મારે નથી જોઈતું ભરણપોષણ
‘‘માનુનીબેન, તમારો કેસ હું એટલો મજબુત રીતે લડીશ, કે ઓછામાં ઓછા મહિને પંદર હજાર તો તમને
ભરણપોષણના કોર્ટમાંથી અપાવીશ જ’’ શહેરના
ખ્યાતનામ વકિલ વોરા સાહેબે મકકમતાપૂર્વક કહયું.
‘‘ વકિલ સાહેબ, મારી છ વર્ષની દિકરી માસુમને પણ હુ
સાસરે છોડીને આવી છુ, તેનો કબ્જો પણ મને અપાવો. ’’માનુનીબેને રડમસ અવાજે વિનંતી કરી.
“જે થાય તે પણ સાહેબ, મારી બેબીનો કબ્જો તો જોઈએ જ ” માનુની બેન રડવા જેવા થઈ ગયા.
‘‘આમ તો કોર્ટ બાળકનો કબ્જો તો માતાને જ
અપાવે છે, તેથી ચિંતા ના કરતા. હું બેબીનો કબ્જો
તમને જ અપાવીશ ’’વોરા સાહેબ વિશ્વાસપૂર્વક બોલ્યા.
બે
મહિના પહેલા જ માનુનીબેન સાસરેથી રીસાઈને પિયર આવી ગયા હતા. છ વર્ષની માસુમને તેના
સાસુ અને સસરાએ લઈ જવા ના દીધી. તેના પતિ માનિતે છેલ્લે એક બે વખત કહયું હતુ
માનુની, આવા નાના મોટા મતભેદ અને વિવાદ થયા કરે, તેના માટે ઘર ના છોડાય, પરત આવીજા પણ માનુની મકકમ હતી, તે ઘર છોડીને નીકળી ગઈ હતી. ઘણી વખત
તેને મનમાં થતું તે પરત ફરી જાય. પણ તેનો અહમ નડી રહયો હતો.
તેને
માનિત સાથેના કોલેજકાળના પ્રેમના દિવસો યાદ આવી ગયા. ફાઈનલના વેલેન્ટાઈન ડે પર
માનિતે કેવું લળી લળીને ફુલોના દસ્તા સાથે કહેલું આઈ લવ યુ, માનુની હા ના કરતી હતી, તો કહયુ તારા માટે હું કાઈ પણ કરવા
તૈયાર છું, તું કહે તો ચાંદ તારા તોડીને તારા
કદમોમાં રાખી દઉં. અંતે માનુની માની ગઈ.
માનિત
હતો લેઉવા પટેલ અને માનુતિ ઔદિત્ચ્ય બ્રાહ્મણ. બન્નેના મા બાપ તો આ જોડીને
સ્વિકારવા જ તૈયાર ન હતા. પણ પ્રેમને કયાં જ્ઞાતિ અને જાતિના બંધનો નડે છે. અંતે
બન્નેએ ભાગી જઈને કોર્ટ મેરેજ કરી લીધા.
ગોવાનું
હનીમુન હજી માનુનીના મનમાં મીઠી યાદ રૂપે સંગ્રહાયેલું પડયું હતું. દરિયાકિનારાની
એ સાંજ માનિત સાથે કરેલું કેન્ડલ લાઈટ ડીનર, એક પછી એક યાદો મનમાંથી નીકળતી
ન હતી.
દુ:ખનું
ઓસડ દહાડા. સમય જતાં માનિતના મા બાપે અને પછીથી માનુનીના માબાપે બન્નેને સ્વિકારી
લીધા. બન્ને રાજીખુશીથી માનિતના ઘરે રહેવા
આવી ગયા. અને માનિતને જાણિતી બેંકમાં ઓફિસરની કાયમી નોકરી પણ મળી ગઈ. બંન્નેના સુખી દાંમ્પત્યના પરિપાકરૂપે વરસ
પછી જ દિકરીનો જન્મ થયો હતો. તેની ભોળી મોટી આંખો અને માસુમ ચહેરો જોઈ નામ પાડી
દીધું માસુમ.
ધીમેધીમે
સાસુ વહુને નાની બાબતો, વાદવિવાદ અને છેવટે તકરારો થવા લાગી.
માનિતની
હાલતતો સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. મા નો પક્ષ લેતો માનુની ચિડાય અને
પત્નિો પક્ષ લેતો મા, બગડે, કરવું શું?
માનુનીને
ધીમેધીમે માનિતનો અગાઉનો પ્રેમ ઓછો થતો લાગવા માંડયો. કોલેજ કાળના પ્રેમના વચનો
અને હાલની જીંદગી વાસ્તવિકતા વચ્ચેના તફાવતથી તે બેચેન હતી, પણ તે દિકરીને ખાતર સહન કર્યા કરતી.
માનિત
બેંક માંથી થાકીને ઘેર આવે ને પાછી એજ બબાલ !
સવારના તૈયાર થઈને માનિત નોકરી એ જતો
હતો ને સાસુ વહુ વચ્ચે ચકમક ચાલુ થઈ ગઈ. સાસુ પણ હવે કંટાળીને ગુસ્સે થઈને મોટા
અવાજે કહયું ‘‘માનુની તને ના ફાવે તો જા તારે ઘેર.’’
માનુની
એ માનિત સામે જોયું પણ તેને બેંકમાં જવાનું મોડું થતું હતું. વળી આ ઘર પણ તેના
મમ્મીપપ્પાનું જ હતું ને,
તેથી તેને થયું, સાંજ સુધીમાં આ વિવાદ નો અંત આવી જશે, તેથી તે કંઈ જ બોલ્યા વગર નીકળી ગયો.
માનુની
નું આત્મસન્માન ઘવાયું હતું, તેથી
તેણે બેગ ભરી અને માસુમને તેડી પિયર જાવ ઉપડી.
તેના
સાસુ બગડયા, ‘‘રહેવા દે અમારી દિકરી માસુમને તારે નથી
લઈ જવાની. તારે એકલી ને જવું હોય તો જા. ’’ હવે તો વટ નો સવાલ થઈ ગયો. તે રડતી
રડતી પહોંચી પિયરમાં.
તેના
માબાપ અને ભાઈ ભાભી તેનો ચહેરો અને સાથે બેગ જોઈને સમજી ગયા.
માનિતને
સાંજે વાત ખબર પડતાં તે નિરાશ થઈ ગયો.તે વિચારે ચડયો. આટલી નાની બાબતમાં તે દિકરી
અને ધર છોડીને જતી રહી ?
હવે
વાત વટની થઈ ગઈ. સમાધાનની પહેલ કોણ કરે? પાડોશીએ ચડાવ્યા ભરણપોષણનો કેસ માંડો, જમાઈ સીધા થઈ જશે અને દોડતાં આવશે.
માનુનીનું
મન માનતું ન હતું. પણ બધાંના ચડાવવાથી પપ્પા સાથે વકિલને ત્યાં જઈ ચડી.
એક
વાર કેસ કોર્ટ ચડયો, પછી તો પુછવું જ શું ? આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો મારો ચાલુ.
એક
બપોરે માનુનીની સખીનો મોબાઈલ આવ્યો. “અલી, તારી દિકરી માસુમ તો તારા સસરાના ઘરની
બાજુમાં પાલડી ચાર રસ્તા ઉપર ભીખ માગે છે.”
‘‘શું વાત કરે છે?’’ માનુની ચમકી અને તેના નારણપુરાના
પિયરના ઘરેથી ભાગી સીધી પાલડી ચાર રસ્તા.
ખરેખર
છ વર્ષની માસુમ બીજી છોકરીઓ ભેગી હાથ લાંબો કરી ને ભીખ માંગી રહી હતી. અચાનક સામે
મમ્મીને ઉભેલી જોઈ છોભીલી પડી ગઈ.
‘‘માસુમ, આ તું શું કરે છે ? ઘરે
કોઈ નથી ?’’ માનુની એ માસુમને થપ્પડ લગાવી.
‘‘મમ્મી, મારે આઈસ્ક્રીમ ખાવી'તી એટલે પૈસા માગતી'તી,’’ કહેતા માસુમ રડી પડી. પપ્પા ઓફિસ ગયા
છે, દાદા દાદી મંદિર ગયા છે. ઘરે કોઈ નથી.
વિચારી પાંચ વરસની દીકરીને ભીખ માંગવાનો અર્થ પણ ખબર ન હતો.
માનુની
શું બોલે ? મા વગરની દિકરીની હાલત જોઈ સમસમી ગઈ.
પણ થાય શું ? બેન્કના ઓફિસરની દીકરીની આ હાલત ? એકની એક દીકરી ભીખ માંગે, મા નથી એટલે ?
રાતના
ઊંઘ વગર માનુની પાસા બદલતી હતી. ત્યાં બાજુના રૂમમાંથી ભાભીનો ધીમો અવાજ
આવ્યો. ‘‘સાંભળો છો? તમારી બેન તો હવે તેની છોકરીને ય અહીં
લાવવાની છે, વકિલના દશ હજાર રૂપિયા પણ આપવાના છે.
પછી આપણાં છોકરાનું શું ?
કાંઈ ખબર પડે છે કે નહી ? નણંદને આખી જીંદગી અહીં આપણે ઘેર જ
રાખવાની છે કે શું ?’’ માનુની તો આ સાંભળી ને હબકી ગઈ.
બીજા
દિવસે સવારે કોર્ટ રૂમ ખીચો ખીચ ભરાઈ ગયો હતો. માનિત પણ માસુમને લઈને આવી ગયો હતો.
બિચારી માસુમ તેની મમ્મી સામે નજર પણ મિલાવી શકતી ન હતી.
જજ
સાહેબે આખો કેસ સમજીને માનુનીબેનને સવાલ કર્યો ‘‘બોલો, બેન તમને દીકરીનો કબ્જો આપીએ તો સાચવી
શકશો? ’’
માનુનીબેન
જવાબ આપવા ઉભા થતાં રડી પડયા. રડતાં રડતાં જવાબ આપ્યો. ‘‘સાહેબ, મારે ભરણપોષણ કે દિકરીનો કબ્જો કાંઈ નથી જોઈતું. હું મારે ઘરે જવા
તૈયાર છું.’’ અને તેણે માસુમને તેડી લીધી.
માનિત
બન્ને સામે જોઈ રહયો. વકિલસાહેબ વિચારતા હતા આ માનુનીબેન છેલ્લી ઘડીએ કેમ ફસકી
પડયા? માનુનીના ભાઈભાભી અને મમ્મીપપ્પા એકબીજા સામે જોવા લાગ્યા.
પતિ
પત્નીના નાનામોટા અહમના ટકરાવમાં બાળકોના ઘડતરનો વિચાર તો કરવો જ પડે ને ! તમારું
શું માનવું છે ??
માનુનીબેન
આ કેસ હારીને પણ સુખી સંસારની બાજી જીતી ગયા હતા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મારે નથી જોઈતું ભરણપોષણ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories