26 ડિસેમ્બર 2024

લાલચનો અંત ક્યારે ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

લાલચનો અંત ક્યારે ?


ડૉ. ડી.કે. શાહ શહેરમાં બાળકોના સૌથી હોશિયાર ડૉક્ટર તરીકે પ્રખ્યાત હતા. ડૉ. ડી.કે.શાહ એટલે ડૉ. દેવેન્દ્ર કનુભાઈ શાહ. બે બંગલા, ત્રણ ગાડીઓ અને શહેરથી ૧૦ કિ.મી. દૂર મોટું ફાર્મહાઉસ. અત્યારે ડી.કે.નો સિતારો ચમકી રહ્યો હતો.

પરિવારમાં ડૉ. ડી.કે., પત્ની પુષ્પાબહેન અને બે જોડકા દીકરા તન અને મન, જે હવે ડૉક્ટર બનીને અમેરિકા વધારે અભ્યાસ માટે જતા રહ્યા હતા. વૈભવી બંગલામાં કામવાળી, આયા, રસોઈવાળી અને નોકર ચોવીસ કલાક હાજર હતા, તેથી પુષ્પાબહેનને કાંઈ કામ કરવાનું રહેતું જ નહીં. આખો દહાડો ક્લબ અને કીટીપાર્ટીઓમાં જ પસાર થતો.

બંને બાળકો તન અને મન રખડપટ્ટી અને મોજશોખમાંથી ઊંચા જ નહોતા આવતા. બારમા ધોરણમાં બંનેને ટકા ઓછા હોવાથી ડી.કે. એ ડૉનેશન આપીને મેડિકલમાં દાખલ કરાવી દીધા હતા. લાગવગ અને પૈસાના જોરે ધીમેધીમે એમ.બી.બી.એસ. થઈને બંનેને સુપર સ્પેશ્યાલિટી માટે અમેરિકા મોકલી આપ્યા હતા. સારા ભવિષ્ય માટે ડી.કે. જોઈએ તેટલા ડૉલર મોકલી રહ્યા હતા.

ડૉ.શાહ સામાન્ય મધ્યમવર્ગનાં મા-બાપનાં ચારમાંના એક સંતાન હતા. તેમણે નાનપણથી ગરીબી અને લાચારી નજરે જોઈને અનુભવી હતી, તેથી એમ.ડી.ની ડિગ્રી મેળવીને તરત જ પૈસા કમાવા થનગની રહ્યા હતા. ૩૫ વર્ષ પહેલાં શહેરના ઉચ્ચ એરિયામાં મેઇન રોડ ઉપર ભાડાની જગ્યા લઈને પોતાની પ્રાઇવેટ હૉસ્પિટલ ચાલુ કરી હતી.

સખત મહેનત અને વાજબી ચાર્જિસને લીધે ડૉ.શાહની બાળકોની હૉસ્પિટલ ધમધોકાર ચાલવા લાગી હતી. દિવસ-રાત પોતાના દર્દીઓ માટે તનતોડ મહેનત કરતા ડૉક્ટરને ઘેર શું ચાલી રહ્યું છે, તેની કાંઈ ખબર જ ન હતી. ધીમેધીમે પૈસા બનતા ગયા, એમ ડૉ.ડી.કે.એ નવરંગપુરાના સુંદર વિસ્તારમાં બંગલો ખરીદી લીધો. પોતે રહેવા માટે કુટુંબ સાથે ત્યાં જતા રહ્યા, અને ત્યાં તમામ સુખ-સુવિધા સંપન્ન કરી. પચાસની ઉંમરે પણ ડૉ.ડી.કે વધુ ને વધુ મહેનત કરીને પૈસા બનાવતા રહ્યા અને મણિનગરમાં બીજો બંગલો અને શહેરથી દૂર મોટું ફાર્મહાઉસ ખરીદી લીધાં.

બાળકોના સિરિયસ દર્દીઓ હૉસ્પિટલમાં હોવાથી ડૉ. શાહની ઊંઘ કાગડા જેવી થઈ ગઈ હતી. તેના લીધે રાત્રે ઊંઘ પણ પૂરતી મળતી નહીં. દિવસ-રાતની દોડાદોડી અને ટૅન્શનને લીધે ડૉ.શાહને બી.પી. અને ડાયાબિટીસની બીમારીઓ ચાલુ થઈ ગઈ હતી.

ડૉ. પટેલ, ડૉ. પ્રજ્ઞેશ જોષી અને ડૉ.ડી.કે શાહ સાથે જ એમ.ડી.પાસ થયા હતા, તેથી ખૂબ સારા મિત્રો હતા.

બધાં ડૉક્ટર મિત્રોએ ડૉ.ડી.કે.ને ખૂબ સમજાવ્યા, “હવે થોડો આરામ કરો, સેમી રિટાયર્મેન્ટ લઈ લો, રાતની દોડાદોડી બંધ કરી પોતાને ગમતી પ્રવૃતિ કરો, શરીરને પણ પચાસ વર્ષ પછી આરામ જોઈએ છે, વળી આટલું બધુ ભોગવશો ક્યારે ?’’ પણ વર્કોહોલિક ડૉક્ટર શાહનો પૈસાનો મોહ ઊતરતો ન હતો. વર્ષોની દોડાદોડીને કારણે ડૉ. શાહનું શરીર ખખડવા લાગ્યું હતું. હૃદય પર બોજ વધવા લાગ્યો હતો.

પણ ડૉ. ડી.કે.ની લાલચ પીછો છોડતી ન હતી, લાલચનો કોઈ અંત ન હતો. તેમને તો હજુ તેમની પોતાની મોટી ચાલીસ બેડની હૉસ્પિટલ બનાવવી હતી. દરેક પ્રકારની સુખ-સુવિધા વાળી, આધુનિક સાધનોથી સજજ હૉસ્પિટલના પ્લાન તૈયાર કરાવ્યા હતા. કુલ અંદાજિત ખર્ચ દસ કરોડથી વધી જતો હતો.

બધાએ સમજાવ્યા, ‘‘હવે અઠ્ઠાવન વર્ષે  આટલી મોટી હૉસ્પિટલ શા માટે બનાવો છો ?’’ પણ ડૉ. ડી, કે. માને જ નહીં ને !

તરત જ ડૉ. શાહ બોલ્યા, “મારા બંને દીકરા તન અને મન અમેરિકાથી સુપર સ્પેશ્યાલિટી કરીને આવે એટલે તેમને માટે તૈયાર હૉસ્પિટલ અને તમામ સાધનો વસાવવાં છે. બંને માટે જુદીજુદી મોટી ઍરકન્ડિશન ઑફિસ પણ પ્લાનમાં બધાને બતાવી. અંદર તમામ સુખ સુવિધાવધારવા ડૉ. શાહ વલખાં મારી રહ્યા હતા.

અંતે સાઠમા વર્ષે રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં પહેલા જ સિરિયસ મેસીવ હાર્ટઍટેકમાં ડૉ. શાહ પ્રભુને પ્યારા થઈ ગયા. અચાનક જ બધું બની ગયું હોવાથી તેઓ વિલ બનાવી શક્યા ન હતા કે પછી મિલકતોની વ્યવસ્થા પણ કરી ન હતી.

ડૉ. પટેલ અને ડૉ. જોષી આ સમાચાર સાંભળીને હતપ્રત બની ગયા. આટલી મહેનત કરનાર ડૉક્ટર પોતાના જ મોટા બંગલામાં એક દિવસ, એક રાત શાંતિથી રહી શક્યા ન હતા. તેમને વૈભવી ફાર્મ હાઉસમાં રહેવા જવાનો તો સમય જ નહોતો મળ્યો.

ત્રીજા દિવસે સવારે નવ વાગે અંતિમ સંસ્કાર કરવાના હતા, એટલે બંને મિત્રો અત્યંત દુઃખી ચહેરે સમયસર નવરંગપુરાના બંગલે પહોંચી ગયા હતા.

બંને દીકરાઓ અમેરિકાથી ખબર મળતાં એ જ દિવસે નીકળીને પહોંચી ગયા હતા.

સફેદ કપડાંમાં બંગડી અને ચાંદલા વગરનાં પુષ્પાબહેન રડી-રડીને અધમૂઆં જેવાં થઈ ગયાં હતાં. બધા તેમને સાંત્વન આપીને બહાર આવ્યા. ત્યાં તો બંને દીકરાઓને મોટા મોટા અવાજે લડતા જોબધા તાજુબ થઈ ગયા હતા. તનને નવરંગપુરાનો બંગલો અને ફાર્મહાઉસ જોઈતાં હતાં, પણ મન મચક આપતો ન હતો. તેમના મમ્મીની સમજાવટ કારગર નીવડતી ન હતી. જ્યાં સુધી મિલકતનો ફેંસલો નહીં આવે ત્યાં સુધી ડૉ. શાહના મૃતદેહને સ્મશાનગૃહે જવા નહીં દેવાય, એમ કહી બંને લગભગ મારામારી સુધી પહોંચી ગયા હતા.

ત્યાં ભેગા થયેલા આડોશી-પાડોશી, સગાંવહાલાં અને મિત્રો ધીમેધીમે વીખરાવા લાગ્યાં હતાં, કારણ કે હજુ ત્રણથી ચાર કલાક સુધી કોઈ જ ઉકેલ આવે તેમ લાગતું નહોતું.

બંને ડૉક્ટરો વિચારમાં પડી ગયા, ‘‘જેને માટે આખી જિંદગી ખર્ચી નાખી તે જ પુત્રો તેમના મૃતદેહને શાંતિપૂર્વક અંતિમ મંજિલે પહોંચાડવા તૈયાર નથી, તે કેવી કરુણતા ?? ડૉ. ડી.કે. શાહને આટલી તનતોડ મહેનત પછી શું મળ્યું ?”

જે દીકરાઓ માટે આટલી મહેનત કરી હતી, દોડાદોડી કરી હતી, પોતાની ગમતી કોઈ પ્રવૃતિ કરી જ નહીં અને પૈસા કમાવા, મિલકતો બનાવવા કરેલી મહેનતના આ હાલ હવાલ !

તેનો આત્મા વિચારી રહ્યો હતો, મેં મારા પોતાના અંગત મ્યુઝીકના શોખને બદલે પૈસા પાછળ દોડાદોડી કરી તેના હાલ તો જુઓ  ! મેં મારા મિત્રોની વાત  માની હોત તો કેટલું સારું ? પણ હવે શું થાય ? જિંદગી કોઈને મનગમતો સમય અને મોત ક્યારેય આપતી નથી.તમારે જ સમય કાઢવો પડે છે, અન્યથા આ લાલચનો અંત તો ક્યારેય આવશે જ નહીં. ખળખળ વહેતું જીવન અચાનક ક્યારે ટર્ન લેશે તે કોઈને ખબર જ નથી. માટે જ સમય અને ઉંમરને સમજી વિચારીને પ્રવૃતિ બદલતા રહેવામાં જ મજા છે, તમારું શું કહેવું છે ?

ડી.કે.શાહનો મૃતદેહ બહાર નવરંગપુરાના બંગલામાં પડ્યોપડ્યો બંને દીકરાઓ પર ફિટકાર વરસાવી રહ્યો હતો.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

લાલચનો અંત ક્યારે ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories