07 એપ્રિલ 2025

ફેસબુક લવ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ફેસબુક લવ



            ’’આઈ લવ યુ’’ ફેઈસબુક ઉપરના ચેંટીંગમાં આ શબ્દો વાંચીને ચેતન ખુશખુશાલ થઈ ગયો. છેલ્લા બે મહિનાથી તેનું ચેટીંગ વડોદરાની ચાર્મી નામની સુંદર લાવણ્યમય યુવતિ સાથે ચાલતું હતું. તેમની ઓળખાણ ફેઈસબુક ઉપર જ થઈ હતી. ફોટા પરથી દેખાવડી છવીસ વરસની ચાર્મી પ્રત્યે ચેતન ખેંચાયો હતો.

            એકત્રીસ વરસના ચેતનની સગાઈ બે વખત તુટી ગઈ હતી. ડબલ ગ્રેજયુએટ ચેતનની નોકરી સારી હતી તેથી પૈસાની  બહુ ચિંતા ન હતી. તેના મા બાપ ખાતા પીતાં કુટુંબવાળા  પૈસાદાર હતા. વડવાઓની જમીન, જાયદાદ માંથી ભાડાની અને બીજી આવકો નિયમિત આવતી હોવાથી ઘેર નોકર, ચાકર, ગાડી અને ઘર નું ઘર વિગેરે હતા. પરંતુ તેનો કાળો  કદરૂપો રંગ, બેડોળ ચહેરો સામાન્ય દેખાવ તેને લગ્નના બજારમાં નાકામિયાબ બનાવી રહયાં હતા.

            ત્રણ વર્ષ પહેલા તેની સગાઈની વાત મા બાપ અને સગાવહાલા દ્રારા ફકત એકબીજા ના ફોટા જોઈને ચારૂ નામની યુવતિ સાથે ચાલી હતી. કન્યા અને વર શ્રીફળવિધિમાં ભેગા થયા, તેમાં ચારૂ ઝગડવા લાગી આવા ’’બેડોળ છોકરાંને જોયા વગર તમે લોકોએ કેમ વાત ચલાવી ? ’’ તેના માબાપ પણ ચિંતામાં પડી ગયા અને તેના પપ્પા બોલ્યા  ’’અમારે છોકરો દેખાવમાં સામાન્ય છે, તેવી વાત થયેલી ,પણ સાવ આવો હશે, તેની ખબર જ નહીં. ’’

            તેજ વખતે ચારૂ એ સગાઈ કરવાની જ ના પાડી દીધી. બધા લીલા નાળીયેરે પાછા ફર્યા. ચેતનના લગ્ન  કરીને ઘર વસાવવાના અરમાનો  મનમાં ધરબાઈ ગયા.

            ગયા વરસે માંડમાંડ મહેનત કરીને મા બાપે ચંદા નામની સત્યાવીસ વરસની સારા દેખાવની જ્ઞાતિની જ છોકરી સાથે જ સગાઈ કરાવી હતી.

            ચંદાએ ફકત ચેતનના ગાડી અને પૈસા જોઈને જ સગાઈ માટે હા પાડી હતી. સગાઈના બીજા દિવસથી  જ તેણે પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું. ચેતનની સાથે ફરવા જતા તેણે કિમતી ડ્રેસ અપાવવાની માગણી કરી  દીધી.ચેતને કોચવાતા મને ચાર હજારનો કિંમતી ડ્રેસ ગીફટરૂપે સાદર કર્યો.

            ધીમે ધીમે ચંદાએ માગણીઓ વધારવાની શરૂ કરી. એક દિવસ કિંમતી પરફયુમની બોટલ તો એક દિવસ કિંમતી મેકઅપ સેટ, માગણીઓ વધતી જ ગઈ. ચેતન કંટાળી ગયો. એક દિવસતો તેણે ચાલીસ હજારનો મોબાઈલ માંગીને હદ વટાવી દીધી. ચેતનના ઘરના પણ મુંઝવણમાં મુકાઈ ગયા. હજુ તો લગ્ન નથી થયા ત્યાં આટલી બધી માંગણીઓ કરે છે, તો લગ્ન પછી તો શું થશે?

            બીજા દિવસે ચેતન પીકચર જોવા ચંદાને ઘેર ગયો ત્યારે બહારનો દરવાજો ખુલ્લો જ હોવાથી ઘરમાં ગયો, ને તેણે ચંદાની વાત ચીત સાંભળી. ’’મમ્મી, આ તો માલદાર પાર્ટી છે, એટલે આવા કાળા, કદરૂપા ચેતનને હા પાડી, નહિ તો મને તો દેખાવડાં ઘણાં છોકરાં મળતાં હતા. ’’

            આ સાંભળતા જ ચેતનનું દિલ તુટી ગયું અને નિરાશ થઈને તેણે જ સગાઈ તોડી નાખી.

            બબ્બે વખત ફેઈલ થયેલો વિધ્યાર્થીને અચાનક ફસ્ર્ટકલાસ આવી જાય તો કેવો ગેલમાં આવી જાય તેમ ચેતન પણ ચાર્મીનો ફેઈસબુક ઉપર પ્રેમનો એકરાર નો મેસેજ વાંચી ગેલમાં આવી ગયો.

            અઠવાડીયા સુધી ફેઈસબુક ઉપર અને પછી કલાકો સુધી મોબાઈલ ઉપર ચેટીંગ કરી બન્ને એકદમ નજીક આવી ગયા. બીજા દિવસે તો કામણગારી ચાર્મી નો મોબાઈલ આવ્યો ’’ચેતન હવે તો તારા  વગર રહેવાય તેમજ નથી. આપણે લવ મેરેજ કરી લઈએ.’’

            ચેતનને જાણે બગાસુ ખાતાં પતાસું મળી ગયું. તે તો લગ્ન કરવા તૈયાર જ હતો.

            બીજા દિવસે ફકત એક નાની બેગ સાથે ચાર્મી પોતાના ઘેરથી ભાગીને ચેતનને ઘેર આવી ગઈ. ચેતને તેના કુટુંબીજનો સગાઓ વિષે પુછપરછ કરી, પણ ચાર્મી   તો ઘરેથી ભાગીને આવી હતી, તેથી કોઈ જ જવાબ ના દીધો. ખુશીના આવેગમાં ચેતને તો કોર્ટ મેરેજ કરી લીધાં.

            ચેતનના મિત્રો અને સગાઓ સુંદર ચાર્મી ને જોઈ જલવા લાગ્યા. તેના એક મિત્રએ તો ટીખળ કરી, અલ્યા મોડેમોડે પણ આ તો કાગળો દહીંથરૂ લઈ ગયો. બધા હસી પડયા. ચેતન પોતાને નસીબદાર ગણવા લાગ્યો.

            બંન્ને સાત દિવસ સીમલા હનીમુન પતાવીને ધેર આવ્યા ત્યાં ચાર્મી  ને મોબાઈલ પર સમાચાર આવ્યા કે તેના પપ્પાને એટેક અવ્યો છે.પણ અત્યારે ખર્ચના પાંચ લાખની સગવડ થતી ન હતી. તેથી ચાર્મી      એ રડતાં રડતાં ચેતનને વાત કરી કે સગવડ થયે તરત તેના પપ્પા રૂપિયા પરત કરી દેશે. ચેતન તો તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો, તેણે તેની બેંકની એફડીઓ તોડીને પાંચ લાંખ રોકડાં ની સગવડ કરી દીધી. ચાર્મીએ અરજન્ટ આ રૂપિયા તેના ઘેર મોકલાવી દીધા.

બે દિવસ પછી ચાર્મીએ ખુશ થતાં કહયું ’’ચેતન ડાર્લીંગ, તારી મદદથી મારા પપ્પા બચી ગયા . તેના માટે મેં મારા કુળદેવીની માનતા રાખેલી કે ખુલ્લા પગે એકલા ચાલતા જઈ લગ્નના કપડાં અને દાગીના પહેરી માતાજીના દર્શન કરી  ચુંદડી ચડાવીશ.’’

ચેતન પર તો તેના પ્રેમનો નશો સવાર હતો. તે તો લોકરમાંથી સોનાનો સેટ, મંગળસુત્ર  અને ડાયમંડની બંગડી વગેરે લઈ આવ્યો. બન્ને ગાડીમાં બેસી  સુરેન્દ્રનગર ગયા. ત્યાંથી પાંચ કિં.મી. ચાલતાં ચાર્મીએ એકલા જવાનું હતું. સુરેન્દ્રનગર થી હળવદ હાઈવે તરફ ચાલતાં ચાર્મીએ કહયું.  મારે એકલા જ જવાનું છે. ચિંતા કરતાં નહીં. હું ત્રણ ચાર કલાકમાં દર્શન કરી માનતા પુરી કરીને આવું છું.’’ હવે બે ત્રણ ના બદલે ચાર કલાક  છ કલાક થયા પણ ચાર્મી હજુ સુરેન્દ્રનગર ચેતન પાસે ના આવી. આખી રાત ચેતન તેની ચિંતા કરતો જ રહયો. ગાડીમાં છેક હળવદ સુધી તે આંટો મારી આવ્યો. પણ ચાર્મીનો કોઈ પતો જ ન હતો. એક દિવસ  પુરો થતાં તેણે અંતે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરી.

ઈન્સ્પેકટર ચૈાહાણ સાહેબે બધી વિગતો જાણી ચાર્મીનો ફોટો માંગીને કોમ્પ્યુટરમાં મેચીંગ માટે ડાઉનલોડ કર્યો. પણ તેના મેચિંગના પરિણામ જોઈ બધા ચોકી ગયા. આ તો બહુરૂપધારી મહિલા નીકળી પડી. તેની આગળની હિસ્ટ્રી એક પછી એક કોમ્પ્યુટરમાં દેખાવા માંડી.

            બે વરસમાં દિલ્હીમાં રોશની નામ ધારણ કરી પૈસાદાર પતિ સાથે લગ્ન કરી આઠ લાખની છેતરપીંડી કરી. એક વરસ પહેલા દિપા નામાધારણ કરી મુંબઈમાં આજ રીતે કરોડપતિ સાથે લગ્ન કરી દશ લાખની ચોરી કરી ભાગી ગઈ. આ મહિલા તો મોસ્ટ વોન્ટેડ મહિલા હતી. તેની મોડસ ઓપરેન્ડી દરેક જગ્યાએ સરખી હતી. પોતાના રૂપ દ્રારા કરોડપતિને ફસાવી,  લગ્ન કરી લાખો રૂપિયાનો ચુનો ચોપડી ભાગી જવું, આ તેનો ત્રીજો શિકાર હતો.

            ચેતન માથે હાથ દઈને બેસી પડયો. પાંચ લાખ રોકડાં અને સાત લાખના દાગીના સાથે બાર લાખની છેતરપીડીં કરીને ચાર્મી        ગુમ થઈ, પણ કેટલી ચાલાકીથી બનાવી ગઈ, તેનો વસવસો ઘરના બધા અનુભવી રહયા.

            ચેતન પણ વિચારતો હતો. મેં તેનો પ્રેમ પામવા કેટલો ખર્ચ કર્યો, પણ અંતે બધું લુંટાઈ ગયું. અને ચાર્મી પણ ગુમાવી.

            ત્યાં રેડીયો પર ગીત ચાલુ થયું.  ’’હમને અપના સબકુછ ખોયા, પ્યાર તેરા પાનેકો.’’

(સત્ય ઘટના - ફકત ફેસબુક અને મોબાઈલથી થયેલો પ્રેમ કેટલી મુસિબતો સર્જી શકે છે, તે આજના યુવક યુવતિઓની આંખ ખોલનાર છે. નામ અને સ્થળ બદલાવેલ છે.)



Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories