27 ડિસેમ્બર 2024

બેવફા કોણ ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

બેવફા કોણ ?


        ઝલક, આજે કેમ મોડુ થયું ?, ઓફિસેથી તો સાંજે પાંચ વાગે નીકળી ગઈ હતી, પછી ક્યાં હતી ?” સચિને ગુસ્સે થઈને પૂછ્યું.

        અમારી ઓફિસના સજનભાઇ મળી ગયા, તેમની સાથે કોફી શોપમાં હતી. ઝલકે શાંતિથી જવાબ આપ્યો.

        હમણાં હમણાં સચિનને ઝકનાં વર્તનમાં બહુ જ શંકા જણાતી હતી. પાંચ વરસનું તેમનું લગ્નજીવન ડામાડોળ થવા લાગ્યું હતું. નાનો બે વરસનો મુન્નો લગ્નજીવનના ફળ સ્વરૂપે ભગવાને આપેલ, છતાં પતિ-પત્નીમાં શંકાનો ખટરાગ વધી રહ્યો હતો. ઝલક એક મોટી કંપનીમાં ક્લાર્ક તરીકે વર્ષોથી નોકરી કરતી હતી, તેથી તેને ઓફિસમાં બધા સાથે સારાં સબંધો હતા. સોમવારે સાંજે વરસાદ આવતો હોવાથી તેની ઓફિસના સજન જોડે કોફી પીવા ગઈ હતી, પણ એમાં શંકા જેવુ શું હતું ? ઝલક વિચારમાં પડી ગઈ. છ મહિનાથી સચિનનું વલણ ધીમે ધીમે બદલાતું અને વધારે શંકાશીલ બનતું જતું હતું. ઝલકને નવાઈ લાગતી. લગ્નના પાંચ વરસ પછી આવી શંકા શું કરતો હશે ?

        ઝલક કોની જોડે વાત કરે છે ?” રવિવારે બપોરે અચાનક સચિને બહારથી આવીને કડકાઇથી પૂછ્યું. ઝલકે સહજતાથી કહ્યું એ તો મારી સ્કુલની બહેનપણીનો ફોન હતો. પણ સચિનને શંકાનું સમાધાન ના થયું. તેણે ઝલકનો મોબાઈલ ઝૂંટવી લીધો અને તે નંબર લગાવ્યો.

        કેમ ફરીથી ફોન લગાવે છે, ઝલક ? સામેથી સ્ત્રી અવાજ સાંભળી સચિન ઝંખવાઇ ગયો. તેને કહ્યું ના, હું તો તેનો વર સચિન બોલું છું. આ તો મજાક કરતો હતો.

        હવે ઝલકને ગુસ્સો આવવા લાગ્યો, આ તે કઈ રીત છે ? આવી નાની નાની બાબતમાં શંકા કરીને મોબાઈલ ઝૂંટવી લેવાનો ? તેને હવે શંકાશીલ પતિથી ગુસ્સો અને કંટાળો આવતો હતો, પણ મુન્નાને જોઈને ઠંડી પડી જતી.

        બે દિવસ પછી અચાનક સચિને બપોરે બે વાગે ઘેર આવીને હદ કરી દીધી. ઝલકને માથું દુખતું હોવાથી રજા પર ઘેર જ હતી.

        સચિને આવતાવેંત જ શંકા કરી. કોણ હતું તારી સાથે બપોરે મજા કરવા ? તે સજનને ઘેર મજા કરવા બોલાવ્યો હતો ને ?” કહીને તે આખા ઘરમાં બાથરૂમમાં, પલંગ નીચે બધે શોધ કરતો ફરી વળ્યો. ઝલકનો ગુસ્સો હાથમાં ન રહ્યો. હું બીમાર છું  ને તને આવી શંકા કરવાનું સૂઝે છે.

        સાચી વાત કહું એટલે મરચાં લાગે છે. કહીને સચિને એક લાફો મારી દીધો.  ઝલક તમ્મર ખાઈને પડી ગઈ. તેની આંખોમાથી આંસુની ધાર વહેવા લાગી. સચિન ગુસ્સે થઈને બીજા રૂમમાં જતો રહ્યો.

        ઝલક રડતાં રડતાં ઘરની બહાર નીકળી ગઈ. તેને જિંદગીમાંથી રસ ઉઠી ગયો અને તેણે નક્કી કરી નાખ્યું જીંદગીનો અંત લાવવાનું, આવા શંકાશીલ માણસ સાથે જીંદગીભર કઈ રીતે રહેવાય ? એમ વિચારી અને પહોંચી સાબરમતી નદીનાં બ્રિજની મધ્યમાં ઝંપલાવવા,.

 

        બપોરનાં સમયે અવરજવર પાંખી હતી. જેવી તે બ્રિજ પર ચડી કે પાછળથી એક સુંદર યુવતીએ તેને પકડી ને બચાવી લીધી.

 

        મને કેમ બચાવી, મારે મરવું છે કહેતાં ઝલક રડી પડી.

        અરે, આમ કઇં જીંદગીનો અંત લવાતો હશે, ગાંડપણ છોડ અને ચાલ મારી સાથે, મારુ નામ ઝંખના છે. કહીને તેને પોતાની સાથે રિક્ષામાં બેસાડી દીધી.

        વેજલપુર પોતાને ઘેર લઈ જઈ તેને શાંત પાડી, ચ્હા પીવડાવી. ઝલકે પોતાના પર ગુજરેલી શંકાની કરૂણ કહાની લંબાણપૂર્વક પોતાની અને વરની ઓળખ છુપાવીને કહી, ત્યારે રડી પડી.

        ઝંખનાએ આશ્વાસન આપ્યું અને પોતે હજુ અપરણિત એકલી જ રહેતી હોવાથી પોતાની સાથે રહેવા આગ્રહ કર્યો.

        અઠવાડિયું વીતી ગયું. તેણે એક દિવસ ઝલકને કહ્યું, જો હું હજુ સુધી કુંવારી છું, પણ એક પુરુષ જોડે દોસ્તી જમાવી છે, અને લગ્ન કરવા વિચારું છું, તે મારી પાછળ લટ્ટુ બની ગયો છે.

        તો લગ્ન કેમ કરતી નથી? ઝલકે આશ્ચર્યસહ પુછ્યું.

       તે પુરુષ પરિણીત છે, પણ તેની પત્ની ગાંડી છે, એટલે છુટાછેડા લેવાનાં છે. ઝંખનાએ ફોડ પાડ્યો. કોર્ટમાં કેસ ચાલુ છે, કોર્ટ છુટાછેડા આપે પછી તે મારી સાથે લગ્ન કરશે. હું કહું તેમ જ તે કરે છે, સ્ત્રી થઈને પુરુષને નચાવતાં આવડવું જોઈએ.

        તને બહુ જ પ્રેમ કરે છે ? હવે ઝલકને પણ તેના પ્રેમીમાં રસ પડી ગયો હતો.

        હાસ્તો, તું ઉતાવળ કરીને ઘેરથી ભાગી આપઘાતનું વિચારી નીકળી ગઈ. બાકી પુરૂષોને આગળ પાછળ નચાવતાં આવડવું જોઈએ. જો મારા લગ્ન થઈ જાય પછી હું તારા વરને પણ સીધો કરી દઇશ. ઝંખનાએ વ મારતા કહ્યું.

        બીજા દિવસે ઝંખના ખુશ થતાં આવી, ઝલક, કાલે મારા લગ્ન છે, તેની પત્ની ગાંડી થઈ હોવાથી નાસી ગઈ છે, જોયુને આને કહેવાય પુરૂષોને નચાવવાની આવડત. જો આ ફોટામાં મેં તેને કેવો લપટાવી દીધો છે. કહીને ઝંખનાએ બંનેનો આલિંગનબદ્ધ ફોટો બતાવ્યો.

        ફોટો જોતાવેંત ઝલક ચમકી ગઈ. અરે, આ તો સચિન જ છે. હવે તેને ખ્યાલ આવી ગયો કે છ મહિનાથી કેમ તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો. મને શંકાના ચક્કરમાં પાડી અસલમા તે જ પ્રેમના લફરામાં લપટાયેલ હતો. કોણ કોને લપટાવતું હતું, તે હવે નક્કી કરવું મુશ્કેલ હતું.

        અરે આ તો મારો વર સચિન જ છે, તને ઉલ્લુ બનાવે છે. કહેતાં ઝલક હસવા લાગી. પુરુષને આંગળી પર નચાવવાનું અભિમાન જાણે કે ઝંખનાના મગજમાથી હવા બનીને ઊડી રહ્યું હતું.

        પોતાની કાબેલિયત પર પોરસાતા માણસોને પણ ઉલ્લુ બનાવતા કાબેલોનો આ દુનિયામાં તોટો નથી. કોઈનું ઘર તોડીને પોતે સુખી થવાના વિચારો અંતે તો દુ:ખ જ આપશે, તે ધ્યાને રાખવા જેવું છે.


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


બેવફા કોણ ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories