22 જુલાઈ 2025

સંગીતા બચી ગઈ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સંગીતા બચી ગઈ





                ૨૦૦૨ની સાલ એટલે ગુજરાતની બદનસીબી. ગોધરાકાંડ પછીથી માર્ચ, એપ્રિલમાં ગુજરાતમાં અને અમદાવાદમાં જબરજસ્ત કોમી રમખાણો ફાટી નીકળ્યાં. ડૉ.જોસેફની હૉસ્પિટલ શહેરની મધ્યમાં શાહપુર વિસ્તારમાં હોવાથી કોમી દાવાનળની લપેટમાં આવી ગઈ. 

                ચારેતરફ મારો-કાપોના નારા ગુંજતા હતા. હિંદુઓ અને મુસલમાનો જાણે કે એકબીજાના લોહીના પ્યાસા બની ગયા હતા. મુસ્લિમ એરિયામાં હિંદુઓ જતાં ગભરાતા હતા અને હિંદુઓના એરિયામાં મુસલમાન એકલદોકલ જતાં ગભરાતા. આગજની, સ્ટેબિંગ અને મારામારી તો જાણે રોજનાં થઈ ગયાં હતાં.

                માર્ચ અને એપ્રિલ મહિના સુધી લગભગ તોફાનો અને કરફ્યુને લીધે પણ હૉસ્પિટલ અને કન્સલ્ટિંગ બંધ રહ્યાં. પછી ધીમે- ધીમે કરફ્યુમુક્તિ ચાલુ થવા લાગી.

                સંગીતા નામની ફક્ત આઠ વર્ષની બાળકી, સરદારનગરના સિંધી કુટુંબમાંથી આવતી આ બાળકી થેલેસેમિયાની દર્દી હતી. તેને દર દોઢ મહિને લોહી ચડાવવું જરૂરી હતું. ડૉ. જોસેફને ત્યાં જ બાર વખત લોહી ચડાવીને સંગીતાને તકલીફમુક્ત કરી હોવાથી તેના ઘરવાળાંને ત્યાં જ લોહી ચડાવવાનો વિશ્વાસ બેસી ગયો હતો. જો તેને લોહી ચડાવવામાં બે માસ કરતાં વધારે સમય થઈ જાય તો તેનું હિમોગ્લોબિન ચાલીસ ટકા કરતાંય વધારે નીચે જતું રહેતું અને  તેની હાલત ગંભીર થવા લાગતી.

                સંગીતાનું લોહી નેગેટિવ હોવાથી દર વખતે મુશ્કેલીથી બ્લ્ડબૅંકમાંથી એક બૉટલ લોહી મેળવી શકાતું. છેલ્લે ફેબ્રુઆરીમાં લોહી ચડાવેલ હોવાથી એપ્રિલમાં દોઢ માસ પૂરો થતો હતો. તેનાં માતા-પિતાએ બે વખત ડૉ.જોસેફની હૉસ્પિટલમાં આવવા કોશિશ કરી; પરંતુ શહેરની મધ્યમાં શાહપુરમાં પહોંચવું મુશ્કેલ હતું.

                તેના પપ્પા સાધુરામે બે વખત ડૉ.જોસેફને ફોન કર્યા, “ડૉક્ટર, અમારી સંગીતાને લોહી ચડાવવા ક્યારે આવીએ ?”

                તમે ક્યાંક બહાર વ્યવસ્થા કરો તો વધારે સારું.  ડોક્ટરે જવાબ વાળ્યો.

                નહીં ડૉક્ટર, અમારે તો તમારે ત્યાં જ લોહી ચડાવવું છે. પહેલેથી જ તમારી જ સારવાર ચાલે છે, તેથી અમે બીજે ક્યાંય નહીં જઈએ.સાધુરામે ડોક્ટરમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું.

                લોહી વગર સંગીતાની હાલત બગડતી જતી હતી. તે ચાલતાં-ચાલતાં હાંફી જતી હતી.

                છેક મહિનાને અંતે કરફ્યુ છ કલાક માટે ખૂલ્યો. ડૉ.જોસેફે તરત જ ફોન કરીને તેમને બોલાવી લીધા.

                સંગીતાને લોહી ચડાવવામાં અઢી માસથી વધારે સમય થઈ ગયો હતો. તેનો હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવતાં, તે વીસ ટકા કરતાંય ઓછું થઈ ગયું હતું. હાલત વધારે ગંભીર હતી. તત્કાલ લોહી ચડાવવું જરૂરી હતું. શરીર સાવ સફેદ રૂની પૂણી જેવું થઈ ગયું હતું. હવે જો એક દિવસ પણ વધારે થઈ જાય તો સંગીતાની જિંદગી જોખમમાં આવી જાય તેમ હતી.

                તેના બ્લડગ્રૂપ માટે ડૉ.જોસેફે ચારે તરફ ફોન કર્યો. નેગેટિવ લોહી કોઈ પણ બ્લ્ડબૅંકમાં સ્ટૉકમાં ન હતું. ચારે તરફથી મારો-કાપોના કેસ આવતા હોવાથી લોહીની અછત થઈ ગઈ હતી. એમાંય નેગેટિવ ગ્રૂપ તો ક્યાંથી મળે ?

                સંગીતાનાં માતા-પિતા રડવા જેવાં થઈ ગયાં હતાં. ઉપરવાળાએ એક જ દીકરી આપી અને તે પણ  થેલેસેમિયાવાળી, જેને જિંદગી બચાવવા એક બૉટલ લોહી પણ નસીબમાં ન હતંુ.

                કરફ્યુ ખૂલેલ હોવાથી ડૉ.જોસેફને બીજા રેગ્યુલર દર્દીઓ પણ ફોન પર એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવવા લાગ્યા હતા. મહંમદભાઈ અને શમીમબહેન બાબા હુસેનને પણ રૂટિન કફ-તાવ માટે બતાવવા આવ્યાં હતાં. અંદર વૉર્ડમાં સંગીતાનાં મા-બાપને રડતાં જોઈ મહંમદભાઈ મારી ઑફિસમાં પૂછપરછ માટે આવ્યા. ડોક્ટરે તેમને સંગીતાની હાલત અને બ્લડગ્રૂપની વાત કરી. મહંમદભાઈને યાદ આવ્યું, તેમનું બ્લડ પણ નેગેટિવ હતું. ડોક્ટરે તેમને વિનંતી કરી, એક બૉટલ બ્લડની વ્યવસ્થા થઈ જાય તો સારું.

                હૉસ્પિટલની બહાર શહેરમાં હજુ માનવી માનવીના લોહીનો પ્યાસો થઈ ગયો હતો. ડૉ.જોસેફને પણ શંકા હતી કે હિંદુ છોકરી માટે મહંમદભાઈ હા ક્યાંથી પાડશે ?

                શમીમબહેનને ખબર પડતાં જ અંદર આવીને કહ્યું, “ડૉક્ટર, ઇન્સાન અગર ઇન્સાન કે કામ નહીં આયા, તો ક્યા કરને કા ?” તેમણે અને મહંમદભાઈએ તૈયારી બતાવી.

                સાધુરામની આંખોમાં પાણી આવી ગયાં. તરત જ બંને સાથે બ્લડબૅંકમાં જઈ એક લોહીની બૉટલ લઈ આવ્યાં. સમય ઓછો હતો.

                બપોરના ત્રણ વાગી ગયા હતા. છ વાગે કરફ્યુનો સમય પૂરો થતો હતો.

                એક કલાકમાં તો સંગીતાને લોહી ચડી ગયું. તેના જીવમાં જીવ આવ્યો. તેનો હાંફ દૂર થઈ ગયો. તેનાં માતા-પિતા ગળગળાં થઈને મહંમદભાઈ અને શમીમબહેનનો આભાર માનવા લાગ્યાં. તેમણે હજાર રૂપિયાની નોટ કાઢી પણ મહંમદભાઈએ ધરાર રૂપિયા લેવાનો ઇન્કાર કરી દીધો અને બોલ્યા, “અલ્લાહને હમે એક છોટી સી બચ્ચી કી જિંદગી બચાને કા મૌકા દિયા, હમે ઔર કુછ નહીં ચાહીયે.ડૉ.જોસેફને પણ નાની છોકરીનો જીવ બચાવી લેવાનો આનંદ હતો.

                સાડાપાંચ વાગે ડોક્ટર ઘેર જવા નીકળ્યાં, ત્યારે રસ્તાઓ સૂમસામ થઈ ગયા ગયા હતા. ફક્ત મિલિટરીની અને પોલીસની જીપો દોડાદોડ કરતી હતી. છ પહેલાં તો ગમે તેમ કરીને ઘેર પહોંચી જવું જરૂરી હતું.

                સાંજે ઘેર પહોંચીને ટીવી પર એક પછી એક સ્ટેબિંગ, આગજની અને મારામારીના સમાચાર જોઈને ડોકટરનું મન કકળી ઊઠ્યું. આ તે કેવું ઝનૂન ? આ કેવી દુશ્મની ? આ કેવું ગાંડપણ ? કોઈ પણ અજાણ્યા માણસને, સ્ત્રીને કે બાળકને તે બીજા ધર્મનો છે, તેમ સમજી ખલાસ કરી નાખવાનો ? માનવીને વિના કારણ માનવીના ખૂનની પ્યાસ ?

                અંતે કંટાળીને ડોક્ટરે જૂના હિન્દી ફિલ્મી ગીતોની ચેનલ બદલી અને ફિલ્મ ધૂલ કા ફૂલનું આ ગીત ચાલું થયું.

                ના હિંદુ બનેગા, ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા.અને ડોક્ટરને બચી ગયેલી માસૂમ સંગીતાનો હસતો-રમતો ચહેરો યાદ આવી ગયો.


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


સંગીતા બચી ગઈ- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories