18 જૂન 2025

નસીબ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

નસીબ

ડૉ. પ્રણવ જોષી આજે સવારથી જ આનંદમાં ઝૂમી રહ્યા હતા. છેલ્લાં પંદર વર્ષમાં તેમણે શહેરના જાણીતા કાર્ડિયોલૉજિસ્ટમાં નામ જમાવી દીધું હતું. વર્ષોની મહેનત બાદ, તેમનું રિસર્ચ પેપર અમેરિકાની વર્લ્ડ કૉન્ફરન્સ માટે પસંદ થયું હતુ. તેના ઉપક્રમે આજે રાતની અમિરાતની ફલાઇટમાં ન્યૂયૉર્ક જવાનું હતું. પહેલી જ વખત પરદેશમાં અને તે પણ અમેરિકા જવાનું હોવાથી ડૉ. જોષી આનંદ સાથે થોડાથોડા ટૅન્શનમાં આવી ગયા હતા.

છેલ્લાં ચાર અઠવાડિયાંથી અમેરિકા જવાની તૈયારીઓ ચાલુ હતી. છ નવા ડ્રેસ અને બે નવા સૂટ બનાવડાવી લીધા હતા. તેમનાં પત્ની દીપિકાબહેન પણ ઉત્સાહમાં હતાં. અને અઠવાડિયાથી તેમના પતિની બૅગ તૈયાર કરી રહ્યાં હતાં. અમેરિકા રહેતા દરેક સગા અને મિત્રોનું લિસ્ટ અને ફોન નંબરનું લિસ્ટ બનાવી, નવી ડાયરી બનાવી કાઢી હતી.

સાંજે તૈયાર થતાંથતાં ડૉ.જોષીની આંખ સામે એક પછી એક પ્રસંગો પસાર થવા લાગ્યા. મૂળ જોષી એટલે નસીબ, શુકન, અપશુકન વગેરેમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા. બારમા ધોરણની પરીક્ષા હોય કે એમ.ડી.ની સ્પેશ્યાલિટીની, પણ દરેક વખતે જતાં પહેલાં ગોળ અને દહીંનું શુકન કરાવવાનું તેનાં માતુશ્રી ચૂકતાં નહીં. કદાચ એટલે જ ડૉ. જોષી દરેક પરીક્ષા પ્રથમ પ્રયાસે સારા માક્‌ર્સ સાથે પાસ કરી ગયા.

પ્રાઇવેટ પ્રૅક્ટિસ ચાલુ કરતાં પહેલાં પણ સારું ચોઘડિયું અને શુકન કરીને, ધમધોકાર આગળ વધી ગયા હતા. તેમની રિસર્ચ પણ અદ્‌ભુત હતી. જો તે સફળ થઈ જાય તો હૃદયરોગના દર્દીઓને બાયપાસ સર્જરીની જરૂર પડે તેમ જ ન હતું. આ પેપર તૈયાર કરીને તેમણે સ્ટેટ લેવલ કે નેશનલ લેવલને બદલે સીધું ઇન્ટરનેશનલ લેવલ પર શુકન જોઈને મોકલી આપ્યું હતું. કૉન્ફરન્સ ન્યૂયૉર્કમાં  હતી અને વર્લ્ડ લેવલના નિષ્ણાતો દ્વારા પેપરની પસંદગી થઈ હોવાથી ડૉ. પ્રણવ જોષી ગર્વથી ફુલાતા હતા. આ બધું નસીબથી જ શક્ય બની રહ્યું છે તેમ ડૉ. જોષીને લાગતું હતું. સાથેસાથે શુકન કરાવેલ હોવાથી જ નસીબ સાથ આપે છે, તેવું તેમનું માનવું હતું.

રાત્રીના અગિયાર વાગ્યાની ઉડાન હોવાથી ત્રણ કલાક પહેલાં એટલે કે આઠ વાગે ઍરપોર્ટ પર પહોંચી જવું જરૂરી હતું. પહેલી વખત અમેરિકા જવાનું હતું એટલે તેમનાં પત્ની દીપિકાબહેન અને પુત્ર પાર્થ પણ ઍરપોર્ટ સુધી મૂકવા આવવાનાં હતાં.

સાંજે સાત વાગે ભૂખ ન હોવા છતાં ડૉ. જોષીએ જમી લીધું. તેમનાં શ્રીમતી દીપિકાબહેને ગોળ-દહીંના શુકન કરાવીને સામાન સાથે નીકળવા તૈયારી કરી. ઘરની બહાર નીકળતી વખતે ડૉ.જોષીને જમણો પગ પહેલો મૂકવાની તાકીદ કરી. ત્રણે જણા ઉત્સાહમાં સામાન સાથે સાડાસાત વાગે નીકળી ગયાં. ગાડી સુધી પહોંચે, ત્યાં તો રસ્તામાં બાજુવાળા મહેતાભાઈની કાળી બિલાડી આડી ઊતરી. ડૉ.જોષી અને મિસિસ જોષીનો મૂડ ઑફ થઈ ગયો ! સત્યનાશ જાય કાળી બિલાડીનું !!!

ઍરપોર્ટ પહોંચવાનું મોડું થતું હતું, તેથી તરત જ ગાડીમાં બેસીને ડ્રાઇવરને ઍરપોર્ટ લેવા કહ્યું. મનમાં અપશુકન થયાનો કચવાટ ચાલુ હતો, પણ થાય શું ?

વિજય ચાર રસ્તા પાસે ગાડી પહોંચે ત્યાં અચાનક એક નાનું બાળક રસ્તો ઓળંગવા ગયું, અને ડ્રાઇવરે જોરદાર બ્રેક મારી. ગાડી જોરદાર ધમાકા સાથે ઊભી રહી ગઈ. એક સેકન્ડ માટે નાનું બાળક બચી ગયું, નહીંતર ગાડી તેની ઉપર ફરી વળત. ડૉ.જોષીના દિલની ધડકનો વધી ગઈ, અને કાળી બિલાડીને યાદ કરીને મનમાં ધ્રાસકો પડી ગયો.

તેમણે ડ્રાઇવરને સ્પીડ વધારવા કહ્યું, કારણ કે હવે સમય બહુ ઓછો હતો. માંડ ઇન્કમટૅક્સ ચાર રસ્તા પહોંચ્યા અને નર્સિંગહોમથી મોબાઇલ રણકી ઊઠ્યો. તેમના સગા મગનકાકાને હજુ ગઈકાલે એન્જીયોપ્લાસ્ટી કરી હતી, તેમની હાલત ગંભીર બની ગઈ હતી.

બીજા બધા ડૉક્ટરો અને સ્ટાફ હતો પણ મગનકાકા ડૉ. જોષીની રટ લગાવી બેઠા હતા. ડૉ. જોષીએ ગાડી પાછી વાળવા સિવાય છુટકારો જ ન હતો. તેથી તેમણે ગાડી પરત નર્સિંગહોમના રસ્તે વાળવી પડી. ડૉ. જોષીની કોઈ પણ એન્જીયોપ્લાસ્ટી હજી સુધી બગડી ન હતી. મગનકાકાની નાડી અનિયમિત બની ગઈ હતી, અને બ્લડપ્રેશર ડાઉન થતું જતું હતું. તરત જ  ડૉ. જોષીએ તપાસ કરી જરૂરી સારવાર, ઇન્જેકશનો, ઑકિસજન ચાલુ કરાવી દીધાં. એક તબક્કે તો ડૉ.જોષી પણ પરસેવે રેબઝેબ થઈ ગયા. માંડમાંડ દોઢ કલાકની મહેનત બાદ મગનકાકા સ્ટેબલ થયા.ખૂબ સમજાવીને મગનકાકાની રજા લીધી.

રાત્રીના સવા દસ વાગી ગયા હતા. ડૉ. પ્રણવે તરત જ દોડીને, ગાડીમાં બેસી ડ્રાઇવરને કાર ભગાવવા હુકમ કર્યો. રાત્રીના પોણા અગિયાર વાગે ઍરપોર્ટ પહોંચ્યા, ત્યારે અમિરાતની ફલાઇટનું બોર્ડિંગ બંધ થઈ ગયું હતું. બધો લગેજ પ્લેનમાં ચડી ગયો હતો. ઇમિગ્રેશન બંધ થઈ ગયું હતું. ફકત દસ મિનિટમાં તો ફલાઇટ ઉડાન ભરવાની હતી.

અમિરાતની ફલાઇટના સ્ટાફ જોડે ડૉ. જોષીએ ખૂબ કાકલૂદી કરી, વિનંતી કરી અને છેવટે ઝઘડો પણ કર્યાે, પણ વ્યર્થ ! હવે કોઈ રીતે બોર્ડિંગ થાય તેમ જ ન હતું. ડૉ. જોષી હતાશ થઈ ગયા. કૉન્ફરન્સના પહેલા દિવસે જ તેમનું પેપર હતું.

ડૉ. જોષીને પાછા વળવા સિવાય કોઈ રસ્તો જ ન હતો. દીપિકાબહેન અને પુત્ર પાર્થ પણ નસીબને દોષ દઈ રહ્યાં હતાં.રસ્તામાં ડૉ.જોષીએ કાળીબિલાડી પાળનારા મહેતાભાઈ સાથે ઝઘડો કરી,  બિલાડીનો નિકાલ કરી દેવાનું નક્કી કર્યું.આખી રાત ઊંઘ ન આવવાથી લાલ આંખો સાથે ડૉ.જોષી સવારે ઊઠીને બહાર આવ્યા. અને પેપર ઉપર નજંર પડતાં જ ચોંકી ઊઠ્યા. મુખ્ય સમાચાર

ગઈકાલ રાતની અમિરાતની ન્યૂયૉર્ક  જતી ફલાઇટ ઉડાન પછી અડધા કલાકમાં જ સળગી ઊઠતાં તમામ મુસાફરોનાં મોત !

સળગી ગયેલા પ્લેન અને માર્યા ગયેલા પ્રવાસીઓના ફોટા જોતાં ડૉ.જોષીઅને દીપિકાબહેનનાં મોં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં. આને શુકન કહેવા કે  અપશુકન ? ડૉ.જોષી આખી જિંદગી જેને અપશુકન માનતા હતા તે આજે તેના જીવન માટે શુકનિયાળ બની ગયું.

સર સલામત તો પઘડિયાં બહોતનો વિચાર કરતાં ડૉ. જોષી કાળી બિલાડીને શોધી દૂધ પાઈ અને મહેતાભાઈનો આભાર માનવા બાજુના ઘર તરફ ગયા.

પછી ક્યારેય ડૉ.જોષીને નસીબ કે શુકન-અપશુકન બોલતાં કોઈએ સાંભળ્યા જ નથી. એ  તો દરેકને એટલું જ કહે છે, “નસીબને નહીં, પુરુષાર્થને જ મહત્ત્વ આપો, તે જ જિંદગી બદલી શકે છે, કારણ કે જે થવાનું હોય તે તો થઈને જ રહે  છે.

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

નસીબ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories