15 નવેમ્બર 2025

યોગાનુયોગ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

યોગાનુયોગ


        પાલડી ખાતે આવેલી ફેમિલી કોર્ટના જજ સાહેબે અંતે ફેંસલો સુણાવતાં  જણાવ્યું કે આજથી પરાગ અને પૂનમના લગ્નજીવનનો અંત આવે છે. ફક્ત ત્રણ વરસના લગ્નજીવનનો પરસ્પરની સમજૂતીથી આજે અંત આવી છૂટાછેડા મંજૂર થઈ ગયા. બંને પોતપોતાના કુટુંબ સાથે અલગ થઈ ગયા. હજુ સુધી કોઈ જ સંતાન થયું નહિ હોવાથી તેની સોંપણીનો તો પ્રશ્ન જ પેદા થતો ન હતો.  

        બંનેના લગ્ન માં-બાપે અને સગાંવહાલાંઑએ ગોઠવેલા રેન્જ મેરેજ હતાં. ગ્રેજ્યુએટ થયેલ પરાગની મોટી કંપનીમાં સારી કામી નોકરી હતી, તથા ઘર અને કુટુંબ સારું હતું. પહેલી જ મિટિંગમાં બંનેની હા પડી ગઈ હતી, છ્તાં પૂનમે, પરાગની અંગત તપાસ કરાવતાં ખબર પડી હતી કે તેને લફરાં કરવાની જબરી આદત હતી. પૂનમના માં-બાપે સમજાવી કે લગ્ન પછી આવી આદતોનો અંત આવી જશે, તેથી વાંધો નહિ આવે. બહુ જ વિચાર કરીને અંતે પૂનમે લગ્ન માટે હા પાડી હતી.

        લગ્ન શરૂઆતના છ મહિના તો બધું જ નવું હોવાથી સરસ ચાલ્યું,પણ પછી તરત જ પરાગનું લફરાં પ્રકરણ ચાલુ થઈ ગયું. તેની ઓફિસમાં કામ કરતી રીના નામની યુવતી સાથે લફરાની વાત ફેલાતાં ફેલાતાં તેના ઘર સુધી પહોંચી ગઈ. પુનમને આ લફરની વાતની ખબર પડતાં જ ચેક કરીને મેસેજ કે ચેટિંગ માટે જાતે તપાસ કરી લેતી. પરાગ દરેક વખતે જૂઠાં બહાના કાઢી બચી જતો. અંતે રીનાને બીજી કંપનીમાં વધારે પગારથી નોકરી મળતાં આ પ્રકરણનો અંત આવ્યો.

 પણ પરાગની કુટેવ તેનો પીછો છોડતી ન હતી. બીજા અઠવાડિયે તેમની બાજુમાં રહેતી પ્રિયા જોડે પરાગ આંખો મિલાવવા લાગ્યો. માહિનામાં તો બંને હોટલમાં અને પિક્ચરમાં સાથે દેખાવા લાગ્યા. વાતો વહેતી વહેતી પુનમ સુધી આવતાં પરાગના બીજા લફરાંથી તે રાતીચોળ બની ગઈ. મોડી રાત્રે પરાગ ઘરે આવતાં બંને વચ્ચે મોટી બોલાચાલી અને ઝઘડો થઈ ગયો. પુનમ હવે કંટાળી હતી. બીજા જ દિવસે તે પિયર જતી રહી. તેનાં માં-બાપ પણ આ બધી વાતો સાંભળી હેરાન પરેશાન થઈ ગયા. મહિના પછી પુનમ પરાગના ઘરે પાછી તો ના આવી, પણ તેનાં વકીલની ફેમિલી કોર્ટની છૂટાછેડા માટેની નોટિસ આવી ગઈ.

        બંને કુટુંબોના મધ્યસ્થીઓ અને વડીલોએ બંનેને સમજાવવા ખૂબ કોશિશ કરી, પણ બેઉ એકના બે ના થયાં. પરાગને ખબર હતી કે હવે પુનમ કોઈ રીતે માને તેમ નથી. આવી લફરાબાજીની વાતો કોરટમાં આધાર પુરાવા સાથે પુરવાર કરવી અધરી છે, તેથી પુનમ જીતી શકે તેમ નથી.

        અંતે બહુ વિચારણા કરી પરાગે તેનાથી પીછો છોડાવવા છૂટાછેડાના કેસમાં સહી કરી સંમતિ આપી દીધી. બંનેની મંજૂરીથી અંતે છૂટાછેડાનો હૂકૂમ થઈ ગયો.

        પુનમ હવે પરાગને ભૂલી નવેસરથી જિંદગી જીવવાના અરમાનો જોતી હતી. પરાગ પણ હવે જૂની વાતો અને ઝઘડા ભૂલી નવેસરથી જીવન જીવવા માંગતો હતો.

        છ એક મહિના એકલા વિતવ્ય પછી પરાગમાં રહેલો ફ્લટિંગનો કીડો સળવળી ઊઠ્યો. તેનાં સગાઓ અને જ્ઞાતિમાં લફરેબાજ તરીકે બદનામ થયો હોવાથી હવે તેને જ્ઞાતિમાં તો કોઈ છોકરી આપે તેમ ન હતું.

        પરાગે એક બનાવટી નામ પ્રશાંત ધારણ કરી ફેસબૂક ઉપર નવું ખાતું ખોલાવી દીધું. તેમાં એડ્રેસ, મિત્રમંડળ અને તેનો ફોટો વગેરે બધું બનાવટી હતું. તેણે એક દેખાવડા મોડલનો ફોટો તેના ફોટા તરીકે મૂકી છોકરીઓ સાથે ચેટિંગ ચાલુ કરી દીધું. દરરોજ જુદી જુદી દેખાવડી યુવતીઓ સાથે ચેટિંગ ચાલુ કરી, કોઈને ફસાવવાની તેની ચાલ હતી.             

        મહિના પછી પ્રિયાંશી નામની દેખાવડી યુવતી સાથે તેનું ચેટિંગ જામવાં લાગ્યું. તે છોકરી પોતાના જ શહેર અમદાવાદની હોવાથી પરાગ ઉર્ફે પ્રશાંતને તેનામાં વધારે રસ પાડવા લાગ્યો. દેખાવમાં તે સુંદર હતી, અને ઉમર પણ માપસરની હતી.

        દરરોજ ચેટિંગ ચાલુ જ હતું. પ્રિયાંશીનો પ્રશ્ન આવ્યો, તે શું ખાધુ ?

        આજે તો બહાર હોટલમાં પંજાબી ખાવાની મજા પડી ગઈ. પ્રશાંતે જવાબ લખ્યો.

        મને પણ હોટલનું પંજાબી ફૂડ બહુ જ ભાવે છે. પ્રિયાંશીનો જવાબ આવ્યો. પ્રશાંત ખુશ થઈ ગયો.

        બીજા દિવસે પ્રશાંતે લખ્યું, મને બાઇક ઉપર લોંગ ડ્રાઈવ જવું બહુ જ ગમે છે.

        મને પણ, પ્રિયાંશીનો જવાબ, અરે વાહ ! આપણા શોખ સરખા જ છે કે શું ? પ્રશાંતે જવાબ આપ્યો.

        હાસ્તો પ્રિયાંશી પણ ધીમે ધીમે પ્રશાંત તરફ ખેંચાતી જતી હતી.

        વેલેન્ટાઇન ડે ઉપર આપણે બાઇક ઉપર ગાંધીનગર હાઇવે પર લોંગ ડ્રાઈવ માટે જવું છે / પ્રશાંતે પુછ્યું.

        ચોક્કસ. પ્રિયાંશી ખુશ થઈ ગઈ. હવે લાગ જોઈને પ્રશાંતે ચેટિંગમાં આઇ લવ યુ ની પ્રપોઝલ પણ કરી નાખી.

        સામેથી જવાબ આવ્યો. આઇ ઓલ્સો લવ યુ.

        બંને વેલેન્ટાઇન ડે પર મળવા અધીરા બની ગયા. સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર આવેલી બ્લ્યુ હેવન હોટલની રેસ્ટોરન્ટના સાથે કોફી પીને લોંગ ડ્રાઈવ પર જવાનું નક્કી થઈ ગયું.

        હિરોઈન જેવી દેખાતી પ્રિયાંશી સામેથી પ્રશાંતની જાળમાં ફસાઈ રહી હતી, તેથી પ્રશાંત ઉર્ફે પરાગ ખુશ હતો. તે વિચારતો હતો, હાશ હવે નવા જ સાહસમાં સફળ થઈ ગયા પછી તેને લગ્ન માટે પણ તૈયાર કરી દેવાશે. તે આગલી પત્ની પૂનમના શંકાશીલ અને જક્કી સ્વભાવને ધિકકારતો હતો.

        આગલી રાતે પ્રશાંત વિચારમાં પડ્યો, અમે બંને એકબીજાને ઓળખીશું કઈ રીતે ? કારણ કે તેણે તેનો ફોટો તો બનાવટી મૂક્યો હતો. તેણે તરત જ પ્રિયાંશીને ફેસબૂક ઉપર ચેટ કર્યો. કાલે આપણે એકબીજાને ઓળખીશું કઈ રીતે ? તરત જ જવાબ આવ્યો, આપણે બંને રેડ ટી શાર્ટ પહેરીને હાથમાં લાલ ગુલાબ રાખીશું. તેથી તરત જ એકબીજાને ઓળખી જવાશે.

        પ્રશાંત ખુશ થઈ ગયો. એક વખત પ્રેમ આગળ વધી જાય પછી બહારના દેખાવની કોઈ અગત્યતા રહેશે નહિ, તેવું વિચારીને તે ખુશ હતો. રૂબરૂ મળીને પોતે કેવું બનાવટી કાઉન્ટ અને ફોટો મૂકીને તેને ઇમ્પ્રેસ કરેલ છે. તેમ જણાવી માફી માંગી લેશે એટ્લે વાંધો નહિ આવે.

        વેલેન્ટાઇન ડેની સવારે પ્રશાંત ધબકતાં હૃદયે રેડ ટી શાર્ટ પહેરી હાથમાં લાલ ગુલાબ રાખી બ્લ્યુ હેવન હોટલમાં દાખલ થયો. નીચે રેસ્ટોરન્ટમાં છેલ્લા ટેબલ પર એક યુવતી લાલ ટી શાર્ટ અને હાથમાં ગુલાબ લઈને બેઠી હતી. નજીક આવીને બહારથી જ કાચમાંથી તે યુવતીને જોતાં જ ચોંકી ઉઠ્યો.

        હાથમાં ગુલાબ લઈને બેઠેલી યુવતી તેની પહેલાની પત્ની પુનમ જ હતી.જેને ભૂલવા પરાગ મથી રહ્યો હતો તે જ પુનમને ફરી પાછી અહી જોતાં પરાગ છોભીલો પડી ગયો. ધીમેથી ચહેરો છુપાવી તરત જ પાછો વળી ગયો.

        તેણે મનમાં વિચાર્યું મારી જેમ પૂનમે પણ બનાવટી ફેસબૂક એકાઉન્ટ બનાવી ખોટો ફોટો મૂકી મારી સામે જ ધોકો કર્યો છે કે શું ? દુનિયા કેટલી નાની છે ?ભારતની આટલી બધી વસ્તીમાં અંતે જેને ભૂલવા માંગીએ એ સામે જ ભટકાઈ જાય એ કેવો યોગાનુયોગ ?

        કોફી પીને એકાદ કલાક રાહ જોઈને બેસી રહેલી પુનમ છેવટે લાલ ગુલાબ ફેંકી તૂટેલા હૃદયે ઘરે પાછી ફરી. તેની આંખોમાંથી ઝાળઝળિયા નીકળી રહ્યા હતા. તેણે ગમ ભૂલવા રેડિયો ચાલુ કરી જૂના ગીતોનો પ્રોગ્રામ ચાલુ કર્યો અને ગીત ચાલુ થયું.

                                તુંમ મુઝે યુ ભૂલા ના પાઓગે.             

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

યોગાનુયોગ - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories