17 એપ્રિલ 2024

સાત જનમ નો સાથ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સાત જન્મ નો સાથ


     સુર અને ધારા આજે ખુબ ખુશ હતા. બંનેના માબાપે તેમના પ્રેમને મંજુરીની મહોર મારી દીધી હતી. છેલ્લા ત્રણ વરસ થી કોલેજ માં બંને પ્યાર માં ગળાબૂડ હતા.

     કોલેજના પહેલા વરસથી જ સુરને ધારા ગમતી હતી, પણ તેને કહેવાની હિમત ચાલતી નહોતી. એક વરસથી તો તે ધારાને તાકીને જોવામાં જ વ્યસ્ત હતો, તેના મિત્રો પણ જાણી ગયા હતા કે સુર ધારા પાછળ દીવાનો થયો છે. ધારાને પણ અંદરખાનેથી અંદાઝ આવી ગયો હતો કે સુર તેની પાછળ લટ્ટુ થઈ રહ્યો છે, પણ કહેવું કઈ રીતે ?

    અંતે  વેલેનટાઇન દિવસે સુરે તક ઝડપી લીધી. મોટો ગુલાબનો ગુલદસ્તો લાવી ને તેણે સવારે આવતાવેંત જ ધારાને પ્રપોઝ કરીને ગુલદસ્તો પ્રેમથી ઓફર કરતા કહયું,” આઈ લવ યુ, ધારા.  ધારા એકદમ ચમકી ગઈ, પણ જવાબ આપ્યા વગર ગુલદસ્તો સ્વીકારીને જતી રહી. બધા મિત્રોએ સુરને અભિનંદન પાઠવતા કહયું, “ સુર, આગળ વધ, તને લીલી ઝંડી મળી ગઈ છે.”

    બીજે દિવસે રિસેશમાં સુરે ધારાને કેન્ટીનમાં કોફી પીવા પ્રેમથી આમંત્રણ આપ્યું. હા-ના કરતી ધારા છેવટે કેન્ટીનમાં આવી, અને સુર ખુશ ખુશ થઇ ગયો. સુરે પ્રેમથી કહયું, ધારા, હું તને બે વરસથી ચાહતો હતો, પણ કહી શકવાની હિંમત ચાલતી નહોતી.”

    મને ખબર પડી ગઈ હતી, મને પણ તું ગમતો હતો, પણ આપની જ્ઞાતિ  જુદી જુદી હોવાથી મને ડર લાગતો હતો, આપણા માબાપ આ સંબંધ સ્વીકારશે કે નહિ ?” ધારાએ જવાબ આપતા કહ્યું.

        આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈએ પછી દુનિયાનો ડર શા માટે ? સુરે હિંમત દાખવતાં કહ્યું.

        પણ આપણા લગ્ન શક્ય થશે ખરા ?ધારાએ ચિંતા જતાવી.

        કેમ નહિ, આપણો સાથ તો સાત જનમનો છે. ધારા વિચારમાં પડી ગઈ, એક જનમના તો ઠેકાણા નથી ને સાત જનમનો પ્યાર?

      અંતે કોલેજના દિવસો પુરા થવાનો વખત આવી ગયો, સુર દલાલ વૈષ્ણવ વાણીયા અને ધારા જોશી ચુસ્ત બ્રાહ્મણ, બંનેના માબાપ માને કઈ રીતે ? પણ બંને પોતાની જીદમાં અડગ રહ્યા, બીજા કોઈ પાત્ર જોવાની જ ના પડી દીધી, એમ કરતા સાત મહિના વીતી ગયા. હવે કરવું શુ?

     બધાએ  સમજાવ્યા, કઈકરો, નહિતર ભાગીને લગ્ન કરશે તો શું કરશો ? અંતે બંનેના માબાપ નરમ પડ્યા. બહુ વિચાર કરીને મંજુરી આપી.

      આજે તો બંનેની સગાઇની વિધિ હતી. સો માણસોની હાજરીમાં સુરે ધારા ને સગાઇની વીંટી પહેરાવી, ત્યારે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો.બપોરના જમણવાર પછી બંનેએ લોંગ ડ્રાઈવ પર જવાનું નક્કી કર્યું.

       સુરની લકઝરીયસ બલેનો ગાડી મેહસાણા છોડીને અંબાજી તરફ દોડી રહી હતી. બંનેની ઈચ્છા એકાંતમાં લોંગ ડ્રાઈવનો આનંદ લેવાની હતી, તેથી આગળ જતા સુરે ગાડીને એકાન્તમાં જંગલ તરફ વાળી. સુમસામ રસ્તામાં ધારાએ તેના તમામ દાગીના અને હીરા નો સેટ કાઢીને પર્સ માં મૂકી દીધા. નિરવ શાંતિવાળી જગ્યાએ બંને હાથમાં હાથ પરોવીને નીચે ઉતર્યા.સુરે ખુશ થતા કહયું ધારા મારી વાત સાચી પડી ને. મેં કહયું હતું, આપણો સાથ સાત જનમનો છે, આ જન્મે તો આપણી સગાઇ થઇ ગઈ ને.

      ધારાએ હસતા હસતા કહયું,” તું આ જનમની  વાત કરને, હવે પછીના જન્મમાં શું થશે ? કોને ખબર ?

      તને આપણા પ્રેમમાં વિશ્વાસ નથી? આપણો પ્રેમ તો અવિનાશી છે, હું તારા માટે જાન કુરબાન કરવા તૈયાર છું. સુર આજે મૂડમાં હતો.

     આગળ જતા એક નિર્જન કુવા આગળ બંને અટકી ગયા.અંદર નજર કરતા ઊંડે  ઊંડે કાળુ પાણી દેખાયું..ધારા નીચે જોતી હતી ત્યાં એનો હાથ લપસ્યો, અને ખભે રાખેલું પર્સ જઈ પડ્યું ઊંડા કુવામાં. તેનાથી બૂમ પડી ગઈ, “સુર, મારું પર્સ બચાવ.

        સુરે ગભરાઈને અંદર નજર નાખી. પર્સ પાણી ઉપર તરી રહ્યું હતું, પણ ગમે ત્યારે અંદર પાણી ભરાય તો ડૂબી જાય તેમ હતું. તેથી જલ્દી કાઢી લેવું જરૂરી હતું. પણ અંદર બે ત્રણ કાળા લાંબા સાપ દેખાઈ રહ્યા હતા. સુર અંદર પડતા પહેલા ગભરાઈ ગયો. ના, અંદર તો સાપ છે, હું ના પડું.

      સુર, મારા લાખોના દાગીના વગર મારાથી પાછા ઘેર નહિ જવાય. મારે માટે તો તું જાન કુરબાન કરવા પણ તૈયાર છે, પછી ડરે છે કેમ ?” ધારાએ  ક્રોધ થી કહયું.

     એ તો બધી વાતો કરવાની હોય, તને મારા જાનની કિંમત નથી?સુર પણ સામે ગુસ્સે થયો  તો સાત જનમની વાતો મને બનાવવાં કરી એમને? તારો ને મારો સંબંધ પૂરો સમજ.ધારા હવે સાવ છેલ્લે પાટલે જતી રહી.

        તું મને ઉશ્કેરી ને ખાલી પર્સ માટે ઝેરી સાપથી મારી નખાવવા માંગે છે કે શું ? સાવ ડોબી જ છે. અહી તારી પણ કોને પરવા છે.કહીને સુર પણ ટણીમા દુર જઈ ને બેસી ગયો.

          ત્યાં તો એક ત્રીસ વરસનો મુફલીસ જેવો માણસ ત્યાંથી નીકળ્યો. ધારાએ તેને બૂમ પાડી પર્સ કાઢી આપે તો હજાર રૂપિયા આપવાની વાત કરી. તેણે ના પડી, ધારા એ વધી ને બે હજાર, ત્રણ હજાર સુધી ઈનામ આપવાની વાત કરી, ને એ માણસ કુદી પડ્યો. જોતજોતામાં પર્સ કાઢી ને ધારાના હાથમાં આપી દીધું. ધારા એ ત્રણ હાજર કાઢીને આપતા પૂછ્યું, તને અંદર સાપ ની બીક ના લાગી ? અને ત્રણ હજારમાં કેમ માની ગયો?”

     બેન, મારી પત્નીને સખત તાવ અને ઝાડા ઉલટી થઇ ગયા છે, ડોકટરે ત્રણ હજારનો ખર્ચો કહ્યો છે, એટલે હું તેની વ્યવસ્થા કરવા વિચારતો અહી આવ્યો હતો. મને તેના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે સાત જનમ તો નહિ, પણ આ જનમ તો હું તેને માટે મોતની પણ પરવા કરું તેમ નથી. બંને આ સાંભળી ને ચોકી ગયા.

         પર્સ હાથમાં લઇ ધારા એકલી અંબાજી હાઈવે તરફ ચાલવા લાગી. સુર મોઢું વકાસીને તેને એકલી જતી જોઈ રહ્યો.

દોસ્તો, જોયું સાચો પ્રેમ કરનારા જાનની બાજી લગાવવાની હોય ત્યારે પરખાઈ જાય છે. સાત જનમના સાથની વાતો કરનાર સુર પાછો પડી ગયો. ફક્ત વાણીશુરા અને પાણીશુરા એટલે કે કરી બતાવનારા લોકો અલગજ હોય છે, સમજી ગયાને!

------------------------------x--------------------------------x---------------------------------x-------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


સાત જનમ નો સાથ  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permissionn

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories