26 ડિસેમ્બર 2024

સફેદ રાખડી - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સફેદ રાખડી



ડૉવિરલ જાની શહેરના જાણીતા સર્જન હતા. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ડૉ.જાનીની હોસ્પિટલના સ્ટાફે સાથે માં અંબાજીના દર્શન કરવા જવાનો નિર્ણય કર્યો. સ્ટાફના સિસ્ટર લતાબેન અને આયા ડાહીબેન વર્ષો જૂના હતા. કમ્પાઉન્ડર રાજુભાઇ પણ જૂના હતા. નવાં સિસ્ટર તરીકે આવેલા હંસાબેન છ મહિનાથી જ સ્ટાફમાં ભરતી થયા હતા. હંસાબેન હજુ નાની ઉંમરના શાંત અને ગંભીર સ્વભાવના, મધ્યમવર્ગના સિસ્ટર તરીકે હોસ્પિટલ અટેન્ડન્ટનો કોર્સ કરી ભરતી થયા હતા. તેમના પિતાજી દેના બેન્કમાં ક્લાર્ક તરીકેની સેવામાથી વરસ પહેલા જ નિવૃત થયા હતા.

        બધાએ સાથે બેસીને વાતો કરતાં જવાય એટલે ડૉ. જાનીએ ટાટા ઇન્ડિકા ગાડી ભાડે કરી હતી. રસ્તામાં બધા મજાક મસ્તી કરતાં જતાં હતા. પણ હંસાબેન ગંભીર હતા અને કઈં જ બોલતા ન હતા. બપોરે સાડાબાર વાગે અંબાજી ગામમાં પહોંચતા જ બધાએ દર્શન કરતાં પહેલા ચા-પાણી કરવાનો વિચાર કર્યો. રક્ષાબંધનનો આગલો દિવસ હોવાથી સામેની દુકાનમાં સરસ રાખડીઓ વેચાતી હતી. નીચે ઉતરતા જ સ્ટાફના બહેનો લતાબેન અને ડાહીબેન રાખડી ખરીદવા દુકાનમા પેસી ગયા, પણ હંસાબેન બહાર જ ઊભા હતા.

        કમ્પાઉન્ડર રાજુભાઇએ કહ્યું, હંસાબેન, તમે રાખડી ખરીદવા કેમ જતાં નથી ?”

        હંસાબેન ના ના કરતાં રહ્યા. અંદરથી લતાબેને બુમ પાડી, અંદર આવો હંસાબેન, અહી રાખડીઓ ખુબ જ સુંદર હોવા છતાં પ્રમાણમા સસ્તી છે.

        છેવટે હંસાબેનની આંખોમાં આંસુ ઘસી આવ્યાં. બધા વિચારમાં પડી ગયા. તેમની કૌટુંબિક માહિતી કોઈને ખબર ન હતી. બધાએ પૂછપરછ કરતાં હંસાબેને રડતાં રડતાં પોતાની કહાની સંભળાવી. અમે ત્રણ બહેનો મોટી અને સૌથી નાનો ભાઈ ગીત હતો. ત્રણ બહેનોનો એક જ ભાઈ હોવાથી ગીત થોડો જિદ્દી અને અડિયલ બની ગયો હતો. દર વર્ષે અમે ત્રણેય બહેનો તેને રાખડી બાંધી ખુશ થતી રહેતી હતી. મમ્મી પપ્પાનો પણ ગીત લાડકો દીકરો હતો.

        ગયા વર્ષે અમે ઘરના બધા ભાઈ બહેનો, મમ્મી-પપ્પા સાથે જન્માષ્ટમીના મેળામાં ગયા હતા. દિલ્હીચકલાથી મેળામાં ભીડ એટલી બધી હતી કે હૈયે હૈયું ભિસાય. ગીત બધાથી પાછળ ચાલતો હતો, અને એક માટીની મૂર્તિઓની લારી પાસે આવીને ઊભો રહી ગયો. તેને કાનુડાની મુર્તિ ગમી ગઈ હતી અને તે વેચાતી લેવી હતી. પણ તેનો ભાવ બસ્સો રૂપિયા અમને બધાને વધારે લાગ્યો તેથી પપ્પાએ મુર્તિ અપાવવાની ના પડી દીધી. ગીત જીદ ઉપર ચડી ગયો અને ત્યાં લારી પાસે જ ઊભો રહી ગયો. અમે બધા ધક્કામુક્કીમાં આગળ નીકળી ગયા. પપ્પામમ્મીએ કહ્યું, ગીત જીદ ઉપર ચડી ગયો લાગે છે, તેને ત્યાં જ ઊભો રહેવા દો, થોડીવારમા આપણી પાસે આવી જશે.

            અમે થોડા આગળ જઇ રંગબેરંગી બંગડીઓની લારી પાસે ઊભા રહી ખરીદી કરતાં હતા. પાંચ મિનિટ માટે બધાથી ગીત ભુલાઈ જ ગયો. પછી તરત જ યાદ આવતાં મમ્મીપપ્પા તેને લેવા પાછા ફર્યા. પાંચ મિનિટમાં ગીત ક્યાં જતો રહ્યો તે ખબર જ ના પડી. અમે બધાએ મોડી રાત સુધી મેળામાં તપાસ કરી, છેવટે મોડી રાત્રે પપ્પાએ શાહપુર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી. આખી રાત અમે બધા જાગતાં રહી તેની યાદમાં રડતાં રહ્યા, પણ તે પરત ના આવ્યો તે ના જ આવ્યો. પોલીસ પણ હજુ સુધી તેને શોધી શકેલ નથી. અમે દરરોજ તેને યાદ કરીને રડીએ છીએ. મમ્મીપપ્પાના તો હાલ બેહાલ થઈ ગયા છે. આજે તેના ગુમ થયાને એક વરસ થયું પણ હજુ સુધી તેનો પત્તો નથી.

        હંસાબેને રડતાં રડતાં કહ્યું, હવે હું કોને રાખડી બાંધીશ, તો શા માટે રાખડી ખરીદુ ? સ્ટાફના બધાને તેના નાના ભાઈના ગુમ થવા પર દુખ થયું અને તે મળી જશે તેવી સાંત્વના આપી.

        લતાબેને આગ્રહપૂર્વક એક સાદી સફેદ ગોટા રાખડી હંસાબેનને આપતાં કહ્યું, લો આ રાખડી લઈ માં અંબાજીના દર્શન ખરા ભાવથી કરી ગીતની સુરક્ષા માંગજો. માતાજી કલ્યાણ કરશે.

        હંસાબેને રડતાં રડતાં સફેદ ગોટા રાખડી પર્સમાં ગીતના ફોટા સાથે મૂકી.

        શ્રાવણ માસ હોવાથી માં અંબાજીના દર્શનમાં ભારે ભીડ હતી. ધક્કામુક્કીમાં બધા માંડમાંડ ઊભા રહી ગયા. એકાદ કલાકે નંબર આવતાં દર્શન કરી બધા બહાર આવ્યા. બહાર રસ્તા ઉપર પુણ્ય કમાવા દાન કરતાં યાત્રાળુઓને લાભ મળે તે માટે ભિક્ષુકોની લાઇન હતી. ત્યાં દૂર બધાની નજર પ્રજ્ઞાચક્ષુ નાના બાળ ભિક્ષુક પર પડી. બધા ચમકી ગયા. ગીત જેવો જ દેખાય છે. બધાએ હંસાબેનને બોલાવી દૂર બેઠેલા ભિખારી છોકરાને બતાવ્યો. એ જ ચહેરો, એ જ વાળ પણ વિખરાયેલા, એ જ માસુમિયત !

        મારો ભાઈ તો બંને આંખે સરસ દેખતો હતો. હંસાબેને નકારમાં ડોકું ધુણાવ્યું.  આ છોકરો તો બિલકુલ અંધ છે.

        બધા તેની નજીક ગયા. એ ભૂખ્યા, તરફડતા અંધ છોકરાને નરમ અવાજે કહ્યું, માતાજી, આ અંધ ભિખારીને કઇંક દાન કરો, બે દિવસથી કઇં જ ખાધું નથી.

        હંસાબેન ચમકી ગયા. અરે ! આ તો મારો ભાઈ ગીત જ છે. તેણે બુમ પાડી ગીત મને ઓળખે છે, હું તારી હંસાદીદી. પોતાની દીદીનો અવાજ સાંભળી ગીત છોભીલો પડી ગયો. હા દીદી હા, હું તમને કેમ ભૂલી શકું ?” કહેતા કહેતાં અંધ ભિખારીની ફૂટી ગયેલી આંખોમાથી આંસુઓની ધાર વહેવા લાગી.

            હંસાબેન તેના નાના ભઇલાને ગળે લગાડી દીધો, આ બધુ કઈ રીતે બન્યું તે પૂછ્યું. ગીતે રડતાં રડતાં પોતાની આપવીતી જણાવી. દીદી, મે મેળામાં જીદ કરી અને ઊભો રહી ગયો, પછી એક ટાલિયા માણસે મને કાનુડાની મુર્તિ અપાવી અને કેડબરી ખાવા આપી. તે ખાધા પછી મારી આંખો ઘેરાવા લાગી. તે માણસ મને તેડીને ક્યાં લઈ ગયો તે ખબર નથી. પણ સવારે મારી આંખો ખૂલી ત્યારે અમે અંબાજીના જંગલની એક ઝૂપડીમાં હતા. મારા જેવા બીજા બે છોકરા પણ ત્યાં હતા. બધા માણસોને એ ટાલિયો માણસ ઓર્ડર કરતો હતો. અમને ત્રણેને ખ્યાલ આવી ગયો કે અમે ક્લુદાદાના અડ્ડામાં ફસાઈ ગયા હતા. એ લોકો અમારા જેવા બાળકોને અપંગ બનાવી ભીખ મંગાવી કમાણી કરતાં હતા. અહી ઝૂપડીમાં જ અમને ત્રણે છોકરાને ભીખ માંગવાનુ શીખવાડી , તેમણે બીજા બે છોકરાના હાથપગ ભાંગી નાખ્યા અને મારી આંખોમાં ગરમ સળિયા નાખી આંખો ફોડી નાખી અંધ બનાવી દીધો કે જેથી ભીખ વધારે મળે.

        બીજા દિવસથી અમને ત્રણેને તેનો એક માણસ સવારે અહી અંબાજી મંદિર ભીખ માંગવા મૂકી જાય અને રાત્રે પરત લઈ બધા ભીખના રૂપિયા પડાવી લે છે, અમને પૂરું ખાવા પણ આપતાં નથી.

        આટલી બધી કરૂણ કથની સાંભળી સર્વ સ્ટાફના મોંમાથી હાયકારો નીકળી ગયો. બધાએ ભેગા થઈ અંબાજી પોલીસને બોલાવી ગીતને ગુંડાઓના હાથમાંથી છોડાવી લીધો.

        પાછા વળતાં ગાડીમાં માતાજીની કૃપાવાળી સફેદ ગોટા રાખડી બાંધતા હંસાબેનની આંખો ભીની થઈ ગઈ. ગીત પણ બોલ્યો, દીદી, હવે હું ક્યારેય જીદ નહીં કરું. મમ્મીપપ્પા અને બીજી દીદીઓ મને લડશે નહીં ને !

        આંખો વગરના ગીતને હવે ખરેખર પસ્તાવો થતો હતો, પણ વાસ્તવિકતાને સ્વીકાર્યે જ છૂટકો. સહુ સ્ટાફ મેમ્બર અનાયાસે  રક્ષાબંધનના આગલા દિવસે અંબાજીના યાત્રાધામમાં ભાઈ બહેનનું અનેરું મિલન સજળ નયને જોઈ રહ્યા.

 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


સફેદ રાખડી  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories