02 ડિસેમ્બર 2025

જિજીવિષા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

જિજીવિષા

જો પ્રખર, આ છેલ્લી સૂચના આપું છુ, મારા બાકીના ઉધાર લીધેલા છ લાખ રૂપિયા બે દિવસમાં પરત કરી દે, નહીં તો હું પોલીસ કેસ કરીને જેલમાં નાખી દઇશ. પહેલવાન જેવાં રબારીએ પોતાના વ્યાજે આપેલા રૂપિયા પાછા માંગવા પઠાણી ઉધરાણી કરી.

ભઈ સાહેબ મને થોડો વધારે સમય આપોને! પ્રખર કરગરી પડ્યો.

કલાક માંડ વિત્યો હશે ત્યાં પ્રખરની બેન્કના મેનેજરનો ફોન આવ્યો. આ તમને છેલ્લી નોટીસ આપું છું. બેંકના લોનના બાવીસ લાખ રૂપિયા ભરી જાવો, નહિતર જામીનમાં મુકેલો તમારો ફ્લૅટ જપ્ત કરી લઈશું.

સાહેબ મને વધારે મુદત આપો. પ્રખર આટલું બોલતાં રડી પડ્યો. કંટાળીને તે ઘરે જતો હતો, ત્યાં ચાર હટ્ટાકટ્ટા બાઉન્સરોએ કાર રોકી તેને ઉતારી મુકી કારનો કબ્જો લઈ લીધો. તેના મેનેજરે કહ્યું, કાર સામે લીધેલી ચાર લાખની લોન ન ભરવાથી કાર જપ્ત કરેલ છે. આમ પ્રખર તૂટી ગયો, નિરાશ થઈ ગયો. ધીમે ધીમે ચાલતો કલાકે ધેર પહોંચ્યો.

        ચાર વરસથી શેરબજારમાં લાખો રૂપિયા બનાવતા પ્રખરે પોતાની કાયમી નોકરી છોડી દીધી અને શેરબજારમાં જ રચ્યોપચ્યો રહેવા લાગ્યો. વધતાં બજારે રૂપિયા બનાવતો પ્રખર ધીમે ધીમે વાયદાના વેપાર પર ચડી ગયો. તેણે લાખો રૂપિયાના શેર વધતાં બજારમાં વાયદે ખરીદેલ હતા.

        દેશમાં અને સરકારમાં અનેક ભ્રષ્ટાચારના કેસ ખુલવા લાગ્યા અને ચૂંટણી જાહેર થઈ ગઈ, તેમાં અચાનક શેરબજાર તૂટવા લાગ્યા. ભયંકર મંદીના ઓળા ફરી વળ્યા. પ્રખરને તેજીમાં વાયદે ખરીદેલા શેર અંતે લોસ ખાઈને વેચ્યા વગર છૂટકારો જ ન હતો. આમાં તેને સાઇઠ લાખનો લોસ થઈ ગયો. જે તેણે કાર, મકાન ગીરવે મૂકીને અને રૂપિયા વ્યાજે લઈને ભરપાઈ કર્યા.

        હાર્યો જુગારી બમણું રમે એ કહેવત અનુસાર પ્રખર વધારેને વધારે મંદીમાં ખૂંપતો જ ગયો.. છેવટે તો નાણાં વગર હવે તેને ખાવા પીવાના પણ સાંસા પડી ગયા.

        લથડાતાં, નિરાશપૂર્વક ચાલતાં માંડ ઘરે પહોંચતા જ તેની નજર પત્ની પ્રેમિલાના મંગલસૂત્ર ઉપર પડી, તેણે તેની સ્વરૂપવાન પત્નીને ઓર્ડર કર્યો. મંગલસૂત્ર આપી દે. પ્રેમિલા ગુસ્સે થઈને બરાડી ઊઠી. આ છેલ્લો દાગીનો તો સુહાગની નિશાની છે, તેને તો રહેવા દો. બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ ગઈ.

        ત્યાં તો તેમની બેબી પૂર્વી રડતી રડતી શાળાએથી ફી ના ભરવાથી પાછી આવી.

        પ્રખર મારામારી , રૂપિયાની માંગ અને તૂટેલી ઇજજતથી નિરાશ થઈ હારી ગયો.

        તે જમવા બેસવાને બદલે સીધો નીકળી ગયો ઘરની બહાર. એકલો ચાલતો પ્રખર એકાંતવાળા વેજલપુરના રસ્તેથી આગળ વધતાં ટ્રેનના પાટા નજીક આવી ગયો.

        જીવનની નબળી ક્ષણે સાવ નિરાશ પ્રખરને જીવનનો અંત લાવી આ બધામાંથી છુટી જવાં આપઘાતનો વિચાર આવી ગયો. સવારથી દોડાદોડી, બોલાચાલી અને પઠાણી રૂપિયાની ઉઘરાણીઓથી તે સાવ થાકીને નિરાશ થઈ ગયો હતો. હજુ ભાવનગર એક્સપ્રેસને આવવાની વાર હતી, એટ્લે તે બે પાટાની વચ્ચે સુઈ ગયો.

        અચાનક ધસમસતી ટ્રેનમાં તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. તેના મૃત શરીરની આજુબાજુ તેના વૃદ્ધ માતાપિતા , પૂર્વી અને પ્રેમિલા રડી રહયાં હતા. આજુબાજુમાં બેઠેલા મિત્રો અને સગાવહાલાં પણ શોકમાં રડું રડું થઈ રહ્યાં હતા. ઠાઠડીમાં તેને ઊપાડતાં પૂર્વી પપ્પા પપ્પા કરતાં પાછળ દોડી અને કુટુંબમાં બધા રડી પડ્યા. પ્રખર વિચારમાં પડી ગયો, અરે! મે આ શું કર્યું ?” પણ તે તો કઈ જ કરી શકે તેમ ન હતો.

        મહિના પછી બધાં સગાં વિખરાઈ ગયા હતા. તેનો ફ્લૅટ બૅન્કની જપ્તીમાં ગયો હોવાથી પૂર્વી, પ્રેમિલા અને તેના વૃદ્ધ માતપિતા ચાલીમાં રહેવાં આવી ગયા હતા. આવકનું સાધન કાઇ જ ન હોવાથી ચાર જણાનું પેટિયું રળવું ભારે પડી રહ્યું હતું. હવે તેની પત્ની પ્રેમિલાએ નોકરી કરવા સિવાય છુટકારો જ ન હતો. ઓછું ભણેલી પણ સ્વરૂપવાન પ્રેમિલાને અંતે બૈંકમાં આયા તરીકે નોકરી મળી ગઈ.

        બેન્કના મેનેજરની લોલુપ નજર પ્રેમિલાની જુવાની ઉપર જ હતી. એક દિવસ બપોરના એકાંતમાં મેનેજરે પ્રેમિલાને તેની કેબિનમાં બોલાવી લાજ લૂંટવા પ્રયત્ન કર્યો. પણ તે જીવ બચાવી નાસી છુટી. આ જોઈ પ્રખર રડી પડ્યો, પણ તે તો મરી ગયો હતો.

        પૂર્વીને ભણવાનું છુટી ગયું હતું. બાજુના બંગલામાં તે કચરા પોતાં કરવા જતી હતી. આ જોઈ પ્રખર દુખી દુખી થઈ ગયો. પોતાં બરાબર ના કરવાથી બંગલાની જાડી શેઠાણીએ પૂર્વીને જોરથી લાત મારીને પ્રખરથી રાડ પડાઈ ગઈ. અરેરે ! મારી વ્હાલી દિકરીના આવા હાલ ! પણ તે તો કઈ જ કરી શકે તેમ ન હતો.

        પ્રખર ખરેખર પસ્તાઈ રહ્યો હતો. મે જીવનની નબળી ક્ષણે આ શું કરી નાખ્યું? પણ હવે પસ્તાવાનો શું અર્થ હતો ? અચાનક તેને કોઈ હલાવતું હોય તેમ લાગ્યું. ઍક વૃદ્ધ ભિખારણ તેને ઢંઢોળીને ઉઠાવી રહી હતી. એ ભાઈ, આજે ભાવનગર એક્સ્પ્રેસ કલાક લેટ છે, તેમાં તમે બચી ગયા. નહિતર કપાઈ ગયા હોત.

        આંખો ચોળતો પ્રખર અવાચક બની ગયો. તેને આ બધુ શું બની ગયું તે સમજાતું ન હતું. પણ ભયંકર સપનું યાદ આવતાં તે થથરી ગયો.

        લાગણીના ટેકેટેકે પોતાની મસ્તીમાં મસ્ત ભિખારણ તેને ઉઠાડી ધીમે ધીમે રોડ ઉપર ભીખ માંગવા જતી રહી. પ્રખર પસ્તાઈ રહ્યો હતો.

        આટલી મોટી ઉમરના માજી પોતાની પાસે કાંઇ જ ન હોવા છતાં મસ્તીથી જીવી રહ્યાં છે, અને હું શું કરવા બેઠો હતો?”

        તે બમણા જોશ અને જુસ્સાથી ઊભો થયો. હવે તેનામાં જીવવાનું જોમ અને જિજીવિષા આવી ગયા હતા. તે ત્રણ ચાર કલાક શૂન્ય મસ્તક બધું વિચારતો બેસી રહ્યો.

        ખિસ્સામાં હાથ નાખતાં ફક્ત એક દશની નોટ નીકળી, તે બાજુના રોડ પર જઈ ચ્હાના ગલ્લે આવ્યો. ગરમ અડધી ચ્હા પીધાં પછી તેનામાં ઉત્સાહનો સંચાર થઈ ગયો. અંતે તેણે પાછા પોતાની વ્હાલી પુત્રી અને પત્ની પાસે પરત ઘરે જવાનો નિર્ણય કરી દીધો. તેને નવો જ્ન્મ મળ્યો હોય તેમ શરીરમાં જિજીવિષાનો નવસંચાર થતો હતો.

        ધીમે ધીમે ચાલતાં ચાલતાં તે ઘરે પહોંચ્યો ત્યારે સાંજ પડી ચૂકી હતી. પૂર્વી અને પ્રેમિલા તેને શોધી શોધીને રડી રહ્યાં હતા. બન્નેના ચહેરા સુજી ગયાં હતાં અને આંખો લાલઘુમ થઈ ગઈ હતી. તેને પરત ફરેલો જોઈને બન્ને જણાના જીવમાં જીવ આવી ગયો. બન્ને ખુશખુશાલ થઈ ગયા.

        પ્રેમિલાએ તરત જ પોતાનું મંગલસૂત્ર કાઢીને આપી દીધું, લો હવે અમને છોડીને કયાય ના જતાં, તમારા વગર આ મંગલસૂત્ર શા કામનું?”

        ત્યાં તો રડતાં રડતાં પૂર્વી બોલી, પપ્પા, અમને છોડીને તમે ક્યાં જતાં રહ્યાં હતાં?”

        પ્રખરે કહ્યું, બેટા, હું તમારા બન્નેથી ખૂબ દૂર પહોચી ગયો હતો. (તેનો આપધાતનો વિચાર અને તે દરમ્યાન સપનાની વાત તો કહેવાય તેવું હતું જ નહીં.) પણ હવે હું તમને છોડીને કયાય નહીં જાઉં.

        હવે પછી તે મહેનત કરીને કમાવવાના વિચારમાં પડી ગયો. મંગલસૂત્ર ગીરવે મૂકીને, આવેલ રૂપિયામાંથી તેણે શાકભાજી અને ફ્રૂટની લારી ખોલી દીધી. તેની મજૂરીની કમાણીથી ધીમેધીમે ઘર ચાલવા લાગ્યું.

        મહિનામાં જ દેશની ચુંટણીમાં એક જ પક્ષનો ભારે બહુમતિથી વિજય થયો. સ્થિર સરકારની રચના થતાં જ શેરબજાર ફરી પાછા તેજીમાં આવી ઊછળવા લાગ્યા. પ્રખરના લોસ કરતાં પડી રહેલાં પેની સ્ટોક એકદમ ઉછળવા લાગ્યા. મહિનામાં તો પાછો પ્રખર લાઇનમાં આવી પૈસાદાર બની ગયો.

        પણ હવે તે સમજી ગયો હતો કે શેરબજારનો વેપાર કદી દેવું કરીને કરાય નહીં અને વાયદાનો વેપાર તો હરગિઝ નહીં.

        જમતાં જમતાં પૂર્વીએ એક દિવસ પ્રખરને પુછ્યું, પપ્પા, હવે તમે અમને છોડીને નહીં જાવને !

        પ્રખરે શાંત ચહેરે જવાબ આપ્યો, બેટા, તમને છોડીને મારે ક્યાય જવાનું નથી. તમે જ મારી જિંદગી છો.

        જીવનમાં નાસીપાસ થઈને આપઘાતનો વિચાર કરનાર અને ટ્રેનના પાટા પર સૂઈ જનાર પ્રખર અત્યારે કુટુંબ સાથે શાંતિથી જીવન પસાર કરી રહેલ છે.     

(સત્ય ઘટના આધારિત, નામ અને સ્થળ બદલાવેલ છે.)

લાસ્ટ સ્ટ્રોક : દરેકના જીવનમાં નબળી ક્ષણ આવે છે, પણ ત્યારે દ્રઢ મન કરી મક્કમતાથી સામનો કરીને જીવતા શીખો.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

જિજીવિષા - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories