01 જૂન 2024

ઇન્ડિયન ટાઈમ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ઇન્ડિયન ટાઈમ


-----------------------------------------------------------------------------------------------------------------------------

આજે એર ઈન્ડિયાની ફ્લાઇટ એક કલાક લેઈટ છે, જેની યાત્રીઓ નોધ લે ન્યૂયોર્કના JFK ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર માઇક ઉપરથી આ જાહેરાત થતાં અવની ચમકી ગઈ, તેની સાથે ફક્ત દશ માસની બેબી અંશીને લઈને એકલી તેના ભાઈના લગ્ન માટે અમદાવાદ થઈને બોટાદ જઈ રહી હતી. ફ્લાઇટ સીધી દુબઈ થઈને અમદવાદની હતી.ત્યાંથી ત્રણ કલાક પછી ભાવનગર મેલમાં બોટાદ પોતાના પિયરમાં લગ્ન માટે જવાનું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી કાલુપુર સ્ટેશન જવા માટે ત્રણ કલાકનો જ સમય હતો.

        તેના પતિને જોબમાં રજા મળી નહી હોવાથી અવની તેની બેબી સાથે ઈન્ડિયા પહેલી વખત એકલી જઈ રહી હતી. તેના પતિ પણ માઈકમાં આ જાહેરાત સાંભળીને ટેન્શનમાં આવી ગયા.

        ફ્લાઇટ સવારે છ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચે પછી સવારે નવ વાગે ભાવનગર મેલનો ટાઈમ હતો. પણ જો તે ટ્રેન ચૂકી જાય તો નાની છોકરી સાથે સ્ટેશન પર ક્યાં બેસી રહેવું તેની ચિંતા બંનેને સતાવતી હતી.

        તેના પતિએ કહ્યું ,અવની, ચાલ જલ્દી ઇમિગ્રેશન ચેક કરવી લે. અમદાવાદ એરપોર્ટથી નીકળી તરત જ ટેક્સી કરી લેજે ,જોજે જરાય સમય બગડે નહિ,તેનું ખાસ ધ્યાન રાખજે.

        અત્યારથી જ ઇંડિયન ટાઈમ મુજબ ફ્લાઇટ એક કલાક લેઈટ છે, પછી તો શું થશે ? અવનીએ ચિંતાતુર થઈને કહ્યું.

        બોર્ડિંગ પતાવીને પ્લેનની અંદર જઈ સીટ ઉપર ગોઠવાયા પછી એરહોસ્ટેસને બોલાવી અવનીએ કહ્યું, જલ્દી ફ્લાઇટ ઉપાડો, હજુ કેટલી વાર છે ?”

        એરહોસ્ટેસે  સમજાવતાં કહ્યું, મેડમ, એક કલાક મોડી ફ્લાઇટ સમય થતાં જ ઉપરશે, તમે ખોટી ચિંતા ના કરો.

        વિમાનમા અવની ઇંડિયન ટાઈમને ભાંડતી અને પોતાને પીરસાયેલ સુંદર ભોજન અને પીણાનો આનંદ પણ ટેન્શનમાં લઈ શકી નહિ. તેની સાથે દશ મહિનાની બેબી હતી, તેથી સમયસર ના પહોંચાય તો શું થશે એ વિચારે વિમાનમા અંધારું અને એરકન્ડિશન હોવા છતાં જરા પણ ઊંઘ ના આવી.

        ફ્લાઇટ દુબઈ પહોંચી ત્યારે દોઢ કલાક લેઈટ હતી. સામી બાજુમાં ગેઈટ ઉપર અમદાવાદનું પ્લેન તૈયાર જ હતું. તે જલ્દી જલ્દી ત્યાં પહોંચી, પણ બોર્ડિંગ હજુ ચાલુ હોતું થયું, ત્યાં તો સામે જ તેને બોટાદથી બહેનપણી આકૃતિ મળી ગઈ, અરે આકૃતિ, તુ ક્યાં જાય છે ? ક્યાંથી આવી ?

        હું ન્યુયોર્કથી આવી છુ અને આજ અમદાવાદની ફ્લાઈટમાં અમદાવાદથી બોટાદ ઘરે ભાવનગર મેલમાં જવાની છુ. આકૃતિએ જવાબ આપ્યો.

        શું વાત છે ? હું પણ એ જ રીતે બોટાદ પહોંચવાની છું.પણ જોને આ ફ્લાઇટ તો લેઈટ છે, ભાવનગર મેલ ચૂકી ન જવાય. અવનીએ ચિંતાતુર થઈને ગુસ્સામાં કહ્યું.

        અમદાવાદ જતી ફ્લાઈટના પ્લેનનું ક્લીનિંગ ચાલુ હોવાથી હજુ કલાક રાહ જોવાની હતી, તેથી બંને સખીઓ વાતે વળગી.

        જોને,ઈન્ડિયામાં લોકો કલાક, દોઢ કલાક સમય આગળ પાછળથી કેવા ટેવાઇ ગયા છે ! ઇંડિયન ટાઈમ ખરો છે, કલાક દોઢ કલાકની તો અંહી કોઈને પડી જ નથી. અવની બોલી.

        આકુતિએ કહ્યું : આપણે USમાં તો બધુ સમયસર જ ચાલે,એકઝેટ નવ વાગે ટ્રેન ઉપડવાની હોય તો બરાબર નવે ઉપડે. અંહી ઈન્ડિયામાં બધું લોલમલોલ ચાલે છે.

        એટલે જ ઇંડિયન ટાઈમ બધે વગોવાય છે ને. મારે ઈન્ડિયામાં એક વખત મંત્રીના ભાષણમાં સાંજે વાગે જવાનું હતું. અમે બંધા તો તડકામાં સાડા પાંચ વાગે લોકલાડીલા મંત્રીને સાંભળવા આવી ગયા હતા. પણ મંત્રીજી તો ટાઈમ થયો છ્તાં આવે જ નહિ ને ! બધા તડકામાં ગરમ થતાં બેસી રહ્યા. છેક સાંજે સાડા સાત વાગ્યે મંત્રીજી પધાર્યો, છતાં લોકો શાંતિથી બેસી રહ્યા. કોઈ ફરિયાદ નહીં, લોકો પણ ઇંડિયન ટાઈમથી ખરા ટેવાઇ ગયા છે નહિ ! અવનીએ પોતાનો ભૂતકાળનો ઇંડિયન ટાઈમનો અનુભવ કહ્યો.

        લી , તેના કરતાં પણ અજબ કિસ્સો હું સંભાળવું છુ. અમારે પાંચ વરસ પહેલા ઈન્ડિયામાં એક રિસેપ્સનમાં જવાનું હતું. સમય હતો સાંજના છ્થી નવનો. અમે બધાં  સાંજે છ ને પાંચે સમયસર પહોંચી ગયા. મિત્રો સ્નેહીઓ એક પછી એક આવતા ગયા, પણ મૂળ વરઘોડિયાનો પત્તો જ નહિ. એ લોકો આવે નહિ ત્યાં સુધી બીજા બધાં ડીનર પણ કઈ રીતે ચાલુ કરે? પૂછપરછ કરતાં એક જ જવાબ મળે હમણા બ્યુટીપાર્લરથી આવી જશે બધાં અંદર ગુસપુસ કરે પણ શું થાય? આકૃતિએ કહ્યું.               

        પછી શું , છેક રાત્રે પોણા નવે બન્ને આવ્યા પછી બધાયે વીશ કરી. ડિનર લીધું. છેવટે રાતના અગિયાર વાગી ગયા. શું થાય, ઇન્ડિયન ટાઇમ ખરો  ને ?” અવનીએ જવાબ આપ્યો.

        બન્ને સખીઓ હસવા લાગી. છેલ્લા ચાર વરસથી બન્ને US સેટલ થઈ હતી, એટ્લે ઇન્ડિયાની ભૂતકાળની વાતો વાગોળીને ઇન્ડિયન ટાઇમને વગોવી રહ્યાં હતા.

        દુબઈથી ફક્ત ત્રણ કલાકે અમદાવાદ આવવાનું હતું, પણ એરઇન્ડિયાની ફ્લાઇટ દોઢ કલાક લેઈટ હતી, ઇન્ડિયન ટાઇમ !

        બન્ને બહેનપણી ટેન્શનમાં અમદાવાદનાં સરદાર પટેલ એરપોર્ટ પર બહાર નીકળી ત્યારે સવારના સાડા સાત વાગી ગયા હતા.

        માંડમાંડ લગેજના બેલ્ટ પરથી બેગો ઉતારી, પાછી ઇમિગ્રેશનમા લાઇન ફક્ત બે જ બારીઓ ચાલુ હતી. અવની હવે ખરેખર ટેન્શનમાં આવી ગઈ. તેની બેબી પણ ઉજાગરા અને ભૂખથી કંટાળી હતી. તેણે બૂમ પાડી, ભાઈ, જલ્દી કરોને, અમારે તરત જ ટ્રેન પકડવી છે. પણ એને સાંભળવા કોણ નવરું હતું, એક જ જવાબ શાંતિ રાખો.

        એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે સવારના સાડા આઠ વાગી ગયા હતા. નવ વાગ્યાનો મેલ કઈ રીતે પકડાશે?

        આજ ચિંતામાં જલ્દી જલ્દી ટેક્સી કરી કાળુપુર સ્ટેશનનું ભાડું પણ મીટરને બદલે પાંચસો રૂપિયા સ્વીકારી લીધું, શરત. એટલી કે જેમ બને તેમ જલ્દી પહૌચાડવાના.

        ટેક્સીમાં સામાન મૂકી જલ્દી ભગવવા કહ્યું. ડફનાળા પસાર કરી શાહીબાગ આવતા તો  પોણા નવ વાગી ગયા. વહેલી સવાર હતી તેથી ટ્રાફિક ઓછો હતો, પણ દિલ્હી દરવાજાથી કાળુપુર ટ્રાફિકમાં ફંસાયા.

        અવની અને આકૃતિ બન્ને ટેક્સી ડ્રાઇવરને જલ્દી કરો જલ્દી કરોની બૂમો પાડી ટેક્સી દોડાવતા હતા,પણ ટેક્સી કાળુપુર સ્ટેશનની અંદર આવી, ત્યારે નવ ને પાંચ થઈ ગઈ હતી. બન્ને સખીઓએ આશા છોડી દીધી. હવે આજની રાત કયા પસાર કરવી તેની ચિંતા ચાલુ થઈ. અવનીએ કહ્યું,અંતે ઇન્ડિયન ટાઈમને લીધે આપણે મેલ પકડી નહિ શકીએ,હવે શું કરવું છે?

        આકૃતિએ કહ્યું, અંદર તો ચાલ, આ સિવાય બીજી કોઈ ટ્રેન બપોર કે સાંજે બોટાદ જતી હોય તો તપાસ તો કરીયે,”કુલી કરી બન્ને  સ્ટેશનની અંદર પ્રવેશ્યા, ત્યાં માઇક ઉપર થતી જાહેરાત સાંભળી બન્ને ચમકી ગયા. યાત્રીઓ ધ્યાન આપો, ભાવનગર મેલ કલાક લેઈટ હોવાથી દશ વાગે પ્લેટફોર્મ નંબર નવ ઉપરથી ઉપડશે.

        આ સાંભળી બન્ને ખુશ થઈ ગયા. ઝડપથી પ્લેટફોર્મ નંબર નવ પર પહોચી રીઝર્વ ડબ્બામાં ગોઠવાયા. નાની બેબી પણ દૂધ પીને સૂઈ ગઈ. હાશકારો અનુભવી અવની બોલી: બહુ સારું થયું . ઇન્ડિયન ટાઈમને લીધે મેઈલ પકડાઈ ગયો. થોડું ઘણું મોડું થાય તો એડજસ્ટ તો થવું જોઇયે ને! અમેરીકામાં તો મિનિટે મિનિટે ટાઇમસર ચાલવાનું? આપણે માણસો ઘડિયાળના ગુલામ થઈ યંત્રવત બની ગયા છીએ. આના કરતાં તો શાંતિવાળું માણસાઈથી ધબકતું ઈન્ડિયા અને ઇન્ડિયન ટાઈમ સારા.

        આકૃતિ આ સાંભળી છેલ્લા ચોવીસ કલાકથી ઇન્ડિયન ટાઈમને વગોવતી તેની બહેનપણી અવની સામે જોઈ તેણે પણ વિચાર્યું આ ઘડિયાળના કાંટે ચાલતી યંત્રવત જિંદગી કરતાં આપમેળે ચાલતી લાગણીસભર જિંદગી શું ખોટી??

*********************************

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


ઇન્ડિયન ટાઈમ   - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories