11 એપ્રિલ 2025

ઉનાળાની બપોર - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ઉનાળાની બપોર


મે મહિનાનો સુરજ ધરતી પર અગ્નિ વરસાવી રહયો હતો. રસ્તાઓ પ્રખર તાપથી સુમસામ બની ગયા હતા. ગરમીથી બચવા માણસો પણ પોતપોતાની એ.સી. રૂમો કે પંખા નીચે આરામ ફરમાવી રહયા હતા. બહાર કુતરાઓ પણ ગરમીથી હાંફી ને જીભ બહાર કાઢી આરામ ફરમાવી રહયાં હતા. ડામરની સડકો પરથી જાણે કે ગરમ ગરમ વરાળ નિકળી રહી હતી.

માધુપુરાનું કરિયાણા બજાર ગરમીમાં શાંત થઈ ગયું હતું. વેપારીઓ દુકાનમાં પંખા નીચે આરામ કરી રહયાં હતા. આવી ગરમીમાં ધનીબેન અને ભંવરલાલ કરિયાણું ખરીદવા કેમ નીકળી પડયાં એ નવાઈ ની વાત હતી.

આખા વરસનું કરિયાણું મસાલા, અને તેલનો ડબ્બો ખરીદી બંન્ને વજન ઉપાડી બહાર આવ્યા અને હાંફી ગયા. તેમનો બંગલો બારડોલપુરામાં નજીક હતો, તેથી ચાલતા પહોંચી જવાય, પણ સામાનનું શું?

બંન્ને મજુર શોધવા લાગ્યા ત્યાં મજુર જેવો પચાસ વરસનો આધેડ દેખાયો, તેના ફાંટેલા ગંધાતા કપડાં, અંદર ઉતરી ગયેલી આંખો, વધેલી દાઢી, તેની ગરીબાઈની ચાડી ખાતા હતા. આવતાવેંત તેણે કહયું ‘‘ બેન, ચાર દહાડાથી કાંઈ ખાધું નથી, મદદ કરો.’’

ધનીબેન બગડયા ‘‘ભીખ શું કામ માગે છે આ સામાન બાજુમાં અમારા ઘેર બારડોલપુરામાં પહોચાડવાના કેટલા રૂપિયા લઈશ?’’

‘‘ બેન, સાઈઠ રૂપિયા’’ મજુર જેવા ભેરૂજી એ વિનંતી કરી.

‘‘આટલા બધા હોતા હશે, હું તો ચાલીસ રૂપિયા આપીશ’’ ધનીબેને ચીકાશ કરી.

‘‘ સારૂં બેન પચાસ આપજો બસ.’’ ધનાજીએ સુકાભુખ્યા મો એ વાત કરી.

‘‘ આપી દે ને બીચારાને મદદ થશે.’’ ભંવરલાલને દયા આવી.

ધનીબેન તેમને બાજુમાં લઈ જઈ કહયું ‘‘ આવા લુખ્ખા માણસનો ભરોસો નહીં, તેનું નામને એડ્રેસ પણ આપણને ખબર નથી.’’

‘‘વાંધો નહી, ગરીબ માણસને મદદ કરવી જ જોઈએ’’ કહીને ભંવરલાલ તેને સામાન સોંપી ચાલવા લાગ્યા. પેલા મજુરે એડ્રેસ પુછીને પૈસા માગ્યાં. ભંવરલાલે મજુરીના પચાસમાંથી વીસ રૂપિયા આગોતરા આપી દીધા. ધનીબેનને આ ન ગમ્યું રસ્તામાં ખીજાયા’’ ‘‘આમ પૈસા આપી દેવાતા હશે?’’

બંન્ને ચાલતાં ધેર પહોંચી મજુરની રાહ જોવા લાગ્યા. અડધો કલાક, કલાક,બે કલાક નીકળી ગયા પણ પેલો મજુર આવ્યો નહીં. હવે ધનીબેનનો ગુસ્સો તેના વર પર ઉઠયો ‘‘ હું ના જ પાડતી હતી, આવા મેલાધેલા ભિખારી મજુરને સામાન સોંપીને અવાતું હશે, પાછા તમે તો મજુરીના અડધા રૂપિયા પણ પહેલાથી આપી દીધા છે સાવ મુરખ છો, તમને કાંઈ સમજણ તો પડતી નથી.’’

‘‘  અરે ! મે તો ગરીબ પ્રત્યે દયા અને કરૂણતા પ્રગટ કરી. બિચારાએ ત્રણ દિવસથી કાંઈ ખાધું પીધું ન હતું તેથી આગોતરા મજુરી આપી હતી’’ ભવરલાલે જવાબ આપ્યો.

‘‘આપણો તો આખા વરસનો  માલસામાન ગયો ને, હવે શું કરવું છે?  ચાલો પાછા તેજ જગ્યાએ, જો ના દેખાય તો પોલિસને જાણ કરવી પડશે.’’ધનીબેન ગુસ્સામાં બોલ્યા.

બન્ને પાછા ત્રણ વાગે તડકામાં ચાલતા માધુપુરા તરફ ગયા. રસ્તામાં ધનીબેન ધમકાવતાં હતા.   ‘‘તમે બધાને મદદ કરવા કાયમ આવું ને આવું કામ કરો છો આવા અજાણ્યા માણસનો ભરોસો કરાય જ નહીં.’’

ભંવરલાલ પણ વિચારતા હતા, કે તે મજુર પૈસા અને સામાન લઈને ગયો કયા? મોં પરથી તો શરીફ પણ ગરીબ લાગતો હતો. હવે તો આ જમાનામાં શરીફ લાગતા માણસનો પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

ત્યાં રસ્તામાં યુવાન મજુર તેમનો સામાન લઈને આવતો દેખાયો.

બન્ને ઉભા રહી ગયા, ને યુવાનને રોકી પૂછપરછ કરી. પેલા યુવાને રોકાઈને પુછયું ‘‘તમે જ ભંવરલાલ છો. આ તમારો સામાન છે ને.’’

‘‘હા, પણ પેલા ભૈરૂજી કયાં?’’ હવે ભંવરલાલને હાશ થઈ.

‘‘શું વાત કરૂ સાહેબ, ચાર દિવસનો ભુખ્યા ભેરૂજી લુ લાગવાથી ચ્હા પીવા જતા રોડ પર પડી ગયા હતા. પડયાં પડયાં પણ મને તમારૂં નામ સરનામું આપી  બોલ્યા ‘‘ આ ફેરાના અડધા પૈસા મે લઈ લીધા છે એટલે એ પહોચાડવાની મારી ફરજ છે.’’ આટલું કહેતા તે બેભાન થઈ ગયા.

મેં માંડ એમ્બ્યુલન્સ બોલાવી તેમને સિવીલમાં દાખલ કરાવી,  સારવાર ચાલુ કરાવી. ગરમીમાં લૂ લાગવાથી તેમના શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું હતું. બાટલા ચઢતા ધીમે ધીમે ભાન આવતું ગયું.

હું પાછો જવા જતો હતો, ને તેમણે મને બોલાવી વિનંતીના સ્વરમાં કહ્યું. પેલો ભંવરલાલનો સામાન પહોંચાડજો. નહિતર એ લોકો મને ચોર લફંગો ધારશે.પણ હું તો બિમાર છું તેથી તમે આ સામાન તાત્કાલીક તેમને પહોચાડો.આટલું કહેતાં તે હાંફી ગયા. નર્સે બોલવાની ના પાડી દીધી.

મારે બીજે કામ હતું તેથી હું ના પાડવા જતો હતો ને તેમણે મને તમારી જ વીસની નોટ આપતા કહ્યું લે, આ મજૂરીના પૈસા તેમના જ છે, પણ તું કોઈપણ હિસાબે આ સામાન પહોંચાડજે, પછી જ મને ચેન પડશે.

ગરીબ  ભૈરૂજીની ઈમાનદારી સાંભળી ભંવરલાલ દ્રવી ઉઠયાં. પણ ધનીબેન તો શરમથી તેમની સામે નજર પણ મિલાવવા અસમર્થ હતા. તેથી નીચું જોઈ ગયા.

ગરમીથી તપી ગયેલી સડક પર દુર દુર જાણે ઝાંઝવાના જળ ગરીબની ઈમાનદારી પણ આંસુ સારી રહયાં હતા.


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ઉનાળાની બપોર - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories