30 મે 2024

જોયું, આને કહેવાય પ્રેમ ! - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

જોયું, આને કહેવાય પ્રેમ !

"બેટા, અમે તારા સારા ભવિષ્ય માટે કહીએ છીએ, એ છોકરો તારા માટે કામનો નથી. તે કંઈ જ કમાતો નથી, રખડું છે, અને તેની કંપની પણ બધા લુખ્ખા અને આવારા લોકોની જ છે. તેને ભુલી જા." મોહિનીના પપ્પાએ સમજાવતા કહ્યું.

        કોલેજમાં પોતાની સાથે ભણતા મુકેશના મોહમાં મોહિની પાગલ હતી. મુકેશે તેને ફેરવવા અને મસ્કાબાજીમાં જીતી લીધી હતી. તપાસ કરતા તેનું બેકગ્રાઉન્ડ મોહિનીના પપ્પાને બિલકુલ પસંદ ના પડ્યું. તેમણે બેંકમાં સુંદર કમાતાં, સીધા સાદા મોહક સાથે તેના લગ્ન કરાવી દીધા.

 


        મોહક બિલકુલ સાદો, સાહજિક અને સરળ યુવાન હતો. તે મોહિનીને ખુબ જ પ્રેમ કરતો, પણ બીજાની જેમ તેને જતાવતાં આવડતું નહિ. દિવસમાં બે વખત "આઈ લવ યુ" કહેવાનું તેને મન ટાયલાવેડા હતા, તે વિચારતો, મને મોહિની માટે સાચી મહોબ્બત છે, પછી તેને દેખાડા કરવાની શું જરૂર છે ?

 


        બાજુના ફ્લેટવાળા અશોકભાઈ અને આશાબેન દરરોજ સાંજે હાથમાં હાથ પરોવીને ચાલવા નીકળતા અને રસ્તામાં મસ્તી કરતા જોઈ મોહિની જલી ઉઠતી. "આહા ! બંને વચ્ચે કેટલો પ્રેમ છે ? લગ્ન કર્યાને પાંચ વરસ થઇ ગયા પણ એકબીજાનો હાથ છોડીને ચાલતા જ નથી."

        મનમાં તે મોહક પર ગરમ થઇ ગઈ. મોહકને તો આવું કાઈ આવડતું જ નથી. સાવ દેશી, ગમાર અને ઠંડો માણસ છે. આવા રસહીન પુરુષ સાથે મારા લગ્ન મમ્મી પપ્પાએ ગોઠવી મને દુ:ખી કરી દીધી.

        સાંજે મોહક ઓફિસેથી થાકીને ઘેર આવ્યોને મોહિનીએ છળકો કર્યો, "ચાલ, આપણે અશોકભાઈ અને આશાબેનની જેમ હાથ પકડીને ચાલવા જઈએ." 

        "હું બહુ થાકી ગયો છું, ચ્હા બનાવી દે, મારે ચાલવા નથી જવું." મોહકે કંટાળીને કહ્યું.

        "તમને તો હું કંઈપણ કહું તો ખોટું જ લાગે છે, મારી ઉપર પ્રેમ જ નથી." મોહિનીએ ગરમ થઇ કહ્યું. તેનો પ્રેમ કરવાનો આવેગ શમી ગયો.

        "ના, ના, એવું કાંઈ નથી, હું તને પ્રેમ તો બધા કરતા વધારે કરું છું." મોહકે બચાવમાં જવાબ આપ્યો.

        "આવા સાવ શુષ્ક માણસ સાથે મારી જિંદગી કઈરીતે જશે." કહી મોહિની ગુસ્સે થઇ અંદર જતી રહી. ચ્હા પણ ના બનાવી.  મોહક વીસ મિનીટ બેસી રહ્યો, પણ ચ્હા ના આવી.

        મોહકે નિરાશ થઇ સોસાયટી બહાર ચ્હાના ગલ્લે જઈ ચ્હા પીધી.

        બીજા અઠવાડિયે સામેવાળા તુષારભાઈએ ઓફિસે જતા તરુણીને "આઈ લવ યુ" કહીને ફ્લાઈંગ કીસ કરી.

        મોહિની આ જોતા જલી ગઈ. મારો વર તો સાવ બબુચક છે, તેને આ બધું ક્યારે આવડશે ? આની કરતા તો મારો કોલેજનો ફ્રેન્ડ મુકેશ કેટલો મસ્ત અને પ્રેમીલો હતો.

        પણ શું થાય ? પપ્પાએ ખોટા માણસ જોડે બાંધી દીધી.

 

        રવિવારે સાંજે તેણે પતિ પાસે લો ગાર્ડન ફરવા જવાની જિદ્દ કરી. મોહક તેની સાથે ગયો, પાણીપુરીની લારી આગળ મોહિનીએ પરાણે ભેળપુરી અને ચટણીપૂરી ખાધા.

        બીજા દિવસે સવારે જ મોહક ઓફિસે જતો હતો ને મોહિનીએ પેટના દુખાવાની ફરિયાદ કરી. મોહક ચિંતામાં પડી ગયો. મેં ના પાડી છતાય લારીના પાણીપુરી અને ભેળપૂરીને લીધે જ પેટમાં ગરબડ થઇ લાગે છે.

        બપોરે ચાર વાગે પાડોશી તરુણીનો ફોન આવ્યો, "મોહક્ભાઈ, જલ્દી ઘેર આવો, મોહિની ઝાડાઉલ્ટીથી બેભાન થઇ ગઈ છે." મોહક તત્કાલ દોડ્યો, તેને હોસ્પીટલમાં દાખલ કરી, માંડ મોહિનીને બચાવી તો લીધી પણ ડીહાઇડ્રેશનને લીધે તેની બંને કીડની ફેઈલ થઇ ગઈ.

        મોહક દિવસરાત હોસ્પીટલમાં જ રહીને સેવા કરતો રહ્યો. કીડની ટ્રાન્સપ્લાન્ટ વગર ચાલે તેમ જ ન હતું.

        "ઓપેરેશનનો ખર્ચો આવશે ચાર થી પાંચ લાખ રૂપિયા." ડોકટરે સમજણ પાડતા કહ્યું, મોહક તેની પત્ની માટે કંઈપણ કરવા તૈયાર હતો.  તેણે તરત જ તેની ગાડી વેચવા કાઢી. મોટી લક્ઝરી ગાડીના પાંચ લાખ રૂપિયા આવતા તેણે તરત જ ભરી દીધા.

        તેના ફ્લેટમાં ખબર પડતા બધા અંદરોઅંદર વાતો કરતા હતા, "જોયું, પત્ની પર કેટલો બધો પ્રેમ છે, ગાડી વેચીને સારવાર કરાવે છે, બધા વાહ, વાહ કરવા લાગ્યા.

        મોહિનીના ગ્રુપની કીડની માટે પાંચ વરસનું વેઈટીંગ લીસ્ટ હતું. તેની હાલત બગડતી જતી હતી. મોહક ડોક્ટર પાસે પહોંચી ગયો. "ડોક્ટર, કંઈપણ ભોગે મારી મોહિનીને બચાવી લો."

        "પણ તેના ગ્રુપની કીડની માટે પાંચ વરસનું વેઈટીંગ ચાલે છે, શું કરવું ?" ડોકટરે ચિંતા સાથે કહ્યું.

        "ડોક્ટર, મારી મોહિની પર મને ખુબ જ પ્રેમ છે, હું કંઈપણ કરવા તૈયાર છું." મોહકે રડતાં રડતાં કહ્યું.

         ડોકટરે કસોટી કરતા કહ્યું, "તમે તૈયાર છો, તમારી કીડની આપવા ?"

         "હા, ડોક્ટર મારી કીડની લઈને મારી મોહિનીને બચાવો." મોહકે કહ્યું.

        બધા હબક ખાઈ ગયા. અનાયાસે તેની કીડની મોહિનીને ચાલે તેવી હતી અને કામ થઇ ગયું.

        સોસાયટીના બધા આ સાંભળી ચકિત થઇ ગયા.

        મોહિની બચીને ઘેર આવી ગઈ. બીજે દિવસે પેટે પાટા બાંધીને લાકડીને ટેકે ચાલતા જતા મોહકને જોઈ આશાબેન અને તરુણી ઝંખવાઈ જઈ બોલી ઉઠ્યા, "જોયું, આને કહેવાય પ્રેમ ! આપણા પતિઓ તો ખાલી વેવલાવેડા જ કરે છે."

        ગાડી ન હોવાથી નબળો પડી ગયેલ મોહક લાકડીને ટેકે ચાલતો જતો હતો ને ઠોકર વાગતા ગબડી પડ્યો, ચારે તરફ હાયકારો નીકળી ગયો.

લાસ્ટ સ્ટ્રોક : બાહ્ય ટાયલાવેડા કરીને પ્રેમ જતાવવાને બદલે ખરેખરા અણીનાં સમયે પોતાની જાનના જોખમે જીવ બચાવનાર જ સાચો પ્રેમી કહેવાય, તે જ્ઞાન મોહિની અને સોસાયટીના તમામ માણસોના ચહેરા પર ચમકી રહ્યું હતું.

***************************************************************************

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


જોયું, આને કહેવાય પ્રેમ ! - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories