મનથી ધનવાન
આજથી પાંત્રીસ વર્ષ પહેલાં અમદાવાદમાં આટલી બધી કોર્પોરેટ હોસ્પિટલો નહોતી. છતાં પણ બાળકોને દાખલ કરવાની વાત આવે ત્યારે માબાપ પ્રાઈવેટ નર્સિંગહોમ વધારે પસંદ કરતાં. એક જ ડૉકટરની અંગત સારવાર હેઠળ બાળકની ટ્રીટમેન્ટ થાય તો સારું, તેવી વિચારધારા હતી, પછી પોષાતું હોય કે ના પોષાતું હોય તો પણ ગમે તેમ કરીને પણ પ્રાઈવેટ નર્સિંગહોમનો આગ્રહ રહેતો.
અરવિંદભાઈ અને ડૉ. રમેશ ભટ્ટ અંગત મિત્ર. તેમના લગ્ન રમાબેન સાથે થયા, પછી બે વર્ષે બાબો અશોક અને ચાર વર્ષે બેબી કોમલ આવી. બન્ને બાળકોને, ડૉ. ભટ્ટ સાથે અંગત સંબંધો હોવાથી, શરૂઆતથી જ તેમને બતાવતા. સાથે અરવિંદભાઈનો વેપાર સારો હતો. ઘરનું ઘર અને ગાડી સંપન્ન પરિવાર હતો.પૈસાની કમી ન હતી,પણ બન્નેનો સ્વભાવ ચીકણો ખરો.દરેક વખતે પૈસા ઓછા કરાવીને,પોતે કરકસર કરે છે,તેવો માનસિક આનંદ માણતા.
જુલાઈ માસ એટલે ચોમાસું અને વરસાદી ભેજવાળું વાતાવરણ. આવા સમયે બાળકોમાં ચેપ લાગવાનો ભય વધારે હોય છે બપોરે ડૉ. ભટ્ટનું કન્સલટીંગ પૂરું થવામાં હતું, અને અરવિદભાઈ અને રમાબેહેન દોડતાં પોતાની બે વર્ષની કોમલને લઈ આવ્યાં, ત્યારે તેને આંચકા ચાલુ હતા. બે જ દિવસનો તાવ અને કાનમાંથી પરૂ નીકળવા સિવાય બીજી તકલીફ ન હતી, પણ અત્યારે આંચકા હોવાથી કોમલની આંખો ઉપર ચડી ગઈ હતી, મોંમાથી ફીણ નીકળી રહ્યા હતા. તત્કાલ તેની નસમાં આંચકા બંધ કરવાના ઈન્જેકશન આપીને દાખલ કરવી પડી. અરવિંદભાઈ ગભરાયેલા હતા, સ્પેશ્યલ રૂમ રાખીને સારવાર ચાલુ કરાવી.
કોમલની તપાસ દરમ્યાન મગજના પાણીની તપાસમાં તેને “મગજનો પરૂજનક સોજો” - નિદાન, આવ્યું. એ જમાનામાં આ “પાયોજેનિક મેનીન્જાઈટીસ” એક ગંભીર બીમારી ગણાતી. લાંબી સારવાર બાદ પણ બાળક બચી જાય તો પણ કોઈ અંગમાં ખામી રહી જવાની સંભાવના રહેતી. ડૉ. ભટ્ટે બન્ને માબાપને બોલાવી નિદાનથી વાકેફ કર્યા અને સારામાં સારી સારવાર ચાલુ કરવાની બાંહેધરી આપી. છતાં પણ રોગની ગંભીરતા અને મટી જાય તો પણ કંઈક ખામી રહી શકે છે, તેની સ્પષ્ટતા કરી. જો કે અરવિંદભાઈ જેવા સુખી માણસને ખર્ચનો વાંધો નહીં આવે તેમ જાણતો હોવા છતાં મોંઘા ઈન્જેકશનો અને તપાસની પણ જાણ કરી.
ત્રણ દિવસો પસાર થયા પણ રોગ મચક આપતો ન હતો. કોમલ હજુ ભાનમાં આવતી નહોતી. તેને નાકમાં ટોટી દ્વારા જ પ્રવાહી ખોરાક અને બાટલાની સારવાર ચાલુ હતી. અરવિંદભાઈ મોંઘી દવા અને તપાસના બિલો ચૂકવતાં બૂમો પાડતા, કે આટલો ખર્ચ કર્યો, પછી કાંઈ ફરક તો પડતો નથી.
બહાર જનરલ વોર્ડમાં રિક્ષા ડ્રાયવર ફારૂકભાઈ અને અમીનાબેનની બેબી અલ્લારખીને ‘વરાધની’ સારવાર માટે દાખલ કરી હતી. દરરોજ કમાઈને રોજ ખાનારા ફારૂકભાઈની બે દિવસથી તો રોજીરોટી પણ બંધ હતી. ફકત લારીની ચા અને ડબલરોટીથી બન્ને પેટ ભરતા. અમીનાબેનના મેલાં ફાટેલાં કપડાંમાંથી એક પ્રકારની વાસ આવ્યા કરતી. ત્યાંથી પસાર થતાં અરવિંદભાઈ અને રમાબેન ફરિયાદ કર્યા કરતાં, “કેવા માણસો પ્રાઈવેટ હોસ્પિટલમાં આવી જાય છે ?” ડૉ. ભટ્ટને પણ દયા આવી.
એ જમાનામાં પણ પ્રાઈવેટ નર્સિંગહોમનો રહેવા અને સારવારનો ખર્ચ રિક્ષા ચલાવનાર માટે ખરેખર વધારે હતો. ડૉ. ભટ્ટે ફારૂકભાઈ અને અમીનાબેનને કેબિનમાં બોલાવી સમજાવ્યાં.
“તમારી બેબી અલ્લારખીને હવે તો પ્રમાણમાં સારું છે. હજુ પણ પોષાતું ના હોય તો સિવિલ કે વાડીલાલ લઈ જાવ. બધું મફત થઈ જશે.” ડૉ. ભટ્ટે તેમને સૂચન કર્યું.
અમીનાબેન તરત બોલ્યાં. “ડૉકટર સાહેબ, હમેં તુમ પર પૂરા ભરોસા હૈ, હમ કહીં ભી નહીં જાયેંગે. અલ્લાને ઔલાદ દી હૈ, તો કુછ સોચ કે દી હોગીને.’’ ડૉ. ભટ્ટ ના ન પાડી શક્યા. ડોક્ટર સાહેબે તેમનો રહેવાનો અડધો ખર્ચ માફ કરી દીધો.
પાંચમા દિવસે અરવિંદભાઈ થોડા કંટાળી ગયા હતા. ખર્ચો પણ વધી ગયો હતો. ડૉ. ભટ્ટની ઓફિસમાં આવીને કહ્યું , “ડૉકટર, અમને હવે રજા આપી દો. આટલો બધો ખર્ચ કર્યો, પણ અમારી કોમલને કોઈ જ ફાયદો નથી. છોકરીની જાત પાછળ કેટલો ખર્ચ ?”
ડૉ. ભટ્ટે પૂછયું. ‘‘ઘેર લઈ જઈને શું કરશો ?’’ તો તે બોલ્યાં. ‘‘જે થવાનું હશે તે થશે. બચી જાય તો પણ કાંઈ ખામી રહી જાય તો, અમારે તો છોકરી માથે જ પડેને.’’ પરંતુ ડૉ. ભટ્ટે હજુ ધીરજ ધરવાની હૈયાધારણ આપી.
છઠ્ઠા, દિવસે રાઉન્ડમાં તો બન્ને ચિડાયેલા હતા. ‘‘ડૉકટર સાહેબ, હજુ કેટલા દિવસ મોંઘા ઈન્જેકશનો અને તપાસો કરાવવી છે. આવી છોકરી બચી જાય તો પણ શું કરવાનું ?’’ ડૉ. ભટ્ટની સમજાવટને પણ બન્ને ગણકારતાં ન હતાં.
બહાર જનરલ વોર્ડમાં ફારૂકભાઈ અને અમીનાબેન આ સાંભળી રહ્યા હતા. ડૉ. ભટ્ટે છેલ્લે કહ્યું.’’ તમારી ઈચ્છા. આ કેસ પેપરમાં સહી કરીને કોમલને ઘેર લઈ જાવ પછી અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.’’
ડૉ. ભટ્ટ કોમલના ભવિષ્યની ચિંતા કરતા હતાં, ત્યાં ધીમા પગલે અમીનાબેન ઓફિસમાં આવ્યા, અને બોલ્યાં.‘એક બિનતી કરને આઈ હું.’.
ડૉ. ભટ્ટે પૂછયું.
“કયા હૈ ?”
“ડૉકટર, ઐસે તો હમ છોટે લોગ હૈ, પર ઉસ લડકી કે એક દિન કી દવા ઔર સારવાર કે કિતને હોંગે ?’’ ડૉ. ભટ્ટને નવાઈ લાગી. દરરોજના બે હજારના ઈન્જેકશનો અને બાટલાની કિંમત કહેતાં અચકાઈ ગયાં. અમીનાબેન બોલ્યા. ‘‘હમ લોગ ઉસકે પૈસે દેંગે. લડકી હૈ તો કયા હુઆ ? ઈન્શાનકી જિંદગીસે બઢકર ઔર ક્યા હૈ ?’’
ડૉ.ભટ્ટ તેમને બન્નેને જોઈ રહ્યા. મનોમન બન્નેને સેલ્યુટ કરી વિચાર્યું. “ જેમને પોતાને જ ખાવાપીવાના સાંસાં હતા, તે બીજાની છોકરી માટે કેટલો ત્યાગ કરી રહ્યા છે ??’’
ડોક્ટરે કહ્યું, ‘‘યે કૈસે હો શકતા હે ? ઉન લોગો કો માલૂમ પડેગા તો ?’’ અમીનાબેન બોલ્યાં. ‘‘ડૉકટર, ઉસકો હમારા કુછ ના બતાના, ઉન કો બોલના કી, યે સબ મદદ અલ્લા કે ઓલિયેને કી હૈ.’’ હવે ડોક્ટરને ના પાડવાનો અવકાશ જ ના રહ્યો. તે જમાનાના બે હજાર રૂપિયાના ઈન્જેકશનો અને બાટલાના પ્રતાપે, કોમલે સાત દિવસે આંખો ખોલી. મોંએથી ખોરાક લેવા માંડી. તેના સદ્નસીબે કોઈ જ અંગમાં ખામી ના રહીઃ
સંપૂર્ણ સાજી સમી થઈને ત્રણ દિવસ પછી રજા લઈને ઘેર ગઈ. તેના એક દિવસ પહેલાં જ અલ્લારખીને સારું થઈ ગયું હોવાથી ફારૂકભાઈ અને અમીનાબેન પણ પાંચ દિવસે બતાવવાનું કહી રજા લઈ ગયા હતા.
અરવિંદભાઈ અને રમાબેનને હજુ ખબર પડતી ન હતી, કે છેલ્લા બે દિવસ આટલી મોંઘી સારવારના રૂપિયા કોણે મોકલાવ્યા હતા ? પાંચ દિવસ પછી અલ્લારખીને લઈને બન્ને ફરી બતાવવા આવ્યા, ત્યારે અમીનાબેનના ગળામાં સોનાની ચેન દેખાતી ન હતી. ડોક્ટરે પૂછયું, ‘‘સોને કી ચેન કહા ગિરા દી ? અમીનાબેન ધીમા અવાજે બોલ્યા. “ડૉકટર સાબ, સોને કી ચેન તો કભી ભી વાપસ આ જાયેગી, લેકિન એક લડકી કી જિંદગી વાપસ કૈસે આયેગી ?”
ડોકટરને ખરેખર ઊભા થઈને આ ગરીબ પણ મનથી ધનવાન દંપતીને સેલ્યુટ મારવાનું મન થઈ ગયું. શાળામાં ભણતી વખતે શીખેલી કવિતા યાદ આવી.
“તું નાનો હું મોટો એ ખ્યાલ બધાનો ખોટો,
ખારા
જળનો દરિયો ભર્યો, મીઠાજળ નો લોટો,
તરસ્યાને તો દરિયાથી પણ લોટો લાગે મોટો”
આજે તો કોમલ ભણીગણીને, પરણીને સાસરે જતી રહી છે. ડોક્ટરને જ્યારે તે મળવા આવે ત્યારે ફારૂકભાઈ અને અમીનાબેન યાદ આવ્યા વગર રહેતાં નથી.
આજે
તેને ખબર પડે કે ફકત બે દિવસની સારવારના ખર્ચથી બચવા તેના માબાપ તેની જિંદગી સાથે
ખેલી રહ્યાં હતાં, તો કેવું લાગે, એ વિચાર આવતાં ધ્રુજારી છૂટે છે. માણસ ગમે તેટલો ધનવાન હોય, પણ મનથી ધનવાન ના હોય તો શા કામનું ?
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મનથી ધનવાન- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories