બીજાના મહેલ જોઈને આપણી
ઝું૫ડી ન બળાય
‘‘ડોકટર સાહેબ,
આ યશ તો બિલકુલ ઓછું ખાય છે, એનું વજન પણ ઘટતું જાય છે.’’ ડૉક્ટરની ઓફીસમાં આવતાવેત વિજયભાઈએ ચિંતા જતાવી. ૧૦ વર્ષના યશનું વજન ખરેખર ચાર કિલો
ઘટી ગયું હતુ. તેના મમ્મી રૂપાબેન પણ સાથે હતા. યશના શરીરની સામાન્ય તપાસમાં બધું જ નોર્મલ હતુ. તેના લોહી, પેશાબ અને એક્સરેના રીપોર્ટ પણ તદ્દન નોર્મલ હતા.
‘‘કેટલા સમયથી આ તકલીફ થઈ છે?’’ ડોક્ટરે વિજયભાઈ અને રૂપાબેનને પ્રશ્ન કર્યો.
‘‘સાહેબ, પહેલા તો બધું બરાબર હતું. છેલ્લા બે મહિનાથી તેની ભૂખજ ઘટી ગઈ છે, અને વજન ચાર કિલો ઘટી ગયું છે.’ ડોક્ટરને કોઈ શારીરિક નિદાન બંધબેસતું ન હતું. ડોક્ટરને આમાં શારીરિકને બદલે બીજુ જ કારણ લાગતું હતું. આને માટે તેમની આર્થિક અને સામાજીક પરિસ્થિતિ સમજવી જરૂરી હતી. વિજયભાઈ એક પ્રાઈવેટ ફર્મમાં કલાર્કની નોકરી કરતાં હતા. સવારથી સાંજ સખત મહેનત કરતાં હતાં,પણ પ્રમાણમાં પગાર પુરતો ન હતો. ઘરમાં ઘરડાં દાદા,દાદી અને પતિ પત્ની હતા. તેમના લગ્ન પછી છેક ૧૦ વર્ષ પછી આવેલ એકનું એક સંતાન એટલે યશ. ઘરમાં એક જ છોકરો હોવાથી તેના દાદા, દાદી અને મમ્મી પપ્પા યશની તમામ ફરમાઈશો પુરી કરતા. આમાને આમાં યશ જીદ્દી અને ગુસ્સાવાળો બની ગયો હતો. બિચારા વિજયભાઈ અને રૂપાબેન યશની તમામ જીદ પુરી કરતા. પરંતુ મધ્યમ વર્ગના કુટુંબમાં પાંચ જણાં ખાનારા, અને એક જ કમાનાર વ્યક્તિ. બે છેડા ભેગા કરવા મુશ્કેલ હતા. ત્રણ મહિના પહેલા જ યશે નવી સાયકલ અપાવવાની જીદ કરી હતી. વિજયભાઈએ માંડમાંડ બચાવેલા બધાજ રૂપિયા કાઢતાં પણ ઓછા પડતા, તેમણે રૂપાબેનના ગલ્લામાંથી પણ બચતના રૂપિયા કાઢીને તેમણે નવી સાયકલ ખરીદી, યશની જીદ પુરી કરી હતી.
યશનો ખાસ મિત્ર હતો મયુર. તેના પિતા યશવંતરાય બે ફેકટરીના માલિક હતા. તેથી મયુરને વાપરવાના રૂપિયાની કોઈ કમી ન હતી. તેને શાળામાં મુકવા પણ ડ્રાઈવર સાથેની ગાડી આવતી.
કોઈ કોઈ વખત તો મયુર તેના પપ્પાએ અપાવેલ ઈમ્પોર્ટેડ મોબાઈલ પણ શાળામાં લાવતો.
‘‘મારી મમ્મી પપ્પા સાવ નકામા છે મને વાપરવાના પૈસા પણ સાવ ઓછા આપે છે.’’ એમ વિચારી યશ હંમેશા ગુસ્સામાં રહેતો. બે મહિના પહેલા મયુરની વર્ષગાંઠ નિમિત્તે, તેના તમામ દોસ્તોને શહેરની સૌથી મોંઘી સુપર પેલેસ હોટલમાં પાર્ટી રાખેલ હતી. યશ માટે તો આ પહેલી વખત જ ફાઈવ સ્ટાર હોટલમાં જમવાનું આવ્યું હતું. મોટા એરકન્ડીશન્ડ હોલમાં બધાની તાળીઓના ગડગડાટ વચ્ચે મયુરે કેક કાપીને પછી બધાને પંજાબી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યા. યશ તો આશ્ચર્યથી જોતો જ રહી ગયો હતો. કેટલી બધી ગીફટ અને કેટલી ભવ્ય પાર્ટી !!
‘‘મારા મમ્મીપપ્પા તો માંડમાંડ સાયકલ અપાવી શકયા. તેનાથી ચાર ગણા રૂપિયા તો મયુરના પપ્પાએ ફકત પાર્ટીમાં જ વાપરી નાખ્યા.’’ વિચારીને યશ મનમાં ધુંધવાઈ ઉઠયો હતો. બીજા જ અઠવાડિયે યશની વર્ષગાંઠ આવી. તેણે ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટીની જીદ પકડી. વિજયભાઈ અને રૂપાબેને તેને ખૂબ સમજાવ્યો. ‘‘આપણને પોષાય તેમ નથી.’’ પણ નાનકડાં યશને એનાથી કયાં સંબંધ હતો. તેને તો મિત્રમંડળમાં વાહવાહ બોલાવવી હતી. મોટી પાર્ટી આપવી હતી. મધ્યમ વર્ગના કુટુંબને મહિનાના ખર્ચા કઈ રીતે પુરા કરવા પડે છે, તેની તેને સમજણ જ ન હતી. અંતે રૂપાબેને આખો દિવસ મહેનત કરી સરસ મજાના ભાજીપાઉં અને ઢોંસાની ડીશ બનાવી. યશનો ગુસ્સો હાથમાં ન રહ્યો. “રોજ રોજનું ઘરનું ખાવાનું તો પાર્ટી કહેવાતી હશે ?” રૂપાબેન રડી પડયા. યશે જરાપણ ના ખાધુ. તેના દાદાદાદી અને પપ્પા પણ ચિંતામાં પડી ગયા.
બર્થડેમાં ભૂખ્યા પેટે સુઈ ગયેલા યશે પછી ધીમે ધીમે ઘરનું ખાવાનું જ ઓછું કરી દીધું. આખી વાત સાંભળ્યા પછી ડોક્ટરને ખ્યાલ આવ્યો કે યશને દવાની નહીં, સમજાવટની જરૂર છે. બીજા દિવસે ડોક્ટરે યશને તેના મમ્મીપપ્પા સાથે લો ગાર્ડનની પ્રખ્યાત ભાજીપાઉંની લારી ઉપર બોલાવ્યા. પછીથી દવા લખી આપવાની વાત કરી.
રવિવાર હોવાથી વીસપચ્ચીસ મિનિટ બેસવું પડે તેમ હતુ. બધા ખાસ કચરાપેટીની બાજુના વેઈટીંગ ટેબલ પર બેઠા. બાજુમાં જ ધુળી ભીખારણ તેના બે નાગાંપૂંગા, આઠ અને દસ વર્ષના છોકરાઓને લઈને ભીખ માંગતી હતી. બન્ને છોકરાઓના કપડા ફાટી ગયેલા હતા. એ લોકો અઠવાડિયાથી નાહ્યા ન હોય તેમ તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. બન્નેની આંખો અંદર ઉતરી ગઈ હતી. લાચાર અને દયામણા મોઢે તેમણે સૌ પાસે ભીખ માંગી.
યશ તેની ઉંમરના છોકરાઓને આવા હાલે ભીખ માંગતા જોઈ રહ્યો. ત્યાં તો બાજુના માણસે અર્ધી ખાધેલી એંઠી ભાજીપાઉંની ડીશ ફેંકી, અને બન્ને ભિખારી બાળકો દોડી ગયા. એક જ ડીશ માટે બન્ને ઝુંટાઝુંટી અને મારામારી પર આવી ગયા. યશ તો જોતોજ રહી ગયો.
“મને તો એકલાને મમ્મી કેટલા પ્રેમથી ભાજીપાઉં ઘેર બનાવીને ખવડાવે છે”. વિચારતા તેની આંખો ભરાઈ ગઈ. તેને દાદા-દાદીનો અને પપ્પાનો ખવડાવવાનો આગ્રહ અને પ્રેમ યાદ આવી ગયા. તે પપ્પા મમ્મી સામે જોઈને રડી પડયો.
‘‘ કોઈનો મહેલ જોઈને આપણી ઝુંપડી બાળવા ન નિકળાય’’ આ વ્યવહારૂ જ્ઞાન તેને આ ઉમરે જ આવી ગયું. ઘરે જઈને, આવી કોઈ જ જીદ નહી કરૂ, એવું મનમાં ગાંઠ વાળી. હવે તો યશ નિયમિત રીતે ઘરનો પોષ્ટિક ખોરાક મમ્મીપપ્પાના આગ્રહ વગર ખાઈ લે છે. તે ઘરના બધાં મોટાનું કહ્યું માને છે. તેનું વજન પણ પાછું વધીને નોર્મલ થઈ ગયું છે.
મહિના પછી વિજયભાઈ અને રૂપાબેન ડોક્ટરની ઓફીસમાં આવી રડવા જેવા થઈ ગયા. ‘‘ ડોકટર તમે તો દવા વગર અમારા યશને સાજો કરી દીધો.’’ વિજયભાઈ ગદ્ગદ્ થઈ બોલ્યા. વર્ષોના અનુભવ પછી અજમાવેલ આ પ્રેકટીકલ નુસ્ખો સફળ થઈ જતાં ડોક્ટરે કહ્યું. ‘‘તમારો યશ નોર્મલ થઈ ખાવા લાગ્યો, એ જ મારી ફી છે.’’ તેના દાદા-દાદી પણ દવા વગર યશ નોર્મલ થઈ ગયો જાણી ખુશખુશ હતા.
મોંઘા બુટ માટે રડતાં બાળકને એક વખત પગ
વગરના ઘોડીથી માંડ માંડ ચાલતા ભિખારી પાસે લઈ જાવ. તેને જોઈને બાળક મોંઘા બુટની જિદ્દ છોડી દેશે, આ વાત
બહુ જ જાણીતી છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
બીજાના મહેલ જોઈને આપણી ઝું૫ડી ન બળાય - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories