24 માર્ચ 2025

ચલ અકેલા..... ગુજરાતી લઘુ બોધ વાર્તા

 ચલ અકેલા.....

મધુકરભાઈ કાપડિયા સાઇઠ વર્ષે સ્ટેટ બૅંકમાંથી મેનેજરપદેથી રિટાયર્ડ થઈ ગયા. રોજરોજ નિયમિત સવારથી બેંક જનારા મધુકરભાઈ હવે સવાર પડતાં રોજરોજ ક્યાં જવું તે વિચારી રહ્યા હતા. આખો દિવસ જાણે કે એકલા-એકલા સમય પસાર કરવા માટે કોઈ પ્રવૃત્તિ જ રહી ન હતી. તેમની પત્ની દક્ષાબહેનનો ગયા વર્ષે ડેન્ગ્યુ ફીવરથી ટૂંકી માંદગીમાં જ દેહાંત થઈ ગયો હતો. તેથી કોઈ પણ રોગના નામથી જ મધુકરભાઈ ગભરાઈ જતા.

            એમ તો મધુકરભાઈનું સંયુક્ત કુટુંબ બહોળું હતું. તેમના બે પુત્રો કિશોરભાઈ અને દીપકભાઈનાં લગ્ન થઈ ગયાં હતાં. તેઓ બંનેને પણ બબ્બે સંતાનો હતાં. આમ કુલ નવ માણસોનું સંયુક્ત કુટુંબ હતું. પરંતુ સહુ યુવાનો અને છોકરાંઓ પોતાપોતાનાં કામમાં વ્યસ્ત રહેતાં હોવાથી મધુકરભાઈને સાથ આપીને વાતચીત કરનારું કોઈ ન હતું.

            આર્થિક રીતે મધુકરભાઈ સુખી હતા. દર મહિને પેન્શન સારું એવું આવે ઉપરાંત બચત પણ ખાસ્સી કરી હતી. ઘરનું ઘર અને ગાડી હતાં. તેથી તેમને કોઈના રૂપિયાની જરૂર નહોતી. તેમના બંને પુત્રો પોતપોતાની નોકરીમાં વ્યસ્ત રહેતા.

            બંને પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્રો, પૌત્રીઓ આજ્ઞાંકિત હતાં. બધાને દાદા પ્રત્યે માન હતું અને તેમની તબિયતની સહુ ચિંતા કરતાં, પણ દાદાજી સાથે બેસીને વાતો કરવા કોઈની પાસે સમય જ ન હતો, સહુ પોતપોતાનામાં વ્યસ્ત રહેતાં.


            રવિવારે સવારે શહેરના જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ઠક્કરસાહેબના સેમિનારમાં મધુકરભાઈ સાંભળવા ગયા હતા. ડૉક્ટર હાર્ટઍટેકનાં એક પછી એક લક્ષણો સમજાવતા ગયા તેમ તેમ ડરપોક અને લાગણીશીલ મધુકરભાઈ ગભરાતા ગયા.

            છાતીમાં ડાબી બાજુ દુખાવો, બેચેની થવી, પરસેવો વળવો, ચક્કર આવવા વગેરે લક્ષણો સાંભળી તે ગભરાઈ રહ્યા હતા, તેમના મનમાં ડર પેસી ગયો હતો, મને તો આવો ઍટેક નહીં આવે ને ?

            બીજા અઠવાડિયે રવિવારની સાંજ હોવાથી કિશોરભાઈ તેમના કુટુંબ સાથે કાંકરિયા અને દીપકભાઈ તેમના કુટુંબ સાથે રિવરફ્રન્ટ ફરવા ગયા હતા. કોઈએ દાદાજીને પૂછ્યું જ નહીં કે સાથે આવવું છે ? મધુકરભાઈ ટીવી ઉપર એકલા-એકલા સી.આઈ.ડી.સિરિયલ જોઈ રહ્યા હતા. તેમાં ખતરનાક રીતે ખૂન થયેલું જોતાં જ મધુકરભાઈને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો. શરીર ધ્રૂજવા લાગ્યું. પરસેવો થવા લાગ્યો. નોકરે તરત જ બંને દીકરાઓને મોબાઇલ કરીને ખબર આપ્યા. બંને દીકરાઓ, વહુઓ, પૌત્રો વગેરે બધાં ચિંતાતુર ચહેરે દાદાની સારવાર માટે દોડતાં-દોડતાં ઘરે આવ્યાં.

            ૧૦૮ ઍમ્બ્યુલન્સની મદદથી શહેરની જ જાણીતી હાર્ટ હૉસ્પિટલમાં સારવાર ચાલુ કરાવી દીધી. બધી જ તપાસો ચાલુ થઈ ગઈ. છાતીનો એક્સ-રે, લોહીની તપાસ, ઈસીજી, ઈકો વગેરે બધી જ તપાસોના રિપોર્ટ નોર્મલ આવ્યા. ડૉક્ટરોએ નિદાન કર્યું પૅનિક ઍટેક ! એટલે કે ઍટેકનો મગજમાં ઘૂસી ગયેલો ડર અને તેને લીધે શરીરમાં તેના જેવા જ થતા ફેરફારો, દુઃખ અને દર્દ, ટ્રીટમેન્ટ, ફક્ત આરામ અને માનસિક શાંતિ.

            બે દિવસ મધુકરભાઈ દાખલ રહ્યા. એમાં દરેક કુટુંબીજનોએ દાદાની ખડે પગે સેવા કરી સવાર-સાંજ તેમને ફાવતો ખોરાક, ચા-પાણી, વહુઓની સેવા ને પૌત્રો-પૌત્રીઓની કંપની, બધાં દાદાની તમામ ફરમાઈશો પૂરી કરવા હાજર.

            બધાંનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થતાં, આ ઍટેકથી તેમનું અર્ધજાગ્રત મન વધારે એક્ટિવ થઈ ગયું. પછી તો તેમને એકલાં પડે એટલે પૅનિક ઍટેકના હુમલા વારંવાર આવવાના શરૂ થઈ ગયા.

            પાછા મહિના પછી બધાં નજીકના ફાર્મ હાઉસમાં પિકનિક પર ગયાં હતાં અને મધુકરભાઈએ બધાને દોડાવ્યાં. એક વાર ઍટેક જેવું લાગે એટલે દાખલ કરીને બધી જ તપાસો તો કરાવવી જ પડે. દરેક વખતે નિદાન આવે પૅનિક ઍટેક”. સારવાર ફક્ત આરામ અને મનની શાંતિ.

            હવે તેમના પુત્રો અને પુત્રવધૂઓ કંટાળવા લાગ્યાં હતાં. બધાં અંદરોઅંદર વાતો કરતાં હતાં. દાદા દર વખતે ખોટાં દોડાવે છે.

            તો વળી બીજી પુત્રવધૂ કહે, “આપણે તો આવી દોડાદોડીથી થાકી ગયાં. દાદાને કંઈ જ નથી ને ખાલી આપણી રજાઓની મજા બગાડે છે.

            મધુકરભાઈ પણ આમાં શું કરે ? વધતી જતી ઉંમર, મનની નબળાઈ અને એકલાપણું ! આવા પૅનિક ઍટેક માટે તેમને કાંઈ મન નહોતું થતું, પણ કરવું શું ? તેની ચિંતામાં મધુકરભાઈ વધારે ને વધારે ડિપ્રેશનમાં ઊતરી રહ્યા હતા.

            શનિવારે રાત્રે બધાં જમીને સિરિયલ જોવાં બેઠાં હતાં. ઘરનાં તમામ સભ્યો અને દાદા સોની ચેનલ ઉપર આવતી ક્રાઇમ પેટ્રોલનામની સિરિયલ જાેઈ રહ્યાં હતાં. તેમાં ખૂની ગુંડાએ મોટો છરો કાઢી નવયુવતીના પેટમાં ખોસી દીધો. મધુકરભાઈ એકદમ છળી ગયા અને તેમને છાતીમાં સખત દુખાવો ચાલુ થયો, બેચેની લાગવા લાગી, પસીનાથી તરબર થતાં તેમણે બૂમો પાડવા માંડી. ઘરનાં તમામ સભ્યો બેઠાં હતાં, પણ બધાંને થયું આ તો રોજનો પૅનિક ઍટેક છે, હમણાં ઊંઘની ગોળી આપીને સુવડાવી દઈશું. કિશોરભાઈએ કહ્યું, “બાપુજી શાંતિ રાખો, અમને તો સિરિયલ જોવા દો.

            દીપકભાઈ અને તેમનાં પત્ની પણ બગડ્યાં, “શું બાપુજી દર વખતે અમને ખોટે ખોટા દોડાવો છો ? આંખો બંધ કરીને અંદર જઈ સૂઈ જાવ.

            સિરિયલ ઇન્ટરેસ્ટિંગ હતી. તેથી બ્રેક ના પડે ત્યાં સુધી કોઈ ઊભું ના થયું. આમ ને આમ દસ મિનિટ વીતી ગઈ.

            અચાનક મધુકરભાઈનો અવાજ બંધ થઈ ગયો, આંખો ઉપર ચડી ગઈ અને તેમનો દેહ નિશ્ચેત બનીને સોફા ઉપર ઢળી પડ્યો. બધાની હાજરી હોવા છતાં આ ઍટેક સાચો જ કાર્ડિયાક ઍટેક હતો અને તેમાં મધુકરભાઈ કાયમ માટે પોઢી ગયા.

            બધા એકી અવાજે બોલી ઊઠ્યા દાદાજી, અમને છોડીને એકદમ ક્યાં ચાલી ગયા ?”

બધાંનાં મોઢાં કાળાંમેશ થઈ ગયાં હતાં અને તેમના મોં ઉપર હાજર હોવા છતાં દસ મિનિટ સુધી કોઈ જ સારવાર ના કરાવી શક્યાનો ગમ સ્પષ્ટ વર્તાતો હતો.

            સ્મશાનમાં બહારના બધા સગાંવહાલાં અંદર-અંદર ગુસપુસ કરતાં હતાં, “ઘરનાં તમામ માણસોની હાજરી હોવા છતાં દસ મિનિટ સુધી કોઈ જ સારવાર નહીં ? શું જમાનો છે !

            ઘરનાં તમામ નીચું જોઈ અશ્રુ સારી રહ્યાં હતાં. પાછાં વળતાં રેડિયો પર મૂકેશનું ગીત વાગી રહ્યું હતું ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે જુઠા રાહી, ચલ અકેલા.

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 ચલ અકેલા..... - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories