કર્મનું ફળ - ગુજરાતી લઘુબોધ વાર્તા
“ હવે તો હું તમારી મમ્મીના કકળાટથી કંટાળી ગઈ છું. દરરોજ કઈને કઈ કચકચ ચાલુજ હોય છે.” રચનાએ રોહિતના ઓફિસથી ઘરે આવતા વેતને ફરિયાદ કરી.
“ જવાદેને,મારી મમ્મીની ઉમર થઈ છે. એટલે મગજ ગુસ્સામાં રહે છે, તેને બહુ યાદના કર” રોહિતે પોતાની પત્નીને પ્રેમથી સમજવા કહ્યું.
કાન્તાબા મંદિરેથી વ્યાખ્યાન સાભાળીને આવ્યા, અને રોહિતને જોઈ તેની પત્નીની ફરિયાદો ચાલુ કરી દીધી. “આજે રચનાએ ખાવામાં સાવ ઠંડી રસોઈ મને આપી. મારા ચાવવાના દાંત જ નથી, છતાં તે રસોઈમાં વટાણા કડક રાખે છે, એટલે મારાથી ખવાતુ જ નથી.”
રોહિતે સમજાવતા કહ્યું “ બા, હવેથી હું તેને તને રસોઈ ગરમ કરીને આપવાનું કહીશ, અને કઠોળ જેમ બને તેમ વધારે ચડાવીને પોચું બનાવીને આપે તેમ કહીશ.”
સાસુ વહુની લડાઈમાં રોહિતની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી. માનો પક્ષ લે તો તેની વહુ માવડીયો કહેતી અને જો પત્નીની તરફદારી કરે તો માં વહુઘેલો કહેતી.
મધ્યમ વર્ગના કાન્તાબા પંદર વરસ પહેલા તેના પતિના અચાનક અવાસનથી સાવ એકલાં પડી ગયા હતા. યુવાન વયના તેમના પતિનું ડેન્ગ્યુ તાવથી મોત થયું ત્યારે તેનો દીકરો રોહિત ફક્ત આઠ વર્ષનો અને દીકરી રિધ્ધી સોળ વરસની હતી. બન્ને વચ્ચે ઉમરનો સારો એવો તફાવત હતો. કાન્તાબાને વચ્ચેના ગાળામાં ત્રણ કસુવાવડ થઈ હતી, પછીથી આઠ વર્ષના ગાળે રોહિત આવ્યો હતો, અને ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.
યુવાન વયે પેટે પાટા બાંધીને કાન્તાબેને બન્ને બાળકોને ભણાવ્યા હતા. લોકોના કપડાં સિવીને, રેડીમેઈડ ગારમેન્ટમાં ગાજ બટન લગાવીને માંડમાંડ ઘરનું ગાડું ચલાવતા.
મોટી રિધ્ધી બી.એ.થઈ એટલે તેને લાયક મુરતિયો શોધી જાતિના રિતરિવાજ મુજબ તેના લગ્ન કરાવી આપ્યા. તેના સાસરે સયુક્ત કુટુંબમાં દેરદેરાણી, જેઠજેઠાણી અને સાસુસસરા સાથે ધીમેધીમે રિધ્ધી રહેતાં ટેવાઇ ગઈ હતી.
કાન્તાબેન હદઉપરાંતની મહેનત કરતાં રહીને રોહિતને ભણાવતા હતા. તેમની ઇચ્છા રોહિતને ઓફિસર બનાવવાની હતી.
અંતે તેમની આશા પૂર્ણ થઈ એમ.બી.એ થયેલો રોહિત એક કોર્પોરેટ કંપનીમાં ડાઇરેક્ટર તરીકે સિલેક્ટ થઈ ગયો, અને તેની નિમણૂક અમદાવાદની સી.જી.રોડની ઓફીસમાં થઈ. પગાર સારો, બીજી બધી ફેસીલીટી સારી અને એલાવન્સ પણ સારા, તેથી કાન્તાબેનને હાશ થઈ ગઈ. હવે તો જાતીમાથી સારા ઘરોની છોકરોઓના માગાં આવવા ચાલુ થઈ ગયા. તેમણે જાતિની જ પૈસાદાર બાપની એકની એક દીકરી રચના સાથે તેના લગ્ન કરાવી દીધા.
હવે તેમણે વિચાર્યું કે બાકીની જિદગી આરામથી ધરમદ્યાન કરતાં ગુજારીશ. પણ દરેક વખતે આપણે ધારીએ એવું ક્યાં થાય છે?
રચના પૈસાદાર કુટુંબની જિદ્દી અને અભિમાની છોકરી હતી. શરૂઆતમાં તો બધું સરસ ચાલ્યું, પણ છ માસ પછી તેના અહમ અને કાંતાબેનની આશાઓના મહેલ વચ્ચે ટકરાવ ચાલુ થયો. બન્ને પોતપોતાનો કકકો સાચો ઠેરવવા રોહિતને ફરિયાદ કરવા લાગ્યા.
રચનાને બધુજ પોતાની રીતે જ કરવા જોઈએ, અને કાન્તાબેન ને દરેક બાબતમાં સલાહ સુચન આપવા જોઈએ. આમને આમ બંન્ને વચ્ચે વિવાદ વધતાં ગયા. રોહિત સાંજે સાંજે થાકીને નોકરીએથી માંડ આવ્યો હોય ત્યાં તો બંનેની ફરિયાદો ચાલુ!
આમને આમ વરસ નીકળી ગયું. સાસુવહુ બન્નેમાથી કોઈ જતું કરવા તૈયાર ન હતું. હવે કરવું શું?
અંતે કંટાળીને રોહિતે અને રચનાએ કાન્તાબાને વૃધ્ધાશ્રમમા મુકવાનો નિર્ણય કર્યો.
રોહિતનું મન માનતું નહોતું પણ શું થાય? દરરોજના ઝગડાથી આ સારૂ, બન્ને છુટા પડી જાય પછી વિવાદ થવાનો સવાલ જ નથીને! ખબર પુછી આવશે એમ કહીને મન મનાવ્યું.
કાન્તાબેને આ નિર્ણય કહેવો કઈ રીતે? રોહિતે હિમત એકઠી કરીને રાત્રે જમ્યા પછી બધા બેઠાં હતા ત્યારે ધીમેથી વાત શરૂ કરી. “ બા હવે તો અહી બધું સેટલ થઈ ગયું છે, તેથી બોલ્યા, “બેટા, મારે ધરમ ધ્યાન કે જાત્રા નથી કરવી. એવા ખોટા ખર્ચ કરવા રહેવા દે ને!”
“ના, બા, વાત એમ નથી” કહેતા રોહિત ખચકાયો.” તો શું વાત છે?” હવે, કાન્તાબા ઉછડયા. બન્નેના મોં ઉપરથી એમને શંકા ગઈ કે જરૂર કઈક રૂધાઇ રહ્યું છે, તેથી તે ઉત્તેજીત થઈ ગયા હતા.
“વાત એમ છે ને કે અહી ધર કરતાં તને વૃદ્ધાશ્રમમાં બધાં વૃદ્ધો સાથે મૂકી દઈએ, જેથી સાથે બેસીને ભજન, ભક્તિ અને પ્રાથના વિગેરે થાય” રોહિતે ખીતાં ખીતાં રજૂઆત કરી.
“એટલે મને ઘરમાથી વૃદ્ધશ્રમમાં કાઢવી છે, એમને?” કાન્તાબા સમજી ગયા કે વહુએ દીકરાના કાન બરાબર ભરી દીધા છે, તેથી હવે ગયા વગર છૂટકોજ નથી. આ વાત ખબર પડતાં તેની દીકરી રિદ્ધિ બીજે દિવસે દોડતી આવી. તેણે કાન્તાબાને કહ્યું” બા, હું તને વૃદ્ધશ્રમ નહીં જવા દઉં, તું મારે ઘરે ચાલ.”
“ ના, ના, તારા, સાસુ-સસરા, જેઠ-જેઠાણીને કેવું લાગે વળી દિકરીને ઘેર આમ પણ કેટલું રહેવાય?” કાન્તાબાએ તેની દિકરીને સમજાવતા કહ્યું. રિધ્ધિ નિરુત્તર થઈ ગઈ, તેને પણ સયુક્ત કુટુંબમાં બાને કયા સમાવવા તેની ફિકર હતી.
બીજે દિવસે રવિવાર સવારે કાન્તાબા એ રડતી આંખે સમાન પેક કર્યો. લગ્ન પછી ચાલીસ વર્ષ જે ઘરમાં કાઢ્યા હતા, તે છોડવાનો સમય જિંદગીના છેલ્લા દિવસોમાં આવી ગયો હતો, પણ કરવું શું? પોતાના ઘરના જ કાઢવા માગતા હોય ત્યારે!?
રોહિત પણ ઢીલો પડી ગયો. તેની બા સાથેની મોજમસ્તી પ્રેમાલાપ વાતો વિગેરે ભૂલાતી ન હતી. તેની આંખોમાં ઝળઝળીયા જોઈ રચના તેને બાજુના રૂમમાં લઈ ગઈ અને બોલી” આવા સેન્ટિ થવાની જરૂર નથી, બા તો નખરાં કરે છે.”
રોહિતે કોઈ જવાબ ના આપ્યો. તેણે સામાન ઉપાડી ગાડીમાં ગોઠવ્યો, આગળ તે બન્ને બેઠાં અને પાછળ કાન્તા બા બેઠા. ભારે હૈયે ગાડી ચાલુ કરી. રસ્તામાં કાન્તા બા રડતી આંખે બોલ્યા”બેટા, મે કરેલા કર્મોના ફળ ભોગવું છુ, હવે મને તેનો પસ્તાવો થાય છે.
રોહિતે કહ્યું “ નાના બા એવું કાઇ નથી.આવી નાની મોટી તકરારો તો દરેક ઘરમાં ચાલ્યા કરે, એનો પસ્તાવો ના કર. વૃધ્ધાશ્રમમાં તને દુ:ખ નહીં પડે”
“ અરે બેટા, વાત એમ નથી” કાન્તાબા એ કહ્યું. “ તો શું છે, બા?” રોહિતે પુછ્યું.
“ બેટા, વાત અલગ જ છે. રિધ્ધિ ના જન્મ પછી દીકરાના મોહમાં મે અને તારા પપ્પાએ ત્રણ દીકરીઓની ભ્રૂણહત્યા કરી નાખી, પછી તારો જન્મ થયો, એમના કર્યું હોતતો આજે તું આ દુનિયામાં હયાત જ ના હોત.(એ જમાનામાં સ્ત્રીભ્રૂણ હત્યા પ્રતિબંધનો કાયદો અસ્તિત્વમાં ન હતો).
“ હે, તને ત્રણ કસુવાવડ ન હોતી થઈ? “ રોહિતે આચાર્યથી પૂછ્યું.
“ ના, બેટા દીકરો એટલેકે તને પામવા જ અમે આ બધું કરેલ હતું. હવે તો દીકરા અને દીકરીમાં ફરક ક્યાં રહ્યો છે. તું મને ઘરની બહાર કાઢી રહ્યો છે અને તારી બહેન મને તેના ઘરલઈ જવા આવી હતી, જોયુને!” કાન્તાબા રડતાં રડતાં બોલ્યા.
એકદમ રોહિતના રોકી રાખેલા આંસુ બહાર આવી ગયા. રચના પણ રોહિતના આંસુ રોકી ના શકી. તેને પોતાની ભૂલ સમજાઈ. બા, બેટી બચાવોની તરફેણ કરે છે અને હું એક સ્ત્રી થઈને સ્ત્રી વડીલને ઘરની બહાર કાઢી રહી છુ? તેનું ર્હદય પરીવર્તન થયું. તેને અહેસાસ થયો, બે વાસણ નજીક પડ્યા હોય તો ખખડે પણ ખરા, એમાં સાવ આવું ના કરાય એને પ્રેમથી રોહિતને કહ્યું. “ ચાલો, ગાડી પાછી વાળો, આપણે બાને ક્યાય મુકવા નથી.”
“ સાચેજ” રોહિત ખુશ થઈ ગયો. તેણે સ્ટિયરિંગ ઘુમાવી પાછી ઘર તરફ દોડાવી. ત્રણેયની આંખમાં આસું ટપકી રહ્યા હતા.
********************************************************************************
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories