ખોદયો ડુંગર અને નીકળ્યો ઊંદર
આજથી ચાલીસ વર્ષ પહેલાંની વાત છે. સાણંદની
બાજુના નાના ગામના મુખી રાવજીભાઈ પાસે જમીન, જાયદાદ અને ટ્રૅક્ટર વગેરે તમામ સાધનો અને મિલકત હતાં. તે ગામમાં
લોકપ્રિય હતા અને વર્ષોથી મુખી તરીકે ચૂંટાઈ આવતા. તેમના પુત્ર રમણભાઈ અને
લતાબહેનને લગ્ન પછી પાંચ વર્ષે તંદુરસ્ત પુત્રરત્ન પ્રાપ્ત થયું હતું. ઘરનાં બધાં
તેને લાલો જ કહ્યા કરતાં. ગામના એક જ ડૉક્ટર પ્રજાપતિ ડૉ. ભટ્ટના મિત્ર હતા અને
તેમના બાળકોના મુશ્કેલ કેસ અમદાવાદ તેમની પાસે જ મોકલી આપતા.
માર્ચ મહિનાના મંગળવારનો બપોરનો સમય હતો.
સવારની ઓપીડી પતાવીને ડોક્ટર બપોરે ત્રણ વાગે ઘેર જમવા જવા વિચાર કરતાં હતા, ત્યાં ડૉક્ટર પ્રજાપતિનો ફોન આવ્યો. “ડૉ. ભટ્ટસાહેબ, બેઠા છો ને, રાવજીભાઈ મુખીના પૌત્રને તમારી પાસે
ઓપિનિયન માટે મોકલાવું છું.”
“શું થયું છે ?” ડૉ. ભટ્ટે પૂછ્યું.
“ડૉક્ટર, આજે વહેલી સવારથી લાલો રડવા ચડ્યો છે, તે બંધ જ નથી થતો. મેં બધી તપાસ કરી લીધી, ચૂંકનાં ટીપાં આપ્યાં, મગજના મેનીન્જાઈટિસની તપાસ કરી, કાનના પડદા પણ ઠીક છે, બીજી કોઈ જ ખામી જણાતી નથી. એટલે કમરના
પાણીની તપાસ કરી મગજના વાઇરલ સોજા માટે કે બીજી કોઈ મગજની બીમારી માટે વિચારવું
પડે તેમ છે. મેં તેમના બધા સગાવહાલાંને જાણ કરી દીધી છે.” (એ જમાનામાં મગજની કેટ સ્કેનિંગ કે
એમઆરઆઈની તપાસો થતી ન હતી.)
“સારું મોકલી આપો. હું રાહ જોઉં છું.” ડૉ. ભટ્ટે જવાબ આપ્યો.
ત્યાં લાલાની મમ્મી લતાબહેને રડતાં રડતાં તેના
પિયરમાં બહેરામપુરા ફોન કરી દીધો. લાલાનાં મામા-મામી, નાના-નાની પણ આ વાત સાંભળીને ચિંતામાં
પડી ગયાં. તેમણે પણ બધાએ ભેગા થઈ લાલાની સાથે ડૉ. ભટ્ટના દવાખાને આવવાનું નક્કી
કરી દીધું. ત્યાં ઉપરદલમાં આ વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ. બધા મુખીને ઘેર
ભેગા થઈ ગયા. પાડોશીઓ બોલ્યા. “લતાબહેન, ચિંતા ના કરો, અમે પણ અમદાવાદ તમારી સાથે આવીએ છીએ.”
ઉપરદલથી લાલાને લઈને ખાસ ઍમ્બ્યુલન્સ અને બીજી
ચાર ગાડીઓ અમદાવાદ આવવા નીકળી ગયા છે, એવો ફોન આવી ગયો.
ડૉ. ભટ્ટે ઘેર જમવા જવાનું માંડી વાળ્યું.
બાજુમાંથી ચા-નાસ્તો મંગાવીને પેટપૂજા કરી લીધી. લગભગ એકથી દોઢ કલાકમાં બધા આવવાના
હતા. લાલાના મોસાળથી પણ બે ગાડી અહીં આવવા નીકળી ગઈ.
બરાબર સાડા ચાર વાગે ઍમ્બ્યુલન્સ અને ચાર ગાડીઓ
ઉપરદલથી અને બે ગાડીઓ બહેરામપુરાથી અહીં આવી ગઈ. ડોક્ટરની હૉસ્પિટલ બાવીસથી પચ્ચીસ
માણસોથી ચિક્કાર ભરાઈ ગઈ.
ડૉ. ભટ્ટને નવાઈ લાગી. “આટલા બધા લોકો કેમ આવ્યા છે? તો રાવજીભાઈ મુખીએ કહ્યું, “સાહેબ, આ લાલો અમારા આખા કુટુંબનો એકમાત્ર વારસદાર છે અને આજુબાજુના
પાડોશીઓનો પણ લાડકો છે. ત્યાં અમને ડૉક્ટરે કહ્યું કે મગજના પાણીની તપાસ જરૂરી છે
અને જો વાઇરલ સોજો નીકળે તો લાલાની જિંદગી જોખમમાં કહેવાય. એટલે ચિંતામાં અને
ચિંતામાં બધાં અહીં સુધી આવી ગયાં.”
ડોક્ટરે લાલાનાં પપ્પા-મમ્મીને અંદર
કૅબિનમાં બોલાવી પૂછપરછ શરૂ કરી. “લતાબહેન, આ તકલીફ કેટલા વખતથી શરૂ થઈ છે ?” ડોકટરે પૂછ્યું.
“આજ વહેલી સવારથી જ રડવા ચડ્યો છે, ચૂપ જ થતો નથી. દૂધ નથી પીતો કે ઊંઘતો
પણ નથી.” લતાબહેને રડતાં-રડતાં જવાબ આપ્યો.
ડોક્ટરે તપાસ માટે લાલાને ટેબલ ઉપર સુવાડ્યો. રડી-રડીને તેનો સાદ બેસી ગયો હતો, તે થાકીને હીબકાં ભરતો હતો, દૂધ પીતો ન હતો. તેની બાહ્ય તપાસમાં નાડી, શ્વસન, ટેમ્પરેચર વગેરે બધું નોર્મલ હતું. પેટમાં ગૅસ પણ જણાયો નહીં. ડોક્ટરને હજુ તેનું આટલું બધું રડવાનું કારણ મળતું ન હતું.
લાલાનાં બધાં કપડાં કાઢી નાખેલ હતાં, પણ ડાયપર પહેરાવેલ હતું. ડોક્ટરે
ધીમેથી ડાયપર કાઢીને આગળ-પાછળ તપાસ ટૉર્ચ દ્વારા લાઇટ ફેંકીને કરી. તેના પાછળની
બાજુએ બે કુલાની વચ્ચે ગુદાદ્વારની બાજુમાં એક લાલ કીડી ચોંટીને ચટકાં ભરી રહી
હતી. તરત જ ડોક્ટરે સંભાળપૂર્વક બે આંગળીઓથી પકડીને કીડીને ગુદાદ્વારની ચામડી પરથી
ઉતારીને દૂર ફેંકી દીધી.
અને જાદુ થયો. બે જ મિનિટમાં લાલો રડતો બંધ થઈ
ગયો. બધાંને નવાઈ લાગી. તેનાં મમ્મી-પપ્પા લાલાને રડતો બંધ જોઈ ખુશ થઈ ગયાં.
લતાબહેનની આંખોમાં પાણી આવી ગયાં.
મુખી રાવજીભાઈ બોલ્યા, “ડૉક્ટર, તમે તો જાદુ કર્યો. હવે તો લાલાની કમરમાંથી મગજના પાણીની તપાસની જરૂર
નથી ને !”
“તેના રડવાનું કારણ તો મેં દૂર કરી દીધું, હવે બીજી કોઈ તપાસની શી જરૂર છે ?” ડૉ. ભટ્ટે તેમને બધાંને સમજાવ્યાં.
લાલાએ શાંતિપૂર્વક દૂધ પી લીધું અને ઊંઘી ગયો.
હૉસ્પિટલમાં આવેલ પચીસ માણસોની ભીડ ખુશ થઈ ગઈ. વહેલી સવારથી આટલા બધા માણસોની
દોડાદોડીનો સુંદર અંત આવ્યો. લાલાના મામા બોલ્યા “અરે ! આ તો ખોદ્યો ડુંગર, અને નીકળ્યો ઉંદર જેવું થયું.”
ડોક્ટરે બધાંને બેસાડીને શાંતિપૂર્વક
સમજાવ્યાં. બાળકોમાં ધીમેધીમે બે વર્ષે બોલવાની આવડત આવે છે. ત્યાંસુધી કોઈ પણ
તકલીફ માટે મમ્મી-પપ્પાનું ધ્યાન દોરવા રડવા સિવાય બીજું શું કરી શકે?
બાળકને ભૂખ લાગે, તરસ લાગે, ગરમી લાગે, ઠંડી લાગે, જીવડું કરડતું હોય, બીક લાગે, મમ્મીનો પ્રેમ જોઈતો હોય તો તે રડીને જ
બતાવશે ને !
ગયા વર્ષે મે મહિનાની સખત ગરમીમાં કામિનીબહેન
અને અરુણભાઈ તેમની એક વર્ષની મુન્નીને સતત રડવાની તકલીફ સાથે બપોરે લાવ્યાં હતાં.
અમદાવાદનું તે વખતે ઉષ્ણતામાન ૪૫ ડિગ્રી સેન્ટિગ્રેડ હતું.
ડોક્ટરે જોયું તો મુન્નીને કાનની ગરમ ટોપી, ગરમ સ્વેટર અને પગમાં ઊનનાં મોજાં
પહેરાવેલાં હતાં. ડોક્ટરે પૂછ્યું, “આટલી બધી ગરમીમાં તમે મુન્નીને ગરમ કપડાં કેમ પહેરાવેલ છે ?”
કામિનીબહેને જવાબ આપતાં કહ્યું, “સાહેબ, અમારી મુન્નીને શરદી-કફનો કોઠો છે, એટલે મારાં સાસુએ તેને કાયમ ગરમ કપડાં પહેરાવવા કહ્યું છે.”
ડોક્ટરે
ધીમેથી મુન્નીનાં તમામ ગરમ કપડાં કાઢીને પંખા નીચે ઠંડકમાં મૂકી દીધી. અને
મુન્નીનું રડવાનું ગાયબ ! તેનાં મમ્મી-પપ્પા રડવાનું કારણ સમજી ગયાં હતાં. તેને
કોઈ દવાની જરૂર જ ન હતી.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ખોદયો ડુંગર અને નીકળ્યો ઊંદર - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories