04 નવેમ્બર 2023

એક દિન કા બાદશાહ -ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 એક દિન કા બાદશાહ -ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી



’’ હવે સુનિલની જીંદગીના થોડાં છેલ્લા દિવસો બાકી રહી ગયા છેતેની જે છેલ્લી ઈચ્છા હોય તે પુરી કરી શાંતિથી મોતનો મલાજો જાળવજો”આટલું બોલીને કેન્સરના ડોકટર સાહેબે નિસાસો નાખ્યો. સુનિલના મમ્મી અને પપ્પાઅશ્વિનભાઈની આંખોમાંથી પાણી નીકળી ગયા. છેલ્લા નવ માસથી કરેલી મહેનત અને ખર્ચ જાણે જવાબ દઈ રહયાં હતા. 

પંદર વરસની તરૂણાવસ્થામાં પ્રવેશી રહેલા દશમાં ધોરણમાં ભણતાં  સુનીલને લોહીના કેન્સરનું નિદાન થયું હતું. ધીમે ધીમે નબળાઈ વધતી જતી હતી, લોહી ફિકકું પડતું જતું હતું. થાક બહુ જ લાગતો હતો અને ભૂખ તો જાણે સાવ ખલાસ થઈ ગઈ હતી. છેલ્લા પંદર દિવસથી કેન્સર હોસ્િપટલમાં સુનિલ દાખલ હતો, છેલ્લામાં છેલ્લી કેમોથેરાપી, દવાઓ છતાં રોગ આગળ વધતો જતો હતો. નબળાઈ વધી ગઈ હતી, સુનિલ પણ હવે તેનો અંત નજીક છે, તે વાત સમજી ગયો હતો. ભણવામાં  હોશિયાર સુનિલને શરૂઆતથી જ પોલીસ ઓફિસર બની સમાજમાં અન્યાય સામે લડવાની ઈચ્છાને શરીરે સાથના આપ્યો, તેની મનની ઈચ્છા મનમાં રહી જાય તેવું થયું. 

’’સુનિલના પપ્પા અશ્વિનભાઈ પોતાની ઈલેકટ્રીકસામાનની દુકાન ગાંધી રોડ પર ચલાવતાં હતા. આ એરિયામાં ખંડણીખોરોનો મોટો ત્રાસ હતો, દર મહિને પાંચ હજારનો હપ્તો ઉધરાવવા આવી જાય, જો ના આપવામાં આવે તો દુકાનમાં તોડફોડ અને મોબાઈલ ઉપર ધમકીઓ ચાલુ થઈ જાય. આખા એરિયામાં કલ્લુદાદાનું જોર હતું. બધા જ દુકાનવાળાઓને ગમે કે ના ગમે ખંડણી આપે જ છુટકારો થતો. એક દુકાનદારે હપ્તો આપવાની ના પાડી, તો બીજા દિવસે તેની દુકાનમાં લુખ્ખાઓ દ્રારા તોડફોડ અને વીસ હજારના માલનું નુકશાન થઈ ગયું. સુનીલ આ બધું સાંભળી બહું જ ગુસ્સે થતો, આવા લુખ્ખાઓને  સીધાં તો  કરવા જ પડે ને !

સુનિલને ઘેરથી સ્કુલે સાયકલ ઉપર જવામાં એક જુગારનો અને એક દારૂનો અડ્ઢો વચ્ચે આવતાં. જુગારના અડ્ઢાવાળાઓનો સાંજ પડે બહુ જ ત્રાસ હતો. હારેલાં જુગારીઓ બહાર નીકળી બહુ જ ધમાલ અને તોડફોડ કરી દેતાં સુનિલ ત્યાંથી નીકળે તો પણ તે આ બધું જોઈને હેરાન પરેશાન થઈ જતો. તે વિચારતો , આ જુગારના અડ્ઢાઓ બેરોકટોક કઈ રીતે ચાલે છે?

તેના ઘરની સામે ચોકમાં એક મોટું અવાવરૂ મકાન હતું. તેમાં દારૂનો અડ્ઢો ચાલતો. લુખ્ખા દારૂડિયાઓ ત્રીસ રૂપિયા મુકીને માટલામાંથી ગ્લાસ ભરીને દારૂ પી ભાન ભુલી જતા. બહાર નીકળી લથડતી ચાલે ધમાલ મચાવી દેતા. આજુબાજુ રહેતાં લોકો ત્રાસી ગયા હતા. આબરૂદાર પરિવારો ની મા, બહેન, દિકરીઓની ઈજજત દાવ પર લાગતી. સુનીલને ગુસ્સો આવતો, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના અડ્ઢાઓ ચાલે છે કઈ રીતે?? 

આખા એરીયામાં લોકો આવી અસામાજીક પ્રવૃતિથી ત્રાસી ગયા હતા. પોલીસ ફરિયાદ કરવાની કોઈ અસર ન હતી, ગુંડા તત્વોના હપ્તા નિયમિત રીતે બધે પહોચી જતા. રાજકારણીઓ વોટની લાલચમાં આવી ગુનાહીત પ્રવૃતિઓને  ટેકો આપતાં રહેતા હતા. સુનિલ વિચાર્યા કરતો, એક વખત ભણીગણી ને પોલીસ ઓફિસર બની જવા દે પછી આ બધી સાફસફાઈ કરી નાખીશ. અફસોસ, તેના શરીરે તેને સાથ ના આપ્યો. 

સુનિલના મમ્મીપપ્પા હવે તેનો અંત સમય પારખી ગયા હતા, તેથી તેમણે પૂછયું ’’બેટા, તારી અંતિમ ઈચ્છા શું છે?’’

સુનિલે રડમસ ચહેરે જવાબ આપ્યો ’’મમ્મીપપ્પા, મારે તો ભણીગણીને પોલીસ ઓફિસર થવું હતુ પણ, હવે મારી ઈચ્છા મનની મનમાં રહી જશે.’’આટલું બોલતાં તે રડી પડયો. 

તેના પપ્પા એ કેન્સર હોસ્પીટલના મુખ્ય ડોકટરસાહેબને મળી વિનંતી કરી. ડોકટરને યાદ આવ્યું કે એક એન.જી.ઓ. જે બાળકોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે, તે આવી પ્રવૃતિ કરે છે, અને બાળકની અંતિમ ઈચ્છા પુરી કરાવે છે. 

અશ્વિનભાઈએ તેના ટસ્ટ્રીનો સંપર્ક કરી સુનિલના રોગની અંતિમ ઘડીની અને અંતિમ ઈચ્છાની વાત કરી. ટ્રસ્ટી શ્રી જોષી સાહેબે બધી વાત સહાનુભુતિપૂર્વક સાંભળી મરતાં બાળકને મદદ કરવાની તત્પરતા દર્શાવી. તેમને શહેરના પોલીસ કમિશ્નર ઓળખતાં હતા, તેથી આખી વાત સાંભળી, એક દિવસ માટે સુનિલની ઈચ્છા પુરી કરવા અને તેને એક દિવસ માટે પોલીસ કમિશ્નર બનાવવા તૈયાર થઈ ગયા. તમામ પોલીસ અધિકારીઓ પણ આ સારા કામ માટે રાજી થઈ ગયા. જોષી સાહેબે તત્કાલ બે દિવસમાં સુનિલની સાઈઝનો પોલીસ કમિશ્નરનો ડ્રેસ,બેઝ અને કેપ તૈયાર કરાવી દીધા.

બીજા દિવસે સવારે પોલીસ  કમિશ્નર ઓફિસમાં હલચલ મચવાની હતી, કારણકે ફકત એક દિવસ માટે પંદર જ વરસના સુનિલ સાહેબ પોલીસ કમિશ્નર બનીને ઓફિસમાં આવી રહયાં હતા. 

સવારે દશ વાગે પોલીસ કમિશ્નરની ગાડી સુનિલ સાહેબને ઘેર લેવા આવી, અંદરથી ડ્રાઈવરે ઉતરી સાહેબને સલામ કરી. સુનિલના આનંદ અને આવેગનો પાર ન હતો. હવે કેન્સરથી મોત થઈ જાય તો પણ તેને કયાં પરવા  હતી? 

ઓફિસરે કારમાંથી ઉતરી નવા કમિશ્નર સાહેબ પોતાની ઓફિસમાં જઈ રહયાં હતા ત્યારે બધા સ્ટાફ માણસો મુલાકાતીઓ વિગેરે સલામ ભરતાં હતા. તેણે તરત જ બધા અધિકારીઓની મિટીંગ ચાલુ કરી. તેના તમામ ઓર્ડરો બધાએ માનીને તેની અંતિમ ઈચ્છા પુરી કરવી, તેમ નકકી થયેલ હતું.

‘’સુનિલ સાહેબે કોઈની શેહ શરમ રાખ્યા વગર શહેરના તમામ જુગારના, દારૂના અડ્ઢાઓ, અસામાજીક તત્વો અને ખંડણીખોરોને પકડી જેર કરી દેવાના ઓર્ડરો જારી કરી નાખ્યા. શહેરમાં દોડધામ મચી ગઈ. બધા જ અસામાજીક તત્વો  અંદર અને અડ્ઢાઓ બંધ. આમ જનતામાં વાહવાહ થઈ ગઈ. બધા એકબીજાને પૂછે ’’આ કોણ નવા ઓફિસર આવેલ છે., જે કોઈને ગણકાર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.?’’

બપોર સુધીમાં તો તમામ ગુંડા તત્વો, ખંડણીખોરો,  અડ્ઢાવાળાઓથી જેલ ભરાઈ ગઈ. 

શહેરીજનો ખુશખુશાલ બની ઉત્સવ ઉજવી રહયાં હતા. હવે તેમને કોઈનો ડર ન હતો. કોઈની મા,બહેન, દિકરીની ઈજજત હવે દાવ પર લાગે તેમ નહતી. સ્થાનિક ચેલનના પત્રકારો આ નવા પોલીસ ઓફિસરની વાહવાહ કરતાં થાકતાં ન હતા. ટી.વી.સમાચારોમાં નવા કમિશ્નરની નિડર કામગીરીની સરાહના થતી હતી. તમામ લોકો, નાના મોટા, ગરીબ તવંગર, સ્ત્રી પુરૂષ વિગેરે આ નવા કમિશ્નરના લાંબા આયુષ્ય અને તંદુરસ્ત શરીરની દુવાઓ માંગવા ભેગા થઈ ધીમેધીમે કમિશ્નર ઓફિસ’ની બહાર ’’વાહ રે કમિશ્નર, વાહ વાહ ’’ના નારાઓ બુલંદ બનાવી રહયાં હતા. 

સાંજે છ વાગે તો સુનિલનો દિવસ પુરો થતો હતો, તે પહેલા શહેરમાંથી તમામ ગુનાહિત તત્વો જેર કરી જેલ ભેગા કરી દીધાં હતા. તે કમિશ્નરના યુનિફોર્મમાં બહાર નીકળ્યો ત્યારે ચારે તરફ ’’કમિશ્નર વેલડન’’ ના નારા ચાલુ થઈ ગયા. બધાં લોકો સાવ યુવાન કમિશ્નરને જોઈ નવાઈ પામી રહયાં હતા. 

ચારે તરફથી ’’કમિશ્નર, ઘણું જીવો અને આવી સુંદર કામગીરી વર્ષો સુધી કરતાં રહો’’. ના નારા ચાલુ હતા. આ બધું જોઈ ને સુનિલના મમ્મી પપ્પા અને બધાં સગાવહાલાઓનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું. સુનિલ ગર્વથી રૂઆબભેર બધાની સલામી ઝીલતો આગળ વધી રહયો હતો. 

બહાર નીકળતાં દરવાજા આગળ રાષ્ટ્રધ્વજને સેલ્યુટ કરવા ઉત્સાહભેર હાથ ઊંચો કર્યો. તેના દીલની ધડકનો વધી ગઈ હતી. તેનું બ્લડપ્રેશર પણ ઉત્સાહ અને આવેગથી વધી ગયું હતું. આજ એની જીંદગીનો અંતિમ મકસદ પુરો થઈ ગયો હતો. 

સેલ્યુટ કરવા ઉંચકાયેલો હાથ અને માથું ઊંચે જ રહી ગયા. અને આવેગમાં ને આવેગમાં તેનો શ્વાસ થંભી ગયો.તેની આંખો ફાટી ગઈ, અને એક આંચકા સાથે ગબડી પડયો. આનંદના આવેગમાં તેના કેન્સરગ્રસ્ત શરીરમાંથી જીવ શાંતિપૂર્વક આસમાનમાં ઉડી ગયો.

પોલીસ સ્ટાફ અધીકારીઓ, પત્રકારો, આમજનતા વિગેરેથી ઉભરાતી જનમેદની રડતી આંખે એક દિનકા બાદશાહને અંજલી અર્પતી હતી. 

જીંદગીના અંતિમ દિવસે આખા શહેરમાં શાંતિ પ્રસરાવી નિષ્ઠાપૂર્વક અને નિડરપણે ફરજ બજાવતાં છોટે કમિશ્નરના મોત પર આસમાનમાંથી પણ પ્રભુના આંસુરૂપે છાંટણા વરસી રહયાં હતા. 





If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


 એક દિન કા બાદશાહ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories