17 ફેબ્રુઆરી 2024

ચુડેલથી ચેતજે - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ચુડેલથી ચેતજે

      

           "મયંક, કાલ સાંજે તું નોકરી કરવા બેંગ્લોર જતો રહીશ, પછી ત્રણ મહીને આવીશ. આજે સાંજે મારા મિત્ર જનકભાઈની દીકરી માતંગીને મળતો જા. ખુબ દેખાવડી અને હોશિયાર છોકરી છે." મયંકના પપ્પા વિમલચંદ્રએ કહ્યું.

        "પણ, પપ્પા તમારે તો આજે સાંજે મામાને ઘેર ખબર કાઢવા જવાનું છે," મયંકે જવાબ આપ્યો.

        "કાઈ વાંધો નહિ, તું એકલો ગાડીમાં સીતાપુર ગામમાં જતો આવજે. જો મોડું થાય તો જનકભાઈને ઘેર જ રાત રોકાઈ જજે. મારા ખાસ મિત્ર છે." વિમલચંદ્ર બોલ્યાં.

        "સારું પપ્પા" મયંકે જવાબ આપ્યો.

        કોમ્પ્યુટર એન્જિનિયર મયંકને ગયા વરસે જ ઊંચા પગારે બેંગ્લોરની સોફ્ટવેર કંપનીમાં નોકરી મળી હતી. તેને માટે સારી કન્યાની શોધ ચાલુ હતી, પણ હજુ સુધી મેળ પડ્યો ન હતો.

        મયંકે તેના મિત્રોને સીતાપુર છોકરી જોવા જવાની વાત કરી. બધાને કઈ ને કઈ કામ હતા, તેથી સાથે આવવા કોઈ તૈયાર ન થયું, એટલે મયંકે એકલા વહેલી સાંજે સીતાપુર જવાનું નક્કી કર્યું. અમદાવાદથી દહેગામ થઇ આગળ હાઈવેથી દશ કિલોમીટર અંદર જ સીતાપુર ગામ હતું.

વહેલા જઈને વહેલા પરત આવી જવાય, એટલે મયંક બપોરના ચાર વાગે જ નીકળવા તૈયાર થયો. તેનો ખાસ મિત્ર અશોક આવીને બોલ્યો. "મયંક, સીતાપુર જાય છે, ત્યાં ગામ પહેલા તળાવ છે, તેની પહેલા રોડ પર પીપળાનું મોટું ઝાડ છે, તેના પર બે ચુડેલ રહે છે, તેનાથી ચેતજે."

    મયંક હસી પડ્યો. "આ કોમ્પ્યુટર અને નેટના જમાનામાં તું ભૂત, ચુડેલની વાતો કરે છે, હા હા હા !!!"

     "મયંક હસવા જેવું નથી. મારા ઓળખીતાને આ ચુડેલ જ ભરખી ગઈ છે." અશોકે ડરતા ડરતા કહ્યું.

        "શું ગમેતેમ ફેંકે છે." કહી મયંકે ગાડી ચાલુ કરી.

        હાય રે નસીબ ! મયંકે હજુ દહેગામ છોડ્યાને દશ મિનીટ થઇ હશે, ત્યાં ટાયરમાં પંક્ચર પડ્યું. મયંકે હેલ્પ માટે બહુ મહેનત કરી, પણ કોઈ ઉભું ના રહ્યું. અંતે તેણે એકલાએ ટાયર બદલવું પડ્યું. આગળ વધતા હાઈવે પર જ પંક્ચરવાળાની દુકાને ટાયર પંક્ચર કરાવવા આપ્યું.

        સમય નીકળતો જતો હતો, સાંજના સાડાસાત વાગી ગયા. આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને જોતજોતામાં વરસાદ ચાલુ થઇ ગયો. અચાનક વાતાવરણ બદલાવાથી મયંક થોડો ગભરાયો.

        હવે હાઈવે છોડીને કપચીના રોડ પર દશ કિલોમીટર અંદર જવાનું હતું. કોઈ વાહન નહિ, કોઈ અવરજવર નહિ, વરસાદ ચાલુ હોવાથી બધા કોરી જગ્યામાં છુપાઈ ગયા હતા.

        હવે મયંક વિચારે ચડ્યો, મારે ચુડેલથી ચેતવાનું અશોક કહેતો હતો ને ! ના ના, ભૂત ચુડેલ જેવું કાઈ હોય જ નહિ. હું પણ કેવા વિચારે ચડી ગયો. તેણે મનમાં હનુમાન ચાલીસા બોલવા માંડ્યા. ત્યાં તો દુર તળાવ પહેલા પીપળો દેખાયો. મયંક નહોતો માનતો પણ તેના ધબકારા વધી ગયા, શ્વાસ જોરથી ચાલવાં લાગ્યા. ત્યાંતો દુરથી બે સફેદ વસ્ત્રમાં સ્ત્રીઓને હાથ હલાવી પોતાની પાસે બોલાવતી જોતાં જ તે કાંપી ગયો. બંનેના પલળેલા છુટા વાળ વિકરાળ લાગતા હતા. તેને હાર્ટ બેસી જશે તેમ લાગ્યું. તેને આંખો બંધ કરી ગાડી ભગાવી, પણ તે બંને ચુડેલો તેની પાછળ દોડતી આવી રહી હતી. અરર ! આ ચુડેલો મને પણ ભરખી જશે કે શું ? તેને દિલમાં ધડધડ થવા લાગ્યું, પરસેવાથી તે ભીંજાઈ ગયો.

        મયંક દુમ દબાવીને ભાગ્યો, સીધો પહોંચી ગયો, જનકભાઈને ઘેર. તે આખો પસીનાથી રેબઝેબ હતો. જનકભાઈએ કહ્યું, "કેમ આટલો ગભરાયેલો લાગે છે ? કઈ તકલીફ તો નથી પડી ને !"

        મયંકે જવાબ આપ્યો, "ના ના, કઈ નહિ." તે ચુડેલથી ગભરાયેલ છે એવું થોડું કહેવાય !!

        માતંગી એક મરણમાં તેની બહેનપણી સાથે બાજુના ગામમાં જ ગઈ છે, આવતી જ હશે."  જનકભાઈએ કહ્યું. મયંક સીધો બાથરૂમમાં ઘુસી ગયો. તેને મનમાંથી હજુ ડર જતો ન હતો. ત્યાં વરસાદી પાણીથી લથબથ માતંગી આવી અને સીધી બેડરુમમાં. મયંક પણ ડરેલો ડરેલો સહેમી ગયો હતો. જનક્ભાઈએ આવીને બંનેની ઓળખાણ કરાવી.

        "માતંગી, આ મયંક છે, મારા મિત્ર વિમલચંદ્રનો દીકરો, સોફ્ટવેર એન્જીનીયર થઇ બેંગ્લોર જોબ કરે છે."

        "મયંક, આ માતંગી, મારી એકની એક દીકરી, ગ્રેજ્યુએટ થયેલી છે," મયંક રૂપાળી ખુબસુરત માતંગીને જોતો જ રહી ગયો. તેને તો માતંગી પસંદ પડી ગઈ, પણ આ ગામની બે ચુડેલોનો ડર નીકળતો ન હતો. ત્યાં જ જનકભાઈએ કહ્યું, "માતંગી અને તેની સહેલી મરણમાંથી પરત આવતા ભીંજાઈ ગયા હતા, તેમાં તેમણે પીપળા નીચે ઉભા રહી એક કારવાળાને જોઈ બુમો પાડી, પણ તે તો ઉભો જ ના રહ્યો, આવા વરસાદમાં પણ બે એકલી મહિલાઓને મદદ ના કરી, કેવા માણસો છે? "

        મયંક સમજી ગયો, તે કોને બે ચુડેલ માની બેઠો હતો.

        બંને ખુલીને વાતચીત કરવા અંદરના બેડરૂમમાં ગયા. અંદર જતાવેંત મયંકે માફી માંગતા કહ્યું, "માતંગી, મને માફ કરી દે, મેં જ તમને બંનેને ચુડેલ ધારી ગાડી ભગાવી દીધી હતી. મારા મનમાં ચુડેલનો ડર મારા મિત્રએ જ નાખી દીધો હતો.

        માતંગી હસી પડી, "આટલું ભણેલ યુવક ક્યા ચુડેલમાં ફસાયો."

        મયંકે કહ્યું, "હું તો આવા બધા ભૂત, ડાકણ, ચુડેલ વિગેરેમાં માનતો જ નથી પણ મારું મન તેના જ વિચારોમાં હતું, ત્યારે ખરેખર તમને પલળેલા છુટ્ટા વાળમાં જોયા એટલે ગભરાયેલા મને તમને બનેને ચુડેલ માની લીધી. પાછી તમે બંને લીફ્ટ લેવા મારી ગાડી પાછળ દોડવા લાગી, એટલે હું વધુ ગભરાયો, જાણે મારી પર હુમલો કરવા આવી.

        મયંકને ખ્યાલ આવી ગયો કે તેના ડરેલા મને વાસ્તવિક દુનિયામાં પણ બે સફેદ સાડીવાળી મહિલાઓને પીપળા નીચે જોઈ ચુડેલ માની લીધી હતી.

        માતંગી જોરથી હસી પડી. તે બોલી "મને તો બહાર તમારી ગાડી જોઇને ખ્યાલ આવી જ ગયો હતો."

        બંને એકબીજાને પસંદ હોવાથી તેઓના ઘડિયા લગ્ન લેવાઈ ગયા.

        લાસ્ટ સ્ટ્રોક : મન જયારે ડરેલું હોય ને તેના સબકોન્સીયસ માઈન્ડમાં ઘુમરાતી ખોટી બીક વાસ્તવિક દુનિયામાં સહેજ પણ જણાય તો તેને સાચી માની લે છે. અન્યથા દુનિયામાં ભૂત, ડાકણ કે ચુડેલ જેવું કાઈ છે જ નહિ, તેનાથી ડરવું નહિ.

ચુડેલથી ચેતજે



Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories