09 જૂન 2025

ક્રિમિનલ રાજૂ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ક્રિમિનલ રાજૂ

        "મને છોડીને ના જઈશ, તારા અને સપના વગર હું જીવી નહીં શકું." રાજૂએ પોતાની પત્ની જીજ્ઞાને  કરગરતા અવાજે કહ્યું.

        "તું તો ક્રિમિનલ માઇન્ડનો માણસ છે, ચોરી માટે તું મામાધુપુરા પોલીસ ચોકીમાં બે દિવસ થી પડ્યો છે, તારા આવા ચોરી અને ગુનાખોરીના સંસ્કાર આપની દશ વરસની દીકરી સપના પર કેવા પડે ?"” જીજ્ઞાએ  મકકમ અવાજે જવાબ આપતા કહ્યું.

        મામાધુપુરાની ચાલીમાં રાજૂ અને જીજ્ઞાનો નાનો સંસાર સુખેથી ચાલતો હતો. સંતાનમાં ફક્ત દશ વરસની દીકરી સપના જ હતી. તેની મૉમને ચિંતા હતી કે તેના પતિના ગુનાની દીકરી ઉપર ખરાબ અસર પડશે.

        “"મે કોઈ ચોરી કરી નથી. શેઠને ખોટો વહેમ છે. તેના બે લાખ રૂપિયા મેં સાચવીને તિજોરીમાં મૂકી દીધા હતા. પોલીસે મને ખોટો સંડોવીને કસ્ટડીમાં મૂકી દીધો છે. હમણાં હું જામીન ઉપર છૂટી જઈશ. પછી કોર્ટમાં કેસ ચાલશે, અને તેમાં ગુનો પુરવાર થાય તો જ હું ગુનેગાર કહેવાઉ. તું ખોટો મને બદનામ કરે છે. “ ફરી રાજૂ રડવા જેવો થઈ ગયો.

        "ચોરી વગર કઈ પોલીસ થોડો જેલમાં નાખે? ચાલીમાં અને સમાજમાં તારું નામ બદનામ થઈ ગયું છે. આમેય તું મારી સાથે રોજ નાનામોટા ઝગડા અને બોલાચાલી કરે છે, હવે મારે તારી સાથે રહેવુ જ નથી. તારે લીધે આપણી દીકરી સપનાની પણ બદનામી થશે, તેને બદલે હું જ સપનાને લઈને પિયર જતી રહું છુ. હવે મને બોલાવીશ જ નહીં.“" જીજ્ઞા પણ ગુસ્સે થઈને બોલી.

         “આવા નાના મોટા ઝગડા તો દરેક પતિપત્નીમાં થયા કરે, એમાં આમ છોડીને જવાતું હશે? તમારા વગર હું રહી નહીં શકું.” કહેતા કહેતા રાજૂ ઢીલોઢફ થઈ ગયો.

          પણ જીજ્ઞા માની જ નહીં, તે આવા ગુનેગારને છોડીને, પોતાની દીકરી સાથે પિયર જતી રહી. રાજૂ કસ્ટડીમાંથી છૂટીને ઘેર આવ્યો ત્યારે ઘેર મોટું તાળું લટકતું જોઈ તે નિરાશ થઈ ગયો. શેઠે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, કોઈ તેને નોકરીમાં રાખતું નહોતું. હવે કરવું શું ? તે હતાશ થઈ ગયો.તેણે  પત્ની અને દીકરી ને મળવાના અનેક પ્રયત્નો કર્યા, મોબાઈલ થી સંપર્ક કરવા અનેક કોશિશ કરી , પણ વ્યર્થ!! જીજ્ઞા એ કોઈ દાદ ના આપી, જીદે વટે ચડી ગઈ હતી. અંતે રાજૂએ પ્રયત્નો છોડી દીધા.

         હવે રાજૂને પેટ ભરવાના પણ ફાફા પડી ગયા હતા, કોઈ નોકરીએ રાખે નહીં, તેથી ક્યારેક મજૂરી કરીને કે પછી ક્યારેક રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો હતો. કોર્ટમાં લડવાના પૈસાના પણ ફાફા હતા, તેથી વકીલ પણ મુદત ઉપર મુદત પાડે જતો હતો. કેસ કાચબાની ગતિએ ચાલી રહ્યો હતો.

        જીજ્ઞાએ વટમાં અને જિદમાં ઘર છોડી દીધું હતું, તેને એમ હતુ કે તે દીકરીને લઈને કોઈ બીજાનું ઘર માંડશે, પણ એ ક્યાં સરળ હતું ? દીકરી સાથે તેને સ્વીકારવા કોઈ તૈયાર ના થયું, તેનો જૂનો બોયફ્રેંડ કિશોર પણ ફરી ગયો, તેણે પણ કહી દીધું "તારે એકલીને આવવું હોય તો મારૂ ઘર વસાવવા આવી જા. પણ તારી દીકરી મારે ઘેર ના જોઈએ.”" જીજ્ઞા કંઈ એની દીકરીને છોડીને આવવા તૈયાર થાય ? હવે તે પસ્તાઈ રહી હતી, “ મે ખોટો રાજૂને ચોર સમજીને છોડી દીધો. “ હવે પાછા પણ ના જવાય. વટનો સવાલ હતો ને !!

        સમયને જતાં ક્યાં વાર લાગે છે ? ચૌદ વરસ તો જોતજોતામાં પસાર થઈ ગયા. સપના પણ હવે તો ચોવીસ વરસની સુંદર દેખાવડી યુવતી બની ગઈ હતી. તેણે બે ચાર વખત મૉમને પુછ્યું, "મારા પપ્પા ક્યાં છે ?” તો મૉમનો એક જ જવાબ, “"તારા પપ્પા તો ક્રિમિનલ છે, અને અત્યારે જેલમાં છે." “ તેને ખોટું બોલતા જીવ ચાલતો ન હતો, પણ શું થાય? પોતે જ તેને છોડવાની  ભૂલ કરી હતી.

        સપનાને તો મોટી આર્કિટેક બની ખૂબ પૈસા કમાવા હતા, તેથી સ્કૂલ ઓફ આર્કિટેકમાં દાખલ થઈ ગઈ. હોશિયાર હોવાથી સ્કોલરશિપ મળતી હોવાથી ફી નો કોઈ સવાલ ન હતો. સરસ દેખાવ અને સુડોળ ચહેરો હોવાથી કોલેજના ઘણા છોકરા તેની ઉપર લાઇન મારતા, પણ સપનાનું ધ્યાન તો ફક્ત ભણવામા જ હતું.

        જુલાઈ મહિનાની વરસાદી રાતે સપના કોલેજમાં જોબવર્ક કરવામાં મગ્ન હતી. તે અને તેની સખી કામમાં એટલા મગ્ન હતાં કે રાતના અગિયાર વાગી ગયા, અને વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો, તેનું પણ ભાન ન રહ્યું. તેની સખી તો બાજુમાં હોસ્ટેલમાં જતી રહી, પણ સપનાને તો છેક રખિયાલ તેના મામાને ઘેર જવાનું હતું. બહાર નીકળી તો સાવ સૂનકાર, ઝરમર વરસાદ, અને કોઈ માણસ કે વાહન ના મળે, યુવાન સપના અંધારામાં એકાંત અને સૂનકારથી ગભરાઈ ઝડપથી ચાલવા લાગી. પાછળથી સ્કૂટર ઉપર એક પીધેલો લબાડ જેવો માણસ એકાંતમાં મસ્ત યુવતીને  જોઈ લલચાઈને ઊભો રહી ગયો. સ્કૂટર ઊભું રાખી તેને સીધી સપનાને બાથ ભરી લીધી. તેની કામુક નજરો અને હિલચાલથી સપનાને પરિસ્થિતીની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો.

        "“બચાવો, બચાવો," તેને બૂમો પાડી, પણ વાહ રે નસીબ ! અત્યારે તેને બચાવવા સૂમસામ રસ્તા પર કોઈ નહોતું. શરાબી લબાડે તો તેને નીચે પાડી સાડી ખેચવા લાગ્યો, તેની વાસના ઉછાળા મારી રહી હતી, આજે તેની હવસ સંતોષાઈ જાય તેવી તેને આશા હતી. અચાનક પાછળથી રીક્ષા આવતી જોઈ તે ચમકી ગયો. રીક્ષાવાળાએ ઊભા રહી તેને પડકાર્યો, "છોડી દે, તેને છોડી દે" “ કહેતા એ આધેડ ડ્રાઇવરે તેનો પાછળથી કોલર પકડ્યો.. હવે તે લબાડ પણ વાસનાના આવેગમાં બગડ્યો, “"એ કાકા, રહેવા દે, આ છોકરી તારી શું થાય છે? ચૂપચાપ તારે રસ્તે પડ. નહિતર આ ચક્કુ હુલાવી દઇશ." કહીને તેણે ખિસ્સામાથી રામપુરી બહાર કાઢ્યું. રીક્ષાવાળાએ પણ જીવના જોખમે તેને છોડાવી.

        "બેટા, આબરૂ બચાવી ભાગ.”" આધેડ રિક્ષા ડ્રાઈવર બરાબર સામનો કરતો હતો. હવસખોર લબાડે સીધું ચક્કુ તેના પેટમાં હુલાવી દીધું.

        “કેટલો સારો માણસ છે, કઈપણ ઓળખાણ વગર પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. “ વિચારતી સપના દોડતી બસ સ્ટેન્ડ પર પહોચી, સીધી ઘેર જઇ માને બધી વાત કરી. આખી વાત સાંભળી જીજ્ઞા સહેમી ગઈ, “ "ચાલ બેટા, જલ્દી તે રિક્ષા ડ્રાઇવરને મદદ કરવા."” ઘરના બે પુરુષો અને માં દીકરી રીક્ષા કરી પહોચ્યા ઘટના સ્થળે.

        લોહીના ખાબોચિયા માં આધેડ બેભાન પડ્યો હતો. લબાડ ગુંડો તો ક્યારનો ભાગી ગયો હતો. તેને જોતાવેત જીજ્ઞા એ કહ્યું, "અરે, તમે જ આપણી દીકરીની ઇજ્જત બચાવી !!”" સપના ને નવાઈ લાગી, આ વળી કોણ છે ? "“બેટા, આ જ તારા પપ્પા છે. મે ખોટા તેમને ક્રિમિનલ ઠરાવી ઘર છોડી દીધું. ચલ, જલ્દી 108 બોલાવ." કહેતા તેની માં રડી પડી.

        તાત્કાલિક સારવાર અને સપનાના લોહીના બાટલા થી વહેલી સવારે રાજૂએ આખો ખોલી. સામે  યુવતીને જોતાં પુછ્યું, "“બેટા, તારી ઇજ્જત તો બચી ગઈને !!" જીવના જોખમે પારકી લાગતી (પણ પોતાની) દીકરીની ઇજ્જતની ચિંતા કરનાર ને ક્રિમિનલ કહેનાર જીજ્ઞાની આખોમાથી ચોમાસાના શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. “ આ જ આપણી દીકરી સપના છે, નીચું જોઈને કહેતી જીજ્ઞા તેમની સામે પણ જોઈ શકતી ન  હતી. જિંદગીના ચૌદ વરસ યાદ અને વિરહમાં વહી ગયા, પણ પોતાના હાથે જ દીકરીની ઇજ્જત બચી ગઈ, સાંભળી રાજૂ પણ ગદગદ થઈ ગયો.

      મોડે મોડે પણ પપ્પા મળી ગયા, વિચારી સપના ખુશ હતી, અને વિચારતી હતી, “એમ તો ભગવાન રામ અને સીતામાતાને પણ ચૌદ વરસનો વનવાસ થયો જ હતો ને !!”  

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ક્રિમિનલ રાજૂ  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad

Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories