બચી ગઈ ભોળી ભક્તિ
પત્રીસ વરસના ભોગીલાલ તેમની શાહપુરની ચાલીમાં આવેલ ખોલીમાં નિરાશ બેઠા હતા. બે મહિના પહેલાં જ તેની પત્ની બાજુવાળા પાડોશી સાથે ફક્ત દશ વરસની પુત્રીને છોડી ભાગી ગઈ હતી.
ભોગીલાલ ભાડાની રિક્ષા ચલાવી માંડ માંડ ગુજરાન ચલાવતા, એમાં આ એક મોટી ઉપાધી આવી પડી. તેમની ઉપર લાડકી દીકરી ગૌરીના લાલનપાલનનો ભાર આવી પડ્યો હતો. દીકરીને તૈયાર કરી, જમાડી નજીકની સરકારી શાળામાં મૂકવા જવાનો ભાર તેમણે હસતાં મુખે સ્વીકારી લીધો હતો, આ ઉંમરે હવે તેની સાથે લગ્ન કરવા પણ કોણ તૈયાર થાય ?
“બાપુ, મારી મા ક્યારે મામાના ઘરેથી આવશે ?” રોજનાં ગૌરીના સવાલના આડાઅવળા જવાબો આપીને ભોગીલાલ થાકી ગયા હતા. “બેટા, બે ચાર દિવસમાં આવી જશે હોં.” કહેતા ભોગીલાલ હતાશ થઈ ગયા.
પેટની આગ ઠારવા દિલ્હી દરવાજા બહાર લારીમાં ભોગીલાલ આમલેટ ખાવા ગયા ત્યારે પાથરણા પાથરી બહેનો જૂના કપડાં વેચી રહી હતી. તેમની સામે જ યુવાન રુષ્ટપુષ્ટ યુવતીને જોઈ તેમની શરીરભૂખ તીવ્ર બની ગઈ. નજીક જઇ તેના છાતીના ઊભાર તરફ ભૂખી નજર નાખતા તેમણે પૂછ્યું, “તું કપડાં સાંધવાનું કામ કરે છે?
“હા, શું સાંધવાનું છે ?” યુવતીએ મદભરી આંખે છાતી ઉલાળતા કહ્યું.
“વાહ, શું નામ છે તારું ? ભોગીલાલે લોલુપ નજરે પૂછ્યું.
“ભક્તિ, સાહેબ.” યુવતીએ નિર્દોષભાવે જવાબ આપ્યો.
“મારા બે પેન્ટ અને શર્ટ સાંધવાના છે, પણ તારે મારા ઘેર આવવું પડશે, અહી નજીકમાં જ મારૂ ઘર છે.” ભોગીલાલે દાણા નાખતા કહ્યું, તેને મનમાં ગણતરી હતી કે ઘરે એકાંતમાં આ છોકરીનો લાભ લઈ શકાશે.
“ઘેર કેમ ? અહી લાવોને કપડાંને.” ભક્તિએ ભોળાભાવે કહ્યું.
“મારી દીકરીના સ્કૂલેથી ઘેર આવવાનો સમય થઈ ગયો છે, મારે ઘેર બીજું કોઈ નથી, તેથી તે ગભરાઈને રડવા લાગશે.” ભોગીલાલે દોગાઈથી સમજાવતા કહ્યું.
“પણ અહી પથારાનું ધ્યાન કોણ રાખશે. ફક્ત ત્રીસ ચાલીસ રૂપિયા માટે હું ઘેર ન આવું.” ભક્તિને હજી ભોગીલાલના મનમાં શું છે, તેનો ખ્યાલ ન હતો.
“તારા ઘરનાંને
કોઈને બોલાવી લે ને, હું તને સાંધવાના કામના સો રૂપિયા આપીશ.” ભોગીલાલે હવે
રૂપિયાના દાણાં વધારી દીધા.
પણ હજુ ભક્તિ હા ના કરતી હતી. ભોગીલાલને શિકાર હાથમાથી છટકી જતો લાગ્યો
તેમણે એકદમ રૂપિયા ડબલ કરી દીધા. “સારું હું તને બસ્સો રૂપિયા આપીશ.” ભોગીલાલે હવે શરીરસુખની લાલસામાં ભાવ બમણો કરી દીધો.
હવે ભક્તિ લલચાઈને ભોળવાઈ ગઈ. સામેથી તેણે બૂમ પાડી.
“ગંગા માં, અહી આવો, આ પથારાનું ધ્યાન રાખવાનું છે.”
સામેથી દશ થીંગડાવાળી તૂટેલા ચંપલ, બોખા મોંઢા અને ઉતરી ગયેલી નિસ્તેજ આંખો વાળી વૃધ્ધ ગંગા માં લાકડીને ટેકે ટેકે આવી.
“કોઈ બોણી થઈ કે નહીં, બેટા, બે દિવસથી કઈ ખાધું જ નથી. આ કોરોના પછી બહુ જ માઠી દશા થઈ ગઈ છે. ગંગા માં હાંફતા હાંફતા બોલ્યા.
“માં આ ઘરાકને ઘેર કપડાં સાંધવા જવાનું છે, એ મને બસ્સો રૂપિયા આપવા તૈયાર છે.” ભક્તિએ જવાબ આપ્યો.
ગંગામાંના ચહેરા પર રોનક આવી. હાશ, આ જ તો પેટ ભરીને ખાવા મળશે. વિચારી તેણે ભોગીલાલને કહ્યું. “બેટા, માતાજી તારું ભલું કરે, અમારા જેવા ગરીબને રોજી આપી તે સારું કામ કરેલ છે.”
“માં, આ તો મારી ફરજ છે.” ભોગીલાલે દંભમાં
જવાબ આપ્યો.
“વાહ બેટા, તારે કોઈ દીકરા-દીકરી છે ?” માં એ પૂછ્યું.
“હા, માં, દશ વરસની છે. સ્કૂલે જાય છે.” ભોગીલાલે કહ્યું.
“બેટા, તે મારી દીકરીને કામ આપીને સરસ કામ કર્યું, એવું જ કામ માતાજી તારી દીકરીને પણ તારા જેવો સારો માણસ આપે.” માજીએ નિસ્વાર્થભાવે આશિર્વાદ આપતા કહ્યું.
ભોગીલાલ સડક થઈ ગયો. મારી દીકરી જોડે પણ આવું કામ ? તેણે ગૌરીની યાદ આવતા ઢીલો પડી ગયો. તેના મન પર છવાયેલો વાસનાનો નશો ગાયબ ! મારી દીકરીને કોઈ કામને બહાને બોલાવી, મારા જેવુ જ દુષ્કર્મ કરશે તો ?
દુષ્કર્મ કરનાર માણસ જ્યારે પોતાની બહેન કે બેટી જોડે જ કોઈ આવું કામ કરે તો ના વિચારે જ ધ્રુજી ઊઠે છે. જો દરેક દુર્જન માણસનાં મનમાં પોતાની જ બહેન કે બેટી સાથે કોઈ આવું કરે તેવો વિચાર આવે તો આ દુનિયા પરથી દુષ્કર્મોની ગુનાખોરી જ અટકી જાય.
દસ સેકન્ડ તે કઈંજ ન બોલી શક્યો. પછી બોલ્યો. “બહેન, તારે મારે ઘેર આવવાની જરૂર નથી. હું હમણાં જ ઘેર જઈને મારી દીકરી આવી જાય, પછી કપડાં અહી જ આપી જાઉં છું.”
“પણ સાહેબ મારા
રૂપિયા ?” ભક્તિને ઘરાક
જવાનો ડર લાગ્યો.
“બહેન, તારા બસ્સો રૂપિયા અત્યારે જ આપી દઉં છું. તમે બંને ખાવાનું મંગાવો.” ભોગીલાલે રૂપિયા માજીના હાથમાં મૂક્યા.
માં-દીકરી વિચારમાં પડ્યા, આ ઘરાકે અચાનક નિર્ણય કેમ બદલ્યો. કેટલાક નિર્ણય ક્યાં બધાને સમજાય છે ?
ભોગીલાલ મોટા
દુષ્કર્મના કામમાથી બચી ગયો, વિચારતા પોતાની
દીકરી આવી ગઈ હશે, વિચારી ઘરે ઉપડયો.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)

.jpeg)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories