નિષ્ઠાવાન ડોક્ટર - ગુજરાતી બોધ વાર્તા
“ડૉક્ટર આ બૅગમાં દોઢ કરોડનાં સોનાનાં બિસ્કિટ છે, જે તમારે માટે છે.” એક લુખ્ખો બટકો માણસ નવી મજાની કાળા રંગની સૂટકેસ ખોલીને ડૉક્ટરને બતાવી રહ્યો હતો. ટપોરી જેવા લાગતા બટકાએ ગોગલ્સ પહેર્યાં હતાં.
ડૉ. જયેશ પુજારા વિચારમાં પડી ગયા. શહેરના જાણીતા હાર્ટસર્જન ડૉ. પુજારાના હાથે હજારો હૃદયરોગીઓ બચી ગયા હતા. સૌથી સિનિયર હાર્ટ સર્જન તરીકે પૂર્ણ નામના અને સફળતા મળી હોવાથી તેમના હાથે હાર્ટસર્જરી કરાવવા લાઇનો લાગતી. આજે સવારે શહેરના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ, સી.આઈ.ડી. ઑફિસર રાણાસાહેબની બાયપાસ સર્જરી હોવાથી ડૉ. પુજારા વહેલા આવી ગયા હતા.
સીઆઈડીના ડીસીપી રાણાસાહેબના નામ માત્રથી અંધારી આલમના ગુંડાઓ ધ્રૂજી ઊઠતા.
કોઈ પણ ગુનેગારને શેહશરમ કે લાલચ અથવા તો લાંચરુશવત વગર પકડી લેવામાં તે માહીર હતા.
બે વર્ષથી જ આ શહેરમાં તેમની બદલી થઈ હતી પણ તેમાં તો તેમના નામનો ડંકો વાગવા લાગ્યો હતો.
રાણાસાહેબના આવવાથી કાળિયો અને તેમના સાથીદારો કોઈ પણ કામ આસાનીથી કરી શકતા નહીં. આખા શહેરમાં કાળિયાની ગૅંગ અંધારી આલમમાં નામચીન હતી. ગેરકાયદે દારૂની હેરાફેરી, ગેરકાયદે જુગારના અડ્ડા, જમીન પચાવી પાડવી, લાખોની ખંડણી માંગવી જેવાં કામો કાળિયાની ગૅંગ માટે સાવ આસાન હતાં. પણ હવે રાણાસાહેબના આવવાથી બધાં કામો ઠપ્પ થઈ ગયાં હતાં. કાળિયો અને તેના સાથીદારો ચિંતામાં ડૂબી ગયા હતા. અંતે બધાએ ભેગા થઈ રાણાસાહેબને જ પતાવી દેવાનું નક્કી કર્યું.
કાળિયાએ પોતાના ખાસ શુટર લંબુને બોલાવી રાણાસાહેબને પતાવી દેવા હુકમ કર્યો; પરંતુ રાણાસાહેબની ચપળતા અને શેરદિલી આગળ લંબુ મહાત થઈ ગયો.
શિકાર કરને કો આયે, શિકાર હો ગયે, જેવો ઘાટ થયો. રાણાસાહેબની એક જ ગોળીથી લંબુ વીંધાઈને કાયમ માટે શાંત થઈ ગયો.
કાળિયાની ગેંગના માણસો હતપ્રત થઈને ગુસ્સે ભરાયા, તેમણે ખાસ મુંબઈથી સોપારી કિલરને પચાસ લાખ આપી બોલાવી લીધો હતો. મુન્નો ખતરનાક કિલર હતો.
બીજા જ દિવસે રાણાસાહેબની બાઇકની પાછળ મુન્નાની ટ્રક સ્પીડમાં દોડી રહી હતી; પરંતુ રાણાસાહેબની ચકોર નજરમાં મુન્નાની હરકત આવી ગઈ, અને સાહેબે અચાનક બાઇક સાઇડમાં વાળી દેતાં મુન્નાની ટ્રક સીધી સ્પીડમાં ઝાડ સાથે અથડાઈ અને મુન્નો બેભાન હાલતમાં હૉસ્પિટલમાં !!
હવે કાળિયાની સમજમાં આવતું નહોતું કે આ કાંટાને દૂર કરવો કઈ રીતે ? જાગ્રત રાણાસાહેબને પતાવી દેવા સરળ ન હતું. ત્યાં તો સમાચાર આવ્યા કે રાણાસાહેબની બાયપાસ સર્જરી ડૉ. પુજારા હસ્તક છે અને કાળિયાએ દોઢ કરોડના સોના સાથે કામ પતાવવા બટકાને મોકલી દીધો, ડૉક્ટરસાહેબ પાસે.
“આટલા બધા રૂપિયાનું સોનું શેના માટે છે ? મારે શું કરવાનુ છે ?” ડૉક્ટરે પૂછ્યું.
“તુમ્હારે કુછ કરનેકા નહીં હૈ, આજ રાણાસાબ કા ઑપરેશન હૈ ઉસકો ટપકા દેનેકા હૈ, ઐસા ભાઈને બોલા હૈ.” બટકો બોલ્યો.
“હેં !” ડૉ. પુજારા હબકીને ગભરાઈ ગયા. “ભાઈ, મેરા કામ જિંદગી દેને કા હૈ, જિંદગી લેને કા નહીં હૈં” તેમણે ગભરાઈને ગુસ્સામાં આવીને કહ્યું.
“તુમને અભી તક વોહી તો કીયા હૈ કીતને લોગો કો બચાયા, ક્યા મિલા ? હમ દેઢ કરોડ કા સોના ખાલી એક જિંદગી ટપકાને કા દે રહે હૈ, ઈતના કમાને કે બાદ ઔર કોઈ કામ કરને કી જરૂરત નહીં રહેગી.” બટકાએ કુટિલતાપૂર્વક હસતાં જવાબ આપ્યો.
ડૉક્ટરનું દુષ્ટ મન ચકડોળે ચડ્યું. વાત તો સાચી છે. ચાલુ ઑપરેશને દર્દીને પતાવી દેવો સરળ હતું. જેમાં કોઈને બહુ શંકા પણ ન થાય. બહુ બહુ તો ઑપરેશન ફેઈલ થયું કહેવાય. ડૉક્ટરે વિચારમાં કાંઈ જવાબ ન આપ્યો. ખાલી આટલું જ બોલ્યા, “દેખતે હૈ !” બટકાને થયું, કામ થઈ ગયું છે. તેણે તો બહાર જઈ બૉસને મોબાઇલથી ખુશખબર આપી દીધા “બૉસ, કામ હો ગયા હૈ.”
આજે ઑપરેશન થિયેટરના ફુલ ઍરકન્ડિશનમાં પણ ડૉ. પુજારાને પરસેવો વળી રહ્યો હતો. ઑપરેશન આસિસ્ટન્ટ ડૉ. ગિરિ અને સિસ્ટરને આ જોઈ નવાઈ લાગી. ડૉ. પુજારાનું સદાચારી મન બળવો પોકારી ઊઠ્યું. “ડૉક્ટર આ તું શું કરી રહ્યો છે ?” અને ડૉક્ટરને આંખે અંધારાં આવવા લાગ્યાં.
તેમણે આસિસ્ટન્ટ ડૉ. ગિરિને કહ્યું, “મને સારું નથી લાગતું, થોડી રાહ જુઓ. હું બહાર જઈ પાણી પી સ્વસ્થ થઈને આવું છું.”
ડૉ. પુજારાએ ગાઉન અને ગ્લોઝ કાઢીને પોતાની ઑફિસમાં જઈ બારીનો પડદો હટાવ્યો.
બહાર લોકોની ભીડ હારતોરા અને મીઠાઈનાં બૉક્સ લઈ બુમરાણ મચાવી રહી હતી. ડૉક્ટરે બેલ મારી પ્યૂનને બોલાવ્યો અને પૂછ્યું,
“અરે રામુ આ શું છે ? શેની ભીડ છે ?”
“ડૉક્ટર સાહેબ, આ તો બધા રાણાસાહેબે બચાવેલા અને છોડાવેલા લોકો આપનું બહુમાન કરવા અને રાણાસાહેબના અભિવાદન માટે ઊભા છે.” રામુએ જવાબ વાળ્યો.
“શી વાત છે ? આટલા બધા લોકો સ્વયંભૂ રીતે !” ડૉક્ટરે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
“રાણાસાહેબ તો આ ગરીબો અને લાચારો માટે દેવ જેવા છે. કેટલી બધી બહેનો-દીકરીઓની આબરૂ તેમણે જીવના જોખમે બચાવી છે. આ બધા ગરીબોને કે તેમનાં સગાંઓને રાણાસાહેબે જરાપણ લાંચ લીધા વગર બચાવ્યાં છે.” રામુ એકીશ્વાસે બોલી ગયો.
“ખરેખર ?” ડૉક્ટર પુજારા રાણાસાહેબની વાતોથી અભિભૂત થઈ ગયા.
“સાહેબ, પેલી બે ગરીબ બહેનોના પતિઓને રાણાસાહેબે જીવના જોખમે બચાવ્યા હોવાથી ખુલ્લા પગે ચાલતા અંબાજી જવાની માનતા માની છે.” ફરીથી રામુએ ખુલાસો કર્યો.
“હેં !” ડૉક્ટરના સદાચારી મને દુષ્ટ મનને જોરદાર લપડાક મારી. ડૉક્ટરનું કર્તવ્ય છે માણસની જિંદગી કોઈ પણ ભોગે બચાવી લેવાનું. તું સોનાની લાલચમાં આટલી મહાન, નિઃસ્વાર્થ વ્યક્તિને મિટાવવા બેઠો છે ?
અંતે ડૉક્ટરના સદાચારી મનનો વિજય થયો. તેમણે હિંમત અને આત્મવિશ્વાસ એકઠો કરી બહાર બેઠેલા બટકાને હુકમ કર્યો. “તારી આ સૂટકેસ ઉઠાવ અહીંથી, નહિ તો તને પકડાવી દઈશ.”
ડૉક્ટર હવે ફરી પાછા સક્રિય થઈ ઑપરેશન થિયેટરમાં આત્મવિશ્વાસ સાથે પ્રવેશ્યા અને ઝડપથી ઑપરેશન કરવા માંડ્યા. કલાકમાં તો બહાર આવી જાહેરાત કરી. રાણાસાહેબનું ઑપરેશન સફળ થયું છે.
ગરીબ અને લાચાર લોકોનું ટોળું નાચતા-કૂદતા આવી ડૉક્ટરને હારતોરા કરી બધાને પેંડા વહેંચી રહ્યા હતા. બહેનો અને દીકરીઓ ખુશખુશાલ હતી, હવે તેમને કોઈને કાળિયાની ગેંગનો ડર ન હતો.
બટકાના હાથમાં રહેલી સૂટકેસમાં રહેલું સોનું ઝાંખું પડી ગયું હતું. તેણે તરત બૉસને મોબાઇલ કર્યો. “બૉસ કામ નહીં હુઆ હૈ.”
ડૉ. પુજારા પહેલી વખત પોતાના આ સફળ ઑપરેશન બદલ ખુશ થઈ ગયા. તેમની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.
હૉસ્પિટલની બહાર એક બટકો ટપોરી કાળી સૂટકેસ સાથે ભાગી રહ્યો હતો.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories