પારકું લોહી
ડો. સમીર મહેતા અને ડો. નંદિનીના લગ્નને ત્રણ
વર્ષ પુરા થઈ ગયા હતા, પણ હજુ સુધી કોઈ સંતાન થયું ન હતું.
બન્નેએ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી, માસ્ટર્સની ડિગ્રી લઈ પોતપોતાના પ્રોફેશનમાં સેટલ થઈ લગ્ન કરેલ હતા.
તેથી બન્ને ત્રીસ વર્ષ ઉપરની ઉંમરના થઈ ગયા હતા.
વધતી ઉંમર અને ત્રણ વર્ષના લગ્ન જીવન પછી પણ
બાળક ન થવાથી બન્ને ચિંતાતુર બની, તપાસ
કરાવવા શહેરના સિનીયર ગાયનેકોલોજીસ્ટ ડો.ઉષાબેન પાસે પહોંચી ગયા. બધી વાત સાંભળી
ડો.ઉષાબેન આ કેસ પ્રાયમરી સ્ટરીલીટીનો છે કે સેકન્ડરી સ્ટરીલીટીનો છે, એ જાણવા ડો.નંદિનીને પ્રશ્ન કર્યો.
‘‘આ પહેલી જ વખત તપાસ કરાવવા આવેલ છો કે પહેલા કોઈ વખત એર્બોશન કરાવેલ
કે ગર્ભાવસ્થા રહેલ છે?’’
ડો.નંદિનીએ
અચકાતાં અચકાતાં કહયુ ‘‘ના, આ પહેલા કયારેય નહીં. ’’ આટલું બોલતાં તેમના ચહેરાનો રંગ ઉડી
ગયો. ડો. ઉષાબેને પછી બીજી બધી તપાસો કરી, બંન્નેની લેબોરેટરી તપાસો કરાવવા સુચન
કર્યુ.
ઘેર પહોંચીને ડો.નંદિની પેલો સવાલ
વિચારતાં વિચારતાં ભૂતકાળમાં ડૂબી ગયા. તેમને પોતાના પતિ આગળ જુઠું બોલવું પડયું.
તેમનો ગમ દેખાઈ રહયો હતો. ફાઈનલ એમ.બી.બી.એસ ના વરસ સુધી પહોંચતાં સુધીમાં તો તેની
અને સંયમની પ્રેમકહાની ખુબ આગળ વધી ગઈ હતી. ડોકટર બન્યા પછી બન્નેએ દુરદુરના
ગામડાંમાં સાથે જ ઈન્ટર્નશીપ એક વરસની લીધેલી. ગામડાંના મંદિરમાં બન્ને જણાએ લગ્ન
પણ ગાંધર્વવિધિથી કરી લીધેલા, પછી
તો મર્યાદા તોડવાનો સવાલ જ ના હતો, પણ બન્નેના ઘરમાં કોઈને આ વાતની જરાપણ ખબર જ નહીં. બન્નેને મનમાં
હતું કે ઈન્ટર્નશીપ પુરી થયા પછી ધેર જઈને બધાને જાણ કરી ધામધુમથી લગ્ન કરીશું.
આનંદમાં ને આનંદમાં નંદિનીને મહિના રહી ગયા. આવનાર બાળક રાખવું કે પાડી નાખવું
તેની કશ્મકશમાં અઠવાડીયું વિતી ગયું. છેવટે બન્નેએ નકકી કર્યું કે, આપણે તો એકબીજાની સંમતિથી લગ્ન કરી જ
લીધા છે, પછી ગર્ભાવસ્થા ચાલુ રાખવામાં શું
વાંધો છે ? બાળક સાથે જ સજોડે બન્નેને ઘેર
સરપ્રાઈઝ આપીશું.
પણ વિધિના લેખ કઈ જુદા જ લખાયા હતા. સાતમા
મહિને સંયમને ગામડેથી અમદાવાદ બાઈક ઉપર જતાં જોરદાર અકસ્માત થયો અને સ્થળ પર જ
અવસાન થઈ ગયું.
ડો.નંદિની માટે આ ભારે દુ:ખદાયક બનાવ હતા, પણ બનવાકાળ હોય તેને કોણ રોકી શકે છે? તેને સાતમો મહિનો ચાલતો હતો તેથી
એર્બોશન પણ શકય ન હતું. છેવટે તેણે તેની મમ્મીને ત્યાં ગામડે બોલાવી પ્રેગનન્સી
ચાલુ રાખી.
બરાબર નવમા મહિને સુંદર પુત્રનો જન્મ થયો, પણ કુંવારી માતા હજુ આપણા સમાજમાં કયા માન્ય છે? શું કરવું?
બહુ વિચારને અંતે તેની માતાએ બાળકને લાલ
કપડામાં વિટાળી યાદગીરી માટે માથા પર લાલ ટોપી પહેરાવી અંબાજી માતાના મંદિરના દરવાજે રાત્રે અંધારામાં મુકી
દીધું. ડો. નંદિની ભારે હૈયે રડી પડી પણ સમાજના નિયમોતો પાળવા જ પડે ને !
એમ.બી.બી.એસ. કરીને તેણે ત્રણ વર્ષ ચામડીના
રોગોના નિષ્ણાતની એમ.ડી.ની ડિગ્રી મેળવી. તેના માતા પિતાએ તેમની નાતમાંથી
ન્યુરોસર્જન મુરતિયાને શોધી કાઢયો, તેનું નામ હતું. ડો. સમીર મહેતા. ડો.નંદિની ગઈ ગુજરી બિલ્કુલ ભુલી ગઈ
હતી, અને પોતાના લગ્નજીવનને સફળ બનાવવા, તેણે ડો.સમીરને આગલા જીવનની કોઈ વાત જ
કરી ન હતી.
આ તો અચાનક ગાયકોલોજીસ્ટના સવાલે તેને ઝંઝોળી
દીધી અને ભૂતકાળને યાદ કરતાં તેની આંખો ભરાઈ ગઈ. હવે તો તેનો બાબો ચાડાચાર વર્ષનો
થઈ ગયો હશે, પણ તે કયાં હશે? શું કરતો હશે? વિગેરે વિચારતાં તેનું હૈયુ ભારે થઈ
ગયું.
ત્રીજા દિવસે તેમના તમામ રીપોર્ટ બતાવવા ગયા, ત્યારે ખબર પડી કે ડો.સમીરના વીર્યમાં
શુક્રજંતુઓ હતા જ નહીં, તેથી તે બાપ બની શકે તેમ જ ન હતો. નંદિનીને તો ખબર જ હતી કે તે મા બનવા
સક્ષમ છે.
ઘરના અને મિત્રમંડળના બધાએ દંપતિને સમજાવ્યા કે
બાળક દત્તક લઈ લો, હવે બન્ને બત્રીસ વરસના તો થઈ ગયા.
‘‘નંદિની, આપણે કોઈ સારૂં બાળક દત્તક લઈ લઈએ તો
કેવું? ’’ડો.સમીરે વાત ચાલુ કરી.
‘‘ના, ના, પારકું લોહી તો પારકુંજ કહેવાય અને
પોતાનું એ પોતાનું. આપણે કોઈ સારો વીર્યદાતા શોધી
કાઢીએ’’નંદિનીનું મન પારકાં બાળકને અપનાવવા
માનતું ન હતું.
‘‘પણ એ વીર્યબેન્કમાંથી લીધેલ શુક્રકોષ પણ પારકા જ ને, એમાં તો આપણને કાંઈ ખબર ના પડે કે કોણ
વીર્યદાતા છે, કારણકે એ માહિતી તો ગુપ્ત રાખવી પડે
છે. તેના કરતા જોઈ, તપાસી, સમજી ને લીધેલ અનાથ આશ્રમનું બાળક શું ખોટું?’’ સમીરે વિચારીને જવાબ આપ્યો.
નંદિનીને પણ વાત સાચી લાગી. છેવટે બહું
સમજાવટને અંતે બન્ને અમદાવાદના બેચરદાસ સુખરામ અનાથાશ્રમમાં છોકરાં જોવા ઉપડી
ગયાં. બન્નેએ આશ્રમમાં ફરીને દસથી બાર બાળકો જોયા. કોઈ પણ બાળક તેમને પસંદ ના
આવ્યા. અંતે કંટાળીને બન્ને બહાર નીકળતા હતા, ત્યાં જ નંદિનીને બહાર રમતો ચારથી પાંચ વરસનો રૂપાળો છોકરો ગમી ગયો.
આશ્રમના ટ્રસ્ટીઓએ તે છોકરાંને તેની ઓફિસમાં
બોલાવ્યો, તેને નજીકથી જોતા જ નંદિનીને પોતાના
જુના પ્રેમી સંયમની યાદ આવી ગઈ, પણ
હવે તેને યાદ કરવાનો શું અર્થ છે? ડો.સમીરે પણ છોકરાને પસંદ કરી લીધો. રૂપાળો ચબરાક
છોકરાંના મા બાપ નથી? તેને અહીં કોણ મૂકી ગયું છે?
‘‘ના, મેડમ, આ બાળક તો તાજી જન્મેલી હાલતમાં અંબાજી મંદિરેથી રાત્રે મળી આવેલ છે.
અહીં અમદાવાદથી ગયેલ પગપાળા યાત્રીયુવક સંઘને અંધારામાં મંદિરને ઓટલેથી મળેલ છે.
જો તેને કુતરાં કે બીજા કોઈ જાનવર ખેંચી ગયા હોત તો આજે અહીં ના હોત, તેના મા બાપ કેટલા નિષ્ઠુર કહેવાય ’’ આશ્રમના ટ્રસ્ટીએ જવાબ આપતાં કહયું. આ
સાંભળતા જ ડો.નંદિની ચમકી ગઈ, તેના
કાન સરવા થઈ ગયા. તેણે તરત પૂછયું ‘‘તેના મા બાપની ખબર નથી, પણ બીજી કોઈ ઓળખ છે?’’
યુવાન ટ્રસ્ટીએ તેના સેક્રેટરીને બોલાવ્યા.
સાડા ચાર વરસનો ઈતિહાસ માંડ યાદ આવતાં ઘરડાં સેકે્ટરીએ કહયું ‘‘હા, મેડમ, આ બાળકને લાલ ટોપી પહેરાવી, લાલ ચાદરમાં લપેટી તેના માબાપે મુકી
દીધેલ’’ આમ કહી તેણે અંદર જઈ, જુના કબાટમાંથી ચાદર અને ટોપી કાઢી
બતાવ્યા. નંદિનીની આંખોમાંથી પાણી નીકળવા લાગ્યા, પણ તેના પતિ ને ખબર ના પડે તેમ નીચું જોઈ બાથરૂમમાં જતી રહી. અંદરથી
ચહેરો લુછીને આવીને તેણે સમીરને કહયું ‘‘ આ છોકરો આપણે રાખી લઈએ, તે કેટલો સરસ છે? તેનું
નામ પણ કેટલું સુંદર છે–ચિટ્ટુ.’’
ગઈ કાલ સુધી પારકા લોહીને અપનાવવા ના પાડનાર નંદિનીએ એકદમ કેમ ચિટ્ટુને પસંદ કરી
લીધો, એ ડો. સમીરના સમજમાં આવતું ન હોતું.
નંદિની તો ચિટ્ટુને તેડી ગાડી સુધી આંટો મારી
આવી. અનાથાશ્રમવાળા જોતા જ રહી ગયા. ચિટ્ટુ પણ જાણે મા ને ચોંટીને વળગી પડયો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પારકું લોહી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories