19 નવેમ્બર 2023

ભગવાનનો મુગટ - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 ભગવાનનો મુગટ - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી



 સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર ફેલાઈ ગયો હતો. અમેરિકા અને યુરોપમાં ટપોટપ લોકો કોરોનાના ચેપથી  મોતને શરણ થઈ રહ્યા હતા. ભારતની સ્થિતિ પણ કફોડી હતી.

અચાનક વડાપ્રધાને ત્રણ અઠવાડીયાનું લોકડાઉન જાહેર કરી દીધું કે જેથી વાયરસ ફેલાય નહીં. લોકોને ઘરમાં પુરાઈ જવું પડ્યું, વાહનોના પૈડાં થંભી ગયા, દુકાનો ખુલતી બંધ થઈ ગઈ, ચારે તરફ સુમસામ રસ્તાઓ, અને બજારો બંધ ફક્ત પોલીસોની દોડધામ ચાલુ. લોકોને બહાર આવતાં રોકવા દંડા અને દંડનો પ્રયોગ ચાલુ હતો.

રોજેરોજની કમાણી કરનારા રોજનું કમાઈને ખાનારાની હાલત કફોડી હતી. લલન અને રૂડી રોજેરોજની મજુરી કરી રાત્રે તેનું સીધું સામાન લાવી પેટીયું રળતા હતા. બુઢીમાને માંડમાંડ પોષતા, પણ હવે દિવસો વિકટ આવી ગયા. કારીગરની સાથે દાડી કરનારા મજુર તરીકે કડિયાનાકા પર ઊભા રહેનારા લલન અને રૂડી માટે શું કરવું એ પ્રશ્ન કઠીન થઈ ગયો.

પહેલા બે ત્રણ દિવસ તો માંડમાંડ ઘરમાં પડેલું રાંધી એક ટાઈમ ખાઈ દિવસ પુરો કર્યો, પણ હવે તેના ઝૂપડામાં હાલ્લા કુસ્તી કરતાં હતા. ૮૦ વરસની બુઢી સવિતાબાની હાલત લલનથી જોવાતી નહતી.

રૂડીબેન તેને ઘરમાં બેઠેલો જોઈ અકડાયા. ‘લલન, હવે કઈ તો કર, બાની હાલત તો જો, બે દિવસથી કાઇ ખાધુજ નથી. સરકારી મદદ આપણા ઝૂપડા સુધીતો પહોચતી જ નથી.”

“પણ મારે કરવું શું? હવે તો કરિયાણાવાળાએ ઉધાર આપવાની ના પાડી દીધી છે.” લલન રોતલ અવાજે બોલ્યો.

“ જો ઉધાર ના મળેતો, લુંટ કર, ચોરી કર, પણ કાઇતો કર, ત્રણ જ જણાના પેટ ભરવા કઇ રીતે?” રૂડી બગડી.

હા ના કરતાં અંતે લલન ચોરી કરવા તૈયાર થયો. પચાસ વરસની ઉમરમાં પહેલી વખત ચોરી કરવા તેનો જીવ ચાલતો નહતો. પણ થાય શું? પેટ ભરવા પૈસા તો જોઈશેને!

બહાર સૂમસામ શાંતિ હતી. એક બે પોલીસ પણ દંડા પછાડતા બહાર ફરી રહ્યા હતા. કોના ઘરમાં ઘુસવું તેમ વિચારતો, તે ફરતો હતો, પણ દરેક ઘરમાં માણસો બેઠેલા જણાયા. તે બબડ્યો “કોઈના ઘેર તો ચોરી કરવા ઘુસાયા તેમ લાગતું નથી, હવે શું કરવું? આ લોકડાઉનને તો ભારે કરી.”

આગળ જતાં રામજી મંદિરનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. બીજા દિવસે રામનવમીની તૈયારી કરવાની હોવાથી પુજારી ભગવાનનો મુગટ સાફ કરતાં, કુદરતી હાજતે ગયો, હોવાથી લલન લલચાઈ ગયો. વાહ ભગવાનનો સોનાનો રત્નજડિત મુગટ સાવ રેઢો, તેણે ધ્રૂજતા હાથે મુગટ ઉપાડી લીધો. થેલીમાં મુકી ધીમા પગલે તે પાછલે બારણે નીકળી ગયો. પુજારી કુદરતી હાજતેથી પરત આવી જુએ તો મુગટ આટલી વારમાં ક્યાં ગયો?

રામજી મંદિરના ટ્રસ્ટીઓએ બહુ શોધખોળ અને વિચાર કરી અંતે પોલીસ ફરિયાદ કરી દીધી. પોલીસે બે દિવસ ખુબ તપાસ અને પુછપરછ કરી, પણ મુગટનો પત્તો ના લાગ્યો.

ઘેર પહોચી રૂડી અને સવિતા બાને ખુશ થઈ બતાવતા કહે “ જુઓ,મોટો હાથ માર્યો છે, હવે મહિનાઓ સુધી ખાવાની ચિંતા નહીં રહે.”

પણ ભગવાનનો મુગુટ ચોરી લાવેલો જોઈ સવિતાબા બગડ્યા. “મૂઆ, તે કાઇ નહીને ભગવાને પણ ના છોડ્યા હવે આપણું ઘનોતપનોત નીકળી જશે.”

“બા, હું શું કરૂ? પેટ માટે મારે ચોરી કરવી પડી, નહિતર મંદિરમાં ચોરી કરતાં મારો જીવ પણ નહોતો ચાલતો.” લલન નીચું જોઈ બોલ્યો.

બીજા જ દિવસે રૂડીને શરદી, તાવ અને સુકી ખાંસી ચાલુ થઈ, લલન અને સવિતાબા ઊંડી ચિંતામાં ડુબી ગયા. લલન તેને બાજુના સરકારી દવાખાને લઈ ગયો. ડોક્ટરે તેને જોઈ, તપાસીને તરત જ કોરોના ટેસ્ટ કરાવવા મોકલી આપ્યા. કોરોનાના ટેસ્ટ લેવાયો. લલન મનમાં ધ્રુજી રહ્યો હતો. રૂડીને કોરોના થયો હશે તો?

જો તે ભગવાનને ઘેર ચોરી કરી હવે ભોગવ” સવિતાબાએ ગુસ્સામાં લલન પર બગડ્યા.

“મા, હવે શું કરવું?” લલન રડી પડ્યો. “જા જઈને મુગટ પાછો ભગવાનના મંદિરે મુકી આવ.” સવિતામાએ ઓર્ડર કર્યો. 

લલનનું આંતરમન અસમંજનમાં ડુબી ગયું. પેટ ભરવાના ફાફાં હતા ત્યાં કિમતી માલ પરત કરવાનો? તેનું મગજ આમતેમ ફંગોળાતું રહ્યું. એમ ને એમ બે દિવસ નીકળી ગયા. અંતે આંતરમન નો વિજય થયો.

રાત્રે તે ધીમા પગલે મંદિરના પાછલે બારણેથી ભગવાન રામના મસ્તક ઉપર મુગટ ચડાવીને પરત આવ્યો. તેનું મન હલકું થઈ ગયું. “ હવે બે દાડા ખાધા વગર ચલાવીશું, બીજું શું?” રૂડીબેન રડતાં રડતાં બોલ્યા.

બીજા દિવસે સવારે મંદિરમાં પોલીસ પુજારીની ઘરપકડ કરવા આવી. પુજરાજી કરગરી રહ્યા હતા, “મે મુગટની ચોરી નથી કરી, મે મુગટ અહીજ મુકયો હતો, ને અચાનક ગુમ થઈ ગયો.”

         પણ ભગવાનના માથા પર મુગટ જોઈ બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પુજારી આનંદમાં નાચવા લાગ્યા.

બીજાં દિવસે સવારે રૂડીનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા, છેવટે ભગવાને અમને બચાવી લીધા,”વિચારતાં ત્રણે મંદિરે દર્શન કરવા દોડ્યા.

રામ ભગવાનના મસ્તક પર ઝળહળતા મુગટ સામે લલન આંખ પણ મિલાવી શકતો નહતો. રૂડી અને સવિતાબા ને રડતાં જોઈ પુજારી નવાઈ પામ્યા, “તમે બન્ને બહેનો કેમ રડો છો?” પુજારીએ રૂડીને પુછ્યું.

“એ તો કઈ નહીં. આ મુગટ ભગવાન રામના મસ્તક ઉપર કેવો ભવ્ય લાગે છે, અમે તો દર્શન કરીને ધન્ય થઈ ગયા.”સવિતાબા કહેતા કહેતા ભાવુક થઈ, આંખોમાથી આંસુ ટપકવા લાગ્યા. 

કેટલાક આંસુઓને બધાં ક્યાં સમજી શકે છે?





Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories