18 ડિસેમ્બર 2024

વેરનો ઈલાજ પ્રેમ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

વેરનો ઈલાજ પ્રેમ


 

આજથી ચાલીસ વર્ષ પહેલા અમદાવાદમાં આટલા બધા કવોલિફાઈડ ડોકટરો ન હતા. કોઈપણ ડિગ્રી વગરના ડોકટર પણ મનફાવે તેના સ્પેશ્યાલીસ્ટ ડોકટરનું બોર્ડ લગાવી બેસી જતા.

શહેરની મધ્યમાં ડો. ઝાટકાવાલા પણ બાળકોના ડોકટર તરીકે પ્રસિધ્ધ હતા. તેમને પોતાને પણ પોતાની ડિગ્રી વિષે જાણકારી ન હતી. કોઈક ડોકટરને ત્યાં છ મહિના કમ્પાઉન્ડરનું કામ કરીને પોતે બાળકોના ડોકટર બની ગયા હતા. વર્ષોથી બાળકોના કેસોના અનુભવી, તેવું જણાવી સારવાર કર્યા કરતા.

તેમને કોઈપણ રોગના કારણો, પેથોલોજી, ફેલાવો, વિગેરે મૂળભૂત માહિતી તો હોય જ નહીં, તે સ્વાભાવિક છે. નવી નવી દવાઓની માહિતી ઈંગ્લીશમાં આવતી હોય તે વાંચતા પણ કયાંથી આવડે, એટલે દવાઓની કંપનીઓના મેડિકલ રિપ્રેઝન્ટેટિવરિપ્રેઝન્ટેટિવ પણ તેમને ગુજરાતીમાં જ માહિતી સમજાવતા.

એ વખતે બાળરોગ નિષ્ણાંતની ડોકટરોની ડિગ્રી મેળવી ડૉ. ભટ્ટ પણ શહેરની મધ્યમાં બાળરોગ નિષ્ણાંત તરીકેની પ્રેક્ટિસ ચાલુ કરી હતી. ધીમે ધીમે બાળરોગ નિષ્ણાંતની એમ.ડી. ડિગ્રી હોવાથી બાળકોના સિરીયસ કેસ આવવા લાગ્યા હતા.

                ડો.ઝાટકાવાલાને બીજા ડોકટરની સારવારની ટીકા કરવાની ખરાબ આદત હતી. પોતે જ બાળકોના સર્વોચ્ચ ડોકટર છે, તેવું ઠસાવવા, ‘‘બીજા ડોકટરની દવા ગરમ પડી ગઈ,  બાળકને રિએકશન આવી ગયું’’ જેવી મનઘડત વાતો કરી, "પોતાની દવા જ સાચી છે," તેવું માં-બાપને ઠસાવવા પ્રયત્ન કરતાં. ડૉ. ભટ્ટના એક બે કેસમાં પણ તેમણે મનઘડત આલોચના કરી, માં-બાપને ઉશ્કેરવા પ્રયત્ન કરેલા.

        એ જમાનામાં પોલિયો ભારે માત્રામાં ભારતમાં વ્યાપ્ત હતો. ચોમાસાની સિઝનમાં પોલિયોના કેસોથી બાળકોના વોર્ડ ભરાઈ જતા. તેમાંથી ઘણા બધાં બાળકો અપૂરતી સારવારથી અપંગ બની જતા.

        ચોમાસામાં ભેજ અને વરસાદવાળા વાતાવરણમાં પોલીયો વાયરસ ફેલાવાનો ભય વધારે હોય છે.

                ડો.ઝાટકાવાલાને તો આવી બધી માહિતીની ખબર જ ના હોય તે સ્વાભાવિક છે. જુલાઈ માસમાં શરદી, ખાંસી અને તાવના કેસો પણ બાળકોમાં વધી જતા હોય છે. યાકુબભાઈ અને હમીદાબેનના એકના એક બાબા યાસીનને શરદી, કફ અને તાવની તકલીફ થતાં ડો.ઝાટકાવાલા પાસે લઈ ગયા. ડોકટરે યાસીનને તાવનું ડાબા પગે ઈન્જેકશન આપીને કહ્યું ‘‘ફિકર ના કરો, ડો.ઝાટકાવાલાના એક જ ઈન્જેકશને કોઈપણ દર્દી ઉભો થઈ જાય છે.’’

પણ બીજા દિવસે તો યાસીનની હાલત વધારે બગડી. તે ઉભો જ ના થઈ શકયો. પરાણે ઉભો કરવા જાય તો ડાબી બાજુએ પડી જાય. તે બાજુનો પગ તો મંડાતો જ ન હતો. યાકુબભાઈ સિટી સિવિલ કોર્ટમાં વકીલ હતા, તેમની ચિંતા વધી ગઈ.

ડો.ઝાટકાવાલાને ફોન કરતાં તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો. યાસીનને ડાબા પગે ઈન્જેકશન પછી જ આ તકલીફ થઈ હોવાથી યાકુબભાઈએ તો ડોકટરને નોટીસ ફટકારી અને એક લાખ રૂપિયાનો દાવો માંડવાની વાત કરી. (એ જમાનામાં એક લાખની કિંમત ખૂબ વધારે હતી.)

ત્રીજા દિવસે ડૉ. ભટ્ટ પાસે આવ્યા ત્યારે યાસીનને ડાબા પગે પાલિયોનો ચિહ્નો સ્પષ્ટ થઈ ગયા હતા. સંપૂર્ણ તપાસ કરીને માં-બાપને નિદાન અને સારવારની જાણ કરી દાખલ કર્યો.

પોલિયોની સંપૂર્ણ સારવાર, ઇન્ફ્રારેડ થેરાપી અને આરામની સલાહ સાથે યાસીનના માં-બાપને સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કર્યા. શરૂઆતથી જ સંપૂર્ણ સારવાર ચાલુ કરી હોવાથી યાસીન ભવિષ્યમાં અપંગ નહી થાય તેવું માં-બાપને સાંત્વન આપ્યું.

ડો.ઝાટકાવાલા ફફડી ગયા હતા. બાળકોના ડોકટર તો ડિગ્રી વગર બની ગયા હતા. પણ એક લાખ જવાના વિચારથી ગભરાઈ ગયા હતા. બીજા દિવસે તેમનો ડૉ. ભટ્ટ પર ફોન આવ્યો ‘‘ ડોકટર, હવે યાસીનને કેમ છે ?’’

‘‘હાલ તો દાખલ છે, અને સારવાર ચાલુ છે.’’ ડૉ. ભટ્ટે કહ્યું.

ડો.ઝાટકાવાલા કરગરી રહ્યા હતા. ‘‘ડોકટર, આ વકીલથી મને બચાવજો, મારે તો એક લાખ આપીને પણ નામ બગડી જશે, અને મારા બાળબચ્ચાં રખડી પડશે.’’

ડૉ. ભટ્ટને મનમાં થયું, આ ડિગ્રી વગરનો ડોકટર સારો હાથમાં આવેલ છે, મારી દરેક વખતે ટીકા કરતો ડોકટર આ કેસમાં ફસાઈ જશે. પણ તરત જ ડૉ. ભટ્ટના સુપર મગજે ડોકટરની નીતિમત્તાની યાદ દેવડાવી. એક ઉચ્ચ ડિગ્રીધારી ડોકટર કયારેય બીજા ડોકટરની સારવારની ખરાબ ટીકા કરતો નથી. ધંધાકીય સ્પર્ધામાં કયારેય નીતિમત્તાના ધોરણ નીચા જવા જોઈએ નહી.

ડૉ. ભટ્ટે બાજી સંભાળી લીધી. ડોક્ટરને દિલાસો આપતા કહંયું ‘‘ચિંતા ના કરશો સહું સારાવાના જ થશે’’ ડો.ઝાટકાવાલા ગળગળા થઈ ગયા..

યાસીનને લકવાની શરૂઆત જ હોવાથી સારવાર અસરકારક નીવડી છ દિવસમાં તો યાસીનના ડાબા પગમાં ચેતન આવી ગયું. પાવર પણ નોર્મલ થવા લાગ્યો. સાતમાં દિવસે તો તેને સારવાર અને ફિઝયોથેરાપી ચાલુ કરાવી રજા આપી દીધી.

બીજા અઠવાડિયે તો યાસીન ચાલતો થઈ ગયો. યાકુબભાઈ અને હમીદાબેન ખુશ હતા. ડૉ. ભટ્ટે યાકુબભાઈને શાંતિથી બેસાડીને સમજ પાડી‘‘ ચોમાસામાં યાસીનના શરીરમાં પોલિયો વાયરસનો ચેપ તો લાગી જ ગયો હતો.

ઈન્જેકશનનો કોઈ વાંક ન હતો તે તો ગૌણ કારણ જ છે. મુખ્ય કારણ તો પોલિયો વાયરસનો ચેપ છે.’’ તો પણ યાકુબભાઈ વકીલ હોવાથી હજુ માનતા જ ન હતા. તે તો ડો.ઝાટકાવાલા સામે કેસ ફટકારવાના જ મુડમાં હતા. ડૉ. ભટ્ટે ફરી સમજાવતા કહ્યું.

‘‘હવે યાસીન તો દોડી શકે છે., તેથી તેને લકવો છે, તે બાબતનો કેસ તો તમે જીતી શકો તેમ જ નથી. વળી તે થવાનું મુખ્ય કારણ તો પોલિયો વાયરસનો ચેપ છે, ડો.ઝાટકાવાલાનું ઈન્જેકશન તો યોગાનુંયોગ જ છે.’’

દરરોજ ડો.ઝાટકાવાલાના રડમસ અવાજે ડૉ. ભટ્ટ પર ફોન આવ્યા કરતાં અને ડૉ. ભટ્ટ તેને સાંત્વન આપતા રહેતા. અંતે વકીલ સાહેબ માની ગયા. ડોકટર ડો.ઝાટકાવાલાના દવાખાને જઈ કેસના તમામ કાગળીયા પરત લઈ લીધા. અને તેમને ચેતવણી આપી.‘‘અમારો દીકરો તો બચી ગયો છે, પણ ભવિષ્યમાં આવી ભૂલ ના કરતા.’’  

ડો.ઝાટકાવાલાને બીજા ડોકટરની કરેલી ટીકાઓ યાદ આવી અને આજે બીજા ડોકટરે જ તેમને બચાવી લીધા, એ હકીકતથી તે ગળગળા થઈ ગયા તરત જ તેમનો આભાર વ્યકત કરતો ડૉ. ભટ્ટ પર ફોન આવી ગયો. ત્યાર પછી તેમને કોઈપણ કેસમાં ખબર ના પડે તો તરત જ તે કેસ, જે તે તજજ્ઞને મોકલી આપી ફોન કરવાનું ભૂલતા નથી.

તજજ્ઞ ડિગ્રી વગરનો અનુભવ સો માંથી અઠ્ઠાણું કેસમાં ચાલી જાય છે, પણ બાકીના બે ટકામાં તો કઈપણ રોગનું સંપૂર્ણ જ્ઞાન જ તમને સંપૂર્ણ સફળ ડોકટર બનાવે છે. એ વાત હવે ડો.ઝાટકાવાલા સારી રીતે સમજી ગયા હતા.

અત્યારે તો આપણે પલ્સ પોલિયો ઝુંબેશથી ભારતમાંથી પોલિયોને ભગાડવા સફળ થઈ રહ્યા છીએ, એ ખરેખર ગૌરવની બાબત છે.


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


વેરનો ઈલાજ પ્રેમ  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories