મખ્ખીચૂસ
વાત છે ચાલીસ વર્ષ પહેલાંની, અમારા પ્રોફેસર ડૉ. અમિતકુમાર દોશીની. સિવિલ
હૉસ્પિટલ અને બી.જે. મેડિકલ કૉલેજમાં બાળકોના વૉર્ડમાં ઓનરરી પ્રોફેસર હોવાથી
તેમના કન્સલ્ટિંગ રૂમ ઉપર લાઇનોની લાઇનો લાગતી. એ વખતે બધાં જ કન્સલટન્ટ રિલીફ રોડ
ઉપર જ હતાં. પ્રૅક્ટિસ ધમધોકાર હતી, એટલે પૈસે-ટકે ખૂબ સુખી હતા. નવરંગપુરામાં મોટો બંગલો, ગાડી અને પુષ્કળ સંપત્તિ હતી. પોતે બાળકોના
ડૉક્ટર, પણ પોતે નિસંતાન !
ડૉ. અમિતકુમાર સ્વભાવે બહુ જ કરકસરિયા કે વાત
પૂછો નહિ, તેમને લોભિયા કહેવા કે
નહિ, એ જ પ્રશ્ન રહેતો. અમે બધા
રેસિડન્ટ ડૉક્ટરો હસતાં-હસતાં કહેતા પણ ખરા કે ‘‘ સાહેબ, આટલા
બધા પૈસાનું તમે કરશો શું ? પાછળ
ખાનાર તો કોઈ જ નથી.’’
‘‘તો શું થઈ ગયું, પૈસા કંઈ એમ થોડા વેડફી દેવાય ? એક-એક રૂપિયો જોડીને લખપતિ થવાય છે, સમજ્યા !’’ સાહેબના જવાબથી અમને બધાને હસવું આવી ગયું.
ડૉ. અમિતકુમાર એકદમ સાદા સફેદ રંગના હાફ
સ્લીવના પેન્ટ શર્ટમાં જ આવતા. બૂટને બદલે સાવ સાદાં ચંપલ, એ પણ ચોમાસામાં તૂટી ગયાં તો કહે, ‘‘ રસ્તામાં મોચી પાસે સંધાવી લઈશ.’’ અમે કહ્યું, ‘‘સાહેબ, હવે
તો આ ચંપલ બદલો.’’
સાહેબ કાયમ સ્કૂટર ઉપર જ આવે, જો વરસાદ કે બહુ ગરમી હોય તો જ ગાડી લાવે. એ
વખતે અમારે સહુ રેસિડેન્ટ ડૉક્ટરોએ અમારા પ્રોફેસરને બહાર સુધી મૂકવા જવાનો રિવાજ
હતો. બીજા બધા પ્રોફેસરોને ગાડી લાવતાં જોઈ અમે કહ્યું, ‘‘સાહેબ, ગાડી
તો લાવો, સિવિલમાં તમારો વટ પડે.’’
“અરે ! મારે વટ પાડવાની શી જરૂર છે ? અહીં તો બધા મને ઓળખે જ છે, કે આ પ્રોફેસર અમિતકુમાર છે.” અમે ચૂપ થઈ જતા.
ડિસેમ્બરમાં તેઓ
કૉન્ફરન્સમાં મુંબઈ ગયા, તો
ત્યાં પણ એ જ સાદગી. સાદું પેન્ટ શર્ટ અને ચંપલ. સૌ ડોક્ટર સ્ટાફે કહ્યું ‘‘સાહેબ, અહીં તો વટ પાડો.’’
“અહીં મને કોણ ઓળખે છે કે આ પ્રોફેસર અમિતકુમાર
છે, પછી ખોટો ખર્ચ શા માટે ?”
સાહેબના જવાબથી અમે ચૂપ થઈ ગયા.
અમે સહુ તેમની કરકસર અને સાદગીની મજાક ઉડાવ્યા કરતા. ચોમાસામાં ઝાડા, ઊલટી અને કફથી આખો વૉર્ડ ભરાઈ ગયો હતો. ડૉ. અમિતકુમારનો રાઉન્ડ સવારના સાડા નવે ચાલુ થઈ જતો. રાઉન્ડમાં બધા રેસિડન્ટ ડૉક્ટરો મળીને કુલ અગિયાર ડૉક્ટરો સાથે સાથે ભેગા થઈ જતા. પહેલા ત્રણ દર્દી ઝાડા-ઊલટીના જોઈને સાહેબ ન્યુમોનિયાનું દર્દી જોવા આગળ વધ્યા. પોતાના સ્ટેથોસ્કોપથી તપાસ કરતા હતા, ત્યાં જ તેમના શર્ટનું બટન તૂટીને નીચે પડી ગયું. આખો રાઉન્ડ થંભી ગયો. કુલ બાર ડૉક્ટરોનું ગ્રૂપ, દસ મિનિટની શોધખોળ પછી બટન માંડમાંડ મળતાં રાઉન્ડ આગળ વધ્યો. બધા અંદર-અંદર ગુસપુસ કરવા લાગ્યા. ‘‘ ખરો મખ્ખીચુસ માણસ છે, એક બટન શોધવા માટે આટલી બધી ઝંઝટ.’’
રાઉન્ડ પછી કૉફી ટેબલ ઉપર તેમની શિખામણો ચાલુ
જ હતી. ‘‘ તમારે જુવાન ડૉક્ટરોએ
સાદગી અને કરકસરથી રહેવું જોઈએ. ખોટો દેખાવ અને વટ પાડવાની વૃત્તિથી કોઈ જ ફાયદો
નથી.’’ અમને બધાને થયું કે સાહેબ
અમને લોભિયા બનાવીને જ છોડશે. અમારા બધાના એમ.ડી.ના ટીચર હતા, એટલે હા માં હા મિલાવ્યા સિવાય છૂટકો જ ન હતો.
કૉફી પીતાંપીતાં એક માખી તેમના મગ સુધી આવીને
ઊડી ગઈ. બધાએ કહ્યું, ‘‘લાવો,
સાહેબ બીજી કૉફી બનાવી દઉં” પણ સાહેબે કહ્યું, “ના રે ના, નવી કૉફીની શી જરૂર છે ? આમાં
માખી તો પડી જ નથી.’’ ત્યારથી
તેમનું નામ મખ્ખીચૂસ તરીકે ગાજતું થઈ ગયું.
દાહોદ બાજુના ગામડેથી ગાભાજી અને મંગુબહેન
તેમના છ માસના મુન્નાને બતાવવા આવ્યાં ત્યારે સાવ નિરાશ થઈ ગયાં હતાં. મુન્નો
રડતાં-રડતાં ખેંચાઈ જતો હતો અને તેના હોઠ અને નખ કાળા પડી જતા હતા. ત્યાં આજુબાજુ
બધાને બતાવીને બહુ રૂપિયા ખર્ચી નાખ્યા હતા પણ બધેથી એક જ જવાબ હતો, અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ જતાં રહો, તો જ સાચું નિદાન અને સારવાર થશે.
અમારા યુનિટમાં બહુ જ ઉમ્મીદો સાથે દાખલ થયાં
હતાં. બંને ખેતમજૂરો હતાં, તેથી
તેમની પાસે માંડ બસ્સો રૂપિયા જ હતા. તેમના મુન્નાના હૃદયની બધી જ તપાસો અને ફોટા
પડાવ્યા પછી નિદાન થયું “ફેલોટ
ટેટ્રોલૉજી” આ એક હૃદયની જન્મજાત
ખામી છે, જેની સારવાર છે ફક્ત
ઑપરેશન. એ જમાનામાં આ બીમારીની સર્જરી ફક્ત મુંબઈ અને ચેન્નઈમાં જ થતી અને કુલ
ખર્ચ થતો હતો સાઠથી સિત્તેર હજાર રૂપિયા. આ સાંભળીને મુન્નાનાં મા-બાપ રડવા
લાગ્યાં. દસ વર્ષે માતાજીની દયાથી આવેલ મુન્નાને બચાવવા તેમની પાસે હતા ફક્ત બસ્સો
રૂપિયા.
વૉર્ડમાં બધા ભેગા થઈ ગયા. મુન્નાના ઑપરેશન
માટે બધા ફાળો ઉઘરાવવા લાગ્યા, કોઈએ
દસ રૂપિયા આપ્યા, કોઈએ વીસ
રૂપિયા, આમ કરતાં ભારે મહેનતે
ભેગા થયા ફક્ત છસ્સો-વીસ રૂપિયા. હવે શું ??
રાઉન્ડ પૂરો કરીને
ડૉ. અમિતકુમાર પાછા જઈ રહ્યા હતા. રડતાં મા-બાપને જોઈ ઊભા રહી ગયા. વિગતો જાણી
દ્રવી ઊઠ્યા અને વિચારમાં પડી ગયા. અમને બધાને થયું, આ વખતે મખ્ખીચૂસ પચાસેક રૂપિયા કાઢે તેવું લાગે છે.
તેમણે તો ટેબલ પર
બેસી ચેકબુક કાઢી. અમારા સિનિયર રેસિડેન્ટ ડૉ. પરેશભાઈને બોલાવ્યા. અમને થયું પાંચ-પચાસની
રકમ માટે ચેકબુક શા માટે કાઢતા હશે ? સાહેબ આ ગરીબોની મશ્કરી કરવાનું પણ છોડતા નથી કે શું ?
અમારા સૌનાં આશ્ચર્ય
વચ્ચે ડૉ. અમિતકુમારે શાંતિપૂર્વક ચેક લખ્યો રૂપિયા સિત્તેર હજાર ને પાંચસો
પૂરાનો. ડૉ.પરેશને કહ્યું, આ
સામેની સ્ટેટ બૅંકનો બેરર ચેક છે. આ ગાભાજીને લઈ જાવ અને સિત્તેર હજાર ઑપરેશનના
અને પાંચસો રૂપિયા મુંબઈ આવવા-જવાની ટિકિટના તેમને આપી, તરત જ તેમને મુંબઈ સારવાર માટે મોકલવાની તજવીજ કરો.
ના કોઈ નામની ખેવના,
ના કોઈ પ્રશંસા પામવાની વૃત્તિ, ફક્ત મુન્નાને બચાવી લેવાની ભાવના તેમના ચહેરા
ઉપર ચમકી રહી હતી.
અમે બધા મખ્ખીચૂસની
દાનવીરતા અને ભામાશાવૃત્તિ જોઈ મોંમાં આંગળાં નાખી ગયા.
એ જ દૈનિક
સહજતાપૂર્વક બહાર નીકળી સ્કૂટરને કીક મારતાં અમને સૂચના આપી, ‘‘ગમે તેમ મુન્નાની જિંદગી બચી જવી જોઈએ”
અમે લોકો એક સાદા ફિરસ્તાને જતા જોઈ
રહ્યા. (એ જમાનામાં એમણે મુન્ના માટે આપેલ રૂપિયા જેટલી રકમથી નવી સરસ ગાડી મળતી
હતી.)
અમારું મખ્ખીચૂસનું આપેલ ઉપનામ સાદગી અને કરકસર છતાં ભામાશાવૃત્તિ આગળ ઝાંખું પડી રહ્યું હતું.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મખ્ખીચૂસ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories