ? પણ પછી વિચાર્યું, “ચાલો બેબીની ફી ભરાઈ જતી હોય તો આવું અસ્પષ્ટ કહેવામાં શું છે ? એમાં આપણને નુકસાન કંઈ નથી.” તેથી તેમણે કહ્યું, “સારું.”
તેમને કૉર્ટમાં પહોંચતાં સાડા અગિયાર વાગી ગયા. બાર વાગ્યાની તો મુદ્દત હતી. તેથી જીતુભાઈ ગાડીમાંથી ઊતરી ચા પીવા લારી ઉપર ગયા. સામેથી એક એંસી વર્ષનાં માજી લાકડી સાથે ભટકાયાં અને પડી ગયાં. નિઃસહાય વૃદ્ધ માજીનાં કપડાં પર રહેલાં છ થીંગડાં તેમની ગરીબીની ચાડી ખાતાં હતાં. ચશ્માંની ફ્રેમ તૂટી ગયેલી, તેની જગ્યાએ દોરી બાંધી હતી. તેમના હાથ અને પગ ધ્રૂજી રહ્યા હતા. એકલાં માજીને કૉર્ટમાં જોઈ જીતુભાઈથી અનાયાસે પુછાઈ ગયું, “કેમ આ ઉંમરે એકલાં કૉર્ટમાં આવ્યાં છો ?”
માજીએ રડતાં-રડતાં કહ્યું, “બેટા, મારો એકનો એક દીકરો દોઢ વર્ષ પહેલાં સરખેજ હાઈવે ઉપર કચડાઈને મરી ગયો. એકનો એક આધાર છીનવાઈ જતાં હવે મારે ખાવા-પીવાના પણ સાંસા પડી ગયા છે. તેથી ન્યાય માટે આવી છું.”
જીતુભાઈને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો, આ તો એ જ શ્રમજીવી યુવાનનાં વૃદ્ધ નિઃસહાય મા છે !
કૉર્ટ-રૂમમાં તેની આગળ જ જીવણલાલ બાજુના યુવાનને ધીમેધીમે કહી રહ્યા હતા, “બેટા, આજે તું નિર્દોષ છૂટી જઈશ. મેં સાક્ષીને ફોડી નાખેલ છે.”
જીતુભાઈ સમસમી ગયા. તેમની નજર સમક્ષ માજીનો રડમસ દયામણો ચહેરો કરગરી રહ્યો હતો, “મને ન્યાય અપાવજો.”
જીતુભાઈનો સાક્ષી તરીકે નંબર આવતાં ગીતા ઉપર હાથ રાખી સોગંદ લીધા. હજુ તેમનું મન દ્વિધામાં હતું. તેમની દીકરીની ફી મફતમાં ભરાઈ જતી હતી. તેના બદલામાં થોડું અસ્પષ્ટ બોલવામાં શો વાંધો છે ? ધર્મરાજ યુધિષ્ઠિર પણ યુદ્ધમાં અસ્પષ્ટ જ બોલ્યા હતા ને ! ત્યાં તો તેનું ધાર્મિક મન પોકારી ઊઠ્યું, “આ માજીની હાલત તો જો ! બિચારાંના એકના એક દીકરાને વાંક વગર બેદરકારીપૂર્વક ઉડાવી દેનારને તું બચાવી લેવા મથી રહ્યો છે ? તો-તો સત્ય ઉપરથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે.” અને તરત જ મક્કમતાપૂર્વક તેમણે નિર્ણય લીધો. સત્યનો અસત્ય ઉપર વિજય થયો.
જીતુભાઈ ગાડીનો નંબર કડકડાટ બોલી ગયા અને આરોપી જીવણલાલના યુવાન નબીરાને મક્કમતાપૂર્વક ડ્રાઇવર તરીકે ઓળખી બતાવ્યો.
જજ સાહેબે ચોક્કસ બયાનને આધારે આરોપીને બેદરકારીપૂર્વક ગાડી ચલાવવા બદલ પાંચ વર્ષની જેલ અને ડોશીમાને વળતર પેટે સાત લાખ રૂપિયા આપવાનો ઑર્ડર કર્યો.
જીવણલાલ ગુસ્સાથી લાલચોળ થઈ વિચારી રહ્યા હતા, “ત્રણ લાખમાં ફોડેલો સાક્ષી એકદમ ફરી કેમ ગયો ?”
માજીના સરકારી વકીલે જીતુભાઈ પાસે જઈ આભાર માનતાં કહ્યું, “ખરેખર, તમે માનવતા અપનાવી માજીને ન્યાય અપાવેલ છે. જો તમે આરોપીને ઓળખવામાં કે ગાડીના નંબર બાબતે કદાચ અસ્પષ્ટ શબ્દ વાપરત તો, તે એક જ શબ્દ ઉપર આરોપી શંકાનો લાભ લઈ નિર્દોષ છૂટી જાત.”
ધ્રૂજતા હાથે આંખોનાં આંસુ લૂછતાં માજીને જોઈ સંતોષપૂર્વક જીતુભાઈએ બેબીની ફી માટે લોન લેવા બૅંક તરફ જવા પગ ઉપાડ્યા. આંખે પાટા બાંધેલ ન્યાયની દેવી જાણે કે સ્મિત સાથે જીતુભાઈ ઉપર હેત વરસાવી રહી હતી.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories