જિંદગી એક સફર હૈ સુહાના
“પર્વભાઈ જલદી આવો, સોના પતંગ
ચગાવતાં પડી ગઈ છે, તેથી દવાખાને લઈ
જવી પડશે.”
“પણ ક્યાં લઈ જાઓ
છો ?” પર્વભાઈ ગભરાઈને
ઉત્તેજિતપણે બોલ્યો.
“પહેલે માળેથી પડી
છે, અકસ્માતનો કેસ છે, એટલે સિવિલ જવું
પડશે.” સોનાનાં કાકીએ
કહ્યું.
પર્વ વ્યાસ અને
સોના દલાલની જોડી કૉલેજકાળથી પ્રખ્યાત હતી. કૉલેજના પહેલા વર્ષથી જ બંનેની જોડી
જામી ગઈ હતી. પર્વ બાઇક ઉપર
સ્ટાઇલથી કૉલેજ આવતો ત્યારથી સોનાના દિલમાં વસી ગયો હતો.
કૉલેજના વાર્ષિક
સમારંભના નાટકમાં બંનેએ હીરો-હીરોઈનની ભૂમિકા કરી પછી ખરેખર એકબીજાની નજીક આવી
ગયાં. ફાઇનલ વર્ષ સુધી તો બંનેના પ્રેમની કહાણી બંનેના ઘર સુધી પહોંચી ગઈ હતી.
બંનેનાં મા-બાપને શરૂઆતમાં તો બ્રાહ્મણ અને વાણિયાના સંબંધની સામે વાંધો હતો, પણ બંને પોતાના
પ્રેમમા પાગલ હતાં, લગ્ન કરવા મક્કમ હતાં, તેથી છેવટે
બંનેનાં મા-બાપે મળીને ઇન્ટરવ્યૂ ગોઠવ્યા જેમાં બંને પાસ થઈ ડિસેમ્બરના પહેલા
અઠવાડિયામાં જ ગોળધાણા અને સગાઈ કરી બંનેને કાચું લાઇસન્સ આપી દીધું.
પછી તો સામી
ઉત્તરાયણ હોવાથી લગ્નનું મહુરત જ નહોતું આવતું તેથી રાહ જોયા વગર છૂટકો જ ન હતો.
લગ્ન કમુરતાં ઊતર્યા પછી,
ઉત્તરાયણ પછીના
રવિવારે નક્કી થયાં હતાં.
પર્વ ખૂબ જ
ચોકસાઈવાળો, શાંત અને
ગણતરીપૂર્વક ખેલનારો યુવક હતો, ત્યારે સોના ચુલબુલી, ફૅશનેબલ અને ઉછાંછળી હતી.
બંને જ્યારે મળે
ત્યારે લગ્નની તૈયારી કર્યા કરતાં. લગ્નના હૉલની સજાવટ માટે બંને બે વખત જઈને
સ્ટેજનો શણગાર અને લાઇટિંગની વ્યવસ્થા ચેક કરી આવ્યાં હતાં. જમણવારનો સૂપ અને મેનુ
પણ બંનેએ ચોકસાઈપૂર્વક પસંદ કર્યું હતું. આમંત્રણ પત્રિકા પણ બંનેએ સાથે પસંદ
કરીને છાપવા આપી દીધી હતી.
પર્વના લગ્નનો
સૂટ અને સલવાર સોનાએ ચાર કલાકની મહેનત બાદ ફાઈનલ કરેલ હતો. સોનાના દાગીના અને
સાડીની પસંદગી પણ પર્વે સમય કાઢીને બે વખત આવીને પૂર્ણ કરી હતી.
લગ્ન પછી હનીમૂન
માટે બહુ વિચારણા બાદ ગોવાનો એક અઠવાડિયાનો પ્રોગ્રામ ફાઈનલ કર્યો હતો. કઈ હોટલમાં
ઊતરવું, ક્યાં ક્યાં ફરવા
જવું વગેરે બાબતો પણ બંનેએ મહેનતપૂર્વક નક્કી કરી નાખી હતી.
આજે ઉત્તરાયણ
હોવાથી પર્વ પતંગ ચગાવવા સવારમાં તેના કાકાને ઘેર સેટેલાઇટના ફ્લૅટમાં મિત્રો સાથે
આવેલ હતો. બપોર પછી જમીને સોનાને ઘેર શાહપુરના પોળના મકાનમાં આવવાનો હતો.
તેમાં તેને
સોનાના કાકીનો સવારમાં ફોન આવ્યો કે સોના પડી જવાથી સિવિલ લઈ ગયાં છે. તેથી પર્વ
હાંફળો-ફાંફળો થઈ ગયો. તેણે ચાલુ પતંગ મિત્રને આપી દીધો અને તાત્કાલિક સિવિલ જવું
પડશે, કહી ઝડપથી નીચે
ઊતર્યો.
સેટેલાઇટથી તેણે
બાઇક સિવિલ તરફ લેવા નહેરુબ્રિજ તરફ દોડાવ્યું. બાઇક ચલાવતાં તેને વિચાર આવ્યો, “પહેલે માળેથી પડી
છે, જો વધારે વાગેલ
હશે તો, લગ્નની તારીખ
બદલે જ છૂટકો, ગોવાનાં બધાં
રિઝર્વેશન રખડી જશે.”
આગળ જતાં
વિચાર્યું “સોના બચી જાય તો
ઘણું, પછીથી ફરી નવાં
રિઝર્વેશન ક્યાં નથી થતાં”
ત્યાં વળી તેને
ગુસ્સો આવ્યો. “લગ્નને સાત જ
દિવસ છે, તેમાં સોના પડી
જાય, બેદરકારી જ
કહેવાય ને!”
આવું વિચારતાં
હજુ તે નહેરુબ્રિજ આવ્યો ત્યાં ફરી સોનાના મોબાઇલ પરથી રિંગ વાગી. તે ગભરાઈ ગયો.
સોનાને વધારે વાગ્યું તો નહીં હોય ને ! તેણે બાઇક સાઇડમાં રોકી અને મોબાઇલ
ઉપાડ્યો. સામેથી સોનાની મમ્મીનોઅવાજ આવ્યો. “પર્વ હવે ચિંતા
જેવું નથી, સોના પડી ત્યાં રેતી હોવાથી કંઈ ખાસ વાગ્યું નથી, ફ્રેક્ચર કે બીજી
કોઈ ઈજા નથી. ફક્ત બે જગ્યાએ ટાંકા આવેલ છે, ચિંતા જેવું નથી.”
હાશ ! પર્વનો જીવ
હેઠો બેઠો, તેણે કહ્યું “સોનાને ફોન આપો.”
આ બધું કઈ રીતે થયું તે પૂછી તેણે સોનાને શિખામણ આપી “સોના હવે
અઠવાડિયું જ છે, ત્યારે ખાસ ધ્યાન
રાખ.”
સોનાએ જવાબ આપ્યો
“પગ લપસી પડ્યો, એમાં હું શું
કરું ?” અને પર્વ ગુસ્સે
થયો. “અરે ! હવે ખાસ
ચોકસાઈની જરૂર છે, આપણા બધા જ
પ્રોગ્રામ રખડી પડશે.”
હવે લગ્નમાં કોઈ
અડચણ આવે તેમ ન હતું તેથી પર્વ ખુશ થયો, પરંતુ તે સોનાને
ઠપકો આપવા અધીરો થઈ ગયો અને બાઇકની સ્પીડ વધારી.
ઉત્તરાયણ હોવાથી
રોડ પર ખાસ ટ્રાફિક હતો નહીં. હજુ તે દિલ્હી ચકલા પહોંચે ત્યાં ચારે તરફથી “કાપ્યો છે, લપેટ”ની ચીસો સાંભળી
તેેણે રોડ ઉપર દોડતાં છોકરાંઓથી બચવા બાઇકની દિશા બદલી, કપાયેલાં પતંગના
દોરાનો ઝોલ સીધો નીચે પડ્યો. પર્વ હજુ કાંઈ સમજે તે પહેલાં કપાયેલી ચાઇનીઝ કાચવાળી
દોરી તેના ગળાની આસપાસ વીંટળાઈ ગઈ. કપાયેલા પતંગવાળાએ જોરથી દોરી ખેંચતાં એક જ
સેકન્ડમાં પર્વના ગળાની મુખ્ય નસ કપાઈ ગઈ.
પર્વ કંઈ સમજે એ
પહેલાં તો તેના ગળાની મુખ્ય ધમનીમાંથી લોહીનો ફુવારો છૂટ્યો. એ બાઇક સાથે નીચે પછડાયો.
ચારે તરફ લોકોનાં ટોળાં ભેગાં થવા લાગ્યાં. બૂમો પડી, “જલદી ૧૦૮ ઍમ્બ્યુલન્સ બોલાવો.”
ત્યાં તો બીજી
મિનિટે લોહીના ખાબોચિયામાં પડેલા પર્વની આંખો ઉપર ચડી ગઈ, શરીર તરફડિયાં
મારવા લાગ્યું અને છેલ્લા ઝાટકા સાથે તેના પ્રાણ ઊડી ગયા.
લોકોના ટોળામાં
હોહા થઈ ગઈ. પોલીસ અને ઍમ્બ્યુલન્સ આવે તે પહેલાં તો ખેલ ખલાસ થઈ ગયો. સોનાને ખબર
પડતાં જ તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ અને ધડામ કરીને પછડાઈ. તેનું મન વિચારી રહ્યું, “હજુ પાંચ જ મિનિટ
પહેલાં મને સાવધાની રાખવાનું કહેનાર આમ અચાનક કાયમ માટે અંતિમ સફર ઉપર ઊપડી ગયો ?”
સિવિલમાં વાગ્દત્તાની
ખબર જોવા જનારની લાશ શબવાહિનીમાં સિવિલ તરફ જ રવાના થઈ ત્યારે ટોળાંની આંખો ટપટપ
ટપકી રહી હતી.
જિંદગીની સફરમાં
પાંચ જ મિનિટમાં શું થશે તે કોને ખબર છે ?
------------------------------x--------------------------------x---------------------------------x-------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
જિંદગી એક સફર હૈ સુહાના - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories