માસુમ ભીખલો
ડિસેમ્બરના અંતમાં અમદાવાદમાં સખત ઠંડીના વાવર હતા. અમદાવાદમાં આ વખતે ઠંડીનો પારો ગગડીને ૮ સેન્ટીગ્રેડથી નીચે ઉતરી ગયો હતો. ઠંડા પવનો સુસવાટા મારી રહ્યા હતા. બહાર ભસતા કૂતરા પણ ઠંડીમાં ઠુંઠવાઈને ખુણામાં ભરાઈ ગયા હતા. સિવિલના બાળકોના વોર્ડમાં ડૉ. પંડ્યાની આ રવિવારે નાઈટ ડ્યુટી હતી. રાત્રીનો છેલ્લો રાઉન્ડ દસ વાગે પતી ગયો હતો. બધા દર્દીઓને રાતના ઈન્જેકશનો અને દવાઓના ડોઝ અપાઈ ગયા હતા. વોર્ડના સ્ટાફ સીસ્ટર અને આયાબેન વિગેરે રાત્રે અગિયાર વાગે આરામ ફરમાવી રહ્યા હતા. તમામ દર્દીઓ ગોદડામાં લપાઈ ગયા હતા.
હવે રાત્રે કોઈ કેસ આવે તેમ લાગતું ન હતું. તેથી ડૉ. પંડ્યા અને સહ હાઉસમેન ડો.મોદી સામે લારી ઉપર ચ્હા પીવા જવાનું વિચારી રહ્યા હતા. હજુ વોર્ડમાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યાં તો એક ભિખારણ તેના બાબાને બિલ્કુલ સિરીયસ હાલતમાં લઈને કેસ કઢાવ્યા વગર દોડતી આવી. તેના ફાટેલા તૂટેલા કપડા કરતા થીંગડા વધારે દેખાતા હતા. એક અઠવાડિયાથી નાહયા વગરના માણસના શરીરમાંથી ખાસ પ્રકારની વાસ આવતી હોય તેવી વાસથી વાતાવરણ ભરાઈ ગયું. તેના હાથમાં ફાટેલા કપડાથી ઢાંકેલો દોઢ વર્ષનો માસુમ ભીખલો ઠંડીથી ઠુંઠવાઈને જાણે છેલ્લા ડુસકાં લઈ રહ્યો હતો. તેનું નામ હતું રૂખી ભિખારણ. તરત જ ભીખલાને ઈમરજન્સી બેડ પર લઈને ઓક્સિજન ચાલુ કર્યો તેનો શ્વાસ ધીમો ચાલતો હતો, પેટ અંદર ઉતરી ગયું હતું, નાડી તો જાણે ચાલતી જ ન હતી. નસમાં તાત્કાલિક બાટલા ચાલુ કરી ઈમરજન્સી ઈન્જેકશનો ચાલુ કરવા ઓર્ડર કર્યો.
રૂખીને તકલીફ પૂછતા જણાવ્યું છેલ્લા ચાર દિવસથી તેમને બંનેને એક અન્નનો દાણો ખાવા મળેલ નથી. વોર્ડમાં તમામની આંખો ફાટી ગઈ. ‘શું વાત છે?’’ રૂખીની કહાની ખૂબ હૃદયદ્રાવક હતી. તેમનું ભીખ માંગતું કુટૂંબ એક નાના ઝૂંપડામાં સાબરમતીને કિનારે પડી રહેતું. કોઈ વખત જો ભીખલાના બાપાને મજૂરી મળી જાય તો વળી ઘરમાં ખાવાનું બનતું. નહીં તો ભીખમાં જે મળે તે ખાઈને ચલાવી લેવાનું.
રૂખીના વર ધૂળજીને દારૂ પીવાની બુરી લત પડી ગઈ હતી. રૂખીએ બહુ સમજાવ્યા પણ ધુળજીને દારૂ વગર ચાલતું નહી. સમય જતાં ભીખલાનો જનમ થઈ ગયો. ધીમે ધીમે ધુળજીના લીવર ઉપર ખરાબ અસર થવાથી લોહીની ઉલ્ટીઓ થવા લાગી. તેને સિવિલમાં દાખલ તો કર્યો પણ દવાદારૂમાં ઝુપડું અને રહ્યા સહયા વાસણો પણ વેચાઈ ગયા. છેલ્લે પંદર દિવસે ધુળજીના મૃતદેહને ઘેર લાવ્યા, ત્યારે આજુબાજુના પાડોશીના ઉઘરાવેલા રૂપિયાના લાકડા લાવી અગ્નિદાહ દેવો પડયો.
હવે તો એલીસબ્રીજના છેડે આવેલી ફુટપાથ સિવાય કોઈ આશરો ન હતો. ભીખલો એક વરસનો થઈ ગયેલો પણ ખાવાપીવાના ઠેકાણા નહી, તેથી તે કુપોષણનો શિકાર બની ગયોલો. તેની હાલત ‘‘હાથપગ દોરડી અને પેટ ગાગરડી’’ જેવી થઈ ગઈ હતી. પહેરવાના કપડા પણ ભીખમાં આવેલા અને ખાવાનું પણ ભીખમાં આવેલું અને પહેરવા ઓઢવાનું કે વાસણ કાંઈ નહી.
આજે અન્નકુટના દર્શન હોવાથી રૂખી આશા સાથે ભગવાનના મંદિરે પહોંચી ગઈ હતી. મંદિરના દરવાજે કે મુખ્ય રસ્તે રૂખીને બેસવા જ ના દીધી. છેક દૂર દૂર તેને ભીખલા સાથે બેસવાની જગ્યા તો મળી તેમાં વળી હપ્તા ઉઘરાવનારાની હેરાનગતિ તો ખરી જ. મંદિરની અંદરથી છપ્પન ભોગની સરસ સુગંધ આવી રહી હતી. રૂખી અને ભીખલાના મોંમાં પકવાનની સુગંધથી લાળ ઝરવા લાગી. રૂખીને આશા બંધાઈ કે આજે તો સારું ખાવાનું મળશે જ. લોકોના ટોળે ટોળા દર્શન માટે ઉમટી પડયા હતા. કોઈને રૂખી કે ભીખલાની સામે જોવાનો સમય જ ન હતો.
હરિભક્તો, દયાળું આત્માઓ છપ્પન ભોગના દર્શન કરી પ્રસાદના જમણ કરી ઓડકાર ખાતા ખાતા બહાર આવતા. દરેક ભિખારીને દાન પુણ્ય માટે ભીખ આપતા, પણ રૂખી સુધી કોઈ આવતું જ ન હતું. ભીખલાના પેટમાં છેલ્લા ચાર દિવસથી એક પણ દાણો ગયો ન હતો. ઠંડીથી તે કમકમી રહ્યો હતો અને ભૂખથી રડી રહ્યો હતો.
‘‘તેનો હાથપગ ઉપર આ સોટીના નિશાન કઈ રીતે થયા ?’’ ડૉ. પંડયાએ પુછ્યું.
રૂખી રડી પડી ‘‘સાહેબ શું વાત કરૂં?’’ એક સાહેબ તેના કૂતરાને બિસ્કીટ ખવડાવતા જઈ રહ્યા હતા. તેમાં એક બિસ્કીટ પડી ગયું, તે ભીખલો લઈને ખાવા ગયો, તો તેનો માલિક બગડયો.
“એય છોકરા ! મારા કૂતરાના બિસ્કીટ ખાય જાય છે.” એમ કહી તેના હાથમાંથી બિસ્કીટ ઝૂટવી હાથમાં રહેલી સોટીથી ભીખલાને
ફટકારી બિસ્કીટ ડાધીયાને ખાવા આપી દીધું, આ તેની સોટીના મારના નિશાન છે.’’
આખા વોર્ડનો સ્ટાફ હબક ખાઈ ગયો. સીસ્ટર અને આયાના મોંમાંથી હાયકારો નીકળી ગયો. માસુમ ભીખલના નસીબમાં પડી ગયેલું બિસ્કીટ પણ નહીં, તે પણ ડાઘીયાના પેટમાં !
‘‘સાહેબ, અન્નકુટના દર્શન કરી, મહાપ્રસાદ ખાઈ બધા જતા રહ્યા, પણ રાતના દસ વાગ્યા સુધી અમને કાંઈ જ ખાવા ના મળ્યું.” રૂખીએ રડતાં રડતાં પોતાની કહાની સંભળાવી.
છેલ્લે પુજારીએ દયા ખાઈને એંઠવાડમાંથી અન્ન વીણવા કહ્યું તેમાં પણ અમારી બદનસીબી! પુજારીના પત્નીને યાદ આવ્યું કે મંદિરની ગાયના વાંછરડાને ભૂખ લાગી હોવાથી એંઠવાડનું તપેલું અંદર લઈ ગયા. અમે બંને જોતા રહી ગયા.
‘‘ પણ તેને ઠંડીમાં ખુલ્લો કેમ રાખેલ છે?’’ ડૉ. પંડ્યાથી પૂછાઈ ગયું.
‘‘શું કરીએ સાહેબ, અમારી પાસે એક જ ગોદડી હતી. અમે મંદીરે આવ્યા ત્યારે ફુટપાથ પરથી કૂતરા ખેંચી ગયા.’’
ભૂખ્યા પેટે અમે ખુલ્લામાં ફુટપાથ ઉપર સુવા ગયા. ભીખલો
ભૂખથી રડી રહ્યો હતો. પણ ઠંડીમાં ઠુંઠવાઈને તે અચાનક બેભાન થઈ ગયો.
‘‘તેથી છેવટે હું તેને ચાલતા લઈને આવેલી છું’’ રૂખીએ પોતાની વાત પૂરી કરી. સીસ્ટરે તેને કેસ કઢાવી લાવવા કહ્યું.
રૂખી કરગરી પડી. ‘‘સાહેબ, કેસ કઢાવવાના પાંચ રૂપિયા હોત તો હું તેને ગ્લુકોઝ બિસ્કીટ લઈને તેને ખવડાવત નહીં?’’
વોર્ડમાં બધા તેની વાત સાંભળીને સહેમી રહ્યા હતા. ઓક્સિજનથી થોડો સમય સારો થયેલ ભીખલો અંતે આંખો ચડાવી ગયો અને એ જ મિનિટમાં તેના પ્રાણ નીકળી ગયા.
‘‘ભગવાનના અન્નકુટ બહાર બેસી રહેલા માસૂમને જીવ બચાવવા ટૂકડો પણ નસીબમાં ન હતો. છપ્પનભોગનાં પકવાન સાથેના અન્નકૂટની સુગંધથી બહાર બેઠેલાનાં પેટ કઈ થોડા ભરાય છે ? ભગવાન તો ભાવનાં ભૂખ્યા છે. બહાર બેઠેલા ભૂખથી તરફડતાં માસુમ બાળક અને તેની માં તરફ કોઈનું ધ્યાન પણ ના ગયું, એમ વિચારતાં વોર્ડના સહુ કોઇની આંખોમાથી ટપટપ આંસુ પડી રહ્યા હતાં.
હોસ્પિટલના નિયમ મુજબ તરત જ મરણ થયું હોવાથી ભીખલાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આવ્યો.
બે દિવસે રીપોર્ટ આવ્યો, બાળકના આખા અન્નમાર્ગમાં જરાપણ ખોરાક નથી.
મોતનું કારણ, ચાર દિવસથી ભૂખ અને તીવ્ર ઠંડીથી દોઢ વર્ષના માસૂમનું મોત.
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
માસુમ ભીખલો - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

.jpg)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories