પકોડીવાળો રાજુ- ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી
“મને દશ રૂપિયાની પાણીપુરી આપજો. મીઠી ચટણી અને બટાકા વધારે નાખજો.’ સુંદર સ્વરમાં વીસ વરસની સુંદરીએ કોલેજથી છુટી સામે જ ઉભેલા યુવાન પાણીપુરી વાળાને ઓર્ડર કર્યો.”
“હા, મેડમ હું તમારે માટે સ્વાદિષ્ટ પાણીપુરી સ્પેશિયલ બનાવું છુ.” કહેતા રાજુ મુડમાં પાણીમાં ચમચો હલાવવા લાગ્યો.
તેની ભેળપુરીની લારી એમ.વી.કોલેજ ઓફ આર્ટ્સની સામે જ વર્ષોથી ઉભી રહેતી. છ મહિના પહેલા જ તેના પિતાશ્રીનું અચાનક એટેકથી અવસાન થતાં તેણે કોલેજનું ભણતર છોડી ગુજરાન ચલાવતા લારી સંભાળી લેવી પડી હતી. ચોવીસ વરસનો યુવાન રાજુ યુ.પી. સાઇડનો હોવાથી રૂપાળો અને માચોમેન જેવો દેખાતો, તે કોઈ પણ યુવતીને આકર્ષી જતો હતો. આર્ટ્સ કોલેજમાં મોટાભાગે છોકરીઓ જ વધારે હતી, છોકરીઓને ચટાકેદાર પાણીપુરી અને ચટણીપુરી પહેલેથી આકર્ષી રહ્યા છે.
વીસ વરસની આસ્કા સેકન્ડયર ભણતી સુંદર યુવતિ હતી. તેને પોતાની પાછળ છોકરાઓ લબડાવવાનું બહુ ગમતું. પુરૂષોને તેની આગળ પાછળ ભમતા રાખવાનો શોખ હતો.પાણીપુરીવાળાનો મુડ જોઈ તેને પણ લબડાવવા, પુરી લેતી વખતે તેના કોમળ હાથથી રાજુને સ્પર્શ કરી દીધો. રાજુ રોમાંચિત થઈ ગયો. પહેલી વખત સુંદર યુવતીના સ્પર્શથી તેના રોમરોમમાં રક્તપ્રવાહ વધી ગયો. સામે આસ્કાએ ધીમેથી સ્માઇલ આપ્યુ અને રાજુ થઈ ગયો ઘાયલ.
પછીતો રાજુ તેનાજ વિચારોમા ખોવાઈ જવા લાગ્યો. ઘરે પણ દિવસરાત તેનાજ વિચારોમાં બેસી રહેતો. સુંદર મોઘું પરફુયમ અને ‘ફેર એન્ડ લવલી’ ક્રીમ પહેલી વખત લાવીને ઉપયોગમાં લેવા માંડ્યો. કપડાં અપટુડેટ બનાવાની ફિરાકમાં ફાટેલું શર્ટ માને સાંધવા આપી દીધું અને મોઘભાવનું જીન્સનું પેન્ટ ખરીદી લીધું. તેની મા આટલા બધા ખર્ચા રાજુ કેમ કરે છે, તે સમજી શકતી નહોતી. તે વિચારવા લાગી, હવે મારે યૂ.પી.ના ગામમાં જઈ સારી વહુ શોધવી પડશે, પણ તેને કયાં ખબર હતી તેનો દીકરો અહીની કોલેજની લલના પાછળ પાગલ બની ગયો છે.
પછી તો તેમનો રોજનો ક્રમ થઈ ગયો. રાજુ તેની સાથે ભવિષ્ય ગાળવાના સોનેરી સપનામાં ખોવાઈ જવા લાગ્યો. તેના સપનામાં હવે આસ્કા સિવાય કાઇ નહીં. તેની વિધવા માતાને રાજુમાં આવેલા
પરિવર્તનની નવાઈ લાગી. રાજુ, આખો દિવસ કોના વિચારમાં ખોવાયેલો રહે છે? તેને ક્યાં ખબર હતી, તેના બેટાને લવેરિયા થઈ ગયો હતો. તેને ધંધામાથી પણ રસ ઉડી ગયો હતો.
દરરોજ આસ્કા પાણીપુરી ખાવા કોલેજથી છુટીને પહોચી જતી. રાજુ તેને માટે સ્પેશિયલ રસ લઈને પાણીપુરી અને ચટણીપુરી બનાવતો, અને પૈસા લેવાના જ નહીં. આસ્કાને તો મફતમાં રોજ પાણીપુરી, ચટણીપુરીને પેટીસરગડા ખાવાની મજા પડી ગઈ. પછી તો તેની ખાસ બહેનપણી અનુને પણ લઈ જવા લાગી. રાજુ જોડે થોડી મજાક અને જાણી જોઈને હાથનો સ્પર્શ તથા સ્માઇલથી રાજુ ઘાયલ હતો.
રાજુ રોજ રાત્રે સૂતા પહેલા પોતાની માશુકાને લગ્ન પછી કઈ રીતે સાચવવી તેની ચિંતામાં હતો. એક રૂમની ખોલીમાં બુઢીમાને તો યુ.પી.ના ગામડે મોકલી એકાંત મળી જશે, પણ મારી આસ્કાને આમાં રહેવું ફાવશે કે નહીં? તે વિચારી રોજ તે રૂમમાં ટાપટીપ કર્યા કરતો. બુઢી મા વિચારમાં પડી જાતી કે આ દિવસે કોના વિચારોમાં ખોવાયેલો રહે છે? તેને ક્યા ખબર હતી તેની માશુકાની સાથેના સુખી ભવિષ્યના વિચારોમાં તેનો બેટો ખોવાઈ ગયો છે.
વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો હતો. રાજુ પંદર હજારનો નવો સેમસંગ મોબાઈલ ભેટ કરી પોતાના પ્યારનો એકરાર કરવા તૈયારીમાં લાગી ગયો. પોતાના નવા કપડાં દિવાળી પર લાવવાને બદલે પૈસા ભેગા કરતો ગયો. મા એ પુછ્યું, “બેટા, દિવાળી પર નવા કપડાં અને બુટ નથી લેવા?
“ના મા, હું તો મહિના પછી નવો મોબાઈલ લઇશ.” કહેતા તેના મો મા લાળ ઝરવા લાગી. બુઢીમા તેના જવાન બેટામાં બદલાતા લક્ષણોથી ખુશ થવું કે ચિંતિત તે નક્કી નહોતી કરી શકતી.
દશમી ફેબ્રુઆરીની સાંજે માંડ રાજુની બચત ચૌદ હજાર રૂપિયા હતી, તેમાથી સુંદર, નવા જ મોડલનો સેમસંગ મોબાઈલ ખરીદતા રાજુ ભવિષ્યના સુંદર સપનામાં ખોવાઈ ગયો.
વેલેન્ટાઇન ડે ની સવારે નવા મોબાઈલ નું બોક્ષ લઈ તે પોતાની પ્રેમીકાને સરપ્રાઈઝ આપવા કોલેજના કમ્પાઊંડમાં ઘુસ્યો. મોટા ઝાડના ઓટલે આસ્કા અને અનુ બેઠા હતા. પીઠ પાછળ ધીમે પગલે રાજુ આવી તેની વાતચીત સાંભળવા લાગ્યો. અનુએ કહ્યું.,”અલી, આજે તો તને કેટલાય લબડું ગિફ્ટ દેવા આવશે, પેલો પકોડીવાળો પણ તારા ઉપર લબડે છે.
આસ્કા હસી પડી”એ ગાંડીયો છે, હું તેની પાસેથી મફતમાં પાણીપુરી ખાવા દરરોજ લબડાવીને લાઇન મારવાનો દેખાવ કરું છુ. બાકી મને આપણી કોલેજનો માસુક બહુ ગમે છે.”
આ સાંભળતા જ રાજુના હાથમાંથી મોબાઈલ પડી ગયો. અવાજ સાંભળી પાછળ જોતાં બન્ને ચમકી ગયા.
રાજુની આંખોમાં ઝળઝળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. બન્ને સખીઓ પોતાની વાત રાજુ સાભળી ગયો, જાણી ભોઠાં પડી નીચું જોઈ ગયા.
‘રાજુ, હું તો મજાક કરતી હતી, તારોને મારો લગ્ન માટે મેળ પડે તેમ જ નથી, આતો ટાઈમ પાસ કરતી તી, તું મને ભુલી જજે” કહેતા આસ્કાએ સફાઈ પેશ કરી.
રાજુના ચુર થઈ ગયેલા અરમાનોના ટુકડા નીચે પડેલા મોબાઇલના તૂટેલા કાચમાં પ્રતિબિંબ થતાં હતા, તે રાજુના આંસુમાં ધોવાઈ ગયા.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories