22 જાન્યુઆરી 2026

બહુમાન - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

બહુમાન

        આજે તમારી જેલની સજાના દશ વરસ પુરા થાય છે. તમારી સારી ચાલચલગતને જોઈ સરકારે બાકીની સજા માફ કરી દીધી છે. આજે તમને છોડી મુકવામાં આવે છે. જેલર સાહેબે મિનેષને સમજણ પાડી, અને તેના હિસાબના બે હજાર અને કપડાંનું પોટલું આપતા કહ્યું.

        મિનેષ ચિંતા સાથે વિચારમાં પડી ગયો. હવે જવું ક્યાં ? દશ વરસ પહેલાની એ સાંજ તેને યાદ આવી ગઈ, બે કલાક વહેલો તે ઓફિસેથી છુટી ઘરે આવ્યો. બહારથી પોતાની લેચકી થી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ્યો, તો ડ્રોઈંગ રૂમનું દ્રશ્ય જોઈ તે ગુસ્સે ભરાઈ ગયો. તેનો નોકર ચંદુ તેની વીસ વરસની જુવાન દીકરી ઉપર બળજબરી કરી રહ્યો હતો. તેણે તેની દીકરી નાજુકને જમીન પર પાડી દીધી હતી. નાજુકના બધા કપડાં નીકળી ગયા હતા. તેને જમીન પર પાડી ચંદુ બળાત્કાર કરી રહ્યો હતો. એક બાપથી પોતાની એકની એક લાડકી દીકરીની આવી હાલત જોવાય જ કઈ રીતે ?

        મિનેષનો ગુસ્સો હાથ ના રહ્યો, તે સીધો રસોડામાં દોડી ગયો અને લાંબુ રામપુરી ચપ્પુ ઉપાડી, સીધું ઉતારી દીધું ચંદુની પીઠમાં. તેનો ઇરાદો ફક્ત ડરાવીને તેને રોકવાનો જ હતો, નહીં કે મારી નાખવાનો, પણ સમય સંજોગો જ એવા હતા કે......

        લોહીનો જોરદાર ફુવારો ઉડયો અને જોરદાર ચીસ સાથે ચંદુના આંખના ડોળા ફાટી ગયા. નિર્વસ્ત્ર નાજુક કાંપતા ઉભી થઈ, પણ સામે ગુસ્સે થયેલ પપ્પાને જોઈ કાંપી ઉઠી. દોડી સીધી ગેલેરીમાં અને સાતમે માળેથી કૂદકો મારીને નીચે !

        એક મિનિટમાં મિનેષ ફાટી આંખે આ બધુ જોઈ ચકરાઈ ગયો

                ફક્ત પાંચ જ મિનિટમાં ખેલ ખલાસ !

        કોર્ટમાં બે વરસ કેસ ચાલ્યો, એ સમયગાળામાં તેનો ફ્લેટ વેચાઈ ગયો, આઘાતમાં પત્નીને પણ નાની વયે હાર્ટએટેક આવતાં ગુજરી ગઈ. આ ફાની દુનિયામાં મિનેષનું કોઈ ન હતું. રહેવા લાયક ઘર પણ વકીલના ખર્ચમાં વેચાઈ ગયું. મિનેષનો વકીલ સંજોગવશાત આ બધુ બન્યું હતું, તે કોર્ટમાં સાબિત ના કરી શક્યો, અને મિનેષને સજા થઈ આજીવન કેદની.

        જેલમાંથી નીકળી મિનેષ વિચારી રહ્યો હતો, હવે જવું તો જવું ક્યાં ?

        મને નોકરી હવે કોણ આપશે ? ઉંમર પણ હવે તો પંચાવન ઉપર પહોચી ગઈ હતી.

        બહાર આવીને શહેરના ઊંચા ઊંચા મકાનો અને રોનક જોઈ તે અચંબામાં પડી ગયો. ઓહોહો ! દશ વર્ષમાં તો શહેરની રોનક બદલાઈ ગઈ હતી. રસ્તાઓ એ જ હતા, પણ બિલ્ડીંગોનું જંગલ વધી ગયું હતું.

        તે વિચારતો વિચારતો પોતાના ઘરના એરીયામાં આવી પહોંચ્યો, ક્યાં જવું, શું કરવું વિચારતો એ બાજુની ચાલીમાં પહોંચી ગયો.

        આજુબાજુ શ્રમજીવીઓની વસ્તી હતી, તેને યાદ આવ્યું, આ એરિયામાંથી તેમના ફ્લેટમાં બધા કામે આવતાં હતા.



        સાંજ ઢળી ગઈ હતી, તેને થયું પહેલા વધેલા બાલ દાઢી સાફ કરાવી, પછી જમવાનો બંદોબસ્ત કરું. સલુનમાં પેસતાં બંને વાળંદો તેની સામે જોઈ રહ્યા. મોટી ઉમરના વાળંદે તેને પૂછ્યું, તમારું નામ શું છે ?”

        મિનેષ દેસાઇ, અહી બાજુના જ ફ્લેટમાં રહેતો હતો. આજે જ બહારગામ થી આવ્યો છું. મિનેષ પોતે ક્યાથી આવેલ છે, તે બાબતે ફેંકી. જેલમાંથી છુટીને આવ્યો છું, તે તો કહેવાય જ નહીં ને !!

        હેં, મિનેષ દેસાઇ તમે જ છો, તમારી તો અહીં પૂજા થાય છે, બધા રોજ તમને જ યાદ કરે છે કહેતા બંને વાળંદ તેને પગે લાગવા માંડ્યા.

        મિનેષને નવાઈ લાગી. આ લોકોની કાઇં ગેરસમજ થતી લાગે છે. જેલમાંથી છૂટેલા કેદીની બધા પુજા શા માટે કરે ? તેને માટે ચ્હા નાસ્તો આવી ગયાં. ધીમે ધીમે વસ્તીમાં વાત ફેલાઈ જતાં લોકોના ટોળાં સ્ત્રીઓ, દીકરીઓ સાથે ભેગા થવા લાગ્યા.

        મિનેષે બાલદાઢીના પૈસાની વાત કરી તો, ટોળાંના આગેવાન રામજીભાઇએ કહ્યું મિનેષભાઈ, તમારા તો કાંઇ પૈસા લેવાતા હશે. કાલે સવારે તમારૂ બહુમાન રાખેલ છે.

        મિનેષે તેનું કારણ ના પુછ્યું, વિચાર્યું મફતમાં ખાવાપીવા મળતું હોય પછી પુછીને ગેરસમજ દુર શા માટે કરવી ? પોતાનું નામ ખૂની તરીકે બદનામ થઈ ગયું હતું, વળી જેલમાં રહેલાને કામ પણ કોણ આપે ??

        તેને માટે ચાલીમાં રાત્રે રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા થઈ ગઈ. સવારે તો પચાસ સિત્તેર માણસોનું ટોળું ભેગું થઈ હારતોરા કરીને તેને ખુરશીમાં બેસાડી બહુમાન કરતાં રામજીભાઇ એ વાત ચાલુ કરી.

        ભાઈઓ અને બહેનો, આપણી વસ્તીના ગુંડા ચંદુને પતાવી દેનાર મિનેષભાઈના આપણે સૌ આભારી છીએ. ચંદુએ ભૂતકામાં આપણી પાંચેક જેટલી દીકરીઓની છેડતી અને બળાત્કાર કરેલા. દરેક દુકાન અને લારીઓ પરથી એ હપ્તા ઉઘરાવતો, બે જણાંના પગ તોડી નાખેલા, પણ કોઈ તેને સજા કરાવી શકતું નહીં. કોર્ટમાં પણ સબૂત વગર તે નિર્દોષ છૂટી જતો, ચાલીના લોકો અને આગેવાનો પણ તેનાથી ડરતા. આવા નરાધમ નાલાયક ગુંડા ચંદુને પતાવી દઈને મિનેષભાઈએ આપણી વસ્તીને ગુંડારાજથી છોડાવી દીધી છે.

        મિનેષભાઈ ની હિંમતને દાદ દેવી પડે તેમ છે.  ચંદુ જેવા ગુંડાને એક જ ઘા પતાવી દેવો તે જેવી તેવી વાત નથી. પોતાની દીકરીના ભોગે જે કાર્ય તેમણે કર્યું છે, તે ખરેખર જુસ્સેદાર અને બિરદાવવા લાયક છે.

        મિનેષ વિચારમાં પડી ગયો. ખૂનની સજા ભોગવીને થતું દુખ હવે આનંદમાં પલટાઈ ગયું. નિર્દયી કંસનો વધ કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું મથુરામાં અભિવાદન થયું હતું, તેવા જ બહુમાનથી તે ગદગદ બની ગયો. મિનેષને પણ નવાઈ લાગતી હતી. મારામાં આટલી બધી હિંમત ક્યાંથી આવી ? પોતાના સંતાનો માટે સિંહ જેવા ખતરનાક પ્રાણી સામે લડી જનાર હરણની પાસે પણ હિંમત અને જુસ્સો ક્યાંથી આવે છે, તે કોઈને ખબર પડતી નથી.

        છેલ્લે ચાલીના મુખીએ જાહેરાત કરી, મિનેષભાઈને ખાવા પીવા અને રહેવાની વ્યવસ્થા આપણે કરી નાખી છે. મિનેષ વિચારમાં પડી ગયો. મે ચંદુનું ખુન કર્યું હતું કે વધ ???

        ભગવાન શ્રી રામને રાવણનો ધ કરીને જેટલો આનંદ અને સંતોષ થયો હશે તે જ આનંદ અને સંતોષ મિનેષના મુખ પર દેખાઈ રહ્યો હતો.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

“બહુમાન ” - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission    

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories