10 ડિસેમ્બર 2024

અનુભવી મોતીકાકા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

અનુભવી મોતીકાકા


૪પ વર્ષ પહેલાની સિવિલ હોસ્પિટલની વાત છે. બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ક્લિનીકલ અભ્યાસ માટે સિવિલ હોસ્પિટલમાં જવાનું રહેતું. રમેશની ફાઈનલ એમ.બી.બી.એસ.ની મેડિસીનની ટર્મ ચાલતી હતી.

ડો. કાપડિયા શહેરના જાણીતા ન્યુરોફીઝીશ્યન હતા. સિવિલ હોસ્પિટલમાં ઓનરરી પ્રોફેસર તરીકે વર્ષોથી સેવા આપતા હતા. એ વખતે ન્યુરોફીઝીશ્યનની સુપર સ્પેશ્યાલિટીની ડિગ્રીઓ ગુજરાતમાં ચાલુ નહોતી થઈ. પણ ન્યુરોની ઓપીડી દર મંગળવારે ડો. કાપડિયા સાહેબના નામથી પ્રખ્યાત હતી. અનેક લકવા, મગજના સોજા, આંચકી વિગેરેના કેસ તેમની સારવારથી બચી ગયા હતા.

પોસ્ટગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોકટરો તેમના રાઉન્ડમાં અને ઓપીડીમાં હાજર રહેવા તત્પર રહેતા. એ જમાનામાં સીટી સ્કેનીંગ કે એમ.આર.આઈ. જેવા સાધનો હજુ શહેરમાં આવેલ નહોતા. 

મંગળવારે ખીચોખીચ ઓપીડીમાં ન્યુરોફીઝીશ્યનનો કલાસ ચાલી રહ્યો હતો. કાપડિયા સાહેબ પહેલા સિનિયર રેસીડેન્ટને પછી જુનિયરને અને છેલ્લે અંડર ગ્રેજ્યુએટને દરેક કેસ સમજાવી રહ્યા હતા.

        તેમણે લકવાના બે કેસ અને મગજના સોજાનો એક કેસ તપાસી દાખલ કરાવી દીધા હતા.

ત્યારપછી આવ્યો ૧૬ વર્ષના રામુનો કેસ. સાબરકાંઠાના પછાત વિસ્તારના ગામડામાંથી રામુને તેના માબાપ સાથે અમદાવાદ સિવિલ ખાતે રીફર કરેલ હતો. ત્યાંના ડોક્ટરોને ખેંચનો આ કેસ સમજાતો ન હતો.

        સશક્ત બાંધાનો લબરમૂછીયો રામુ મોંમાં ફીણ સાથે ખેંચાઈ રહ્યો હતો. કુટુંબમાં કોઈને આવી તકલીફ ન હતી. તેને છેલ્લા મહિનાથી તાવ, કફ, ખાંસી કે એવી કોઈ તકલીફ ન હતી. રામુ સંપૂર્ણ ભાનમાં હતો. તેને મગજમાં કે બીજે કયાંય ઈજા પણ નહોતી થઈ. તેના નાડીના ધબકારા, બ્લડપ્રેશર, શ્વસન બધું જ નોર્મલ હતું. કાપડિયા સાહેબ રામુને તપાસીને નિદાન માટે વિચારમાં પડી ગયા હતા. વાઈનો કે ખેંચનો પહેલો એટેક હોવો જોઈએ, એવું તેમને લાગતું હતું.

        આસીસ્ટન્ટ પ્રોફેસર ભટ્ટ સાહેબ પણ રામુના કેસમાં તપાસ કરીને નિદાન માટે વિચારમાં પડી ગયા હતા. જુવાન સશક્ત રામુ પહેલી વખત વાઈમાં ખેંચાતો હતો કે મગજનો સોજો હોવાથી ખેંચાતો હતો , તે સ્પષ્ટ થતું ન હતું. તે વખતે ફકત મગજના એકસરે અને મગજના ગ્રાફની ઈ. ઈ.જી.ની ૫ટ્ટીની જ તપાસ થઈ શકતી હતી.

        હવે કાપડિયા સાહેબે સિનિયર રેસિડેન્ટ ગૌરવ જોષી સામે જોયું હજુ તાજો જ એમ.ડી. પાસ થયો હોવાથી પુસ્તકીયા જ્ઞાન વધારે હતુ.

        તે મોટા મોટા રોગો સાથે સાથે કોઈ સિન્ડ્રોમ કે ભાગ્યે જ જોવા મળતી બીમારી વિચારી રહ્યો હતો. પણ નિદાન સ્પષ્ટ થતું ન હતું.

        સેકન્ડ અને થર્ડયર સ્ટુડન્ટો પણ નિદાન માટે પ્રયત્ન કરતા હતા. કાપડિયા સાહેબે તપાસો પછી નહીં, પણ ક્લિનીકલ નિદાન માટે આગ્રહ કર્યો. બધા અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટો તો બધા સામે જોઈને ગુંચવાઈ રહ્યા હતા.

        ત્યાં તો સાહેબો માટે કોફી કયારે લાવવી તે પૂછવા મોતીકાકા અંદર આવ્યા. પ૬ વર્ષના મોતીકાકા છેલ્લા ૩૦ વર્ષોથી મેડીસીન ઓપીડીમાં પ્યુન હતા. તેમને વર્ષોનો આ જ ઓપીડીનો અનુભવ થઈ ગયો હતો. તેની જૈફ ઉંમરને લીધે સહુ તેમને મોતીકાકાના નામથી જ બોલાવતા.બેભાન થયેલા, લકવાના જેવા કેટલાય કેસ તેમની નજર સામે સારા થઈને ગયા હતા. તેમને પણ આવા કેસ સાંભળવામાં રસ પડતો. બધા કેસની ચર્ચા કરતા હતા, એમાં મોતીકાકાને રસ પડી ગયો. ધ્યાનથી બધાની ચર્ચા સાંભળીને તેમણે રામુ સામે જોયું વિચારીને તેમણે કાપડિયા સાહેબને પૂછયું.

        ‘‘ સાહેબ, હું રામુના માબાપને નિદાન માટે પૂછી શકુ છુ ?’’

        બધા ડોકટર સાહેબો હસી પડયા. આટલા બધા ન્યુરોફીઝીશ્યનો પણ હજી ચોકકસ નિદાન નથી શોધી શકતા, અને આ પટાવાળાને શું મશ્કરી સુઝે છે?

        ડો.કાપડિયા હસી પડયા, તેમણે હસતા હસતા કહ્યું, ‘‘મોતીકાકા તમે તો અમારાથી પહેલા નિદાન સુધી પહોંચી ગયા.’’ યુનિટના બધા ડોકટરો હસી પડયા.

        ‘‘ સાહેબ એક વખત કોશિશ તો કરવા દો.’’ મોતીકાકા બોલ્યા.

        ‘‘સારૂ સારૂ’’ કાપડિયા સાહેબને હવે નિદાન કરતાં કોમેડીમાં વધારે રસ પડતો હતો. ભટ્ટ સાહેબ અને નવો ફિઝીશ્યન વૈભવ મૂછમાં હસી રહ્યા હતા.

        મોતીકાકાએ રામુના માબાપને બોલાવીને પૂછ્યું‘‘છેલ્લા નવ મહિનામાં કયારેય રામૂને કુતરું કરડેલું?’’

        ગામડાના માબાપને યાદ આવ્યું, ‘‘ હા સાહેબ, અમારો રામૂ બહું તોફાની છે. ત્રણેક મહિના પહેલા એક તોફાની કૂતરાની પુંછડી ખેંચતા, રામૂને મોટું બચકું ભરી લીધેલું. પણ તે કૂતરૂં તો અઠવાડિયામાં મરી ગયું, હવે તેનું શું છે?’’

        ગામડામાં હડકવાની રસીના ડોઝ તો કયાંથી હોય. માબાપને આ ડોઝની અગત્યતાની ખબર પણ ન હતી.   

        મોતીકાકાના આ સવાલથી આખું યુનિટ ચોંકી ગયું. મોટા મોટા સાહેબોના મગજમાં આ વિચાર તો આવ્યો જ ન હતો. મોટા મોટા ફેન્સી નિદાન કરનારા સાહેબો આપણા દેશનો ખતરનાક હડકવાનો રોગ તો ભૂલી જ ગયા હતા.

        મોતીકાકાનું સાચું નિદાન સાંભળી સહું શરમાઈ ગયા. હડક્વાની શરૂઆતના તબક્કામાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે, તે સૌ ભૂલી જ ગયા હતા.

        તરત જ રામૂને હડકવાના સ્પેશ્યલ વોર્ડમાં દાખલ કરી દીધો. ફકત ચાર જ દિવસમાં રામુના શરીરમાં હડકવા ફેલાઈ ગયો. પાણીની ધાર જોઈને તે ઉછળી પડતો, અને પાંચમાં દિવસે તો તે બધાને કરડવા દોડવા લાગ્યો. બે દિવસ પછી તેનું મૃત્યુ થયું.

        કૂતરૂ કરડયાના મહિનાઓ પછી પણ હડકવા માણસમાં દેખાય શકે છે. એક વખત તેના લક્ષણો દેખાય પછી મૃત્યુ સો ટકા નક્કી જ હોય છે.

        આ બધુ ચોપડીમાં લખેલું જ છે. મોટા મોટા નિદાનો કરનાર સાહેબો, નાની વાત ભૂલી જાય ત્યારે અનુભવી મોતીકાકાને સલામ માર્યા વગર કેમ રહેવાય ?

        વિકસિત દેશો જેવા યુ.એસ.એ., યુ.કે., કેનેડા વગેરે દેશોમાં રખડતા કૂતરાનો ત્રાસ જ નથી, તેથી ત્યાં હડકવાનો દર શૂન્ય ટકા છે. આપણા દેશમાં હજુ પણ હડકવા ખતરનાક જાનલેવા બીમારી છે, જેને માટે રખડતા કૂતરાઓનો ઈલાજ જરૂરી છે. આજે હજી પણ કયારેક હડકવાના રોગની વાત થાય કે, તેના દર્દી દેખાય તો મોતીકાકા યાદ આવ્યા વગર રહેતા જ નથી. એવું કહેતા ડૉ. રમેશભાઈ હજુ પણ કહે છે, અનુભવીઓની વાત પણ સાંભળતા રહો, કેટલીક વખત ડિગ્રીની સાથે સાથે અનુભવ પણ બાજી મારી જાય છે.

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


અનુભવી મોતીકાકા- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

2 ટિપ્પણીઓ:

  1. Sachi vat che .aavu ghani var bane che .anubhavi ni vat ne najar andaj n kari sakay samany jivan ma ane Mediclaim ma pan aava ghana dakhla joya che .moti kakani vat dr.sahebe mani ne umada udaharan puru padyu che temne dhanyad.

    જવાબ આપોકાઢી નાખો

Thank you for reading my stories