11 ડિસેમ્બર 2023

સરપ્રાઇઝ -ગુજરાતી લઘુ બોધવાર્તા

 

સરપ્રાઇઝ -ગુજરાતી લઘુ બોધવાર્તા

સરપ્રાઇઝ -ગુજરાતી લઘુ બોધવાર્તા



 ‘‘હેપી બેટા, અમેરિકાની ફાર્મસી કૉલેજની ફીના રૂપિયા ક્યાંથી કાઢીશું ? દર વર્ષે ચાલીસ હજાર ડૉલર આપણા જેવા મધ્યમવર્ગી કુટુંબ માટે ખૂબ મુશ્કેલ છે.’’ જયેશભાઈ તેમના એકના એક દીકરા હેપીને સમજાવી રહ્યા હતા.

‘‘પપ્પા, હું મારો રહેવા-ખાવા-પીવાનો ખર્ચ કાઢી લઈશ, તમે ફક્ત ફીના રૂપિયા જ મોકલાવજો. મારો ખાસ મિત્રતનય પણ અમેરિકામાં રહીને જ ફાર્મસીની ડિગ્રી લેવાનો છે.’’ હેપીએ ખુલાસો કર્યો.

‘‘તેના પપ્પા લાખોપતિ વેપારી છે. તેને કૉલેજની ફીની ક્યાં તકલીફ છે ?’’ જયેશભાઈએ ફરીથી હેપીને સમજાવ્યો.

‘‘પણ પપ્પા, ત્યાં ભણવાથી મારું ગ્રીનકાર્ડ પણ ચાલુ રહેશે અને એક વાર ફાર્માસિસ્ટ થઈ જાઉં પછી તો ડૉલરના ઢગલા જ છે ને.’’ હેપીની દલીલ સાચી હતી, પણ તેની કૉલેજની ફીના પૈસાની ચિંતા જયેશ અને માલાને કોરી ખાતી હતી.

જયેશ ભટ્ટ અને માલા તેમના એકના એક દીકરા હેપીને અમેરિકાના ખર્ચા વિશે સમજાવી રહ્યાં હતાં. હેપીને તો અમેરિકા જઈને ફાર્માસિસ્ટ થવાની લગની લાગી હતી. તેનો ખાસ મિત્ર તનય પણ બારમું પાસ કરીને સીધો અમેરિકા જઈને ફાર્માસિસ્ટ થવાનો હતો.

બંને મિત્રોને બારમા ધોરણમાં મેડિકલમાં ઍડ્‌મિશન માટે પનો ટૂંકો પડી ગયો હતો. તનયના પપ્પા મોટા વેપારી હતા. લાખોનો કારોબાર હતો, તેથી તેણે તો અમેરિકા જઈને ખૂબ જ ડૉલર બનાવતા ફાર્માસિસ્ટ બનવાનો કોર્સ જોઇન્ટ કરી લીધો હતો.

હેપીના પપ્પા જયેશભાઈ સહકારી બૅંકમાં ક્લાર્કની નોકરી કરી રહ્યા હતા. પગાર ઠીક હતો. પણ કારમી મોંઘવારીમાં બંને છેડા માંડમાંડ ભેગા થતા હતા. વારસાગત મિલકત તરીકે તેમને પાલડીમાં એક નાનું મકાન ભાગમાં આવેલ હતું. બેઠા ઘાટનું મકાન જૂનું પણ ત્રણ રૂમ અને રસોડાવાળુ હોવાથી રહેવા માટે યોગ્ય હતું. સુખી સંસાર હતો, ખાવાપીવા તથા રહેવાની ખોટ ન હતી. એકનો એક દીકરો હેપી ભણવામાં હોશિયાર હતો પણ બદનસીબે બારમા ધોરણમાં બે પેપર બગડી જવાથી તેના ટકા ઓછા પડી રહ્યા હતા.

જયેશભાઈના સાળા વર્ષોથી અમેરિકામાં સિટીઝન હતા, તેમણે પંદર વર્ષ પહેલાં તેમનાં બહેન માલાબહેન માટે વિઝાની ફાઈલ કરી હતી, તેમાં નંબર લાગવાથી આ કુટુંબને ગ્રીનકાર્ડ મળી ગયા હતા. દર વર્ષે અમેરિકા જઈને સિક્કો મારવામાં આવે તો જ ગ્રીનકાર્ડ ચાલુ રહે તેમ હતું. આટલો બધો ખર્ચ ક્યાંથી કાઢવો તેમ વિચારી જયેશભાઈ અને માલાબહેને ગ્રીનકાર્ડ જતું કરવાનો વિચાર કરી લીધો હતો.

હેપી તો અમેરિકાના વૈભવી જીવનથી પ્રભાવિત થઈ ગયો હતો. મોટી કારો, સ્વચ્છતા, મોટા બંગલા વગેરેના વૈભવથી કોઈ પણ યુવાન આકર્ષાઈ જાય તેમાં નવાઈ નથી. હવે તેણે ત્યાં જ ફાર્મસી કૉલેજ કરી, ફાર્માસિસ્ટ થઈ ડૉલર કમાવાની જીદ પકડી હતી.

અંતે દીકરાની જીદ આગળ મા-બાપને ઝૂકવું પડ્યું. ફક્ત અઢાર વર્ષની ઉંમરે જ હેપી ફાર્માસિસ્ટ થવા અમેરિકા ઊપડી ગયો. તેણે તનતોડ મહેનત કરીને પોતાના રહેવા, ખાવા, પીવાના ડૉલરની વ્યવસ્થા તો કરી લીધી હતી. દિવસે કૉલેજ કરે અને રાત્રે પેટ્રોલ પંપમાં મજૂરી કરીને ડૉલર કમાય.

જયેશભાઈ અને માલા બિચારાં તૂટીતૂટીને પહેલાં બે વર્ષ તો ફીની વ્યવસ્થા કરતાં રહ્યાં. જયેશભાઈને અઠ્ઠાવન વર્ષે રિટાયર્ડ થવાનો ઑર્ડર આવ્યો, પછીથી ફીના રૂપિયા કાઢવા મુશ્કેલ થઈ ગયા. દુર્ભાગ્યે સહકારી બૅંક હોવાથી પૅન્શનની વ્યવસ્થા પણ ન હતી. દીકરો ફાર્માસિસ્ટ થઈને કમાશે તેની આશામાં અને તેના અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે ધ્યાનમાં રાખી અમુક બાબતો છુપાવી બંને ખેંચાતાં જ રહ્યાં, ખેંચાતાં જ રહ્યાં.

છ વર્ષની સખત મહેનત પછી હેપી અમેરિકાની ફાર્મસી ડિગ્રી મેળવી ફાર્માસિસ્ટ થઈ ગયો. આ દરમિયાન તેનાથી પરત ઇન્ડિયા તો જવાય તેમ હતું જ નહીં, માંડ માંડ ફીના પૈસાની સગવડ થતી હતી. તરત જ તેને વર્ષે લાખ ડૉલરની જોબ રાઇટએઇડની ફાર્મસીની ચેઈનમાં મળી ગઇ.

અમેરિકામાં બધે એકબીજાને સરપ્રાઇઝનું બહુ જ ચલણ છે. બધા એકબીજાને સરપ્રાઇઝ ગિફ્ટ કે પાર્ટી આપી અચંબામાં પાડી દે છે. હેપીને પણ અચાનક ઇન્ડિયા જઈ તેનાં મા-બાપને સરપ્રાઇઝ આપવાનો વિચાર આવી ગયો.

પપ્પા માટે મોંઘું ઘડિયાળ અને મમ્મી માટે સોનાના દાગીનાનો સેટ લઈ લીધો. તેને વિચાર આવ્યો ઘરનું ફર્નિચર હવે સાવ જૂનું થઈ ગયું છે, તેથી શિપિંગ ઑર્ડર કરી નવો સોફાસેટ, ડાઇનિંગ ટેબલ અને રીકલાઇનર (ઝૂલતી ખુરશી) નો ઑર્ડર કરી ઇન્ડિયા રવાના કરી દીધો. મહિનામાં આ બધું પહોંચી જશે એમ વિચારી એણે મહિના પછીની ઇન્ડિયાની ટિકિટ પણ બૂક કરી દીધી. તેણે આ વાતની ખબર મા-બાપને જરા પણ ન થવા દીધી. તે વિચારી રહ્યો હતો, આટલી બધી સરપ્રાઇઝ ગિફ્ટથી બંને કેટલાં ખુશ થઈ જશે ! રીકલાઇનરમાં આરામથી ઝૂલતા રિટાયર્ડ પપ્પા કેટલા ખુશ થશે ! અને મમ્મી પણ નવા ડાઇનિંગ ટેબલ, ખુરશી પર જમતા કેટલી બધી આનંદમાં આવી જશે ! એમ વિચારી તે ઝૂમી ઊઠ્યો.

વહેલી સવારે પાંચ વાગે અમદાવાદ ઍરપોર્ટ ઉપર સરપ્રાઇઝ આપવા હેપી ખૂબ ઉતાવળો બની ગયો હતો. લગેજ બહાર આવતાં સવારના સાત વાગી ગયા. તે મનમાં બબડ્યો. ‘‘સાંજ સુધીમાં તો ઘરનું નવું ફર્નિચર પણ આવી જશે, તે જોઈને બંને કેટલાં ખુશ થશે !’’

સીધી ટૅક્સી તેણે શારદા મંદિર રોડ ઉપર મકાન સુધી દોડાવી અને ત્યાં પહાંેચ્યો ત્યારે સવારના આઠ વાગી ગયા હતા. તેના મકાન પાસે પહોંચતા રોમાંચ એકદમ વધી ગયો હતો. તેની છ વર્ષ પછીની સરપ્રાઇઝ વિઝિટથી મમ્મી-પપ્પા કેટલાં બધાં ખુશ થઈ જશે !

અરે ! આ શું ? તેના મકાનમાંથી એક અજાણ્યાં જાડાં બહેનને જોઈ તેને લાગ્યું કે કોઈ મહેમાન હશે કે શું ? તેણે પૂછ્યું, ‘‘મારાં મમ્મી-પપ્પા ક્યાં છે ?’’

‘‘કોણ છો ભાઈ ? કોનું કામ છે ? જાડાં બહેને સામે પૂછ્યું.

‘‘આન્ટી, હું. હેપી જયેશભાઈ ભટ્ટ, અમેરિકાથી સીધો અહીં આવેલ છું.’’

‘‘ભાઈ, જયેશભાઈ તો બે વર્ષ પહેલાં આ મકાન અમને વેચીને શહેરમાં ભાડાના ઘરમાં રહેવા જતા રહ્યા છે.’’ જાડાંબહેને ખુલાસો કર્યો.

હવે હેપીને સરપ્રાઇઝ થવાનો વારો હતો. તેણે વિચાર્યું, ‘‘મને કહ્યા વગર મકાન વેચી નાખ્યું ?’’

‘‘તેમનું એડ્રેસ મળશે ?’ હેપીએ પૂછ્યું.

‘‘બહુ તો ખબર નથી પણ શાહપુરમાં બુખારાની પોળમાં ભાડાના રૂમમાં રહેવા ગયાં છે.’’ જાડાં બહેને જવાબ આપ્યો.

હેપીનું મગજ ચકરાવા લાગ્યું. ‘‘મારાં માતા-પિતા ફક્ત એક ખોલીમાં ભાડેથી રહે છે ?’’ વિચારીને તે રડવા જેવો થઈ ગયો.

તરત જ તેણે ટૅક્સી શાહપુર લેવડાવી. માંડમાંડ શોધખોળ કરીને તેણે જયેશભાઈની રૂમ શોધી કાઢી ત્યારે સવારના સાડાનવ વાગી ગયા હતા. રસ્તો પણ સાંકડો અને કચરાના ઢગલામાંથી પસાર થતો હતો. ત્યાં રૂમ પર તો તાળું લટકતું હતું. બાજુવાળા દીનુકાકાને પૂછતા ખબર પડી કે બંને સવારમાં સાડા આઠ વાગે તો નોકરીએ જતાં રહે છે. બૅંકના વ્યાજના પૈસા ભરવાનાં પણ ફાંફાં પડી ગયાં છે.

તેણે દીનુકાકાને ઓળખાણ આપી કે ‘‘હું હેપી તેમનો એકનો એક દીકરો છું. અમેરિકાથી સીધો આવેલ છું. તેથી મને તેમની પાસે લઈ જાવ.’’

ઘીકાંટા રોડ ઉપરના કૉમ્પ્લેક્સના બીજા માળે રેડીમેઇડ ગારમેન્ટ બનાવવાની ઑફિસમાં જુવાન મારવાડી શેઠિયો બે બુઢ્ઢા માણસોને ખખડાવી રહ્યો હતો. ‘‘તમારી જરૂરિયાત હતી એટલે નોકરીએ રાખ્યાં છે, પણ ઉંમરનું બહાનું કાઢી ઓછું કામ કરશો તો જરા પણ નહીં ચાલે, સમજ્યાં ?’’

બહાર ઊભેલા અમેરિકા રિટર્ન દીકરાની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહી રહ્યો હતો. તેનાં મા-બાપ અચાનક હેપીને આવેલો જોઈ છોભીલાં પડી ગયાં.

‘‘પપ્પા, મમ્મી, તમે લોકોએ મને કંઈ જ કહ્યું નહીં ? મકાન પણ વેચાઈ ગયું અને તમારે બંનેએ આ ઉંમરે નોકરી ?? ’’

‘‘પણ તું આમ અચાનક ક્યાંથી ?’’

‘‘હું તો તમને સરપ્રાઇઝ આપવા માંગતો હતો.’’ હેપીની આંખોમાંથી હજુ આંસુઓ નીકળી રહ્યાં હતાં.

દીનુકાકા વિચારી રહ્યા ‘‘કોણ કોને સરપ્રાઇઝ આપે છે, એ જ ખબર નથી પડતી.’’

સાંજે આવેલું બંગલાનું ભવ્ય ફર્નિચર પોળના રહીશોને સરપ્રાઇઝ આપી રહ્યું હતું, આટલી નાની રૂમમાં, આટલું બધું ભવ્ય ફર્નિચર રહેશે ક્યાં ??

પોતાની ફીના રૂપિયા ક્યાંથી આવતા તે જાણવાની હવે હેપીને જરૂરત ન હતી.

 




Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

2 ટિપ્પણીઓ:

  1. ધન્ય છે માતા પિતાને બાળકને માતા-પિતા પાસે પૈસો ન હોવાથી બાળક સમજી શક્યો નહીં અને ભણવાની જીદ કરી અને અમેરિકા જતો રહ્યો માવતરને કહેતો રહ્યો કે મને ફીના પૈસા આપો. પણ માવતર પાછા ઘરનું મકાન વેચીને દીકરાને ભણાવ્યો મજૂરી કરવા લાગ્યા બંને ની ઉંમર થઈ ગઈ હોવા છતાં પોતે મજૂરી કરવા લાગ્યા દીકરા માટે થઈ માતા પિતા નો પ્રેમ ક્યાં સુધી બાળક માટે જઈ શકે છે દીકરો પણ સારો છે એ પણ પોતાના માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માટે સારું સારું બધી ગીત લઈને આવ્યો પણ દીકરાએ ગિફ્ટ આપવામાં મને પિતાએ ગિફ્ટ આપી અને ભગવાન આવું કોઈ માથે આવું ન કરે ભગવાન જય સીયારામ જય બાલાજી દાદા

    જવાબ આપોકાઢી નાખો

Thank you for reading my stories