ડૉ. ચોક્સી અમેરિકા
ઉપડ્યાં
ડૉ.
ચંદ્રકાન્ત કનુભાઈ ચોકસી આખા વિરમગામ તાલુકાના સૌથી વધારે કમાનારા અને નામાંકિત
સર્જન સાહેબ. ડોક્ટરની બેચમાં બધા તેને ડૉ. સી.કે. ચોકસી અને તેમાંથી ફક્ત
સી.કે.ના નામથી જ ઓળખતા. પહેલી જ ટ્રાયલે સર્જરીની ડિગ્રી મેળવ્યા પછી તેમણે નોકરી
લેવાને બદલે સીધું નાના તાલુકા લેવલે પોતાની જ હૉસ્પિટલ ચાલુ કરવાનું વિચાર્યું.
અમદાવાદ નજીક વિરમગામમાં જ સરસ મોટી ભાડાની હૉસ્પિટલ ચાલુ કરી, નસીબની સાથે ફક્ત
પાંચ જ વર્ષમાં તેમનું નામ જામી ગયું.
આખા તાલુકા
ઉપરાંત સાણંદ, ધોળકા, ધંધુકા વગેરેનાં
દૂરનાં ગામોમાંથી પણ દર્દીઓ ઊભરાવા લાગ્યા. બીજાં પાંચ વર્ષમાં તો સી.કે.એ પોતાની
બે માળની ચાલીસ બેડની હૉસ્પિટલ ઊભી કરી દીધી. કામમાં પહોંચી વળાય એટલે બે
આસિસ્ટન્ટ ડૉક્ટર ફુલટાઇમ પગારથી રાખી લીધા. આ ઉપરાંત સત્તર માણસોનો પેરા મૅડિકલ
સ્ટાફ, રાઉન્ડ ધી
ક્લૉક તો ખરો જ. સી.કે.નો વટ જબરદસ્ત હતો. પોતાની બેઠક પર કૅબિનમાં બેઠાબેઠા રિમોટ
બૅલ મારે તો ત્રણ માણસો સેવામાં હાજર થઈ જતા. તેમની હૉસ્પિટલમાં નાનાં-મોટાં
ઑપરેશનો તો તેમના આસિસ્ટન્ટ ડૉક્ટરો જ પતાવી દેતા. ફક્ત મોટી મોટી સર્જરી માટે જ
તેઓ તૈયાર થતા. લાખોની કમાણી, બેસુમાર આવક, પછી તો પૂછવું જ શું ? વિરમગામમાં જ મોટો બંગલો અને બે મોટી લક્ઝુરિયસ ગાડીઓ.
ઘરમાં માણસો બે જ હતાં. ઉપરવાળાએ સંતાનસુખ આપેલ નહીં, તેનો બંનેને વસવસો
હતો.
ડૉ. જોશી અને ડૉ. મોદી તેઓને મળવા ગયા ત્યારે સમય ફાળવીને બધું બતાવતાં તેઓ ગર્વથી ફુલાતા હતા. તેમનાં પત્ની પુષ્પાબહેન પણ ખુશીખુશી અમને તેમના ભપકા અને વટનો અહેસાસ કરાવતાં હતાં. રસોઈ માટે મહારાજ, ચોવીસ કલાક રહેતી બે કામવાળી, માળી, વૉચમૅન વગેરે દસ માણસોનો સ્ટાફ તો તેમના બંગલે હતો. તેમને ઘરમાં તો કોઈ કામ કરવાનું જ નહોતું, તેથી ગામના મહિલા મંડળના પ્રમુખ, લાયન્સ ક્લબના ગવર્નર વગેરે અનેક હોદ્દા પુષ્પાબહેન સંભાળતાં. ડૉ.જોષી અને ડૉ. મોદી આ બધું જોઈ, સાંભળીને ખુશ થઈ ગયા.
ચાલીસમા
વર્ષે સી.કે. અને પુષ્પાબહેન અમેરિકા ફરવા ગયાં. સી.કે.ના મોટાભાઈ વર્ષોથી
અમેરિકામાં જ ડૉક્ટર હતા અને બહુ સારા ડૉલર કમાતા હતા. અમેરિકાનો વૈભવ, ભવ્યતા, શિસ્ત, ચોખ્ખાઈ અને ડૉલરના
પાવરથી બંને જણાં અભિભૂત થઈ ગયાં. તેમણે વિચાર્યું - ‘‘આવા સુંદર દેશમાં
રહેવા મળે તો કેવી મજા આવે ?’’
તેમની
લાગણી મોટાભાઈ સમજી ગયા. તેમણે કહ્યું, ‘‘ચંદ્રકાન્ત, તમારી ઇમીગ્રેશન ફાઈલ કરી દઈએ, તે વખતે મન થાય તો
આવતા રહેજો.’’
જોતજોતામાં
બાર વર્ષ વીતી ગયાં. ડૉ.સી.કે.નો વટ, વૈભવ અને કારોબાર એકદમ ટોચ ઉપર હતાં. અચાનક એક દિવસ
ગ્રીનકાર્ડની ફાઈલના કાગળો આવ્યા. ડૉ.સી.કે. અને પુષ્પાબહેન ખુશ થઈ ગયાં. માણસને
બધું જ પર્યાપ્ત હોય, છતાં હજુ
વધુ, હજુ વધુની
લાગણી વિચારવાની શક્તિ લુપ્ત કરી નાખે છે. છેવટે સી.કે.એ તો અમેરિકા શિફ્ટ થવાનો
નિર્ણય લઈ લીધો. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ડૉ.સી.કે. કાયમ માટે અમેરિકા જઈ રહ્યા
છે - વાતનો ફેલાવો ચારે તરફ આગની જેમ પ્રસરી ગયો. તેમણે ધીમેધીમે સ્ટાફને છૂટો કરી
હૉસ્પિટલ વેચી મારી. છેવટે સુંદર બંગલો પણ વેચી દીધો.
ડૉ. જોષી
સાથે ફોન પર વાત કરતાં સી.કે. બહુ જ ખુશ હતા. તેમણે ડૉ. જોશીને કહ્યું, ‘‘ડૉ. જોશી, અમે બધું વેચીને
કાયમ માટે અમેરિકા જઈ રહ્યાં છીએ. ત્યાંની કમાણી અને વૈભવ અજબ છે.’’
ડૉ. જોશીએ
ખૂબ સમજાવ્યા,‘‘ સી.કે.
તમને અહીં શું ખૂટે છે ? શા માટે
કાયમ માટે અમેરિકા રહેવા જાવ છો ? ત્યાં કરશો શું ?”
“અરે, ડૉક્ટર જોશી, અમેરિકામાં તો
ડૉક્ટરોને ઘી-કેળાં છે. વાહ, અમેરિકા વાહ, તેની સ્વચ્છતા, વૈભવ અને સાહ્યબી આગળ વિરમગામ તો સાવ ઝાંખું પડે.’’
તેમની
વિચારશક્તિ અમેરિકાના ઉન્માદમાં કુંઠિત થઈ ગઈ હતી. જોતજોતામાં ત્રણ વર્ષ વીતી
ગયાં. તેઓના મિત્રમંડળમાં સી.કે.ના કોઈ સમાચાર ન હતા. બધા ચિંતામાં હતા - ‘‘સી.કે. અમેરિકામાં
કરે છે શું ?’’
ત્યાં તો
સમાચાર આવ્યા - સી.કે.ને ન્યૂજર્સીની જેએફકે હૉસ્પિટલમાં થિયેટર ઇન્ચાર્જની નોકરી
મળી ગઈ છે. સૌ મિત્રોને થયું, ‘‘ ચાલો કાંઈ નહીં, સર્જરી નહીં પણ સારી જોબ તો છે. અહીંયાં કરતાં તો વધારે
કમાતા હશે ને !”
એ જ વર્ષે
કૉન્ફરન્સમાં ભાગ લેવા ડૉ. જોષી અને ડૉ. મોદી અમેરિકા ગયા. કૉન્ફરન્સ પૂરી થતાં
તેઓ ફરવા ન્યૂજર્સી ગયા, ત્યાં
રસ્તામાં જેએફકે હૉસ્પિટલનું બોર્ડ જોતાં તેઓને સી.કે.ની યાદ આવી. ત્યાં આવી બધે
ડૉ. ચંદ્રકાન્ત ચોકસીની પૂછપરછ કરી પણ કોઈને તેની માહિતી ન હતી. તેઓ બંને તેમને
મળવા મેઇન ઑપરેશન થિયેટર તરફ ગયા.
ઑપરેશન
થિયેટર બહાર એક જુવાન ચીનો ડૉક્ટર એક આધેડ ઇન્ડિયનને ધમકાવી રહ્યો હતો ‘‘મિ. ચેક આવી રીતે
પોતાં કરશો તો નહીં ચાલે,
થિયેટરમાં
ઇન્ફેક્શન થશે તેનું શું ?
’’ પેલો આધેડ નમ્ર ભાવે બોલ્યો. ‘‘યસ સર !’’
ડૉ. જોશી
અને ડૉ. મોદીને તેનો અવાજ જાણીતો લાગ્યો. તેણે સામે જોયું અને તેઓ બંને
આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ જેને શોધી રહ્યા હતા, તે ડૉ.સી.કે. જ પોતું મારી રહ્યા હતા. સી.કે. તેમને
જોઈને ખસિયાણા પડી ગયા. તે થિયેટર અંદર ભાગવા ગયા કે તરત જ ડૉ. જોશીએ બૂમ પાડી ‘‘સી.કે. અમે તને
મળવા જ અહીં સુધી આવ્યા છીએ.’’
ડૉ.સી.કે.
ભીની આંખે પોતું બાજુ પર રાખી ઊભા રહી ગયા. ડૉ. જોશીએ પૂછ્યું, ‘‘સી.કે., આવું કઈ રીતે થયું ? આ બધું શું છે ?’’
સી.કે. દયામણા સ્વરે બોલ્યા, ‘‘ ડૉક્ટર, આ બધા નસીબના ખેલ
છે. અમે બંને અહીં આવ્યા પછી પહેલાં બે મહિના તો આરામથી મોટાભાઈના ઘેર પસાર થઈ
ગયા. પણ આ તો અમેરિકા છે. બે મહિના પછી ભાભીએ અમને કહ્યું, ‘‘ચંદ્રકાન્તભાઈ, તમે રહો છો, એ તો અમારા ડોગ
બ્રુનોનો રૂમ છે, તેને હવે
ગેરેજમાં ફાવતું નથી. તમે તમારું રહેવાનું હાઉસ ક્યારે શોધો છો ? ’’
“સમજદારને
ઇશારો કાફી હતો. અમે બંને નાના એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેવા ગયાં. મેં ઘેર રહીને
અમેરિકાની ડૉક્ટર માટેની યુએસ એમએલઈ પરીક્ષા આપવા માંડી.”
‘‘તો પછી
ડૉક્ટર કેમ ના થયો ?’’ ડૉ. જોશીએ
પૂછ્યું, ‘‘આ જ તો મુશ્કેલી
છે ને ! હવે ચોપ્પન વર્ષે બેઝિક સાયન્સના પેપરમાં પાસ થવાયું જ નહીં. પાંચ ટ્રાયલ
અને બે વર્ષમાં ઇન્ડિયાથી લાવેલા તમામ ડૉલર ખર્ચાઈ ગયા. પછી જીવવા માટે ડૉલર તો
જોઈએ ને.”
‘‘પણ તો પાછા
ઇન્ડિયા આવી જવું હતું ને !!’’ ડૉ. જોશીએ સલાહ આપી.
‘‘ભાઈ, આ જ તો અમે
ઉતાવળમાં ભૂલ કરી દીધી.” ત્યાં તો અમે વટથી કાયમ માટે અમેરિકા જઈએ
છીએ કહીને બધું વેચી દીધું હતું. હવે પાછા જઈએ તો કુટુંબમાં, સમાજમાં અને ગામમાં
અમારી મશ્કરી જ થાય ને ! અમારી સ્થિતિ સાપે છછુંદર ગળી ગયા જેવી થઈ ગઈ, ના આગળ જવાય; ના પાછળ જવાય.’’ સી.કે. જવાબ આપતા
ગળગળા થઈ ગયા.
‘‘પછી શું
થયું ?’’ ડૉ. જોશીએ
ઇંતેજારીથી પૂછ્યું. ‘‘બે-ત્રણ
મહિના કામ વગર બેસી રહ્યાં. બધા જ ડૉલર ખાલી થઈ ગયા હતા. એક તબક્કે તો અમે બંનેએ
આપઘાતનો વિચાર કરી લીધો હતો. મુગલેઆઝમના ગીત - “દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો
પીના હી પડેગા” સાંભળીને
અમારામાં નવી ચેતના આવી, અને છેવટે
જે જોબ મળે તે કરવાનું નક્કી કર્યું. એક ઇન્ડિયન ડૉક્ટરની ભલામણથી માંડ માંડ આ જોબ
મળી છે. બે જણાનું પેટ ભરાય એટલું માંડ મળે છે.’’
ડૉ. જોશીએ
પૂછ્યું, ‘‘ ભાભી ક્યાં
છે ? ’’ સી.કે.
ધીમા પગલે અમને લોન્ડ્રી રૂમમાં લઈ ગયા. પુષ્પાભાભી ડૉક્ટરોના ગાઉન વૉશિંગ મશીનમાં
નાખી રહ્યાં હતાં. જૂના મિત્રોને જોઈ તેમની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં.
એક
જમાનામાં વીસ માણસોના સ્ટાફ ઉપર ઑર્ડર કરતા સી.કે.ને પોતું કરતો જોઈ નિસાસો નીકળી
ગયો. વાસ્તવિકતા સ્વીકાર્યા વગર છૂટકો જ ન હતો. જંગલના ગર્જના કરતાં સિંહ અને
સિંહણને મિયાંની બકરી બેં થયેલાં જોઈ ડૉ. જોશી અને ડૉ. મોદી બંનેના મુખમાંથી
અનાયાસે નીકળી ગયું, ‘‘આહ અમેરિકા
!’’
પેલો
ચાઇનીઝ જુવાનિયો ફરી ખખડાવશે એમ વિચારી સી.કે. પોતું લઈ થિયેટર તરફ દોડ્યા.
આપણા
દેશમાં સુંદર કમાણી કરી સુખેથી જીવતા ડૉક્ટરો અને અન્ય પ્રોફેશનલો માટે આ સત્ય
ઘટના (નામ અને સ્થળ બદલાવેલ છે) પ્રસ્તુત છે, કે જેથી મોટી ઉંમરે સ્થળાંતરિત થવાનો નિર્ણય ખૂબ
વિચારીને લઈ શકાય.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ડૉ. ચોક્સી અમેરિકા ઉપડ્યાં - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories