મુજવિતી તુજ વીતશે ધીરી બાપુડીયા
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં તહેવારોની ઉજવણીનો થનગનાટ ચાલી રહ્યો હતો, તો બીજી તરફ સમગ્ર ગુજરાત અને અમદાવાદ
ડેન્ગ્યુના ભરડામાં સપડાઈ ગયા હતા. ચોમાસા પછી મચ્છરોનો ત્રાસ, કચરાના ઢગલાં,પાણીના ખાબોચિયા વિગેરે પરિબાળોને
લીધે ડેન્ગ્યુંના મચ્છરો વકરી ગયા હતા.
આમાં નબળાં અને મોટી ઉમરના નાગરિકો ફસાઈ રહયા હતા.
અમદાવાદથી પચાસ માઈલ દુર આવેલ
વૃદ્ધાશ્રમમાં નેવું વરસના હંસાબા પણ ડેન્ગ્યું તાવમાં ફસાયા હતા.તાવ એકસો બે
ત્રણથી નીચે ઉતરતો જ ન હતો. પાંચ દિવસથી કઈં જ ખાધુપીધું ના હોવાથી શરીર જીર્ણ થઇ
ગયુ હતુ. જીભ સુકાતી હતી આંખોમાં ઝાખપ વળી હોવાથી દેખાતું ઓછું થઇ ગયુ હતુ.
વૃદ્ધાશ્રમના મેનેજર માજીની આ હાલત જોઈ
ચિંતામાં વિચારવા લાગ્યા “આ માજી હવે વધારે દિવસો કાઢે તેમ લાગતુ
નથી.”
વૃદ્ધાશ્રમના બીજા બધાં વૃદ્ધો અને
વૃદ્ધાઓ પણ હંસાબાની હાલતથી ચિંતિત થઇ
તેની દેખભાળમાં લાગી ગયા.ચેરીટેબલ ટ્રસ્ટના એન.જી.ઓ.દ્વારા ચાલતા વૃદ્ધાશ્રમમાં
એમ.ડી.થયેલ ડોક્ટરની સેવા ક્યાંથી લાવવી ? આસો મહિનો હોવા છતાં ગરમીના દિવસોમાં સખત તાવમાં હંસાબેન ફફડી અને
તરફડી રહયા હતા. માટલાનું પાણી પણ ગરમ ગરમ મળતું, જે પીવાનું પણ મન ના થાય. વૃદ્ધાશ્રમમાં તો એરકંડીશન અને ફ્રીઝ જેવી
લકઝરીયસ સગવડોની આશા નકામી છે.
બધાનો મત હતો કે માજીના છેલ્લા
દિવસોમાં તેના એકના એક દીકરા હિમાંશુ અને વહુ હેતલને મળવા બોલાવી લેવા જોઈએ.
મેનેજરે હિમાંશુને મોબાઈલ જોડ્યો. “ભાઈ,હવે તારા હંસાબા વધારે દિવસો કાઢે તેમ
લાગતુ નથી. છેલ્લો છેલ્લો મળવું હોય તો તમે બન્ને આવી જાવ”.
હિમાંશુએ ઘેર પહોંચી તેની પત્ની હેતલને
બાની હાલતની વાત કરી. તેમનો એકનો એક દીકરો હર્ષ પણ આ સાંભળીને દુઃખી થઇ ગયો.
હેતલે કહ્યુ “ માજી તો ઢોંગ કરી રહયા લાગે છે. એમ કરીને
આપણને ત્યાં બોલાવવા માંગે છે.”
આ સાંભળી હિમાંશુનો અવાજ ઉંચો થયો. “નેવુ વરસના બા ને ડેન્ગ્યુંથી હાલત
ગંભીર છે, અને તને આવી વાત કરતા શરમ નથી આવતી !”
વીસ વરસનો હર્ષ પણ મમ્મી ઉપર ચિડાયો.“મમ્મી, દાદીના છેલ્લા દિવસોમાં આવી વાત કરાય ?”
હેતલ નીચું જોઈ ગઈ, તેને પોતાની ભુલનો એહસાસ થઇ ગયો હતો.
પૈસાદાર કુટુંબ, મોટો બંગલો, કેમિકલનો આખા ગુજરાતમાં વિસ્તરેલો
બિઝનેસ અને સાહ્યબીમાં ઉછરેલ હિમાંશુ પૈસાની લાલચ અને રૂપાળી પત્ની હેતલ પાછળ પાગલ
બની ગયો હતો. કામના ભારણ અને ટેન્શનથી તેના પપ્પાનું નાની ઉમરે હાર્ટ એટકથી મરણ થઇ
જતાં તે એકલો પડી ગયો હતો. તેને તો હજુ વધારે પૈસાદાર થવું હતુ અને પોતાની
કેમીકલની ફેક્ટરી ખોલવી હતી. બેન્કમાંથી મોટી રકમની લોન લેવા તેણે હંસાબાને પટાવી
બંગલો અને જમીન પોતાના નામે કરી દીધા.
હર્ષના જન્મ પછી હેતલ અને હંસાબા વચ્ચે
ઇગોનો ટકરાવ ચાલુ થઇ ગયો. દરરોજ સાસુવહુ વચ્ચે થતી નાનીમોટી બાબતોની બોલાચાલી વિવાદ અને ઝગડાથી હિમાંશુ અને
હર્ષ તંગ આવી ગયા હતા. નાના હર્ષને હજુ દાદી અને મમ્મી વચ્ચેના મતભેદ અને ઝગડા
સમજાતા ન હતા.
અંતે એક દિવસ વાદવિવાદ, વિખવાદ અને ઝગડા વધી જતાં, હેતલ નાના હર્ષને લઈને પિયર જતી રહી. બેત્રણ
મહિના વીતી ગયા પણ પાછા આવવાનું નામ જ નહી. તેની પાછળ પાગલ હિમાંશુ તેને અને દીકરા
હર્ષને લેવા તેના પિયર ગયો,
ત્યારે હેતલે પહેલી શરત કરી. “હું આવું તો હંસાબા સાથે નહી રહી શકુ.”
“પણ હું બાને એકલા ક્યાં રાખુ ?”હિમાંશુએ મુંઝવણ રજુ કરી.
“એ તુ ગમે તે વ્યવસ્થા કર, પણ હવે હું અને હંસાબા સાથે રહી શકીએ
તેમ નથી” હેતલે છેલ્લું અલ્ટીમેટમ આપી દીધુ. નાના હર્ષને હજુ સમજાતુ ન હતું કે આવડાં મોટા
બંગલામાં મમ્મીને દાદી ક્યાં નડે છે ??
પત્ની પાછળ પાગલ હિમાંશુની વિવેકબુદ્ધિ
મરી પરવારી, તેણે વિચાર્યું.” હવે બાના નામ ઉપર બંગલો કે કોઈ મિલકતો
છે નહી, તેથી તેને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ.”
હંસાબા આ નિર્ણય સાંભળીને અવાચક બની
ગયા. પણ હવે થાય શું? તેમના નામ ઉપર કઈ જ ન હતું, અંતે તેમણે વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય
કરી લીધો. નાના હર્ષને દાદીમા સાથે વધારે ફાવતું હતું. તેથી તેણે પણ દાદી સાથે
જવાની જીદ પકડી.
હેતલ
ચિડાઈ ગઈ “તને કાંઈ સમજણ નથી પડતી, તારાથી દાદી જોડે ન રહેવાય.”
હર્ષ ચુપ થઇ ગયો. દાદીમાના ગયા પછી તે
ખુબ રડ્યો, તેને મમ્મીપપ્પા ઉપર બહુ ગુસ્સો આવતો
હતો. સમયનું પંખી ઉડતું રહ્યું.
આજે તો એ વાતને આઠ વરસ વીતી ગયા. હવે
તો હર્ષ પણ વીસ વર્ષનો જુવાન થઇ ગયો હતો. તેના માબાપ પણ પચાસની આજુબાજુના થઇ ગયા
હતા.
વૃદ્ધાશ્રમ જતાં ગાડીમાં ત્રણેય ગમગીન
હતા, હિમાંશુને હવે આ ઉમરે પસ્તાવો થતો હતો “મેં બાને આટલો મોટો બંગલો હોવા છતાં
ખોટા વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા.” હવે
મારે તેમના કહ્યા મુજબ દાનપુણ્ય કરવું પડશે, કદાચ તેનાથી મારી ભૂલ બાદ માફી મળી શકે.
બિમાર, વૃધ્ધ નબળાં હંસાબા જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહયા હતા. હવે દિવાળી
માંડ કાઢે તો સારું તેવું હતું. હિમાંશુએ
પસ્તાવાપૂર્વક કહ્યું “બા, અમારી ભૂલ માફ કરો. દિવાળી પણ આવી રહી છે તો અમે તને કાયમ માટે ઘરે
લઈ જવા આવ્યા છીએ. હું તારી પાછળ ઘરેથી તારા જ હાથે દાનપુણ્ય કરાવવા માંગું છું, તારી આ બાબતે શું ઈચ્છા છે?”
“બેટા,જો ખરેખર દિલથી દાનપુણ્ય જ કરવું હોય, તો આ વૃદ્ધાશ્રમમાં એસી રૂમો બનાવડાવ, એક મોટું ફ્રીજ અને એલસીડી ટીવી દાન કરી અહી મુકાવડાવ.” હંસાબાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી.
હિમાંશુ બોલ્યો “સારૂ બા,પણ હવે તારા છેલ્લા દિવસોનાં આ વૃદ્ધાશ્રમમાં આવી સગવડો કેમ કરાવે છે, તને તો ભોગવવા નહી મળે.”
“નવા જમાનામાં તમારા દ્વારા ઘડાયેલ
તમારો છોકરો હર્ષ પણ તમને મારી ઉમરે અહીં જ ધકેલશે. બેટા, મે તો જેમતેમ કરીને આઠ વરસ કાઢી નાખ્યા.
પણ તમને બન્ને ને ત્યારે એસીરૂમ, ફ્રીજના
પાણી અને ટીવી વગર નહી ચાલે. ભવિષ્યમાં તમારી સગવડ સચવાયને!”
આ સાંભળી હિમાંશુ અને હેતલ સડક થઇ ગયા.
તેણે જુવાન દીકરા હર્ષ સામે જોયુ, તેનો
સખત ચહેરો ભવિષ્યના ગુસ્સાની ચાડી ખાતો હતો. હેતલને એ દિવસ યાદ આવી ગયો જયારે
તેમણે હંસાબા ને વૃદ્ધાશ્રમમાં મુક્યા હતા ત્યારે હર્ષે કેટલો ગુસ્સો કર્યો હતો? કેટલા વાંધા અને વિવાદ કર્યા હતા?
“મુજ વીતી તુજ વિતશે, ધીરી બાપૂડીયા” કહેવત યાદ આવતા ભવિષ્યમાં અમારો પણ
વારો આવશે અને આજ હાલ થશે એ વિચારે બન્ને થથરી ગયા.
જતાં જતાય બા અમારા સારા ભવિષ્યનું
વિચારી અમને સગવડ મળે તેનો વિચાર કરે છે, એમ વિચારતા હિમાંશુની આંખો છલકાઈ ગઈ. પોતે સાસુને કેટલું દુઃખ આપ્યું
છતાં, તે તો અમારા સારા ભવિષ્યનો જ વિચાર કરે
છે, આ વિચારે હેતલને પણ પોતાની ભૂલનો
અહેસાસ થતાં રડી પડી. હર્ષ બન્નેના સાચાં પસ્તાવાના આંસુ જોઈ, ભવિષ્યમાં ક્યારેય માબાપને જુદા પાડી
વૃદ્ધાશ્રમમાં મુકવા જ નહી,
એવો નવા વર્ષનો એક મક્કમ નિર્ણય કરી
લીધો.
બે મીનીટમાં હંસાબાની આંખો સંતોષપૂર્વક
કાયમ માટે મીચાઈ ગઈ.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મુજવિતી તુજ વીતશે ધીરી બાપુડીયા - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories