02 ડિસેમ્બર 2025

ગેરંટી તો ક્યારેય નહી - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ગેરંટી તો ક્યારેય નહી

        આજકાલ છાપાંઓમાં ગેરંટીપૂર્વકની ચીજવસ્તુઓની અને સંતોષ ના થાય તો પૈસા પાછા આપવાની જાહેરાતોની ભરમાર ચાલી છે. સારવારમાં અને દવાઓમાં પણ આવી જાહેરાતો સામાન્ય માનવીને આકર્ષી જાય છે. ઇલેક્ટ્રિનિક સામાન, બીજી વસ્તુઓ વગેરે રિપેર કરી શકાય, નહિતર બદલી પણ શકાય, જેથી ગ્રાહોકોનો વિશ્વાસ સંપાદન કરી શકાય છે. માનવોમાં અને બાળકોમાં તો આવી કોઈ ગેરંટી આપી શકાય જ નહી. કારણ કે કઈ દવા  કેટલી અસરકારક નીવડશે એ કહેવું અઘરું છે. એમાંયે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અને દરેક અંગો અવિકસિત અવસ્થામાં હોવાથી આગળ શું પરિણામ આવશે એ કહેવું ખૂબ કઠીન હોય છે.

        બાળકોના નિષ્ણાત તરીકે ડો. પરિમલ ભટ્ટ વર્ષોથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરતાં હતા. પ્રેક્ટિસ સામાન્ય હતી. મહેનત ખૂબ કરતાં પણ નામ જામતું નહી.

        એકાદ વર્ષ પહેલા ડો. ભટ્ટને  ત્રણ-ચાર ગંભીર કેસોમાં સફળતા મળી ગઈ હતી. બે-ચાર જગ્યાએ ફરીને આવેલા ગંભીર કેસો તેમના હાથે સારા થઈ ગયા હતા. તેમનો આત્મવિશ્વાસ વધી ગયો હતો.

        નવ માસના અંશને વારંવાર ઝાડાની તકલીફ હતી. તેની ચાર જુદા જુદા ડોક્ટરોની ફાઈલો સાથે માં-બાપ આવ્યાં ત્યારે સાવ નિરાશ હતા. તેમણે આવતા વેત ડો.ભટ્ટને કહ્યું, અમારા અંશના ઝાડા ગેરંટીથી મટાડી આપો તો ચાર ગણા પૈસા આપીશું. ડો.ભટ્ટે ચેલેન્જ ઉપાડી લીધી. બધી તપાસોને અંતે તેમણે શોધી કાઢ્યું કે અંશને દૂધની એલર્જી છે. ડો. ભટ્ટે દૂધ અને તેની તમામ બનાવટો બિલકુલ બંધ કરાવી દીધી, તેની જગ્યાએ સોયામિલ્ક ચાલુ કર્યું. એક જ અઠવાડિયામાં ઝાડા બંધ. માં-બાપ ખુશ થઈ ગયાં.

        ડો. ભટ્ટ હવે ઓવર કોન્ફિડન્સમાં આવી ગયાં. તેમણે દરેક કેસમાં ગેરંટી આપવાની ટેવ પડી ગઈ.

        ચારેતરફ ડો.ભટ્ટની નામના વધવા માંડી. બાળકના કોઈપણ રોગોને ગેરંટીથી મટાડી આપે એટલે લાઈનો તો લાગે જ ને !

        ડિસેમ્બર મહિનાની ઠંડી સિઝનમાં પ્રેક્ટિસ પણ ઠંડી થઈ જવાથી કામકાજ ઓછા હતાં. એક રિસેપ્શનમાં અમે બધા ડોક્ટર મિત્રો જમવામાં ભેગા થઈ ગયા.

        અત્યારે તો કામકાજ સામાન્ય છે. ડો. જોશી બોલ્યા.

        પણ ડો. શાહે કહ્યું, ભટ્ટજીને ત્યાં તો લાઈનો લાગે છે, એનું રહસ્ય શું છે ?

        બધાએ ડો. ભટ્ટ સામે જોયું, બધા વર્ષો જૂના, વિશ્વાસુ મિત્રો હતાં, એટલે ડો. ભટ્ટે પેટ છૂટી વાત કરી, હું તો દરેક કેસ તપાસને અંતે મટી જાય એવો કેસ હોય તો માં-બાપને હૈયાધારણ મળે એટલે રોગ મટી જવાની ગેરંટી આપી દઉં છુ.

        શું વાત કરો છો ? બધાને નવાઈ લાગી.

        એમાં વાંધો શું છે ? આપણી મહેનત હોય અને નિદાન સાચું હોય તો બાળક બચવાનું જ છે ને! ભટ્ટજી આત્મવિશ્વાસથી બોલ્યા.

        :અરે ! કઈ માલસામાન થોડો છે કે, જેને વોરંટી અને ગેરંટી અપાય ! ડો. શાહ બોલ્યા.

        તેનાથી બીમાર બાળકના માં-બાપ ખુશ થઈ જાય છે અને આપણે ત્યાં પેશન્ટો પણ વધે છે. ભટ્ટજીએ જવાબ વાળ્યો.

        જેવી તારી મરજી, માનવદેહની કોઈ જ ગેરંટી ન હોય, તેમાંય બાળકોમાં તો ખાસ. ડૉ. જોશીએ ભટ્ટજીને સમજાવ્યા.

        ડો. પરિમલ ભટ્ટના મગજમાં આ વાત ના ઊતરી. તે વધારે ઓવર કોન્ફિડન્સમાં આવી ગયાં હતાં. તેમણે વિચાર્યું, હું તો કેસ બરાબર તપાસીને પછી જ ગેરંટી આપું છુ ને, તેનાથી કેસ વધે છે અને ચાર્જ પણ વધારે મળે છે. આ ડોક્ટર મિત્રો ઈર્ષ્યાથી મને ખોટો ડરાવે છે.

        અઠવાડિયા પછી ડો. ભટ્ટ બપોરે કલીનીકમાં પેશન્ટ પતાવી ઘેર જમવા જતાં હતા ત્યાં જ એક બે વર્ષની ધારાનો ઈમરજન્સી કેસ આવ્યો.

        ધારાને ચાર દિવસથી સખત તાવ આવતોતો અને મોંએથી કાઇ લેવાતું નહતું. તેનો ચહેરો સાવ લેવાઈ ગયો હતો. તેનાં માં-બાપ રસીઓ અપાવવાનું ભૂલી ગયા હતા. તેનાં પપ્પા શહેરના ખ્યાતનામ એડ્વોકેટ હતા, પણ બાળકની આ બીમારીથી તેમણે તેમની ઓળખ આપી નહોતી.

        ડો.ભટ્ટે બરાબર તપાસ કરી તાવ ૧૦૩ ડિગ્રી કરતાં પણ વધારે હતો. ગળામાં ટોર્ચ મારીને જોયું તો કાકડા ફૂલી ગયેલા અને તેની ઉપર સફેદ છારી હતી. ડો.ભટ્ટે નિદાન કર્યું સેપ્ટિક ટોન્સીલાઇટ્સ છે. દાખલ કરવી પડશે .

        ડોક્ટર, મટી તો જશે ને ! ધારા પપ્પાએ ચિંતિત ચહેરે પુછ્યું.

        હા, હા, ગેરંટીથી સારી થઈ જશે. ડો. ભટ્ટે તેમની આદત મુજબ કહ્યું. તેમની ગણતરી હતી કે સેપ્ટિક ટોન્સીલાઈટીસ નસમાં એન્ટીબાયોટિક્સ અને બાટલા વગેરે ઘનિષ્ઠ સારવારથી સારી થઈ જ જશે ને!

        ખરેખર ! તો અમને લખી આપો. ધારણા પપ્પાએ કહ્યું. તેથી અમને શાંતિથી ઊંઘ આવે.

        હા, હા, એમાં શું ? ડોક્ટરે વટમા ને વટમાં તેના લેટરપેડ ઉપર કાકડાનો કેસ છે, અને ગેરંટીથી મટી જશે. એવું લખી આપ્યું.

        રાત પડે ધારાની તબિયત બગડતી ચાલી. તેનો તાવ ઊતરતો નહોતો. નાડીના ધબકારા ખૂબ વધી ગયા હતા, ભાન ઓછું થતું જતું હતું.

        ડો. ભટ્ટ રાત્રે વિઝિટમાં આવી જોઈ ગયા. તેની ચિંતા વધી ગઈ હતી. તરત જ લોહીની તપાસ, એક્સ-રે અને ગળાની સફેદ છારીની લેબ તપાસ કરાવવાનો ઓર્ડર કર્યો.

        ધારાના મમ્મી-પપ્પા, સગાવહાલા ચિંતામાં પડી ગયા હતા. સવારે આઠ વાગે તાત્કાલિક રિપોર્ટ માંગવીને જોતાં ડો. ભટ્ટ ઢીલા પડી ગયા. ધારાની ગળાની સફેદ છારીમાં ભાગ્યે જ દેખાતાં ડીપ્થેરિયાના બેક્ટેરિયા હતા, જેની હૃદય ઉપરની ઝેરી અસરથી ધારા બેહાલ હતી.

        રોગમાંથી બચાવતી ત્રિગુણીની રસી ધારાને આપેલી નથી. એ હવે ડો. ભટ્ટને યાદ આવ્યું. હવે ખૂબ મોડું થઈ ગયું હતું. ફક્ત થોડા કલાકમાં તો ધારા પ્રભુને પ્યારી થઈ ગઈ. ધારાના માં-બાપ રડી રડીને અડધા થઈ ગયા હતા. ડો. ભટ્ટ ગભરાઈને પસ્તાઈ રહ્યા હતા. ડોક્ટરના લેટરપેડ ઉપર ખોટું નિદાન અને ગેરંટીથી બચી જવાનું લખાણ હાજર હતું. પછીથી મળીશું કહીને ગુસ્સામાં એ લોકો જતાં રહ્યા.

        ડો.ભટ્ટ કાઇ જ બોલી ના શક્યા. તેમને ખ્યાલ આવી ગયો કે લેખિત ગેરંટી આપીને ફસાઈ ચૂક્યા છે.

        અઠવાડીયા પછી ધારાના એડ્વોકેટ પપ્પાએ ખોટી ગેરંટી અને ખોટા નિદાન બદલ દસ લાખ રૂપિયાના દાવાની નોટિસ મોકલી. ડો. ભટ્ટે ધ્રૂજતા હાથે નોટિસ વાંચી અને પસ્તાવાથી કકળી ઊઠ્યા.

        ડોક્ટરો પોતાના જ્ઞાન અને અનુભવ મુજબ સારવાર કરે, પણ આ માનવદેહની ગેરંટી તો ના જ અપાય તે ડો. ભટ્ટ હવે સારી રીતે સમજી ગયા હતા. હવે તે દરેક દર્દીના તમામ રિપોર્ટ આવી જાય પછી જ સચોટ નિદાન કરે છે અને ગેરંટી તો ક્યારેય નહિ !

 ------------------------------x--------------------------------x-------------------------------------x--------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ગેરંટી તો ક્યારેય નહી - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories