માનવી નહીં, સમય બળવાન
આજથી બરાબર વીસ વરસ પહેલા સન ૨૦૦૧ ની સાલમાં છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાજસી ફલેટના આઠમાં માળે શેઠ ધનંજય સવારના પ્હોરમાં શેઠાણી સાથે ચાંદીના વાસણોમાં ચ્હા નાસ્તો કરી રહ્યા હતા. શેઠને રાજ્યના ઉદ્યોગમંત્રી સાથે સવારના ધ્વજવંદનના કાર્યક્રમમાં જવાનું હતું. તેનાથી તેમની નવી ફેક્ટરીના લાઇસન્સ મેળવવાનું કામ આસાનીથી થઈ શકે તેમ હતું. તે ડ્રાઇવર રહિમભાઈની રાહ જોઈ રહ્યા હતા. સવારના આઠ વાગી ગયા હતા, અને શેઠ ને કાર્યક્રમમાં જવાનું મોડુ થતું હતું.
ગયા મહિને ધનંજય શેઠ પોતાની બે પાવરલુમની ફેક્ટરી વેચીને નવી કેમિકલ ફેક્ટરી ચાલુ કરવાના હતા. જુની પાવર લુમ્સના વેચાણના રોકડા રૂપિયા સવા બે કરોડ (તે જમાનાના) તેમણે સાચવીને ઘેર તિજોરીમાં મુકી દીધા હતા.
બારણે ટકોરા પડ્યા અને શેઠ દોડ્યા બારણું ખોલવા , ત્યાં રહિમચાચાની સાથે એક જુવાન છોકરાને જોઈ ચિડાયા.
“આ કોને સાથે લાવ્યા છો ? આપણે જવાનું મોડુ થાય છે, મંત્રી રાહ જોતાં હશે” શેઠ ચિડાઈને બોલ્યા.
“શેઠ, આ મારો દીકરો ઇરફાન છે. અત્યારે મેડિકલના છેલ્લા વરસમાં છે. તેની ફી માટે સરકારી સ્કોલરશીપ મળે છે, પણ તેના પુસ્તકો માટે દસ હજાર રૂપિયાની લોન લેવી છે.” રહિમચાચાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો.
“રહીમચાચા, આગળના વીસ હજાર રૂપિયા તો પરત કરેલ નથી અને બીજી લોન ?” શેઠને મોડુ થતું હોવાથી ચિડાયા.
“શેઠ, હું તમારે ત્યાં પચ્ચીસ વરસથી ડ્રાઈવરની નોકરી કરું છુ, પછી તો તમારી પાસે જ લોન માંગુ ને ! ઇરફાન ડોક્ટર થઈને પાઇ પાઇ વ્યાજ સાથે ચુકવી દેશે.” રહીમચાચા એ ફરી વિનંતી કરી.
“મને વ્યાજની લાલચ શું આપો છો ? પહેલા આગલી લોન ચૂકવો પછી બીજી માંગો.” શેઠે ગરમ થઈને કહ્યું.
“શેઠ, અત્યારે તમારો સમય બળવાન છે, આ છેલ્લી વખત લોન આપો, અલ્લાહ તમારી મુરાદ પુરી કરશે.” રહીમચાચા ગડગડીને બોલ્યા. ધનંજય શેઠ પોતાની દોલત પર મુસ્તાક હતા. આજે તે મંત્રીને મસ્કાબાજી કરીને કામ કઢાવવાના મુડમાં હતાં, મોડુ પણ થતું હતું, તેથી ચિડાયા.
“રહીમચાચા, જલ્દી નીચે જઈ ગાડી તૈયાર કરો, મને સમયની બીક ના બતાવો, મારે તમારી કોઈ દુઆની જરૂર નથી.” શેઠે ગરમ થઈ કહ્યું.
“શેઠ, આટલું ગુમાન સારું નથી. કાલ કોણે જોઈ છે ?” કહીને નિરાશ રહીમચાચાએ પોતાના દીકરા ઇરફાનને ઘરે મોકલી દીધો.
શેઠ વિચારી રહ્યા “સવાર સવારમાં આવાને આવા માંગનારાઓ દિવસ બગાડી નાખે છે. તકદીર અને સમય બધી બનાવવાની વાતો છે. હું તો મારી આવડત અને મહેનતથી આગળ વધી રહ્યો છું.”
રહીમચાચાને બહાર ડ્રોઈંગ રૂમમાં બેસાડી શેઠ અંદર કપડાં બદલવા ગયા. ત્યાં તો ભૂકંપના જોરદાર આંચકા ચાલુ થયા. અમદાવાદની ધરતી ધ્રુજવા લાગી. ચારે તરફ રોકકળ મચી ગઈ. આખા રાજસી ફ્લેટ એક જ મિનિટમાં પત્તાંના મહેલની માફક તૂટી પડ્યા. શેઠ, શેઠાણી અને રહીમચાચા એક સેકન્ડમાં ભોય પર જઈ પડ્યા.
રહીમચાચા અને શેઠાણી ઉપર મકાનનો કાટમાળ પડતાં સ્થળ ઉપર જ મરણ પામ્યા. શેઠના પગ ઉપર મોટો પિલ્લર પડતાં પગ કચડાઈ ગયો, પણ તેમનો જીવ બે કાટમાળ વચ્ચે પોલાણમા બચી ગયો.
બે દિવસ પછી માંડ માંડ શેઠને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢ્યા, ત્યારે હાલત ગંભીર હતી. તેમને તાત્કાલિક સિવિલમાં દાખલ કરી ઓપરેશન કરી ડાબો પગ કાપીને બચાવી લેવાયા. દસ દિવસ પછી લંગડા ધનંજય શેઠને સિવિલમાંથી રજા મળી, કે તરત જ શેઠ તેમના ફ્લેટ પાસે નારણપુરા પહોચી ગયા. ત્યાં મકાનના કાટમાળ આમતેમ ઉડતા હતાં. ચારેકોર નિરવ શાંતિ અને અંધારું હોવા છતાં શેઠ કાટમાળમાં તેમના પત્ની, રૂપિયા અને સોનાના દાગીના શોધી રહ્યા હતા.
બે કલાક ની મહેનત પછી પણ અફસોસ ! શેઠને ખ્યાલ આવી ગયો, તે સઘળું ગુમાવી રસ્તાના ભિખારી બની ગયા હતાં. રડી રડીને તેમનું મગજ બહેર મારી ગયું હતું. હવે તેમને ગુજરાન ચલાવવા મગજ પણ ચાલે તેમ ન હતું. અને મૂડી પણ ઊડી ગઈ હતી. અંતે તે નવરંગપુરા અને નારણપુરામાં ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા હતાં. લંગડા ધનંજય શેઠ હવે ધનિયો લંગડો ભિખારી બની ગયા હતા.
સમયનું પંખી ઊડી રહ્યું હતું. વીસ વરસ જોતજોતામાં પસાર થઈ ગયા.
સી.જી. રોડ પર આવેલ ચાની લારી પર લંગડો ભિખારી એક કપ ચાની ભીખ માંગી રહ્યો હતો. ચાની લારીનો માલિક ગરમ થઈને બોલ્યો, “ધનીયા, સવારના પહોરમાં મફત ચ્હા પીવા આવી ગયો ?” ત્યાં તો છોકરાઓનું ટોળું લંગડા ગાંડા જેવા ભિખારીને પથરા મારવા લાગ્યું. ધનીયો મેઇન રોડ પર ભાગ્યો.
શહેરના નામાંકિત ઓર્થોપેડિક સર્જન ઇરફાનની ગાડી સ્પીડમાં સી.જી.રોડ ઉપર જઈ રહી હતી. અચાનક વચ્ચે લંગડો, મેલોઘેલો, ફાટેલા કપડાંવાળો ભિખારી આવી જતાં જોરદાર બ્રેક મારી. ચીઇઇઇ .... અવાજ સાથે ગાડી ઊભી રહી ગઈ. ધનીયો ભિખારી ટક્કર વાગતા પડી ગયો.
ડો. ઇરફાને તરત જ પોતાની ગાડીમાં ભિખારીને હોસ્પિટલમાં લઈ જઈ ટાંકા લઈ લીધા. ચાર કલાકે ભિખારી ભાનમાં આવતા ડોક્ટરે તેને દવાઓ અને ખાવાપીવાની વ્યવસ્થા કરી નાખી. ભિખારીની આંખોમાંથી ટપટપ આંસુ પડી રહ્યા હતા. તે બોલ્યો, “ભગવાન તમારું ભલું કરે.”
અવાજ સાંભળી ડોક્ટર ચમકી ગયા અને વીસ વરસ પહેલાના ભુતકાળમાં ખોવાઈ ગયા. “અરે આ તો મારા પપ્પાના શેઠ ધનંજય છે.” તે બચી ગયા તેની ખબર જ ના પડી. તેણે નમ્ર અવાજે કહ્યું, “શેઠ કઈ યાદ આવે છે ? હું તમારા ડ્રાઈવર રહીમચાચાનો દીકરો ઇરફાન.”
ધનીયો ભિખારી વીસ વરસ પહેલાનાં ભુતકાળમાં સરી પડ્યો. દોલતના નશામાં ચૂર ધનંજય શેઠને ડ્રાઈવર રહીમચાચા કરગરી રહ્યા હતા તે સીન યાદ આવી ગયો. તે વિચારી રહ્યા. “ ઓહો ! આ એ જ છોકરો છે, જેને તેમણે પુસ્તકોના રૂપિયા માટે તરછોડી દીધો હતો ?”
શેઠ શરમના માર્યા પાણીપાણી થઈ ગયા. ડો. ઇરફાન તેના પપ્પાએ જેનું નમક ખાધું હતું તેનું ઋણ હજુ ભૂલ્યા ન હતા. તેને ખ્યાલ આવી ગયો હતો કે અત્યારે શેઠનો ખરાબ સમય ચાલી રહ્યો છે, તેના રહેવાના, કપડાના કે ખાવા પીવાના પણ ઠેકાણા નથી.
“ડોક્ટરે શેઠને હાથ પકડી ઊભા કર્યા. નજીકની રેડીમેઇડ કપડાંની દુકાનમાંથી ચાર જોડ કપડાં અપાવી દીધા. શહેરની મધ્યમાં આવેલા સુંદર વૃધ્ધાશ્રમ આગળ ગાડી ઊભી રહી. ડોક્ટરે ભિખારીના એક વરસના ખાવા પીવા અને રહેવાની વ્યવસ્થા કરી નાખી. ધનીયો ભિખારી આ બધુ જોઈ ગળગળો થઈ ગયો. હવે તેને ખરેખર પસ્તાવો થઈ રહ્યો હતો.
ડો. ઇરફાન શાંતિપૂર્વક પાછા જઇ રહ્યા હતા ત્યારે તેના પપ્પાના
શેઠના નમકનો ભાર ઉતારી મદદ કર્યાનો સંતોષ તેના ચહેરા પર સ્પષ્ટ તરવરી રહ્યો હતો.
તેમણે કારમાં જુની ફિલ્મનો ગીતો માટે
રેડિયો ચાલુ કર્યો, અને ગીત ચાલુ થયું...
“આદમી કો ચાહીયે વક્ત સે ડર કર રહે,
કૌન જાણે કીસ ઘડી વક્ત કા બદલે મિજાજ ?”
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
“માનવી નહીં, સમય બળવાન” - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories