પશ્ચાતાપ
કોરોનાનો ભરડો બીજી લહેરમાં વધારે ગંભીર સ્વરૂપે ફેલાયો હતો. સિવિલમાં કોરોના વોર્ડ હંમેશા ભરચક રહેતો, લાંબુ વેઇટિંગ લિસ્ટ હજુ વધતું જતું હતું. જેટલા દર્દીઓ ડીસ્ચાર્જ થાય એનાથી ડબલ દાખલ થવા આવી જતાં. ટપોટપ શ્વાસથી મરતાં દર્દીઓને જોઈને કોઈપણની આંખમાં આંસુ આવી જાય તેવી પરિસ્થિતી સર્જાઈ ગઈ. મારિયા સિસ્ટર દિવસ રાત જોયા વગર દશ દશ કલાક ડ્યુટી કરી ઘરે જતાં. મોં પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને પીપીઇ કીટ પહેરી હોવા છતાં સિસ્ટરને પોતાને જ કોરોના લાગી જવાનો ડર હતો.
તેને ઘેર જુવાન દીકરી જુલી અને બેકાર વર જોસેફ, તેને ડ્યુટી દરમ્યાન પણ યાદ આવતા હેરાન થઈ જતાં. તેનો વર છેલ્લા બે વર્ષ થી દારૂ અને હેરોઇનનો નશાખોર બની જવાથી, નોકરી છૂટી ગઈ અને બેકાર બની ઘરમાં જ પડ્યો રહેતો. તેની જુવાન દીકરી જુલી ગ્રેજ્યુએટ થઈ ગઈ હોવાથી એના લગ્ન માટે જ્ઞાતિનો મુરતિયો શોધી રહ્યા હતા. તે હંમેશા વિચારતા, જુલીના લગ્ન થઈ જાય પછી મારે કોઈ ચિંતા નથી. પણ મોંઘવારી તો જુઓ, કેટલી વધતી જ જાય છે. જુલીના સાદાઈથી લગ્ન કરીએ, તો પણ સહેજે દોઢ થી બે લાખ ખર્ચો થઈ જાય તેમ હતો. આટલા બધા રૂપિયા લાવવા ક્યાથી ?? તેનો વર જોસેફ તો કોઈ કામનો નહોતો, આખો દિવસ નશામાં જ પડ્યો હોય, પછી શું કરવું ? મારિયાબેન ડ્યુટી તો હોંશભેર કરતા, પણ આ વિચારે તે ઢીલા પડી જતાં.
દરદીઓ વધતાં રહ્યા,
રોગ વકરતો ગયો, તેમ ઓક્સિજન અને તેના ઇન્જેક્શન રેમડેસીવીરની અછત થવા લાગી. ઓપન
માર્કેટમાં રેમડેસીવીરના ચાર ગણા ભાવ બોલાવા લાગ્યા. સિવિલ કોરોના વોર્ડમાં
ઇન્જેક્શનો ગણીગણીને ઉપયોગમાં લેવાતા હતા. વોર્ડમાં બસ્સો ઇન્જેક્શનનો જથ્થો મારિયા
સિસ્ટરના ચાર્જ માં આવ્યો. દેસાઇ સાહેબને અને મેટ્રનને તેના ઉપર સંપૂર્ણ ભરોસો,
તેથી ક્યારેય ગણતરી ચકાસતા નહીં. મારિયા સિસ્ટર પણ પોતાના ઉપર મુકેલા ભરોસાને
યથાર્થ ઠેરવતાં. વોર્ડબોય મેકવાનની આટલા બધા ઇન્જેક્શનો જોઈ દાઢ લબકી ગઈ.
રવિવારની સાંજે વોર્ડ ડ્યુટીમાં ઈવનિંગવાળા સિસ્ટર છુટી ગયાં, અને નાઈટવાળા હજુ આવ્યા નહોતાં. ત્યાં વોર્ડબોય મેકવાન, ઇન્ચાર્જ મારિયા સિસ્ટરને બાજુના રૂમમાં લઈ ગયો. ધીમેથી કહ્યું, “સિસ્ટર, દોઢલાખ રોકડા કમાવા છે ?” મારિયા સિસ્ટર ચોંકી ગયાં “શું કરવાનું છે ?”. તેમને મેકવાનની વાતમાં વિશ્વાસ ન પડ્યો.
“જુઓ, આ રેમડેસીવીર ઇન્જેક્શનનું બોક્સ ઉપાડીને બહાર લઈ મને આપી દો. કાલે જ દોઢ લાખ રૂપિયા રોકડા તમારા હાથમાં.” મેકવાને ખંધું હસતાં કયું, “ મે જથ્થાબંધ દવાવાળા સાથે સેટીંગ કરેલું છે.
મારિયા સિસ્ટર ખચકાઈ ગયાં. “આવું કરાય કઈ રીતે ?”
ત્યાં તેને જુલીના મેરેજનો વિચાર આવ્યો, જોસેફ તો કઈ કરતો નથી. મારે જ મારી દીકરીના મેરેજનું વિચારવું પડશે. એક વખત મનમાં લાલચનો દુષ્ટ વિચાર ઘુસી જાય પછી મન તે જ કરવા લલચાય છે. ધ્રૂજતાં હાથે તેમણે એક બોક્સ કાઢી વોર્ડબોય ની થેલીમાં સરકાવી દીધું. તેનું આંતરમન તો ના જ પાડતું હતું, પણ બાહ્ય લાલચું મને તેમ કરવા ઓર્ડર કર્યો. ઘરે જઈને તેણે પતિ જોસેફ અને પુત્રી જુલીને આ વાત કરી. દારૂડિયો જોસેફ કઈં ન બોલ્યો, પણ પુત્રી જુલી ગરમ થતાં બોલી. “મમ્મી, તેં આ શું કર્યું ??
“મેં તારા લગ્નના ખર્ચ માટે જ કરેલ છે” મારિયા સિસ્ટર બચાવ કરતાં બોલ્યા.
“ના, મમ્મી, આવા ખોટું કામ કરીને મેળવેલા પૈસાથી મારે લગ્ન નથી કરવા. મમ્મી, હવે તારે ગુનો કબુલીને ગોડ પાસે કન્ફેશન કરવું જ પડશે” જુવાન જુલીમાં સત્યનિષ્ઠા અને ધાર્મિકતા કુટકુટથી ભરેલા હતા. મારિયા સિસ્ટરને પણ લાગ્યું કે મારી દીકરી આજે મારા કરતાં પણ વધારે અને સચ્ચાઈની અને નિષ્ઠાની વાતો કરી રહી છે.
આખી રાત સિસ્ટરે પાસા ફેરવ્યા, પણ ઊંઘ ના આવી, શું થાય ? જીવનમાં પહેલી વખત ખોટું કામ કર્યું હતું. ગોડ મને કયારેય માફ નહીં કરે, મેં આ શું કરી નાખ્યું ?
બીજા દિવસે સવારે તેમનું માથું પકડાયું અને પછી ખાંસી આવવી ચાલુ થઈ. સિસ્ટરને ખ્યાલ આવી ગયો, તે પોતે જ કોરોનામાં સપડાઇ ગયા હતા. સાંજ સુધીમાં તો શ્વાસ ચાલુ અને ઓક્સિજન ઘટીને ૯૦%. તેમને તેમના જ વોર્ડમાં દાખલ કરી દીધા.
આખી રાત સિસ્ટર વિચારતા રહ્યા. મે ખોટું કામ કર્યું ને મને ગોડે આ સજા કરી. સવારે ઉઠતાંવેંત તેમણે નક્કી કરી લીધું. મારે ગોડ આગળ આ ખોટા કામનું કન્ફેશન કરવું જ પડશે અને આ સુવિચારે તેમને ઊંઘ આવી ગઈ.
મારિયા સિસ્ટરે સવારે ચા પીતા વિનંતી કરી, મૅટ્રનને અને દેસાઇ સાહેબને બોલાવો, મારે ક્ન્ફેશન કરવું છે. બધાને નવાઈ લાગી, મારિયાબેન શેનું કન્ફેશન કરવા માંગે છે ? દુર ઉભો વોર્ડબોય મેકવાન બબડી રહ્યો હતો, “આ મારિયા સિસ્ટરનું મગજ ભમી ગયું કે શું ? એમની સાથે મારી પણ વાટ લાગી જશે, કરવું શું?”
“સાહેબ, મારી ભુલ માફ કરો, ગોડ મને નહીં છોડે” મારિયા સિસ્ટરે રડતાં રડતાં કહ્યું. સામે દેસાઇ સાહેબ અને મેટ્રન આશ્ચર્યભાવ સાથે જોઈ રહ્યા.
“તમારાથી કોઇની સારવારમાં ભૂલ થઈ હોય તો કહો”, સાહેબને આટલા નિષ્ઠાવાન સિસ્ટર પર પૂરો ભરોસો હતો. તેથી આવો ચોરીનો તો વિચાર ના જ આવે.
“ના ના સાહેબ, મારું દિલ રૂપિયાથી લલચાઈ ગયું અને મેં એક બોક્સ રેમડેસીવીરની ચોરી કરી છે અને રૂપિયાનાં બદલામાં મેં તે બોક્સ મેકવાનને આપેલ છે.” સિસ્ટર કન્ફેશન કરતાં મનથી હળવા થઈ રડી પડ્યા.
દેસાઇ સાહેબ અને મેટ્ર્ન સિસ્ટર આ સાંભળી ચોંકીને ખચકાઈ ગયા, તત્કાળ વોર્ડબોય પાસેથી ઈંજેકશન રીકવર કર્યા.
મેકવાન હજુ સુધી સમજી ના શક્યો કે, આ મારિયા સિસ્ટરને થયું છે શું ? એમની જોડે મને પણ ફસાવી દીધો.
દેસાઇ સાહેબે સાંત્વના આપતા પૂછ્યું, “મારિયા સિસ્ટર, તમને આવો વિચાર જ કેમ આવ્યો, અત્યારે આ ઇન્જેક્શનોથી કેટલા બધા પેશન્ટોનાં જીવ બચી શકે તેમ છે.”
“તમારી ઉપર તો અમને કેટલો બધો ભરોસો હતો, તમે અમારા ભરોસાને તોડીને વિશ્વાસઘાત કરેલ છે.”
મારિયા સિસ્ટર રડી પડ્યા, “ સાહેબ, મારો વર જોસેફ દારૂડીયો થઈ જવાથી તેની નોકરી છૂટી ગઈ છે. મને મારી દીકરી જુલીનાં લગ્નની ચિંતા સતાવતી હતી, તેના ખર્ચ માટે મારું મન લલચાઈ ગયું, મને માફ કરી દો.”
સુપ્રિન્ટેન્ડન્ટ દેસાઇ અને મેટ્ર્ન પણ અસમંજસમાં પડી ગયા કે હવે પોલીસ કાર્યવાહી કરવી કે નહીં ? મારિયા સિસ્ટરે જીદ પકડી કે મને જેલમાં પુરાવી દો. સાચા દિલના કન્ફેશનથી બંનેએ નક્કી કર્યું કે સિસ્ટરની પહેલી ભૂલ હોવાથી માફ કરવા. ઉપરથી ગોડ પણ તેમની ઉપર આશિર્વાદ વરસાવી રહ્યા હતા.
ચાર દિવસમાં તો સાચા દિલના કન્ફેશનને લીધે ગોડે પણ મારિયા સિસ્ટરને સંપૂર્ણ કોરોના મુક્ત કરી દીધા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પશ્ચાતાપ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories