07 જાન્યુઆરી 2025

પસ્તાવો - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

પસ્તાવો 


                અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર રાઠોડ સાહેબ સાણંદ પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા વિચારે ચડી ગયા. પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાઈ ધીમેધીમે સારી કામગીરીથી બઢતી દ્રારા વર્ષો બાદ ઈન્સ્પેકટર બની ગયા, તેના પ્રસંગો એક પછી એક તેમની નજર સામેથી પસાર થતાં ગયા.

                અચાનક બહાર લોકોના કોલાહલથી તેમનું વિચારમંથન અટકી ગયું. તેમણે બુમ પાડી, ‘‘ જમાદાર જુઓને શેની ભીડ છે?’’

                ‘‘સાહેબ, ગામ લોકો ભેગા થઈને રડતી જુવાન અઢાર ઓગણીસ વરસની છોકરીને લઈ આવ્યા છે,‘‘ બળાત્કારનો કેસ લાગે છે’’ જમાદારે તપાસ કરીને જવાબ માંગ્યો.

                ‘‘શું વાત કરે છે? કેટલા વખતે આવો કેસ અહીં આવ્યો?’’ કહેતા કહેતા રાઠોડ સાહેબ ઉભા થઈ બહાર આવી ગયા.

                દશ બાર માણસોનું ટોળું સાવ નવજુવાન, સુંદર દેખાવની રડતી છોકરીને લઈ આવ્યા હતા. છોકરી નમણી, રૂપાળી અને પહેલી નજરેજ ગમી જાય એવી હતી. જુવાની હજુ હમણાં જ પ્રવેશી હોય તેમ તેના શરીરના અંગો વિકસી રહયાં હતા.

                ‘‘શું નામ છે તારૂ? ’’ રાઠોડ સાહેબે પૂછયું ‘‘ અંજલી નામ છે સાહેબ, ગરીબ માની એક જ છોકરી છે, બાપ છે જ નહી. સાંજે સીમમાં એકલી કુદરતી હાજતે જતી હતી.ત્યારે મુખીના દિકરા દુર્જને જબરજસ્તી કરી. બાજુના ખેતરમાં લઈ જઈ બળાત્કાર કરેલ છે. છોકરીએ ગામમાં આવી રડતાં રડતાં વાત કરી એટલે અમે બધાં તેને અહીં લઈ આવ્યા છીએ.’’ સાથે આવેલા મનુકાકાએ વાત કરી.

                ‘‘તેના મા બાપ નથી આવ્યા? કયું ગામ?’’ રાઠોડ સાહેબે પૂછયું.

                ‘‘ સાહેબ, ચાંદપુર ગામના છીએ.તેની માં લાંબા સમયથી બિમાર  હોવાથી આવી શકેલ નથી. તેને  બાપ છે જ નહી.’’ મનુકાકાએ ફોડ પાડયો.

                ચાંદપુરનું નામ સાંભળી રાઠોડ સાહેબ ચમકી ગયા. જમાદાર તરીકે તેમણે નોકરીની શરૂઆત ચાંદપુર ગામથી જ કરી હતી. જુવાનીનો દોરો હજુ ફુટી જ રહયો હતો ને તે કમુ નામની દેખાવડી છોકરીના પ્રેમમાં પડી ગયા. ગામ લોકોનો સખત વિરોધ હોવા છતાં રાત્રે છુપાઈને માતાજીના મંદિરમાં બંન્ને એ ગાંધર્વ લગ્ન કરેલા, એક જ સુહાગરાત ઉજવી, પણ બીજા દિવસે ગામ લોકો એ જ્ઞાતિ અલગ હોવાનું જણાવી તેમને ધુત્કારી કાઢી મુકેલા. ત્યાંથી ભાગી જઈને તેમણે પછી કયારેય ગામ લોકોના ડરથી ચાંદપુરમાં પગ જ નહોતો મુકયો. આજે એ વાતને કેટલા બધા વર્ષો  વિતી ગયા  હતા.

                ‘‘છોકરીની દાકતરી તપાસ કરાવો. જીપ બહાર કાઢો, મુખીના છોકરા દુર્જનને પકડવો પડશે.’’ રાઠોડ સાહેબે ઓર્ડર કર્યો.

                પોલીસ સ્ટાફ દોડતાં થઈ ગયા. ચાંદપુરથી મોબાઈલમાં ખબર આવ્યા, મુખીનો છોકરો  સાણંદમાં જ તેના સગાને ઘેર છુપાયો છે. રાઠોડ સાહેબે તત્કાલ તેની ધરપકડ કરી કસ્ટડીમાં નાખી દીધો.

                છોકરીની મેડીકલ તપાસ પછી, તેની યોનીમાંથી મેળવેલ વીર્યનો નમુના પેક થઈને પોલીસ સ્ટેશનમાં સાહેબ પાસે આવી ગયા.

                ત્યાં તો ચાંદપુરના મુખી સજજનભાઈ પટેલ બે ત્રણ ચમચાઓ સાથે રાઠોડ સાહેબ પાસે આવી ગયા. તેમણે પોતાની ઓળખાણ આપતાં કહયું.‘‘ સાહેબ દુર્જનથી જુવાનીના આવેશમાં ભુલ થઈ છે. કોઈ ઉપાય કરો.’’ રાઠોડ સાહેબ તેના કહેવાના મતલબ સમજી ગયા.તેમણે કાંઈ જવાબ ન આપ્યો.

                ‘‘સાહેબ, સાથે બેસીને ઉઠેબેઠે આ તકલીફનો ઉકેલ લાવો ને , આપ તો સમજુ છો. આપ જે કહેશો તે કરવા મુખી તૈયાર છે’’ તેના ચમચાએ દાણા નાખવા માંડયા.

                રાઠોડ સાહેબ હા ના , હા ના કરતાં બે,ત્રણ માંથી છેવટે પાંચ લાખમાં માની ગયા.

                કોર્ટમાં કેસ સાબિત ના થાય એટલે વીર્યના નમુના બદલી નાખવાનુ નકકી થયું. બીચારી નમણી છોકરીને યાદ કરતાં, વીર્યના નમુના બદલતાં તેમના હાથ ધ્રુજી રહયાં હતા. પણ પાંચ લાખ જેટલી મોટી રકમ આગળ તેમનો અંતરાત્મા હારી ગયો. તેમણે મન મનાવ્યું ‘‘ જવા દો ને, મારે ને એ છોકરીને શું લેવાદેવા.’’

                છેલ્લા છ માસથી અમદાવાદ ગ્રામ્યની મિરઝાપુર કોર્ટમાં અંજલી બળાત્કાર કેસ ચાલી રહયો હતો. મુખી ખુશ હતા. કેસ પુરવાર ન થવાથી તેમનો દિકરો દુર્જન હવે છુટી જવાનો હતો.રાઠોડ સાહેબને પણ તગડી મલાઈ મળી હોવાથી ખુશ હતા. આજે વીર્યનો રીપોર્ટ અને છેલ્લી સુનાવણી હતી. સવારના અગ્યાર વાગે કોર્ટ ખચાખચ ભરાઈ ગઈ હતી.

                રાઠોડ સાહેબ કોર્ટમાં આવી રહયા હતા, કે તેમણે રસ્તામાં કમુને જોઈ. બીમાર અને લાંબા સમય પછી જોતા હતાં, છતાં પણ તે કમુને ઓળખી ગયા. કમુ પણ રાઠોડ સાહેબને ઓળખી ગઈ.બંન્ને એકબીજાને જોતાં જ રહી ગયા.

                ‘‘ અરે, કમુ તું અહી કયાંથી? ’’ રાઠોડને આશ્ચર્ય સાથે આનંદ થયો. તેમણે કમુનો હાથ પકડી લીધો.

                ‘‘તમે તો ગામમાંથી ભાગી ગયા, પણ મારે માથે તો પનોતી બેઠી હતી. ગામ લોકો એ મને બહુ જ હેરાન કરી. આ અંજલી આપણી જ દીકરી છે. મેં એકલે હાથે  બહુ જ મુશ્કેલીથી તેને ઉછેરી છે. તેને બરાબર ન્યાય અપાવજો.’’ કહેતાં કહેતાં કમુ હીબકે હીબકે રડી પડી.

                ‘‘હેં ! આપણી જ છોકરી અંજલી ? રાઠોડ સાહેબ પહેલા ખુશ થયા પછીથી શોક માં ડુબી ગયા. ’’ મેં જ મારી દીકરીનો કેસ, પુરાવા સાથે ચેડા કરી રફેદફે કરી નાખ્યો.’’ એ વિચારથી તેમનું મગજ સુન્ન થઈ ગયું શરીરે પરસેવો છુટવા લાગ્યો. હવે શું કરવું?

                વીર્યના નમુના મેચ ન થતાં જજ સાહેબ દુર્જનને નિદોર્ષ છોડવાનો ચુકાદો લખવા જતાં હતા, ત્યાં રાઠોડ સાહેબે ઉભા થઈ બુમ પાડી.

                ‘‘સાહેબ, દુર્જનને સજા થવી જ જોઈએ મેં વીર્યનાં નમુના બદલાવેલ છે, હું પૈસાના લોભમાં આવી ગયો હતો, મારી ભુલ હું કબુલ કરૂં છું.’’

                                આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. ચાંદપુર ગામના મુખી ગરમ થઈ ગયા. ‘‘ આ ઈન્સ્પેકટર ગાંડો થયો છે કે શું? મારા પૈસા ખાઈ ગયો.’’ વિચારતાં તે ઉભા થઈ ગયા.

                ગામ લોકો થુ થુ.. કરવા લાગ્યા. જજ સાહેબ પણ અકળાઈ ગયા. ચુકાદો આપતાં બોલ્યા. ‘‘ઈન્સ્પેકટર રાઠોડે પુરાવા સાથે ચેડાં કરી ગંભીર ભુલ કરી છે. તેમને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી ત્રણ વર્ષની સખત કેદની સજા કરવામાં આવે છે. દુર્જનને બળાત્કાર બદલ સાત વરસની સખત કેદની સજા કરવામાં આવે છે.’’

                                રાઠોડ સાહેબે રિવોલ્વર અને ટોપી કાઢીને જજ સાહેબના ટેબલ ઉપર મુકી દીધા. તેમને દોરડેથી બાંધીને લઈ જતાં હતાં, ત્યારે કમુ અને અંજલી તેમને વળગીને રડી પડયા.

                                પસ્તાવાથી હલ્કા થઈ ગયેલા રાઠોડ સાહેબને સાબરમતી જેલમાં પણ સંતોષની ઊંઘ આવી ગઈ.

------------------------------x-------------------------------x--------------------------------------

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


પસ્તાવો  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories