25 જાન્યુઆરી 2025

સાહેબ, મારો ગુનો શું હતો ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સાહેબ, મારો ગુનો શું હતો ?

        સાચું બોલ,તે જ અમારા ડી.જી.સાહેબને પથરો મારેલ છે ને પી.આઈ. પરમાર સાહેબ પકડી લાવેલ તહોમતદાર ને ખખડાવી રહયા હતા.

ના સાહેબ, હું તો બે કલાકથી મારે ઘેર સુતો હતો,મને તો બે દિવસથી તાવ આવે છે.સચિને રડતા રડતા જવાબ આપ્યો.

ખોટું બોલે છે,તુ જ સાહેબને પથરો મારીને ઘેર જઈને ઓઢીને સુઈ ગયો હતો, સાચું બોલ,નહિતર મારી મારીને છોતરાં કાઢી નાખીશુંજમાદારે પણ ગુસ્સે થઈને લાકડી ઉગામી.

સાહેબ હું તો બીમાર હોવાથી ઘેર સુતો હતો, પછી પથરો ક્યાંથી મારવાનો હતો?”સચિન બહુ કરગર્યો , પણ પોલીસ સ્ટેશનમાં કોઈ માનવા તૈયાર ન હતુ.

જમાદાર રાજુભાઈએ પથરો ફેકનારને ચાલીના ત્રીજા મકાનમાં દોડીને ઘૂસતાં જોયો હતો, પછી જ ઘરમાં ઓઢીને સુતેલા સચિન ને પકડ્યો હતો.

તેના કપડા કાઢીને બરફની પાટ ઉપર સુવડાવો, પછી ઊંધો કરીને ધોલાઈ કરો,આપમેળે ગુનો કબુલી લેશે.પી.આઈ.સાહેબે હુકુમ કર્યો,અને પછી ચા પીવા અંદર જતાં રહયા.જતાં જતાં બોલતા હતા,”લાતોકે ભૂત બાતોસે નહી માનતે.

આ સાંભળીને જમાદાર અને કોન્સ્ટેબલ જોશમાં આવી ગયા.તેમણે સચિનના કપડા કાઢ્યા અને બરફની પાટ ઉપર સુવડાવ્યો.સચિન અરજ કરતો  રહયો સાહેબ,મને કાઈ જ ખબર નથી

આ ગુનેગાર તો માનતો જ  નથી, હવે શું કરીશું?” જમાદારે પૂછ્યું.

ચૌદમું રતન બરાબર ચખાડો. આપણા ડી.જી.સાહેબને પથરો મારીને લોહી કાઢી નાખ્યું છે.પી.આઈ. સાહેબ આજે ખુબ જ ગુસ્સામાં હતા.

શહેરમાં અનામત આંદોલનના તોફાનો પાંચ દિવસમાં બધે ફેલાઈ ગયા હતા. આખું ગુજરાત અનામતની આગમાં જલી રહ્યું હતુ. અમદાવાદમાં અનામતની માંગણી સાથે મહારેલીનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. છતાં પણ માંગણીઓ ન સંતોષાતા શહેરમાં ચારે તરફ તોફાનો પ્રસરી રહયા હતા. સરકારી મિલકતોને નુકસાન મ્યુનીસીપાલીટીની બસો બાળવી, જાહેર મિલકતોને નુકસાન વિગરે ચાલુ થઇ ગયુ હતુ.

પૂર્વ વિસ્તારના ડી.જી.ચુડાસમા સાહેબને ઉપરથી કડક બંદોબસ્ત સાથે તોફાનો સખત હાથે દાબી દેવાના ઓર્ડરો આવ્યા હતા. સાંજે અચનાક ડી.જી.સાહેબને મોબાઈલ આવ્યો કે રખિયાલ વિસ્તારમાં તોફાની ટોળું બસ બાળવા આગળ વધી રહ્યું છે. સાહેબ ગુસ્સે થઇ ઓર્ડર કર્યો જલ્દી જીપ કાઢો, બસ બચાવીને તોફાનો દબાવવા પડશે.

આખી પોલીસ પલટન  સાથે ડી.જી.સાહેબ અને પી.આઈ.પરમાર પહોંચો ગયા તોફાનની જગ્યાએ.

અમને અનામતનો હક્ક આપો.ના નારા સાથે તોફાની ટોળું આગળ વધી બસને આગ લગાડવાની તૈયારીમાં હતુ. ડી.જી.સાહેબ મોટા અવાજે ટોળાને વિખરાઈ જવા ઓર્ડર કર્યો, અને પોલીસને ટીયર ગેસ અને લાઠી ચાર્જના ઓર્ડરો કર્યા. ટોળામાં નાસભાગ મચી ગઈ, બસ બચી ગઈ.

ડી.જી.સાહેબ ખુશ થઇ જીપમાંથી નીચે ઉતર્યા, કે તરતજ એક મોટો અણીદાર પથ્થર જોરથી સાહેબના માથામાં વાગ્યો .ડી.જી.સાહેબ લોહી લુહાણ થઇ પડ્યા.પોલીસોમાં દાડાદોડ મચી ગઈ. સાહેબ પડતાં પડતાં ઓર્ડર કર્યો.પકડો,પથ્થર મારનારને પકડો.

પી.આઈ.પરમાર,જમાદાર જોરુભા અને બધાં પોલીસમેનો દાડ્યા .બાજુમાં ચાલીના મકાનોમાં ત્રીજા મકાનમાં પથ્થર ફેકનારને ઘુસતા જોયો.પોલીસમેનો ગુસ્સામાં તે ઘરમાં ઘુસ્યા,અને મંડ્યા તોડફોડ કરવા.

આખા ઘરમાં બે સ્ત્રીઓ અને બે વરસની એક બાળકી હાજર હતી. પી.આઈ.સાહેબ ગરમ થઈને બોલ્યા ક્યાં છે સાહેબની ઉપર પથ્થર ફેક્નારો?”

અહી તો અમે જ છીએમોટી ઉમરની સ્ત્રીએ રડમસ ચહેરે જવાબ આપ્યો.

આ પલંગ પર ઓઢીને કોણ સુતું છે?” જમાદારે સવાલ કર્યો.

સાહેબ એ તો મારા પતિ સચિન છે. બે દિવસથી તે બીમાર હોવાથી બે કલાકથી અહી જ સુતાછે.યુવાન સ્ત્રી સેજલે  જવાબ આપ્યો.

આ એજ માણસ છે, પથરો મારીને અહી બીમારીનો ઢોંગ કરી ઓઢીને સુઈ ગયો છે.પી.આઈ.સાહેબે  ઓર્ડર કર્યો.

પકડો એને, અને લઈ લો પોલીસચોકીમાં માર પડશે એટલે આપોઆપ ગુનો કબુલશે.

સચિનને પરાણે ઉઠાડી મારતાં મારતાં પોલીસમેનો બહાર લઇ ગયા. તેની બુઢી માં અને નાની દિકરી કરગરીને રડી ઉઠ્યા.મારો દીકરો અહી ઘરમાં જ હતો, તેણે કાઈ જ કર્યું નથી.

પણ પોલીસમેનો માને તો ને??

ડી.જી.સાહેબને સારવાર માટે લઇ જતાં હતા, ત્યાં તેણે ઓર્ડર કર્યો.મને પથરો મારનારને છોડતા નહી, ગુનો કબુલ કરાવો.

બીમાર સચિન પોલીસ સ્ટેશનમાં કરગરતો રહયો, મને કાઈ જ ખબર નથી, પણ સાહેબોના ઓર્ડર પછી પોલીસમેનો, જમાદાર બરફ પર સુવડાવી, દંડાથી મારતા જ રહયા. તેમને બધાને આશા હતી કે બરોબર ઠમઠોરવાથી ગુનેગાર ગુનો કબુલી લેશે.

અત્યાચાર અને મારથી સચિન બેહાલ બની ગયો હતો. બીમાર તો હતો જ, તેમા પાછો અસહ્ય માર ! પગ ઉપર જોરથી ડંડાનો માર મારતાં અચાનક ડંડો જોરથી તેના ગુપ્તાંગ ઉપર લાગી ગયો. બેહાલ સચિન અચાનક શોકમાં ગયો, બેભાન થઇ ગયો, અને પાંચ મીનીટમાં તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ.

પોલીસ સ્ટેશનમાં સોંપો પડી ગયો.બધાં એકબીજા ઉપર દોષારોપણ કરવા લાગ્યા.આ સમાચારથી સચિનના કુટુંબમાં રોક્કળ મચી ગઈ.

બીજે દિવસે સવારે નવ વાગે  તો સચિનની અંતિમયાત્રા નીકળવાની હતી. આખા એરિયામાં વધારે તોફાનો ના થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. આખો મહોલ્લો માણસોની મેદનીથી ઉભરાઈ રહયો હતો. વધારાની પોલીસ પલટન સાથે પી.આઈ.પરમાર સાહેબ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા હતા.

બરાબર નવ વાગે હજારો લોકોની હાજરીમાં સચિનની અર્થી  ઉચકાઈ કે તરતજ હૈયાફાટ રૂદન કરતી તેની પત્ની સેજલ અને બુઢી માતા બેભાન જોવા બની ગયા. બન્ને એકજ રટણ કરતા હતા.મારા સચિનનો ગુનો શું,હતો?” બધા લોકો કકળી ઉઠ્યા.ત્યાં તો બે વરસની માસુમ મુન્ની રડતાં રડતાં બોલી મારા પપ્પા ને ક્યાં લઇ જાઓ છો?”

વાતાવરણ ગમગીન બની ગયુ. માતા પત્ની અને મુન્નીના કલ્પાંતથી પરમાર સાહબે જેવા કડક ઓફિસર ઢીલાં પડી ગયા. તે વિચારવા લાગ્યા.કાઈક વધારે સખ્તાઈ તો નથી થઇ ગઈ ને? કઈક ખોટું તો નથી થયુંને !?”

મહોલ્લાની બહાર નીકળતાં જ પી.આઈ.સાહેબ દુર ખૂણામાં અઠંગ ગુનેગાર કાણીયાને અને ટપોરી બટકાને એકબીજાના કાનમાં ગુસપુસ કરતાં સાંભળ્યા. પી.આઈ.સાહેબ પાછળથી ધીમા પગલે તેમની વાતચીત સાંભળવા લાગ્યા.

કાણીયો ખુશ થઈને ધીમેથી કહેતો હતો, ”અલ્યા, મેં ડી.જી.ચુડાસમાનું વેર વાળી લીધું. ગઈસાલ એણે મને પકડી લીધો હતો, તો આ સાલ ગઈકાલે મેં તેના માથામાં અણીદાર પથરો મારીને લોહીલુહાણ કરી નાખ્યા”.

        પણ તુ બચી કઈ રીતે ગયો?” બટકાને નવાઈ લાગી.હા, હા, હા, હું પથરો મારીને ત્રીજી ઘરમાં ઘુસી પાછલે બારણથી ભાગી ગયો.કાણીયા એ ખંધુ હસતા કહ્યું એમાં આ બિચારો કુટાઈ ગયો, હા હા હા .કાણીયાએ બટકાને જોરથી તાલી આપી.

        પાછળ શાંતિથી સાંભળી રહેલા પરમાર સાહેબ આ સાંભળી ચકરાઈ ગયા.

        અર્થીની અંદર પડેલો સચિનનો મૃતદેહ ચિલ્લાઈ ચિલ્લાઈને પૂછી રહયો હતો,”સાહેબ,મારો ગુનો શું હતો, એ તો જણાવો.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

સાહેબ, મારો ગુનો શું હતો ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories