સાહજિકતા છોડશો નહીં - ગુજરાતી લઘુબોધ વાર્તા
જો લતિકા આ વખતે ખુબ ધ્યાન રાખીને છોકરાવાળાને જવાબ આપજે. આ કુટુંબ આપણી નાતમાં સૌથી પ્રતિષ્ઠિત, ધનવાન અને સંસ્કારી ગણાય છે. શેઠ અનુપચંદ કાપડિયાનો એકનો એક છોકરો અમલ તને જોવા આવવાનો છે. હું કહું તે પ્રમાણે જ બોલવાનું રાખજે અને કપડા પણ હું પહેરવું તે પ્રમાણે સાડી બ્લાઉઝ પહેરજે. જેથી તું એકદમ સંસ્કારી અને ગુણીયલ કન્યા લાગે." માતા અમીબેને વ્હાલસોયી દીકરીને શિખામણ આપતા લાંબુ લેકચર આપી દીધું.
"સારું મમ્મી, બીજું શું ધ્યાન રાખવાનું છે ?" લતિકા પણ જાણે આજ્ઞાંકિત પુત્રી બની ગઈ.
આમને આમ લતિકા છવ્વીસ વર્ષની થઇ ગઈ હતી. દેખાવે આકર્ષક અને ભણવામાં હોશિયાર લતિકા એમ.બી.એ. થઇ ગયા પછી બે વરસથી લાયક યોગ્ય મુરતિયા જોવાનું ચાલુ કરેલું. પણ કોણ જાણે કેમ ? એકેયમાં હા જ નહોતી પડતી. લતિકા જાણે બટકબોલી અને સાચાબોલી હતી, જયારે આવા અરેન્જડ લગ્નોમાં તો આડંબર અને દેખાડો કરનારા જ જીતી જતા હોય છે. જે લતિકાને જરાપણ પસંદ નહોતું. કદાચ એટલે જ તેના માટે કોઈ હા નહીં પાડતું હોય, તેવું માબાપ માનતા હતા.
મેરેજબ્યુરો દ્વારા ઓનલાઈન લગ્ન ગોઠવવાનું અમીબેનને બિલકુલ પસંદ નહોતું. કોણ જાણે કઈ જ્ઞાતિ અને ધર્મના મુરતિયા જોડે ગોઠવાઈ જાય. !
રવિવારે સવારથી જ તેના મમ્મીપપ્પા તૈયારીમાં લાગી ગયા. રૂમ શણગાર્યો, અને ફેમસ સ્વીટ માર્ટમાંથી મોહનથાળ, ચવાણું, પાપડી વિગેરે લઇ આવ્યા.
જો તને પૂછે તો કહેવાનું કે મને રાંધવાનો બહુ જ શોખ છે. આ બધું મેં જ બનાવ્યું છે. તને મંદિરે દર્શન કરવા જવાનું જ ગમે છે. પિકચરો અને ટીવી ચેનલો જોવાને બદલે ઘરકામ કરવું બહુ જ ગમે છે. કપડામાં તો સાદી અને સલવાર કુર્તા જેવા સંસ્કારી પહેરવેશ જ ગમે છે. એવું બધું ગોખાવીને તેને સંસ્કારી અને ઘરરખ્ખું છોકરી ચીતરવાનો દેખાવ કરવાનું શીખવાડવામાં આવ્યું.
"પણ મમ્મી, સાવ આવું ખોટેખોટું કહેવાનું મને નહિ ફાવે." લતિકાએ ચોખ્ખી વાત કરી.
"જો જે, પાછી ડાહી ના થતી, આ વખતે તો ઘર અને વાર બને ઉત્તમ જ છે. પછીથી કુંવારી બેસી રહેજે." તેના મમ્મી અમીબેન ગુસ્સે થઈને બોલ્યાં.સાંજે છ વાગતા અનુપચંદ તેમના પત્ની અને અમલ પોતાની ગાડીમાં આવી ગયા.
સાદી બ્લાઉઝમાં લતિકા શોભી રહી હતી. તે ચ્હા લઈને આવી એટલે અમલના મમ્મી આરતીબેને પુછ્યું, "વાહ, સરસ ચ્હા નાસ્તો બનાવ્યા છે."
"હા, આ બધું તેણે જાતે જ બનાવ્યું છે." કહેતા અમીબેને લતિકા સામે જોયું.
"વાહ, સાડીમાં ખુબ સુંદર લાગે છે, તને ઘરકામ ગમે છે ?" આરતીબેને પુછપરછ ચાલુ કરી.
"એને તો રસોઈ, સીવણ, સજાવટ, અને ઘરકામનો બહુ શોખ છે." ફરી પાછા અમીબેને જવાબ આપ્યો.
"જાવ, તમે બંને અંદરના રૂમમાં વાતો કરો, અમે અહી નાસ્તો કરીએ છીએ." કહેતા અમીબેને બેયને અંદરના રૂમમાં મોકલ્યા.
લતિકા તો અમલને જોઇને જ તેના પ્રેમમાં પડી ગઈ હતી, તેને મમ્મીએ ગોખાવેલું બધું ભુલાઈગયું અને તે સચાબોલી સાહજિક લતિકા બની ગઈ. ઉંચો, પડછંદ, મેચોમેન અમલ પેન્ટશર્ટમાં સોહામણો લાગતો હતો.
તમને પિક્ચર જોવા ગમે છે ? રસોઈ કઈ બનાવે છે ?" અમલે વાત ચાલુ કરી.
"હા, મને તો એક્શન અને થ્રીલર મુવી બહુ જ ગમે છે. ચેનલ પર સોશિયલ અને રોમેન્ટિક સીરિયલો જોવી પણ ગમે છે. મને રસોઈમાં રોટલી, દાળ, ભાત સિવાય કઈ આવડતું નથી. મમ્મી ફેંકાફેક કરે છે." લતિકાએ સાચી વાત કરી દીધી. અમલ હસી પડ્યો. તેને વિચાર્યું, મને પણ રોમેન્ટિક અને એક્શન મુવી જ ગમે છે, સારું જામશે.
"દરરોજ દેવદર્શન અને સાડી પહેરવાની તારા મમ્મીની વાત સાચી છે ?" હવે અમલને પણ સાચા બોલી આકર્ષક લતિકામાં રસ પડ્યો.
"મારી મમ્મી તો ફેંકે છે, મને તો વેસ્ટર્ન ડ્રેસ અને ફેશન બહુ જ ગમે છે. મંદિરે તો વાર તહેવાર સિવાય હું જતી જ નથી. મને દેશ પરદેશ ફરવાનો શોખ છે. કોમ્પ્યુટરમાં સર્ચ કરીને અવનવી માહિતી જોવી બહુ ગમે છે." લતિકા હવે પૂર્ણપણે ખુલી ગઈ હતી અને સાહજીકતાથી સત્ય વાતો કરી રહું હતી. અમલ ખુશ થઇ વિચારવા લાગ્યો. મને પણ હરવા ફરવાનો બહુ શોખ છે. અમારા બંનેનું મેચિંગ સારું છે.
તને ઘરે જ કામ કરવું ગમે કે સારી જોબ કરવાનું ?" અમલે પુછ્યું.
"સાચું કહુંને તો મને સારી જોબ કરવી વધારે ગમે. આ તો મમ્મીએ મને ઘરકામ કરનારી ઘરરખ્ખુ તરીકે ચીતરી છે. હું એમ.બી.એ. સુધી ભણી છું, તે શું કામનું ? સારી જોબમાં સારો પગાર હોય, તો ઘરકામ કરનારી બાઈ તો આસાનીથી મળી જાય." લતિકાએ ખુલ્લા માંથી જવાબ આપ્યો.
અમલ ખુશ થઇ ગયો, વાહ ! છોકરી તો સાહજિક અને સાચા બોલી છે. વિચારતો તે ઉભો થઇ બહાર આવી ગયો.
લતિકાનાં મમ્મી પપ્પા તેમને બહાર સુધી મુકવા ગયા. અમીબેને અંદર આવીને પુછ્યું, "લતિકા, વાતચીત કેવી રહી ?"
લતિકા રડવા જેવી થઇ ગઈ, "મેં તો બધું સાચેસાચું કહી દીધું, ભાન જ નાં રહ્યું. તેં શીખવાડેલું બધું ભૂલી ગઈ."
આ સાંભળી તેના મમ્મીપપ્પા ચિડાયા. હવે આવા સરસ છોકરાની ના જ આવશે.
અઠવાડિયા સુધી અનુપચંદનો ફોન ન આવતા અમીબેન વધુ ચિડાયા. "લ્યો, શું મળ્યું, સાચાબોલા થવામાં ?"
લતિકા પણ વિચારમાં પડી ગઈ. ઉતાવળ અને પ્રેમના આવેશમાં મેં બધું સાચું કહી ભૂલ તો નથી કરીને !
ત્યાં તો દશમે દિવસે અનુપચંદનો ફોન આવ્યો, "અમારા અમલને લતિકા પસંદ પડી છે. અમે આ દશ દિવસમાં બીજી બે છોકરીઓ જોઈ, પણ બધે દેખાડા, આડંબર અને ઢોંગ જ દેખાયા. અમલને લતિકાની સચ્ચાઈ, સાહજિકતા અને પ્રમાણિકતા ગમી ગયા છે, બોલો સગાઇ ક્યારે ગોઠવવી છે ?"
અજીતભાઈ અને અમીબેન ખુશ થઇ બોલી ઉઠ્યા, "વાહ લતિકા વાહ, તારું તો અમલ જોડે ગોઠવાઈ ગયું, અમારી ચિંતા ઓછી થઇ ગઈ."
લતિકા બોલી, "જો મમ્મી, સાચી વાત કરીને ખોટા દેખાડા ન કરીએ તો જ લોકો પસંદ કરે છે. બધા ખોટા દેખાડા અને આડંબરમાં જ રચ્યાપચ્યા રહે છે તે ખોટું છે.
ખરેખર સાહજિકતા, પ્રમાણિકતા અને સચ્ચાઈ છોડશો નહિ, ભલે જીત મોડી મળે પણ અંતે તો જીતાય જ છે.
----------------------------------------------------------------------------------------------------------------
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories