24 જુલાઈ 2025

સાચું સુખ અને સંતોષ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સાચું સુખ અને સંતોષ

                દિવાળીના તહેવારો નિમિત્તે ધર્મગુરુ મહારાજ સાહેબે મોટા હોલમાં યુવકો અને યુવતીઓ માટે શિબિરનું આયોજન કરેલ હતું. હૉલ યુવાનોથી ખિચોખીચ ભરેલો હતો. મહારાજ સાહેબ ધીમા પણ મક્કમ સ્વરે ધાર્મિક ભાષણ આપી રહ્યા હતા. યુવકો અને યુવતીઓ દિવાળીમાં વેકેશન આનંદથી મનાવજો પણ સતકાર્ય કરવાનું છોડતા નહીં. તહેવારોમાં હજારો રૂપિયાના ફટાકડા લોકો ફક્ત મિનિટોમાં ફોડીને ધુમાડા કરી નાખે છે, તેમાં અવાજનું પ્રદૂષણ અને દાઝી જવાનું જોખમ તો ખરૂ જ. તેની બદલે ગરીબ જરૂરિયાતમંદ લોકોને દિવાળીમાં મદદરૂપ  થશો તો તમને માનસિક શાંતિ અને ઈશ્વરની કૃપા પણ વરસતી રહેશે.

                સ્મિત અને સુર બંને ભાઈઓ શાંતિચિત્તે આ વાર્તાલાપ સાભાળી રહ્યા હતા. સ્મિતને વ્યાખ્યાનની ગહેરી અસર થઈ, અને તેણે દિવાળીમાં ફટાકડા ફોડવાને બદલે સદકાર્ય કરવાનું નક્કી કરી લીધું. સુર હજી વિચારી રહ્યો હતો. તેણે વિચાર્યું મહારાજ સાહેબ તો સલાહ આપ્યા કરે, આપણે તો ફટાકડા ફોડીને જ દિવાળીનો આનંદ માનવીશું.

                સ્મિત અને સુર દશમાં ધોરણમાં ભણતા પંદર વરસના જોડકા ભાઈઓ હતા, પણ સ્વભાવ અને માનસિકતામાં આસમાન જમીનનું અંતર.

તેમના પિતાજી અશોકભાઇ મોટા કોન્ટ્રાક્ટર હતા, આ વર્ષે તેમને બે મોટા કોન્ટ્રાક્ટ મળેલ હોવાથી ખૂબ ખુશ હતાં. દિવાળી આવે એટલે નવા કપડાં, નવા બુટ અને ખાવાપીવાનું તો હોય જ. આ ઉપરાંત અશોકભાઈએ તેમના બન્ને જોડકા દીકરાઓ સ્મિત અને સુરને બોલાવી દિવાળીમાં આનંદ કરવા અને ફટાકડા માટે દશ દશ હજાર રોકડા આપી દીધા.

                સ્મિત શરૂઆતથી જ સંસ્કારી, દયાળુ અને ધર્મિષ્ઠ હતો. તેને ખાલી બે ત્રણ દિવસ રાત્રે ફટાકડાનો ધુમાડો કરી દસ હજાર વાપરી નાખવાનું મન ના થયું. તેણે સાચવીને દિવાળીમાં કઈક સારા કામ માટે રૂપિયા કબાટમાં મુકી દીધા.

                સુર શોખીન મોજીલો અને ખર્ચાળ હતો. તેણે તો દશ હજાર રૂપિયા હાથમાં આવતા દિવાળીમાં મિત્રો સાથે ફટાકડાં ફોડવાનું નક્કી કરી લીધું. તેને સાહસિક તોફાનો કરવા બહુ ગમતાં. તેના મિત્રો પ્રવીણ અને વિપુલ પણ એકબીજાથી ચડે તેવા. બધાએ ભેગા થઈને રંગબેરંગી આતશબાજી જમાવે તેવા ટેટા અને રોકેટ ખરીદવાનું નક્કી કર્યું. તેના બે મિત્રો, સુરના પૈસે જ આનંદ મનાવવા માંગતા હતાં.

                ધનતેરસની સવારે તો સુર અને તેના મિત્રો દિલ્હી દરવાજા બહારની ફટાકડાની દુકાનોમાંથી મોટા બોમ્બ, ટેટા અને રોકેટ ખરીદી લાવ્યા. પાછા વળતાં તેમણે સ્મિતની મજાક ઉડાવી.

                અલ્યા, સ્મિત તારે ફટાકડા નથી લેવા?”

                ના મને એવો પૈસાનો બગાડ ગમતો નથી.સ્મિતે જવાબ આપ્યો.

                સાચું કહેને, તને બોમ્બ અને ટેટા ફોડવાની બીક લાગે છે, એટલે ના પાડે છે.સુરના મિત્રોએ ફરી તેની મજાક ઉડાવી.

                એમ સમજો તો વાંધો નહીં.કહીને સ્મિતે જવાબ આપ્યો અને જતો રહ્યો.

                બપોરના સમયે તેમના ઘરની આયા લક્ષ્મીબાઇ રડતાં રડતાં ઘરે આવી અશોકભાઈએ રડવાનું કારણ પૂછતા તેણે જણાવ્યુ તેના એકના એક દોઢ વર્ષના બાબાને ઝાડા ઉલ્ટી થઈ ગયા છે, અને તમામ દવાખાના બંધ છે. સરકારી હોસ્પીટલમાં દિવાળીની રજામાં, ડોક્ટર હાજર ના હોવાથી તેને દાખલ કરેલ નથી. સારવાર વગર તો બાબાનો કેસ બગડી જાય તેમ છે.

                તમામ વાત સાભળતાં લક્ષ્મીબાઇએ કહ્યું શેઠ સેટેલાઈટ વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ છે, પણ તે તો વધારે ખર્ચાળ છે.

                સ્મિતે તરત જ ડ્રાઇવરને ગાડી કાઢી લક્ષ્મીબાઇ અને તેના બાબાને લઈ સેટેલાઇટની પ્રાઈવેટ બાળકોની હોસ્પીટલમાં દાખલ કરાવી દીધો. સારવાર અને બાટલાથી બાબાની તબિયત બે દિવસમાં નોર્મલ થઈ ગઈ. ત્રીજા દિવસે તો રજા પણ મળી ગઈ, બિલના નવ હજાર પાંચસો સ્મિતે ચુકવી દીધા. લક્ષ્મીબાઇ તો બાબાને સારો થઈ ગયેલો જોઈ ગદગદ થઈ સ્મિતને કહ્યું નાનાશેઠ તમે તો અમારા ભગવાન બની ગયા. નહીતર પારકાં બાળક માટે આટલો ખર્ચો કોણ કરે છે?” સ્મિતને આ સાંભળી મહારાજ સાહેબ યાદ આવી ગયા. તેને બીજાને મદદ કર્યાનો નિજાનંદ અનન્ય હતો.

                દિવાળીની રાત્રે સુર અને તેના બન્ને મિત્રો ભેગા થઈ ફટાકડા ફોડી રહ્યા હતા. રાત્રે અગ્યાર વાગે ઘરના વડીલો સુવા જતા રહ્યા પછી તેના મિત્રો ચડસાચડસી પર ચડી ગયા.

                વિપુલે સુરને ચડાવતા કહ્યું જો, તું આ બોમ્બ આ હાથમાં ફોડી બતાવે તો જાણું.

                એમાં શું મોટી વાત છે.સુર પણ તેની ચડામણીમાં આવી ગયો.

                લાગી બસ્સો એકની શરતઅને બન્ને ચડસાચડસી પછી શરત ઉપર આવી ગયા.

                વિપુલે તો હાથમાં બોમ્બ સળગાવી છેલ્લી સેકન્ડે દૂર ફેંકયો, અને તે ફૂટ્યો દૂર હવામાં. તેને આ બધી પ્રેક્ટિસ હતી.

                હવે વારો હતો સુરનો. તેને આવી કોઈ જ પ્રેકટીસ ના હતી. પણ શરત લાગી હતી એટલે વટમાં તેણે તો મોટો સુતળી બોમ્બ હાથમાં જ સળગાવ્યો હજુ તો ફેકવા જાય ત્યોં તો તેનો તણખો ઉડયો બાજુમાં પડેલા રોકેટના ઢગલામાં ચમકીને દોડવા જતાં સુરની આંખમાં સીધું એક રોકેટ અંદર પેસી ગયું. સુર જોરદાર ધડાકા સાથે પછડાયો, અને બૂમો પાડવા માંડ્યો. મરી ગયો રે” “કોઈ બચાવો.

                સુરની આવી કરૂણ હાલત જોઈ ઘરના બધા જ ડધાઈ ગયા. તેના બન્ને મિત્રો ભાગી ગયા.

                તરત એમ્બ્યુલન્સ બોલાવી સુરને નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરી દીધો. સુરને આવી ગંભીર હાલતમાં છોડી તેના મિત્રો ભાગી ગયા છે, તે જાણી સુર પણ વાસ્તવિક પરિસ્થિતિ સમજી ગયો. તેને હવે ખ્યાલ આવી ગયો કે ખરેખર દુ:ખના સમયે કામમાં આવે તે જ સાચો મિત્ર અને સ્નેહી. તે મનમાં મહારાજ સાહેબના સૂચનો ન માનવા બદલ પસ્તાઈ રહ્યો હતો.

                પાંચ દિવસની મહેનત પછી પણ તેનો ડાબો હાથ પંજા પાસેથી કાપવો પડ્યો, અને જમણી આંખ કાયમ માટે જતી રહી.

                ઘરે આવીને સુર એક હાથ અને એક આંખ વગર જિંદગી કઈ રીતે કાઢી શકાશે તે વિચારી મનમાં ને મનમાં રડી રહ્યો હતો. લક્ષ્મીબાઈના બચી ગયેલા, રમતા બાળકને જોઈ સ્મિત આંતરિક સંતોષ અને સુખ અનુભવી રહ્યો હતો. હવે તો  સર્વ યુવકો અને બાળકોને ખ્યાલ આવી ગયો ને કે સાચું સુખ અને સંતોષ શેમાં રહેલા છે ? કોઈ લાચારને મદદ કરીને કે પૈસાનો ધૂમાડો કરીને???


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/a/


સાચું સુખ અને સંતોષ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories