18 જાન્યુઆરી 2025

આબરૂના ધજાગરા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

આબરૂના ધજાગરા

રમણભાઈ, તમારા દીકરાની જમણી કિડનીમાં પથરી તો છે, પણ તેના લીધે આખી કિડનીમાં પરુ થઈ ગયું છે. જો તે અંદર રહેશે તો આખા પેટની અંદર પરુ થઈ જવાની બીક છે.ડૉ. દિવ્યાંગ જોષીએ લોહીવાળા હાથે ઑપરેશન થિયેટર બહાર આવી કહ્યું.

તો શું કરવું જોઈએ ?” રમણભાઈએ ગભરાયેલા અવાજે પૂછ્યું.

તેની જિંદગી બચાવવા જમણી કિડની જ કાઢી નાખવી પડશે. તેની ડાબી કિડની નોર્મલ છે. એટલે બીજો કોઈ વાંધો નહીં આવે.ડૉક્ટરે સમજ પાડી. રમણલાલ એકલા જ હતા. તે વિચારમાં પડી ગયા. શું કરવું ? જવાબ તરત આપવો જરૂરી હતો.

બહુ વિચારો નહીં. ઑપરેશન ચાલુ છે. એક જ વખતના ઑપરેશનમાં જ થઈ જશે.ડૉક્ટરે અલ્કેશના ભલા માટે સૂચન કર્યું. અંતે રમણલાલે જવાબ વાળ્યો, “સારું, ડૉક્ટર સાહેબ, આપને યોગ્ય લાગે તેમ કરો !!તરત જ સિસ્ટરે રમણલાલના દીકરા અલ્કેશની જમણી કિડની કાઢવાની મંજૂરી માટેની સહી તેના કેસ પેપર ઉપર કરાવી લીધી.

બે કલાકને અંતે ઑપરેશન પૂરું થતાં હાશ થઈ. રમણલાલ ઉતાવળ અને મોટી ઉંમરના હિસાબે ઘરના બધાને અને અલ્કેશને ઉપરની બધી જ વાત કહેવાનું ભૂલી ગયા. અલ્કેશને તો સારું થતાં સાત દિવસે રજા મળી ગઈ.

ડૉ. દિવ્યાંગ જોષી એટલે આખા હળવદ તાલુકાના જૂનામાં જૂના અને ખૂબ જ નામાંકિત સર્જન. તેમને ઑપરેટિવ કામકાજમાંથી સમય જ મળતો ન હતો. દરરોજનાં પાંચથી છ મેજર ઑપરેશનો હોય જ અને પછી પાછું ઇન્ડોર પેશન્ટના રાઉન્ડ, ઓપીડીના પેશન્ટ અને ઇમરજન્સી કેસની દોડાદોડ તો ખરી જ. આમાં ને આમાં તેમનાથી કોઈ જ રેકોર્ડ કે કેસ પેપરની જાળવણી કે ફાઈલ થઈ શકતાં જ ન હતાં. ઑપરેશન પૂરું થાય એટલે કમ્પાઉન્ડર કેસ પેપરને કબાટમાં ગમે તેમ મૂકી દેતા, ના કોઈ ફાઈલ કરે કે ના કોઈ રેકોર્ડ રાખે.

બધા મિત્રોએ ડૉ. દિવ્યાંગને બે-ત્રણ વખત વાતચીત દરમિયાન ચેતવેલા ડૉક્ટર, તમે તમારા કેસ પેપર અને રેકોર્ડ સાચવીને રાખો. હવેના દર્દીઓ બહુ જ ચકોર થઈ ગયા છે. ગમે ત્યારે રેકોર્ડની જરૂર પડે.

ડૉ. પટેલ, અહીં આખા તાલુકામાં લોકો મને ભગવાનની જેમ પૂજે છે, અહીં મને કાંઈ ના થાય.ડૉ. દિવ્યાંગે બેફિકરાઈથી હસતાં-હસતાં જવાબ આપ્યો. સમયને જતાં ક્યાં વાર લાગે છે ? વરસ તો આંખના પલકારામાં વીતી ગયું. રમણલાલ અને તેમનાં પત્ની હિમાલયમાં માનસરોવરની જાત્રાએ ગયાં હતાં, તેથી તેમનો પાંચ-છ દિવસનો સંપર્ક પણ થઈ શકે તેમ ન હતો. તે દરમિયાન અલ્કેશને ફરી પાછું પેટમાં જમણી બાજુ દુખાવો ચાલુ થયો.

અલ્કેશ વિચારમાં પડી ગયો પથરી કઢાવી નાખી છે, તો ફરી કેમ દુખાવો ઊપડ્યો ?” તેણે તેના ફૅમિલી ડૉક્ટર ગજ્જરને બતાવ્યું. ડૉક્ટર ગજ્જરે તપાસીને કહ્યું, “આમ તો મરડાનો દુખાવો લાગે છે, પણ એક વખત પથરી થઈ હતી, એટલે સોનોગ્રાફી કરાવવી પડશે.અલ્કેશે બીજા દિવસે સવારની એપોઇન્ટમેન્ટ ડૉ. શાહસાહેબની લઈ લીધી. પણ સાંજે તેને દુખાવામાં સારું લાગતું હતું. ઑફિસેથી રજા લીધેલી, એટલે સમય પસાર કરવા તે ભાડેથી ઇંગ્લિશ પિક્ચર કોમાની સીડી લઈ આવ્યો. તેમાં ધીમે-ધીમે વાર્તા જામતી ગઈ. ડૉક્ટર તેના દરેક દર્દીઓને બેભાન અવસ્થામાં મૂકી રાખતો. જેમ જરૂર પડે તેમ લાખો ડૉલરમાં આ કોમામાં રહેલા દર્દીઓનાં કિડની, લિવર વગેરે અંગો કાઢીને તેનો વેપાર કરતા. અલ્કેશને આ પિક્ચર જોઈ ડૉક્ટર ઉપર ગુસ્સો અને નફરત થઈ ગયાં. આવી રીતે જીવતાં દર્દીઓનાં અંગોનો વેપાર કરીને લાખો ડૉલર કમાવાના ? આવા ડૉક્ટરોને તો સખતમાં સખત સજા થવી જોઈએ. અલ્કેશનો ગુસ્સો હાથમાં રહેતો ન હતો.

બીજા દિવસે સવારે ભૂખ્યા પેટે અલ્કેશ ડૉ. શાહને ત્યાં સોનોગ્રાફી કરાવવા પહોંચી ગયો. ડૉ. શાહ જેમજેમ સોનોગ્રાફી કરતા ગયા, તેમતેમ તેમનું મોં ચિંતાતુર થઈ ગયું. અલ્કેશ પણ ગભરાયો, તેણે પૂછ્યું. ડૉક્ટરસાહેબ, કાંઈ ગંભીર બીમારી છે ?” ડૉ. શાહ જવાબ આપવો કે નહીં તેની વિમાસણમાં હતા. છેવટે તેમણે ગંભીર મુખમુદ્રામાં કહ્યું, “તમારી જમણી બાજુ કિડની જ નથી.

હોય નહીં, ડૉક્ટરે મારી પથરી કાઢી છે, કિડની નહીંઅલ્કેશ ઉત્તેજિત થઈ ગયો.

મારે તો જે છે, તે કહેવું પડે ને !ડૉ. શાહે જવાબ આપ્યો.

અલ્કેશ.પહેલાં વિચારમા પડી ગયા પછી એકદમ ગુસ્સ થઈને દોડ્યો, ડૉ. પટેલના  સોનોગ્રાફી ક્લિનિક ઉપર. તેમનો પણ રિપોર્ટ તો એ જ હતો. જમણી  કિડની જ નથી.

હવે અલ્કેશ ડૉ. દિવ્યાંગ ઉપર બરાબરનો ગુસ્સે ભરાયો. તેનાં મમ્મી-પપ્પા તો હતાં નહીં. તેથી મિત્રો અને સગાંઓને ભેગાં કરી ઊપડ્યો ડૉ. દિવ્યાંગ જોષીના નર્સિંગહોમ ઉપર. ડૉ. જોષી એક દર્દી તપાસી રહ્યા હતા. અલ્કેશે દરવાજો પછાડીને સગાં સાથે અંદર ઘૂસી બૂમ પાડી. કિડનીચોર !ડૉ. જોષી છોભીલા પડી ગયા. આખા દવાખાનામાં સોપો પડી ગયો.

ડૉ. જોષીને વર્ષ પહેલાંનો અલ્કેશનો કેસ યાદ આવી ગયો. તરત તેમણે કહ્યું, “બેટા, મેં તારી જિંદગી બચાવવા તારા પપ્પાની મંજૂરીથી તારી જમણી કિડની કાઢી છે.

અલ્કેશના પપ્પા રમણભાઈ તો માનસરોવરની યાત્રાએ હતા. તેથી તેમનો સંપર્ક શક્ય ન હતો.

ખોટું ના બોલો ડૉક્ટર ! તમે મારી કિડની વેચી મારી છે.અલ્કેશના મનમાં હજી કોમાના ડૉક્ટરની કડદાબાજી જ ઘૂમરાતી હતી.

ડૉ. જોષી તેના પપ્પાની સહીવાળા કેસ પેપર લેવા દોડ્યા. પણ કેસ પેપર સરખી રીતે ફાઈલ કરીને મૂક્યા હોય તો મળે ને ! આ વાતને વરસ થઈ ગયું હોવાથી કેસોના ઢગલા ક્યાંય આઘાપાછા થઈ ગયા હતા. ડૉ. જોષી પસ્તાઈ રહ્યા હતા, તેમણે વિચાર્યું કે આવા અગત્યના કેસોની ફાઈલ તો સાચવીને લૉકરમાં રાખવી જોઈએ, પણ અત્યારે તો તે બરાબરના ફસાઈ ગયા હતા.

અલ્કેશનો ગુસ્સો હવે હાથમાં ન હતો. તરત તેમણે હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ દર્જ કરી દીધી. સિનિયર ઇન્સ્પેક્ટર દેસાઈસાહેબ પણ વિચારમાં પડી ગયા. આટલા સિનિયર અને આબરૂદાર ડૉક્ટર આવું નીચ કામ કરે જ નહીં. એમ વિચારી તેમણે આગળ કોઈ જ કાર્યવાહી કરી નહીં.

તેથી જ અલ્કેશ અને તેનાં સગાંઓનું ટોળું બેકાબૂ બની આખા ગામમાં જોરજોરથી બૂમો પાડતું ફરી રહ્યું હતું. ડૉ. દિવ્યાંગ જોષી કિડનીચોર !ગામના લોકો અજાયબ થઈ ગયા. ડૉ. જોષીની આબરૂ અને પ્રૅક્ટિસના ધજાગરા ઊડી ગયા.

બીજા દિવસે ત્યાંના લોકલ છાપાના છેલ્લા પાને સમાચાર હતા ડૉ. જોષી જેવા આબરૂદાર સર્જન કિડનીચોર !ચારે તરફ ફિટકાર વરસી રહ્યા હતો. ડૉ. જોષીની હૉસ્પિટલ ખાલી થઈ ગઈ. ડૉ. જોષી હજુ રમણલાલે સહી કરેલા કેસ શોધી રહ્યા હતા.

પી.આઈ. દેસાઈસાહેબને હવે કાર્યવાહી કર્યા વગર છૂટકો જ ન હતો. ડૉક્ટર રડમસ ચહેરે બોલ્યા. ઇન્સ્પેક્ટર સાહેબ, મેં તેના ભલા માટે બગડેલી કિડની તેના પપ્પાની મંજૂરીથી કાઢી છે.

કાયદો આધાર-પુરાવા માંગે છે. કેસ પેપર અને મંજૂરી આપનાર રમણલાલ ક્યાં હતા ? અંતે ડૉક્ટરને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવા પડ્યા.

બપોરે બાર વાગે રમણલાલ યાત્રાએથી આવતા હકીકત જાણી સીધા દોડ્યા પોલીસ સ્ટેશને. તેમણે વિનંતી કરી. ઇન્સ્પેક્ટર સાહેબ, ઑપરેશન દરમિયાન મારી મંજૂરીથી કિડની કાઢી છે, પણ હું ઘરના બધાને આ વાત કરવાની ભૂલી જ ગયો હતો.ડૉ. જોષીની આંખો ભરાઈ ગઈ. અલ્કેશ અને તેના સાથીદારો નીચું જોઈ ગયા. ડૉ જોષીનો બાઇજ્જત છુટકારો થયો.

હવે ડૉ. જોષી આવા મેજર ઑપરેશન કરી શકતા નથી. તેની હિંમત નિરાશામાં ઓગળી ગઈ છે. તેમના હાથ ધ્રૂજી જાય છે. હવે તે દરેક કેસ નંબર પાડી ફાઈલ કરી લૉકવાળા કબાટમાં સાચવીને મૂકે છે. ગયેલી આબરૂ અને હિંમત પાછાં કઈ રીતે આવે ?

તમે પણ અગત્યના રેકોર્ડ્સ ફાઇલમાં સાચવીને રાખશોને ??


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


આબરૂના ધજાગરા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories